ભણતર એક બોજ? – અને એ બાળક પેલા બાળકને જોઇને તેની પાછળ પાછળ જવા લાગ્યું શું થશે એની સાથે?

ભણતર એક બોજ?

******************

સટ્ટાક કરતો એક લાફો પડી ગયો ઈશાનના ગાલ ઉપર. બહાર રમવા ગયેલો ઈશાન આપેલા સમય કરતાં એક કલાક મોડો આવ્યો હતો અને હજુ પણ રમવા જાવા દેવાનું કહેતો હતો.

“અરે ! પણ પપ્પા સાંભળો તો…” રડતો રડતો ઈશાન બોલવા ગયો. બીજા થપ્પડ માટે હાથ ઊંચકાઈ ગયો અને ‘હું થોડું રમી લઉં પછી ભણીશ.’ વાક્ય ઈશાનના ગળામાં અટકી ગયું. મોટી મોટી નિર્દોષ આંખો ઝરમર ઝરમર વરસતી હતી.

“ઘડિયાળ જોતાં આવડી ગયું છે કે નહીં? હાથમાં આ શોખની રિસ્ટવોચ પહેરી છે? અંદર એલાર્મ વાગ્યું હતું કે નહીં?”

“વાગ્યું હતું. પણ થોડું વધારે રમી લઉં તો શું થઈ જાય? તમે રોજ ઓફિસથી સેમ ટાઈમે આવો છો?”

“નાલાયક! સામા જવાબ આપે છે! હજી તો ઉગીને ઉભો થાય છે, ત્રીજામાં ભણતું ટેણિયું, મને સમજાવશે. જ્યારે ભણવાનો સમય હોય ત્યારે ભણી જ લેવું પડે.”

ધ્રૂજતો ધ્રૂજતો ઈશાન મમ્મીની હૂંફ શોધવા લાગ્યો.

“મમ્મી, પ્લીઝ…! મારા બધાં ફ્રેંડસ બોલાવે છે. હું આવીને બધું ભણી લઈશ. આઈ પ્રોમિસ.”

“ જો બેટા! પપ્પા કહે તે માનવાનું. હું આમાં વચ્ચે નહીં પડું.” મમ્મી બીજા કામમાં હોવાનો ડોળ કરવા લાગી. ઈશાનને લાગ્યું કે મમ્મીને પણ તેના આંસુ કેમ નહીં દેખાતાં હોય પણ મમ્મીને ખબર હતી કે, જો તે વચ્ચે બોલશે તો વાત વધુ બગડશે.

રડવાનું બંધ કરી, ધ્રૂજતો ઈશાન, પોતાના આંસુ લૂછી ભણવા બેસી ગયો. રૂમની બહાર મમ્મી-પપ્પાનો અવાજ સંભળાતો હતો.
“આવડાં બાળકને કોઈ મારતું હશે! હજી નવ વર્ષનો તો છે. મોટો થશે, પોતાની મેળે અક્કલ આવશે. સુધરી જશે.”

“ તે જ બગાડ્યો છે, વધારે પડતાં લાડ લડાવીને! હું અહીં દિવસ રાત એક કરીને, એને મોંઘમાં મોંઘી શાળામાં ભણાવું છું. ભાઈને એની કોઈ કદર નથી. સમયે કામ કરતો નથી, શાળામાંથી ફરિયાદ અને ઘરે તારા લાડ-દુલાર.”

“માર્કસ તો લઈ આવે છેને! કોઈ દિવસ કાંઈ આવડતું નથી એવી ફરિયાદ તો નથી આવીને! સ્કૂલમાં ફક્ત સમયસર કામ નથી પતાવતો એટલી જ ફરિયાદ છે, બાકી તો બધા કેટલા વખાણ કરે છે! ”

“પણ એનું ભણવા તરફનું વલણ તો જો! આખો દિવસ સપનામાં ખોવાઈ જાય છે. ટી. વી. અને રમત કરતી વખતે સમયનું ધ્યાન નથી રહેતું. વાત ફક્ત વલણની છે. સમયની કિંમત અત્યારે નહીં શીખે તો ક્યારેય નહીં શીખે. આજે નહીં, હમણાં નહીંમાં બહુ મોડું થઈ જશે એટલું તું પણ સમજી લેજે.” પપ્પા ધૂંધવાયા.

“એમ તો, સવારે ઉઠે ત્યારથી માથાકૂટ કરાવે છે. ક્યારેક ક્યારેક મને પણ એમ થાય કે, બે મારી હોય તો જ સીધો ચાલે. પણ તોય છે તો બાળક જ ને!” મમ્મી પણ ઈશાનના રેઢિયાળ વર્તનથી કંટાળી તો ગઈ જ હતી. રોજ સવારે ઉઠવાથી માંડીને સુવા સુધીનું દરેક કામ કરતા ઈશાનને બીજા કોઈ પણ વ્યક્તિ કરતાં ત્રણ ગણો વધારે સમય લાગતો. તેના સ્વપ્નશીલ વિચારો સામે બધા હારી જતા. શાળામાંથી પણ એ જ ફરિયાદ, ઇશાનને સમયની કોઈ કદર નથી, એને ઝડપ માટે સમજાવો. ઈશાન એક આજ્ઞાંકિત, સમજદાર બાળક હતો. જે પણ ભણાવતાં તે તેના તેજ મગજમાં સરસ ગોઠવાઈ જતું, પણ તે એક વધુ પડતી કલ્પનાના જગતમાં રહેનાર ક્રિએટિવ જીવ હતો એટલે દરેક ક્રિયામાં તેના વિચારો ઘૂમ્યા કરતા જે તેની ઝાડપને રૂંધતા.

“આ ભણવાનું કોણે બનાવ્યું હશે! મમ્મી-પપ્પા, ટીચર્સ બધા કોઈ દિવસ રમ્યા જ નહીં હોય? પપ્પા ઓફિસથી આવી ટી.વી. જોવે, વહાટ્સએપ કરે એનું કાંઈ નહીં. મમ્મી રસોઈ બનાવા સિવાય કરે છે શું? એ આખો દિવસ ફોનમાં ગેમ રમે. બસ, મારે જ નહીં રમવાનું!” વિચારતો નાનકડો ઈશાન, ઘવાયેલાં મન સાથે ભણવાના ટેબલ ઉપર જ ઊંઘી ગયો. રૂમમાં ચારેકોર પથારા વચ્ચે નાનકડું ફૂલ સપનાંની દુનિયામાં સરી પડ્યું. મમ્મી રૂમમાં આવી, વેરવિખેર રૂમ જોઈને તેને થયું,આ છોકરાને કોઈ અસર જ નથી? કોને ખબર ક્યારે સમજાશે.”
મમ્મી બધું સરખું કરતી હતી ત્યાં પપ્પા આવ્યા, તેમણે ઈશાનને વ્હાલથી તેડ્યો અને પલંગ ઉપર સુવડાવી, એનું કપાળ ચુમ્યું. ઊંઘમાં પણ ઈશાનને એ વહાલ સમજાયું. એના આંસુથી ખરડાયેલા ચહેરા ઉપર એક મુસ્કાન આવી ગઈ. મમ્મી પણ બધું ગોઠવી સવારની તૈયારી કરી ઈશાનને હળવું આલિંગન આપી સુઈ ગઈ.

સવાર પડી, કાલની થપ્પડે ઈશાનના મન ઉપર કબજો કરી લીધો. આજે ઈશાન અનિચ્છાએ બધું સમયસર કરવા લાગ્યો. એકપણ વખત ટકોર વગર બધું કામ એના સાચા સમયે કરી લીધું. દૂધ પીવામાં પણ બિલકુલ સમય ન બગાડ્યો. મમ્મીએ ખુશ થઈ ગઈ, સવારમાં જ એક ચોકલેટ આપી. મમ્મી પપ્પા તેનામાં આવેલા ફેરફારથી રાજી થયા પરંતુ ઈશાન આજે ઉદાસ હતો. સ્કૂલ તરફ જતા રસ્તામાં તેની નજર પડી લગભગ તેની ઉંમરના એક બાળક ઉપર, તે બાળક કચરાનો થેલો ઊંચકી હસતો-કૂદતો જતો હતો, કાંઈક મળે એ કોથળામાં ભરતો વળી ગલૂડિયાં સાથે ગમ્મત કરતો હતો. બેસવું હોય ત્યાં બેસી જતો વળી ઝાડના છાંયામાં જ લંબાવી પણ દેતો. અજાણતાં જ ઈશાન તેની પાછળ ખેંચાવા લાગ્યો. થોડીવારમાં તો એ છોકરાએ પોતાનો કોથળો જાત જાતના કચરાથી ભરી લીધો, તરસ લાગી તો કોથળામાંથી જ એક બોટલ કાઢી, રસ્તાની ડંકીમાંથી પાણી ભરીને પી લીધું. થોડાં પથ્થરોને ઠેબા માર્યા. ફાટલાં બોલથી રમ્યો અને છેવટે એક ઝૂંપડીમાં ગયો.

“લે, આવી ગયો બેટા! થાકી ગયો હોઈશને! આ ખાઈ લે. તારી બેન આવે પછી હારે કચરો વેંચવા જઈશું.” એની માનો લાડ નીતરતો અવાજ સંભળાયો.બહાર ઉભેલા ઈશાનને થયું, ‘કેટલો નસીબદાર છે આ! આટલી મસ્તી કરીને આવ્યો તોય વઢને બદલે પ્રેમ મળે છે. કાશ ..હું આની જગ્યાએ હોત! ખાલી મસ્તી કરવાની, ભણવાની કોઈ જ ચિંતા નહીં. ન ટીચર વઢે ન ઘરનાં!”

ઈશાને દરવાજા પાછળથી ડોક કાઢી જોવા પ્રયત્ન કર્યો. એ બાળક લુખ્ખા રોટલાનો અડધો ટુકડો ખાતો હતો અને પાણી પીતો હતો.

“મા! હજી ભૂખ લાગી છે. થોડોક રોટલો મળશે?” છોકરાએ થોડાં ઢીલા અવાજ સાથે કહ્યું.

“રામલીના ભાગનો અડધો રોટલો છે. તું આ ખાઈ જઈશ તો એને હું શું આપીશ? બીજો લોટ ય નથી કે હું એને નવો રોટલો ઘડી દઉં .” મા લાચારીથી બોલી.

“મા! આપણે કેમ આવું છે? મારે શાળાએ જવું છે, ભણીને મોટા સાહેબ બનવું છે. પણ ભણવાનું તો દૂર આપણી પાસે બે ટંકનું પેટ ભરીને ખાવાનુંય નથી.

“બેટા! મને મારા માબાપે ભણાવી હોત કે તારા બાપાને નાનપણમાં તારા દાદાએ બે અડબોથ મારી ને નિશાળ મોકલ્યા હોતને તો આપણાં આવા દી’ નો હોત. તારા બાપા ભણ્યાં હોત તો કદાચ જીવતા હોત અને બે પૈસા વધારે આવત. તમને બેય ને ફાટલાં ચીંથરાં તો ન પહેરવા પડત.” મા રડી પડી.

“મા! તેં કાંઈ ખાધું?”

માની આંખ ફરી ભરાઈ ગઈ, “ તેં ખાધું ને, મારું પેટ ભરાઈ ગયું.”

છોકરો એકદમ માને વળગી પડયો. પોતાના અને માના આંસુ લૂછતાં બોલ્યો, “ મા! હું હવેથી બે કોથળા ભરી કચરો વિણી આવીશ, રામલીને પણ કહીશ કે વધારે કામ કરે, પણ તને ભૂખી નહીં રહેવા દઉં.”

ઈશાનને એકદમથી મમ્મી-પપ્પા યાદ આવ્યા. તે પોતાના ઘર તરફ ભાગ્યો. આજે તેને સ્કૂલબેગનો ભાર હળવો લાગતો હતો….

મિત્રો ખુબ સમજવા જેવી વાત કહી છે લેખિકાએ.. તમે પણ આ વાર્તા એકવાર શેર કરીને તમારા મિત્રો સુધી પહોચાડો…

લેખક : એકતા દોશી

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી