હું બન્યો ઇચ્છાધારી નાગ.. – એક સામાન્ય વ્યક્તિ બની ગયો રાતો રાત સાપ.. શું કરશે હવે એ…

હું બન્યો ઇચ્છાધારી નાગ..
*************************

આજે મારા જીવનનો મહત્વનો દિવસ છે, એક ન્યૂઝપેપર એડિટરને મળવા જવાનું છે, મારું નાનપણનું એક સ્વપ્ન પૂરું થશે, જો તેમને મારો કૉન્સેપ્ટ અને શરૂઆત ગમી ગઈ, તો મારી પોતાની એક કટાર શરૂ થઈ શકશે.”રહસ્યો આપણી આસપાસના” નામકરણ કરેલી ફાઇલ ઉપર પ્રેમથી હાથ ફેરવી લીધો. મારા મિત્રો અને શુભેચકોને સોશિયલ મીડિયામાં મારી આ લેખમાળા ખૂબ જ પસંદ આવી હતી. મેં કબાટમાંથી સરસ મજાનું બ્લેક શર્ટ કાઢીને પહેર્યું, બટન બંધ કરતાં-કરતાં જરાક ગર્વભરી નજરે મેં ખુદનું પ્રતિબિંબ નિહાળ્યું પણ આ શું! હું તો એક નાગ બની ચુક્યો હતો. મેં મારા હાથ મોઢા ઉપર ફેરવવાની કોશિશ કરી પણ નિષ્ફળ. આંખમાં આંસુ આવી ગયા, ‘હું ભલે થોડો કાળો હતો, થોડો બટકો પણ તોય માણસ તરીકે વધુ સારો દેખાતો’. અરે! હું તો પાછો માણસ બની ગયો. રાજી થતોથતો હું મારા પ્રતિબિંબ સાથે વાત કરવા લાગ્યો, “ જો તો કેવો શોભું છું, હા! નાગ તરીકે પણ પ્રભાવશાળી જ લાગતો હતો.” અને હું પાછો નાગ બની ગયો.

“અરે! આ શું બની રહ્યું છે મારી સાથે?” હું વિચારમાં પડી ગયો. યાદ આવ્યું, હું ગયા સોમવારે મમ્મીના આગ્રહ વશ મારા દુરાગ્રહોઓ ગાળીને શિવમંદિર ગયેલો. મમ્મી શિવલિંગ ઉપર બીલી પત્ર ચઢાવતાં ચઢાવતાં, મને જીવનમાં ગોઠવાયેલો જોવાની પોતાની ઈચ્છા ફળીભૂત થાય તેવું માંગી રહી હતી. મેં પણ હસતાં હસતાં બીલીપત્ર ચઢાવ્યું અને કહ્યું,

“હું તો ભગવાન બગવાનમાં માનતો નથી પણ જો તમે ભગવાન હો, તો બતાવો મને પરચો! ચમત્કારને નમસ્કાર હોય છે. મને ઇચ્છાધારી નાગ બનાવો તો હું તમારો ભક્ત.”

“દીકરા, ભાગ્યમાં લખેલું હોય તે સિવાયનું કાંઈ મળે તો પણ તેનો કોઈ અર્થ નથી હોતો! તું ભગવાન પાસે વ્યર્થ વરદાન ન માંગ. વરદાન મળી પણ જશે તો તું કાંઈ જ નહીં કરી શકે.” ત્યાંના પુજારીએ મને સમજાવ્યો.

“ભાગ્ય વિનાનું ન આપી શકે તો એ ઈશ્વર શેનો!” હું જાણે કે ભગવાનને ચેલેન્જ આપીને આવ્યો હતો. એક અઠંગ નાસ્તિક હોવાને કારણે મને ખાતરી હતી, કે આ ચેલેન્જ કદી પૂર્ણ નથી થવાની.

પણ આ શું! ઓહ! તો …. હું ઇચ્છાધારી નાગ બની ચૂક્યો છું. આ વાત સમજતાં જ મારા કાનમાં ફિલ્મી ‘બીન’ વાગવા લાગી.

’હું એક ડાહી વહુ, આજ સુધી મારી સાથે થયેલા અત્યાચારોનો બદલો લઈશ. મારી ઝેરીલી સાસુને ડંખીશ.’ પણ મારે સાસુ ક્યાં? હવે હું મારા માતા-પિતાના નિર્દય હત્યારાઓનો બદલો લઈ શકીશ. પછી યાદ આવ્યું, હાઈલા! હું કંઈ એકતા કપૂરની હીરોઇન નથી અને એ બંને તો આ બહાર બેઠાબેઠા રોજનો ઝગડો કરે. તો હવે?

હા… હું મારી પ્રેમિકા સાથે જંગલમાં જઈને ગીતો ગાઈશ, “તેરે સંગ પ્યાર મૈ નહીં તોડના”. જીતેન્દ્ર અને રીનારોય જેમ એકબીજાને વીંટળાઈ જાય તેમ અમે પણ નાચીશું. હે રામ! હું ઇચ્છાધારી નાગ છું, એ તો સામાન્ય માણસ છે.

હા… હવે હું દુશ્મનોને દંશ દઈ દઈને તેમને ખતમ કરીશ. હટ યાર, મારે કોઈ દુશ્મન જ નથી ને! કોઈની સાથે ન ઝગડવાનો, કોઈ દુશ્મન ન હોવાનો ગેરફાયદો મને આજે પહેલીવાર સમજાયો.

તો પછી …બહાર નીકળીને બાળકોને ડરાવું? ગમે ત્યારે મારા બાઈકની સીટ ચીરી નાખે છે, ટાયર પંકચર કરી નાખે છે. ના બાબા ના! મારી શેરીના આ બધા નાલાયક બાળકો તો પથ્થર મારીમારીને મારા ‘રામ નામ સત્ય’ બોલાવી નાખે એવા છે.

પણ આ મળેલાં વરદાન(?!)નો કાંઈક તો સદુપયોગ કરવો જ જોઈએ. પૂજારીને બતાવું પડશેને કે ભાગ્ય વિના મળે તો પણ કામ તો આવે જ! એક કામ કરું, બધા પોલિટિશિયન્સને કરડી આવું! આપણો આખો દેશ ભ્રષ્ટાચાર મુક્ત, આ વિચાર ઉપર તો મને પોતાની પીઠ થાબડવાનું મન થઈ ગયું. નિરાંતે ફરી વિચાર કરતાં સમજાયું માણસને ડંશ દઈ શકાય માનસિકતાને નહીં.

છોડો, અત્યારે તો માણસ બની એડિટરને મળી આવું! જરૂરી કામ પતે પછી નાગ અવતારમાં શું કરવું તે બરોબર વિચારીશું! પાછો માણસ બની, વ્યવસ્થિત રીતે, એક સેલ્સમેન બની પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા ખૂબ મોટું નામ ગણાતાં એવા ન્યૂઝ પેપરની ઓફિસ ગયો.

મારા સ્વભાવથી વિરુદ્ધબાઈક વ્યવસ્થિત પાર્ક કરી, એક જેન્ટલમેન બની ઓફિસમાં ઘૂસ્યો.
“હેલો! મારું નામ ભાસ્કર. મારે સપ્લીમેન્ટ્રી એડિટર મી.માવાણીને મળવાનું છે.” મેં પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“પ્લીઝ! વેઈટ હું તેમને કહું છું.” પ્લાસ્ટિકયું સ્મિત કરી ડેસ્ક ઉપર બેઠેલી યુવતીએ જવાબ આપ્યો. આમ તો તે પહેલી નજરે સુંદર લાગતી હતી. પણ ધ્યાનથી જોતાં તેની સુંદરતા સાવ કૃત્રિમ લાગી. મારે શું!

વેઇટ શબ્દથી સમય જાણે બરફ બની ગયો. મને મારી અવહેલનાથી ગુસ્સો આવી રહ્યો હતો. થયું કે, નાગ બની આ પ્લાસ્ટિકયું સ્મિત ચૂસી લઉં. હે પ્રભુ! પેલી યુવતી મારી સામું જોઈને ચીસો કેમ પાડવા માંડી છે? ગાર્ડને બોલાવવા કેમ દોડી? ‘ધત્તતેરીકી! ભાસ્કર, તું નાગ બની એની સામે ફેણ માંડીને બેઠો છું.’ હું પાછો માણસ બની ગયો. પેલી ગાર્ડ સાથે આવી, મને બેઠેલો જોઈ નાગ વિશે પૂછ્યું. હું અજાણ બની રહ્યો. તેણે મને ફટાફટ કેબિનમાં મોકલ્યો.

“મેય આઈ કમ ઈન?” મેં ભારોભાર વિનયથી પૂછ્યું.

“યસ!” ખૂબ બીઝી હોય તેમ ફાઈલમાંથી માથું ઊંચું કર્યા વિના મી.માવાણીનો રોફ ઝળકયો.

“ગુડ મોર્નિંગ સર! હું ભાસ્કર. થોડુંઘણું લખું છું. મી.ઉપાધ્યાયે આપનો રેફરન્સ આપ્યો છે. આ મારી થીમ.” મેં તેમની સામે ફાઇલ ધરી.

ફાઈલ ઉપર નજર ફેરવી એકદમ સ્થિપ્રજ્ઞ બની બોલ્યા,
“ગુડ મોર્નિંગ! અમારું પેપર વર્ષોથી સ્થાપિત છે. અમારી પાસે નામી લેખકો છે. તમારા જેવા નવા લેખકોને કેમ લઈએ? એક કારણ આપી શકશો!”

“સર! નામી લેખકો ક્યારેક તો નવા હતાં ને. તમે મારો કોનસેપ્ટ જુઓ.” મેં પૂરી આમન્યા રાખી.

“શું નવું છે આમાં? આવું તો પચાસ ફિલ્મોમાં આવી ગયું, આ પ્રકારની અનેક વાર્તાઓ લખાઈ ગઈ.” મારા ઉપર રીતસરનો પ્રહાર થયો.

મારી ઓસરતી જતી ઉમંગોમાં, હતાશા ફૂંફાડા મારવા લાગી. તે ટકલો, જાડો, ખાંધો માણસ હજુ બોલ્યે જતો હતો,

“જુઓ! અમે કોઈ વિવાદાસ્પદ વાતો છાપતાં નથી, ભગવાન-ભૂત, રાજકારણ-ભ્રષ્ટાચાર, કોમવાદ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા જેવી કોઈ પણ વાત આવવી ન જોઈએ. પ્રેમકથાઓ બહુ છે. તો જાઓ કંઈક નવું લઈને આવો, પછી વિચારીશું.”

કાનમાં રેડાતી નિરાશા, ફૂંફાડા તીવ્ર બનાવતી જતી હતી. મને થયું, આને તો ડસી જ લઉં. નવા લેખકોને નકારતો એક માણસ તો ઓછો થાય. હું એ વ્યક્તિની આંખો સામે માણસમાંથી નાગ બનવા લાગ્યો. મી.માવાણીને ડસવા એકદમ તૈયાર અને ……અને તેણે ચીલ ઝડપથી મને પકડી પાંચમામાળની બારીમાંથી ફેંકી દીધો.

ત્રીજે દિવસે હોસ્પિટલના બિછાને પડેલો હું, નવી લેખિકા તૃષા માવાણીની કટાર વાંચી રહ્યો છું“રહસ્યો આપણી આસપાસના”. પૂજારીના શબ્દો મારી આસપાસ ઘૂમરાઈ રહ્યા છે…..

“દીકરા, ભાગ્યમાં લખેલું હોય તે સિવાયનું કાંઈ મળે તો પણ તેનો કોઈ અર્થ નથી હોતો! તું ભગવાન પાસે વ્યર્થ વરદાન ન માંગ.”

અને મેં મનોમન શંકર ભગવાનને યાદ કર્યા અને તેમણે આપેલું વરદાન પાછું લઈ લેવા વિનંતી કરી. દસેક મિનિટ પછી નાગ બનવાની ઈચ્છા કરી અને ………કંઈ ન થયું.

હાશ! હું ભાસ્કર જ છું.

લેખક : એકતા નીરવ દોશી

જો તમને આવો મોકો મળે તો તમે શું કરો? કોમેન્ટમાં જરૂર જણાવજો.

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી