ક્ષિતિજ ને પેલે પાર – જીવનના અંતિમ પડાવની થઇ ખુબસુંદર શરૂઆત…

“ક્ષિતિજ ને પેલે પાર”

અવની અને સાગર પ્રસન્ન દામ્પત્યનો મીઠો મધુર દાખલો. પોણા છ ફૂટની પડછંદ કાયા ધરાવતાં સાગર સાથે સવા પાંચ ફૂટની અવની ખૂબ શોભતી. રંગ-રૂપ અને ગુણોમાં બેઉ એકબીજાના પૂરક. બંનેને સાથે જોનાર દરેક વડીલના મોઢામાંથી આશીર્વાદ જ સરે અને હમઉમ્રની આંખમાં મીઠી ઈર્ષા ઝરે, અને એમના સુંદર સંસારના બગીચાના બે ફૂલ “આરવ અને અર્ણવ ” દુશ્મનને ય વ્હાલા લાગે , સરવાળે એક સંપૂર્ણતાનો પરિપૂર્ણ અહેસાસ.

એવું નહોતું, કે હંમેશાથી બધું સરળ અને સહજ જ હતું. અવની પોતાના પરિવારની નાનકડી લાડલી દીકરી હતી તેમ સાગર પણ પોતાના ઘરનો નાનકડો ફુલકુંવર હતો. બંનેમાં ખૂબ બાળપણ અને નિર્દોષતા, બંનેના સ્વભાવનું સામ્ય જોઈ વડીલો ખુશ થયાં અને વડીલોની પસંદગીથી બંનેએ એક બીજા સાથે સંબંધ બાંધ્યો. જેમ મોટા ભાગે થતું આવ્યું છે તેમ સાસુ-વહુનો મનમેળ નહોતો થતો.સાગરની મમ્મીને સાગરનું બાળપણ દેખાતું પણ અવનીના બાળપણને તે કમઅક્કલ અને અણઆવડતમાં ખપાવતાં.

“ઘરનું કોઈ કામ આવડતું નથી. વડીલોની અમાન્યા જળવતી નથી. મીંઢી છે ક્યારેય કોઈ જવાબ આપતી નથી. પરણ્યા પછી પણ બાલિશતા જતી નથી.” તેઓ અવનીને મહેણાં માર્યાં કરતાં.

“સાગર, તમે ક્યારેક તો મમ્મીને સમજાવતાં હો! મને કાયમ દુઃખી કરવામાં એમને શું ખુશી મળે છે?” અવનીની આ એક જ ફરિયાદ.

“જેવી છે તેવી મારી મા છે! હું એને કોઈ દિવસ ખોટા નહીં કહી શકું. તારા માટે કોઈ દિવસ એને દુઃખ નહીં પહોંચાડી શકું.” સાગરનો હંમેશાનો જવાબ.

અવની ફક્ત સાગરના પ્રેમ ખાતર કડવા ઘૂંટ પીને રહી જતી. બંનેપોત પોતાના ગમા અણગમા ઓગળી સમરૂપ થયાં. અજાણ્યામાંથી એક બન્યા, નવા ઘર અને પરિવારે અવનીને સ્વીકારવામાં ઘણી આકરી પરીક્ષાઓ કરી, તો સાગરે અવનીનો સાથ ન છૂટવા દેવા, પોતાનો ઘુઘવાતો સ્વભાવ છોડ્યો. વડીલો દ્વારા ગોઠવાયેલ મેરેજ જાણે લવ મેરેજ બની ગયાં.

અવની સાથે લગ્ન પછી સાગરની વ્યવસાયિક પડતીનો તબક્કો આવ્યો. જેના માટે સાગરના માતા અવનીને જ જવાબદાર ઠેરવતાં. અનેક જ્યોતિષો પાસે કુંડળીઓ લઈને જતાં. બધા જ્યોતિષો એક જ વાત કહેતા, અવની લક્ષ્મી છે એને દુભાવશો નહીં. એ એક વાત સમજવાની કે ગળે ઉતારવાની બદલે બધી જાતના દોરા-ધાગા, મંત્ર-તંત્ર સાગરની માતા કરતાં. એક વખત કોઈ પંડિતને બોલાવી નડતરની વિધિ કરાવી, સંસ્કૃતની જાણકાર અવનીએ કહ્યું પંડિત ખોટાં મંત્રો બોલે છે. એક વખત કોઈ વ્રતની વિધિ લઈ આવ્યાં જે સાગરે કરવાનું હોય પણ તેની પત્ની કરે તો ચાલે. અંધવિશ્વાસમાં ન માનતી અવનીએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડતાં ઘરમાં કડવું વાતાવરણ થઈ ગયું. સાગરની માતાએ સાગરનેચોખ્ખાં શબ્દોમાં અવનીને છોડી દેવાનું ફરમાન બહાર પાડ્યું તો અવનીને પણ આ કુટુંબમાં જીવવું શક્ય ન લાગ્યું. સાગર સિવાય લગભગ બધા આ લગ્નજીવનનો અંત આણવા એકમત હતાં. સાગર અવનીને દૂર કરવા નહોતો માંગતો અને અવની ઘર છોડવાનોનીર્ધાર કરી બેઠી હતી પણ ત્યાં જ અવની-સાગર માતા-પિતા બનવાના છે એવા સમાચાર મળ્યાં અને ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું. આવનાર જોડકાં પોતાનું પ્રબળ ભાગ્ય લઈને આવ્યાં અને સાગરનો વ્યવસાય આકાશે આંબવા લાગ્યો. આમ, બંનેએ મળી જીવનના દરેક અઘરાં તબક્કાને હરાવી જીત મેળવી. હવે આ બધા ગાળામાં અવની અને સાગર એકબીજાના અવિભાજ્ય સાથી બની ગયા .

વર્ષો વીતતાં ગયાં, બધું સરસ ચાલતું હતું. જોડિયા પુત્રોના નામ પાડ્યા આરવ અને અર્ણવ. આરવ અને અર્ણવ તેમના સંતાનો ઓછા અને મિત્ર વધારે. બાળકો ભણવામાં તેજ અને ખૂબ ડાહ્યા હતાં. . સાગરની માતા પણ હવે અવની પ્રત્યે થોડું કુણું વલણ ધરાવતાં થયાં, અવનીને લાગતું બસ, જીવન માં કઈ જ નથી ખૂટતું. આનાથી વધારે કોઈ સુખની જરૂર નથી પણ જાણે વિધાતાને એ સુખની ઈર્ષ્યા આવી હોય તેમ અચાનક જીવનમાં એક કાંકરીચાળો થયો અને શાંત ખુશહાલ પરિવાર ડહોળાય ગયો….

સાગરને એક સવારે અચાનક હાર્ટ એટેક આવ્યો, જે ભયાનક અને જીવલેણ સાબિત થયો , અવની ઉપર પોતાના માતા પિતાની અને બાળકોની જવાબદારી મૂકી સાગર અનંત યાત્રાએ ચાલી નીકળ્યો. સાગર ઘરનું એક માત્ર સંતાન હતો. અવની જેટલી જ ખરાબ હાલત સાગરના માતા-પિતાની હતી. અવનીએ જ મન મક્કમ કર્યું અને બાળકો અને માતા-પિતાને સાંભળ્યા. સાગરના બિઝનેસને સમેટયો, જે કોઈ સંપત્તિ જેટલી સમેટી શકાય તેટલી સમેટી, રૂપિયા બેંકમાં મૂકી દીધાં, કોઈ આર્થિક મુશ્કેલી નહોતી અને બંને તરફ વડીલો પણ હતા એટલે બધાની મદદથી જીવન ઝડપથી સામાન્ય બનવા લાગ્યું. બંને દીકરાઓ કોલેજમાં આવી ગયા હતા. આરવ મેડીકલમાં ડોક્ટર બનવાની રાહે નીકળી પડયો હતો અને અર્ણવ ઇતિહાસનો મુખ્ય વિષય લઈ બી.એ કરતો હતો.એવામાં એક દિવસ અવનીને રસ્તામાં એનો જૂનો મિત્ર આકાશ મળ્યો. એ આકાશ જેને ક્યારેક અવની ચાહતી હતી, એ આકાશ જે ક્યારેક અવનીને નજરભર જોવા તરસતો હતો. એકબીજાને પસંદ કરતાં હોવા છતાં સંજોગો એ એમને કદી મોકો જ નહોતો આપ્યો એક બીજા ને પોતાની વાત કહેવાનો. અને બેઉએ ધરતી અને નભ કદી એક થઈ જ ના શકે એ વાતને કુદરતનો નિયમ સમજી સ્વીકારી લીધી હતી. આજની વર્ષો પછીની આ મુલાકાતને એક મીઠું સંભારણું બનાવી પોતાની યાદોને સમૃદ્ધ કરવા આકાશ અને અવની એક કોફીશોપમાં બેઠાં. જુના મિત્રો વાતો કરતાં કરતાં ખુલી ગયાં અને મૈત્રીભાવે પોતાના આટલાં વર્ષોના જીવનની વાતો કરી. અવની તો સાગરને મેળવી સુખદ સંસાર વસાવી પતિ ખોઈ ચુકી હતી પરંતુ આકાશ તો લાગણીના કડવા અનુભવોમાંથી પસાર થયો હતો, માતાપિતા દ્વારા ગોઠવાયેલ એના લગ્ન નિષ્ફળ થઇ ચુક્યા હતા. તેની પત્નીનો અને તેનો મન મેળ ક્યારેય થઈ શક્યો નહોતો. તેણે સુખી લગ્નજીવન ક્યારેય અનુભવ્યું જ નહોતું. થોડા સમય પહેલાં જ પિતા અને પછી માતા બંને વારાફરતી દુનિયા છોડી ગયા હતા. લખલૂટ ધનસંપત્તિ અને પ્રતિષ્ઠાનો માલિક આકાશ, તેની પુત્રી આહના સાથે એકલવાયું જીવન ગાળતો હતો.સ્વાભવિક રીતે બંન્ને સમદુઃખીયા મિત્રો અવારનવાર મળવા લાગ્યાં અને મર્યાદાથી ભરપૂર લાગણીઓ વરસાવવા લાગ્યાં. બિલકુલ જમીન-અસમાનની જેમ સાથે હોવા છતાં દૂર અનેએક બીજા ને જોઈને ખુશ. હા, એક વખત બંનેએ કોલેજ સમયની એકબીજા પ્રત્યેની લાગણીનો સ્વીકાર પણ કર્યો. બે ઘડી માટે સાચા સમયે પ્રેમ ન સમજવાનો અફસોસ પણ જતાવ્યો અને સાથે સાથે સંતાનોના ભવિષ્ય ખાતર તેમણે એ વાત ત્યાં જ પૂરી કરવાનો નિર્ણય પણ લઈ લીધો. નિર્દોષ મૈત્રી કેટલાં લોકો સમજે અને દુનિયા તો લોકોથી કાલે છે ને, કોઈ હિતેચ્છુએ કોલેજના સેકેન્ડયરમાં ભણતા અર્ણવને સમાચાર આપ્યા, ” તમે બંને કોલેજ જાઓ છો ત્યારે પાછળથી તારી મમ્મી કોઈક અંકલ સાથે હોય છે “. અર્ણવે ચૂપ -ચાપ નજર રાખવાની શરુકરી, આકાશ – અવનીનેસાથેજોયાં. બંનેની વાતો પણ સાંભળી. એકબીજા પ્રત્યેની દરકાર પણ અનુભવી. આકાશના ઘરે આહનાને કહેવા બંને ભાઈઓ ગયા, કે એ કંઈ જાણે છે કે નહિ! આહના પણ એક સમજદાર છોકરી હતી, તે પણ કોલેજમાં ભણતી અને આહનાને પણ કોઈએ તેના પપ્પાના ચરિત્ર વિશે મનફાવે તેમ કહેલું જ. આરવ, અર્ણવ અને આહનાએ મળીને નક્કી કર્યું, કે હવે તો પોત પોતાના પેરેન્ટ સાથે વાત કરવી જ પડશે, આપણાં મા બાપ વિશે દુનિયા શું કહે છે, શું વિચારે છે, તેમને ખબર તો પડવી જ જોઈએ. આપણને પણ ખબર પડે છે, એ લોકો સમજે છે તેટલા નાના બાળક નથી. તેમને હાથમાં લઈએ અને એ પણ બન્ને સાથે હોય ત્યારે જ . એક દિવસ મોકો જોઈ ત્રણેય પહોંચી ગયા એ કોફીશોપમાં અને ………….

બે દિવસ પછી આરવ, અર્ણવ અને આહના એક મંદિરમાં ઉભા હતાં, સાગરના માતા-પિતા સાથે “આકાશ – અવની”ના મિલનના સાક્ષી બનવા. ક્ષિતિજ ને પેલે પાર..

લેખક : એકતા દોશી

આ અદ્ભુત વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી