ચૂંટણી ‘મની અને મસલ પાવર’નો નગ્ન નાચ બની ગઈ છે ત્યારે દેશને અત્યારે જરૂર છે આવા નીડર અધિકારીઓની

1990 અગાઉના વર્ષોની ચૂંટણીઓ જેમણે જોઈ છે,તેમને યાદ હશે કે તે સમયે રાત્રિના મોડે સુધી લાઉડસ્પીકરો પર પ્રચાર ચાલુ રહેતો,દરેક મુખ્ય રસ્તાઓ પરની ભીંતો જાણે જાહેર માલિકીની હોય તેમ આડેધડ ઉમેદવારોના ફોટાઓ અને સુત્રોથી ભરી મુકવામાં આવતી હતી.ચૂંટણી અગાઉ મતદારોને ખુલ્લેઆમ અનેક પ્રકારના પ્રલોભનો અને ભેટ સોગાદો આપવામાં આવતા હતા. જાહેરમાં રૂપિયા વહેંચવામાં આવતા હતા. ચૂંટણીના દિવસે મતદારો જાણે એક દિવસના સુલતાન બની જતાં હતા, રાજકીય પક્ષોના અને ઉમેદવારોના વાહનો મતદારોના ઘરથી મતદાન મથક ભલે સાવ બે ડગલા દૂર હોય તો પણ આગ્રહ કરી કરીને વાહનોમાં બેસાડીને મતદાન મથક સુધી મતદારોને પહોંચાડવામાં આવતા હતા. મતદાર મથકોની અંદર માથાભારે રાજકારણીઓ કોઈ જાતની રોક ટોક વગર આવ-જા કરતાં રહેતા હતા, અમુક વિસ્તારોમાં તો આવા માથાભારે તત્વો મતદારોની સાથે છેક સુધી જઈને તે કોણે મત આપે છે તે પણ જોતા હતા. આપણે લોકોએ પણ તે સમયે તે બધું એકદમ સાહજીકતાથી સ્વીકારી લીધું હતું.

ત્યાર બાદ, અચાનક ડીસેમ્બર 1990માં ટી. એન. શેષન નામના એક આઈએએસ અધિકારીએ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો અને આવતાવેંત દેશભરમાં હલચલ મચાવી દીધી. અગાઉ રાજકારણીઓ અને પ્રધાનો ચૂંટણીપંચના કર્મચારીઓ અને અધિકારીઓને મામુલી નોકરો સમજતા હતાં તેઓ આ નવા ચૂંટણી કમિશ્નરથી રીતસર કાંપવા લાગ્યા. એ સમયે એવી એક મજાક પ્રચલિત બની હતી કે એ સમયના ભારતના રાજકારણીઓ ફક્ત બે જ ચીજોથી ડરતા હતા, એક તો ભગવાન અને બીજાં શેષન.

ટી.એન.શેષનના કાર્યકાળ દરમ્યાનની સૌથી મોટી ઉપલબ્ધી એ હતી કે તેમણે મતદાન માટે ઓળખપત્ર હોવાનું ફરજીયાત કરાવ્યું. તેમનાં આ નિર્ણયનો તે સમયે ઘણો વિરોધ થયો, કારણ કે તે સમયે ખુબ જ મોટાપાયે બોગસ વોટીંગ થતું હતું, તેને ઓળખપાત્રના કારણે બહુ મોટી અસર થાય તેમ હતું. રાજકારણીઓએ તેમનાં આ નિર્ણયનો ખુબ જ વિરોધ કર્યો અને આ સમગ્ર પ્રક્રિયા ભારત જેવા દેશ માટે ઘણી ખર્ચાળ બની શકે તેવાં બહાના રજુ કર્યા હતા. પરંતુ  શેષન પોતાના આ નિર્ણય વિષે એકદમ અડગ હતા,તેમણે એલાન કરી દીધું કે મતદાર ઓળખ કાર્ડ નહિ બનાવવામાં આવે તો ત્યાં સુધી તેઓ દેશમાં ચૂંટણી યોજવા મંજુરી નહિ આપે. ત્યાર બાદ અનેક રાજ્યોમાં મતદાર ઓળખ પત્રો નહી તૈયાર થવાના કારણે અનેક ચૂંટણીઓ સ્થગિત કરવાના બનાવો પણ બન્યા હતા.

 

તેમની બીજી એક મહત્વની ઉપલબ્ધી એ હતી કે તેમનાં શાસન અગાઉ ઉમેદવારો મનફાવે તેટલો,બેહિસાબ ખર્ચ પોતાના પ્રચાર માટે કરતાં હતાં, તેમની ઉપર લગામ રાખવા માટે કોઈ અસરકારક વ્યવસ્થા ન હોવાથી રાજકીય પક્ષોને છુટ્ટોદોર મળી ગયો હતો. ટી એન શેષને ઉમેદવારોને અને રાજકીય પક્ષો સામે કાનૂનનો દંડો ઉગામીને નિયત ખર્ચ મર્યાદામાં જ ખર્ચ કરવાનું ફરજીયાત કરાવ્યું અને તેનો કડક અમલ પણ કરાવ્યો.

શેષનના કાર્યકાળ દરમ્યાન,દેશમાં વી.પી.સિંહ,ચંદ્રશેખર,નરસિંહરાવ,અટલ બિહારી બાજપાઈ,અને એચ ડી દેવગોડા જેવા વડાપ્રધાનો સતા પર આવ્યા પરંતુ,શેષને કોઈ પણ નેતા કે પક્ષ સામે જરા પણ ઝૂક્ય વિના પોતાના કડક અંદાજ માં જ સેવા બજાવી હતી.

તે સમયના હિમાચલ પ્રદેશના રાજ્યપાલ ગુલશેર અહમદને પોતાના પદ પરથી રાજીનામું આપવાની શેષને ફરજ પાડી હતી. ગુલશેર અહેમદે પોતે રાજ્યપાલ હોવા છતાં ચૂંટણી વખતે પોતાના પુત્ર માટે પ્રચાર કરતા તેઓ શેષનની ઝપટે ચડી ગયા હતા અને સતના બેઠકની ચૂંટણી સ્થગિત કરવી પડી હતી અને તેમણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

આવી જ રીતે રાજસ્થાનના તત્કાલીન રાજ્યપાલ બલીરામ ભગત પણ તેમનો શિકાર બની ગયા હતા. એક બિહારી અધિકારીને પોલીસ મહાનિર્દેશક બનાવવાની તેમણે કોશિષ કરતાં તેઓ પણ શેષનની ઝપટે ચડી ગયા હતા.

 

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

 

આવા તો અનેક પ્રસંગો છે જેમાં તેમણે નિયમોનો ભંગ કરતા અનેક નેતાઓ અને અધિકારીઓને ઘરભેગા કરી દીધા હતા. અને ભ્રષ્ટાચાર અને ખુલ્લેઆમ નીતિ નિયમોનો ભંગ કરતાં લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

તેમની અન્ય કેટલીક ઉપલબ્ધિઓ જોઈએ તો આચાર સંહિતાનું કડક પાલન કરાવવાનું તેમણે શરુ કરાવ્યું. ઉમેદવારો માટે ખર્ચની લીમીટ નક્કી કરાવી અને તેનો અમલ કરાવ્યો. ઉપરાંત, મતદારોને લાંચ રુશ્વત આપવા કે ધમકાવવા પર પ્રતિબંધ અને તેનો અમલ કરાવડાવ્યો, મતદારોને ધાર્મિક કે સાંપ્રદાયિક રીતે ઉશ્કેરીને તેનો લાભ લેવા સામે કડક પગલા લેવડાવ્યા,રેલી કે સભા સરઘસો કે માઈકના ઉપયોગ માટે પણ માટે પૂર્વ મંજુરી લેવી આવશ્યક કરાવી, સહિતની અનેક ઉપલબ્ધિઓ તેમનાં નામે બોલે છે.

અત્યારના સંજોગોમાં જયારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે જાતી જાય છે અને ચૂંટણી પ્રચાર એટલે માત્ર ને માત્ર સાવ નિમ્ન કક્ષાનો કાદવ એકબીજા પર ઉછાળવો,અઢળક રૂપિયા અને અન્ય પ્રલોભનો આપીને વિરોધીઓને ખરીદવા,બેફામ નિવેદનો,કાયદા કાનૂનની જાણે કાઈ બીક ન હોય તેમ દરેક રસ્તાઓ અને ચાર રસ્તાઓને બાપુજીની મિલકત સમજીને ચારે તરફ બેનરો ખડકી દેવાના,સામાન્ય માણસોને પોતાનો મોબાઈલ વાપરતા પણ બીક લાગે તેટલી હદે સોશિયલ મીડિયામાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો મારો ચલાવવો, વિગેરે બાબતો જયારે હદ વટાવી જાય છે ત્યારે સામાન્ય નાગરિકોને ટી એન શેષન જરૂર યાદ આવી જાય છે.

શહેરના ભલભલા ચમરબંધીઓને જાહેરમાં સરઘસ કાઢીને તેમની હવા કાઢી નાખતા મોટા મોટા આઈએએસ કે આઈપીએસ અધિકારીઓ નેતાઓની મુલાકાત વખતે બે બે ચાર ચાર કલાક અગાઉથી બંદોબસ્ત જાળવતા અને નેતાઓ આવે ત્યારે દૂર ઉભા રહીને તેમને સલામ મારતા હોય અને આ નેતાઓ તેમની સામે પણ ન જોતા હોય ત્યારે જરૂર શેષન યાદ આવે છે.એમાં પણ આ અધિકારીઓ નેતાઓને સલામ મારતા હોય ત્યારે તે નેતાઓની સાથે રહેતા ખાસ માણસો, જેમાંના કેટલાક તો આ અધિકારીએ અગાઉ ‘સરભરા’ કરી હોય તેવાં પણ હોય ત્યારે તેઓ પણ આ ‘સલામ’ સામે મૂછમાં કેવા મલકાતા હશે,તે વિચારીને એવો જરૂર વિચાર આવે છે કે દેશમાં ટી એન શેષન જેવા  નીડર અને નિષ્પક્ષ થોડા અધિકારીઓ હોય તો ક્યારેક એવો પણ એક દિવસ આવશે કે જયારે સામાન્ય માણસો પણ દેશમાં ચૂંટણી લડવાનું, કે ઉમેદવારી કરવાનું વિચારી પણ શકશે. બાકી અત્યારે તો ભરપુર મની અને મસલ પાવર સિવાયના માણસો સ્વપ્નમાં પણ એક સામાન્ય ચૂંટણી પણ લડવાનું આપણા આ દેશમાં વિચારી શકે તેમ નથી.

-તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી