મિશન – હંમેશા આપણે જેવું વિચારીએ છે અમુક લોકો વિષે એ એવા ના પણ હોય…

” મિશન “

હૈદરાબાદ જયારે તેલંગાણાનું પણ નહીં ફક્ત આંધ્રપ્રદેશની રાજધાની હતું ત્યારે આ વાત શરુ થઈ હતી ….
” નહિ ટીચર, હું મારો પહેલો નંબર કોઈ સાથે શેર નહિ કરું, મને 1/2 માર્ક વધારે છે”
અજબ જુસ્સાથી અને ગુસ્સાથી બોલતી હતી દસમામાં ભણતી સમીરા સૈયદ અને ચૂપચાપ સાંભળતા સાંભળતા હસી રહ્યો હતો સાહિર જીંદાણી. બંને સાથે આવું છેલ્લા ત્રણ વર્ષથી થઇ રહ્યું હતું,ક્યારેક સમીરા પેહલી તો ક્યારેક સાહિર , અને પાછા બંન્ને મિત્રોથી થોડું વધારે પણ હતા. બંન્ને એક બીજાને પસંદ કરતા અને એક બીજા ને પોતાની કારકિર્દી બનાવવા પ્રેરિત પણ કરતા. એકાદ અડધા માર્ક માટે આગળ પાછળ રહી જતાં સમીરા અને સાહિર હંમેશા એક બીજાને મદદ પણ કરતાં બંનેમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી . સમીરા વૈજ્ઞાનિક બની વાયરસ પર શોધ કરવા ઇચ્છતી હતી અને સાહિર એરોનૉટિક એન્જીનીયર બની એરફોર્સમાં સેવા આપવા ઈચ્છતો હતો . સમીરા – સાહિરના મિત્રો સમજતા હતા, કે વહેલા મોડા આ બન્ને પરણશે .પણ……
ભવિષ્ય કોઈ ક્યાં ભાખી શકે છે! દસમાંના બોર્ડના પરિણામ પહેલા સમીરા અચાનક ગાયબ થઇ ગઈ, જાણે તેનું આ દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નહોતું . સ્કૂલમાંથી અડ્રેસ લઇ સાહિર તેના ઘરે ગયો પણ ત્યાં કોઈ બીજું જ રહેતું હતું. તે વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે, અહીં કોઈ “સૈયદ” પરિવાર રહેતો જ નહોતો . એકાએક કોઈ પરિવારનું અસ્તિત્વ ખતમ થવું સામાન્ય વાત તો નહોતી જ . સાહિરે પોતાના તરફથી થતી કોશિશ કરી પણ ક્યાંય કોઈ આશાનું કિરણ નહોતું દેખાતું. ધીરે ધીરે સાહિર પોતાના અભ્યાસમાં ડૂબી ગયો પણ બીજી કોઈ મિત્ર બનાવી ન શક્યો. બધી ટ્રેનિંગ પૂરી કરી એક તેજસ્વી ઇન્ટેલિજન્સ એજન્ટ બન્યો.

ટૂંક સમયમાં જ “લશ્કરે જેહાદ “ના બાયોવેપન બનાવતા માસ્ટરમાઈન્ડ “અબ્દ્દુલ્લા” ને ખતમ કરી સાહિર આતંકીઓના હિટલિસ્ટમાં મોખરે આવી ગયો હતો . ઇન્ટેલિજન્સ બ્યુરોએ સાહિરને કોઈ ખાનગી મિશન સાથે લંડન મોકલ્યો , તે પોતાના કામમાં અહીંથી ત્યાં ફરી દેખાય તે માહિતી એકઠી કરી રહ્યો હતો અને…..
જાણે અચાનક સમય અટકી ગયો!તેની નજર એક યુવતી પર પડી એ બિલકુલ સમીરા લાગતી હતી, 5-6 વર્ષનો સમય વીતી ગયો હતો અને કિશોરી યુવતી બની હતી , સાહિર ઉમળકાથી એની તરફ દોડ્યો પણ એ યુવતી એક બસમાં ચડી ગઈ. સાહિર પણ પોંહચી જ ગયો અને તેની પાછળની સીટમાં બેઠો તે ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હતી. વાત પૂરી થતા તે યુવતીએ બિલકુલ સમીરાની આદત પ્રમાણે ” શબ્બાખૈર ” કહી ફોન મુક્યો ત્યારે સાહિર ની ખુશી બેવડાઈ ગઈ. સાહિર તેને બોલાવવા જતો હતો ત્યાં તે યુવતી ઉતરી ગઈ. સાહિર પણ પાછળ ઉતર્યો અને
“હેય સમીરા”
કહી એને રોકી, તે પાછળ ફરી, સાહિરને જોયો એક મિનિટ માટે આંખમાં ઓળખાણ-ખુશી ડોકાયા પણ બીજી જ ક્ષણે તેણે મોઢું ફેરવી લીધું, તે એકદમ બ્રિટિશ લઢણમાં બોલી,
” આઇ ડોન્ટ નો એની સમીરા.”

સાહિર મુંજાઈ ગયો, તેણે ફરી કોશિષ કરી પણ તે યુવતી સાહિરને મચક નહોતી આપતી, છેવટે તે ગુસ્સામાં છંછેડાઈ ગઈ અને બોલી,
” ગો અવે સાહિર”.
તેના ગુસ્સા ઉપર સાહિરને ખૂબ પ્રેમ આવી ગયો કેમ કે, હજી સુધી તેણે પોતાનું નામ તો કહ્યું જ નહોતું. તો એ યુવતીને તેનું નામ ખબર કેમ પડી! તેણે વાત પડતી મૂકી હોય તેમ ત્યાંથી નીકળી ગયો પણ તે લપાતોછુપાતો સમીરાની પાછળ જ હતો .
સમીરાએ ફરી એક કોલ કર્યો,
” મારે હવે ઝડપથી અહીંથી નીકળવું પડશે, મારી નવી ઓળખ બને તેટલી જલ્દી બનાવો.”
અને સાહિર એની સામે આવી ને ઉભો રહી ગયો. સમીરા રડી પડી, તેણે સાહિરને પોતાની કથની ટૂંકમાં કહી. સમીરાના પપ્પા એક લેબમાં વૈજ્ઞાનિક હતા. તેમના હાથે કંઈક એવી શોધ થયેલી જે દુનિયાના દરેક હાનિકારક જીવાણુથી લોકોને બચાવી શકે તેમ હતી. આ કારણે દુનિયાભરના આતંકવાદીઓ એમની પાછળ પડી ગયા. આ કારણોસર તેઓ કોઈ સરકારી સંગઠનની મદદથી પોતાની ઓળખ છુપાવી, આટલા વર્ષોથી ગોપનીય જીવન જીવી રહ્યા છે.

“ અને તું? બની ગયો એરફોર્સ ઓફિસર?”
“ હા “ સાહિર વધુ ખોટું બોલવા નહોતો માંગતો.
“ ચાલ તારું સપનું તો પૂરું થયું! હું ખુશ છું તારા માટે. તારે લન્ડન આવવાનું કેવી રીતે થયું?”
“ ટ્રેનિંગ છે.”
સાહિરે સમીરાને આશ્વાસન આપ્યું કે, બ્રિટન આર્મીમાં તેનો ભાઈ છે, તે પોતાનાથી થતી દરેક મદદ કરી છૂટશે. સમીરાના પપ્પાને અને કુટુંબને વધુ સારી સુરક્ષા આપવાની કોશિશ કરશે. પોતે સિક્રેટએજન્ટ છે એ હકીકત તે સમીરાને કહી શકે તેમ નહોતો. બંનેએ પોતાના સેલફોનના નંબરની આપ-લે કરી, ફરી મળવાના વાયદા સાથે બન્ને છુટ્ટા પડ્યા. સાહિર પોતાના કામમાં ખુંપી ગયો. એની સામે ઘણા રહસ્યો ખુલતા જતા હતા એ એના મિશનને છેલ્લો ઓપ આપવાની તૈયારીમાં હતો .વચ્ચે વચ્ચે સમીરા સાથે વાત થતી રહેતી .
એક દિવસ અચાનક સમીરાનો ફોન આવ્યો, તે ખુબ ગભરાયેલી હતી. તેણે સાહિરને એક જગ્યાએ મળવા બોલાવ્યો. એ લોકો મળ્યા ત્યારે સમીરા એકદમ નખાઈ ગયેલી લાગતી હતી અને ધ્રૂજતી હતી,

” સાહિર, અહીં જે ભારતીય એજન્ટ આવ્યો છે તે આતંકીઓ સાથે ભળેલો છે અને અમારું અસ્તિત્વ જોખમાયું છે.”
સાહિર તમતમી ગયો પણ ચહેરો સામાન્ય રાખી પૂછ્યું ,
” તો હું શું મદદ કરી શકું ? ”
સમીરાએ તેને એક બેગ આપી,
” આ ડોક્યુમેન્ટસ તું બ્રિટિશ આર્મી હેડક્વાર્ટર પોંહચાડી દઈશ ?”
સાહિરે હા પાડી. તેણે પણ સમીરાને એક લેપટોપ આપ્યું,
” સમીરા! મને કંઈ થઈ જાય તો ઇન્ડિયન એમ્બેસીમાં આ લેપટોપ આપી આવજે, આમાં ઇન્ડિયન એરફોર્સ માટેના વેપન્સની જાણકારી છે. જીવન રહ્યું તો ફરી મળીશું.”
આટલું બોલી, તેણે અચાનક સમીરાને પોતાની પાસે ખેંચી,એક દીર્ઘ ચુંબન ચોડી દીધું. સમીરા પોતાને છોડાવી જવા લાગી ત્યારે સાહિરે એક હળવા સ્મિત સાથે કહ્યું ,
” શબ્બાખૈર નહિ કહે ? ”

સમીરા આંખ મેળવ્યા વગર ભાગી અને તેણે કોઈ બસ પકડી લીધી . બસ માં બેસતાં જ એના મોઢા ઉપર એક કુટિલ સ્મિત ફરકી ગયું,
” આખરે મારું મિશન સફળ થયું, અબ્બુનો ખૂની એક દેશદ્રોહી ગણાશે, એ બેગમાં રહેલો બૉમ્બ એક કલાકમાં ફૂટશે, સાથે ફૂટશે ભારતની પ્રતિષ્ઠા અને ફૂટશે સાહિર જીંદાણીની કર્તવ્યનિષ્ઠા. ભારત પણ આતંકી દેશોની યાદીમાં મુકાઈ જશે . અબ્દ્દુલ્લા સૈયદની લશ્કરે જેહાદ માટે અપાયેલી કુરબાની એળે નહિ જાય”
આ વાતનો જશ્ન મનાવવા “મિશન લંડન”ની હેડ સમીરા અબ્દ્દુલ્લા સૈયદ, પોતાના સાથીઓ પાસે પોંહચી.બધાએ સાથે બેસી સાહિરે આપેલું લેપટોપ ખોલ્યું, જેથી ભારતીય એરફોર્સને પણ શક્તિશાળી થતાં રોકી શકાય. લેપટોપ ખોલી સમીરાએ સ્ક્રીન જોઈ, એમાં પ્લે લખલું હતું. પ્લે બટન ક્લિક કરતાં જ સાહિરનો સૌમ્ય ચેહરો દેખાયો,
“સમીરા! મારુ લંડનનું મિશન જ લશ્કરે જેહાદના બચેલા માસ્ટરમાઈન્ડને ખતમ કરવાનું હતું. મારા કમનસીબે તે આંતકી તું નીકળી. દુનિયાની દરેક ખુશી એક તરફ અને જેહાદના નામે થતી ખૂનખરાબી એકતરફ. તું જયારે આ વિડિયો જોતી હશે ત્યારે તમારી જગ્યા સંપૂર્ણ રીતે ઘેરાઈ ચૂકી હશે, તમને કોઈ પણ જાતની તક આપવામાં નહિ આવે. ગુડ બાય, સી યુ ઈન જેઇલ. મેરે યાર શબ્બાખૈર.”
અને લંડન સિક્રેટ સર્વિસના સહકારથી સમીરા તેના સાથીદારો સાથે પકડાઈ ગઈ.
તે લોકોને ઇન્ટરનેશનલ ટેરેરિસ્ટ બ્યુરોમાં લઈ જવામાં આવ્યા,ત્યાં બધાની આગળ ઉભો હતો સાહિર. હાથમાં સમીરાની આપેલી બેગ હતી અને તેમાં ડીફયુઝ કરેલો બૉમ્બ.

લેખક : એકતા દોશી અમદાવાદ

દરરોજ આવી અનેક અવનવી અલગ અલગ વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી