આલબેલ – એક ચોકીદારની પૂરી ઝિંદગી બીજાના ઘરની ચોકી કરવામાં જ જતું હોય છે પણ…

આલબેલ

એક શાંત મજાનું ગામ મધરાતની મીઠી નિંદર માણી રહ્યું હતું, અને ત્યારે ગામની કોઈ એક શેરીમાં ધીરે ધીરે લાકડીનો ખટખટ અવાજ આવી રહ્યો હતો અને સાથે થતો હતો ધ્રુજતા આવજે પોકાર, “આ……લબેલ….આ…..લબેલ….”. “જાગતે રહો”.

મહિનાની ત્રીજી તારીખ થઈ અને સાહિલના ઘરે સવારમાં જાળી ખખડી “ભાભી … સલામ .” સાહિલ આઠમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતા કરતા ઉભો થયો,

“સંતુ કાકા, સલામ! કેમ છો કાકા?“ પૂરેપૂરી લાગણીથી દરવાજો ખોલતાં સાહિલ બોલ્યો.

“ બસ, ભગવાનની દયા છે, બાબાભાઈ!”

“કાકા,મમ્મી બહાર ગઈ છે, આવતી જ હશે, બેસોને!”

સાહિલે હજી થોડાં દિવસ પહેલાં જ “થ્રિ ઇડિયટ” ફિલ્મ જોયેલું અને એના મગજમાં બેસી ગયેલું, કે ચોકીદાર શું કામ “ ઓલ ઇસ વેલ” બોલતા હોય છે! તેને થયું ,”સંતોષ કાકા તો વર્ષોથી આપણી શેરીની ચોકીદારી કરે છે, તેમને શું ખબર છે, ચાલને, તેમને પૂછું!”

“ સંતુ કાકા, તમે રાત્રે શું બોલતા હોય છો ?” સાહિલે સંતોષ કાકાની બાજુમાં ગોઠવાતાં કહ્યું.

“ હું …? હું તો બાબાભાઈ, આલબેલની છડી પોકારતો હોઉં છું.”

“ આલબેલ એટલે શું કાકા ?”

“કોને ખબર! બાપુ એ શિખવાડેલું, કે આપણે રાત્રે લાકડી પછાડતાં પછાડતાં આલબેલ બોલવાનું , ચોર ન આવે અને બધા શાંતિથી સુવે. એને આલબેલની છડી પોકારી કહેવાય, બસ!”

“ અરે કાકા! તમને એ પણ નથી ખબર એનો મતલબ છે ઓલ ઇસ વેલ.. એનો મતલબ થાય, કે બધું બરાબર છે.”

” હેં…! હા … બાબાભાઈ બધુ બરાબર છે.”સંતોષ કાકા સાહિલની સામે જોઈ રહ્યા અને આંખમાં આંસુ ભરાઇ આવ્યા…

લગભગ 1945-46ની સાલ હશે. ગરીબી અને સંઘર્ષની જીવતી તસ્વીર જેવા, જેસંગ અને દેવી ,એમના જેવા ત્રણ-ચાર કુટુંબો સાથે નેપાળના કોઈક ખૂણેથી આ ગામમાં રોજીરોટી રળવા આવી પહોંચ્યા હતા, હજુ હમણાં જ નવા-નવા અંગ્રેજોની વસાહત તરીકે વસેલા ગામમાં સુખી માણસોની જ વસ્તી એટલે ચોકીદારની અને ઘરકામ કરનારની જરૂર તો હતી જ, મહેનતકશ પહાડીપ્રજાને ગામના લોકોએ પ્રેમથી અપનાવી લીધી, જેસંગ અને દેવી ગામની એક તરફની નાની મોટી શેરીઓ વચ્ચે જાતે ચણેલા એક ઓરડાંના મકાનમાં રહેતા , જેસંગ દસ બાર ઘરની ચોકીદારીનું કામ કરતો અને દેવીએ જ ઘરોમાં કામ! પાછા બેઉ કામના, ઈમાનના પાક્કા, ન ખોટી રજા પાડવાની, ન કામમાં કોઈ વેઠ ઉતારવાની. પાછા બેય ભારે સંતોષીલા જીવ , શાંતિથી પેટિયું રળી ખાય, આવા સરળ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી, તો ય બેઉ હસતાં અને કહેતાં, ‘જેવી પશુપાટી નાથની મરજી’. વર્ષો વીતતા ગયા , હવે જેસંગને બધા જેસંગભા અને દેવી ને દેવીબા કહેતા, આખરે , મોટી ઉંમરે તેમને ત્યાં દીકરો અવતર્યો નામ પાડ્યું “સંતોષ”, તે રાત્રે જેસંગભા જોર જોરથી ડંગોરો પછાડી હરખાઈ હરખાઈને બોલતા’તા, “આ……..લબેલ …..આલ…..બેલ.” સંતોષ વિચારતો હતો, ત્યારે જો બાપાને મતલબ ખબર હોત તો, ગામ ગાજવ્યું હોતને!

મોટી ઉંમરે સંતોષના જન્મ પછી દેવીબાનું શરીર દિવસેને દિવસે કથળતું જતું હતું, માંડ માંડ સંતોષનું ધ્યાન રાખતાં અને બે વખતના રોટલા ઘડતાં, બીજાના ઘરના કામ કરવા તો ક્યાંથી જાય! દિવસે દિવસે મોંઘવારી વધતી જતી હતી, એકલા જેસંગભાના પગારમાં બે છેડા માંડ માંડ ભેગા થતાં એવામાં દાક્તરના ખર્ચા તો કેમ કરીને પોસાય! સંતોષને નિશાળ મોકલવાની ઉંમર થતાં પહેલા તો દેવીબા ચાલીસેક વર્ષનું ખોળિયું છોડી પ્રભુધામ સિધાવી ગયા, ક્રિયા કરમ પતાવી તે રાત્રે જેસંગભા માંડ માંડ બોલતા હતા, છતાંય બોલતા તો હતા જ, ” આ..લબેલ.” હા, બધું બરોબર જ હતું ને, કોઈ શેઠના ઘરે ચોર નહોતા આવ્યા!

રાતે પહેરો દેતા અને દિવસે નાનકડા સંતુની દેખભાળ કરતા જેસંગભા, જાતે રાંધતા ,ઘરકામ કરતા અને કુમળા સંતુને પણ થોડું ઘણું કામ શીખવાડતા. એકવાર જેસંગભા આડે પડખે થયેલા ત્યારે રમતાં રમતાં નાનકડો સંતુ ગરમ ચૂલાને અડી ગયો. પૈસાના અભાવે લાચાર બાપ, કુમળા બાળને સરકારી દવાખાનામાં લઈ ગયો, વેદનાથી કણસતા સંતુનો છેક મોડી સાંજે વારો આવ્યો અને પછી ઈલાજ શરૂ થયો , સંતુને તે એક રાત દવાખાનામાં રાખવો પડે એમ હતો, ત્યારેય એકલા બાળકને ભગવાન ભરોસે મૂકી, જેસંગભા ગલીઓમાં એમની છડી પોકારતા હતા …”આ….લબેલ.” ગલીઓમાં બધું બરોબર જ હતું. સંતુએ આંખનો ખૂણો લૂછયો!

સરકારી શાળામાં સાતમી ચોપડી ભણી માંડ માંડ લખતાં વાંચતાં શીખેલા સંતોષને સોળ વર્ષનો થતા , એમની સાથે જ નેપાળથી આવેલા એક કુટુંબની દીકરી અઢાર વર્ષની રામી સાથે પરણાવી દીધો , રામી કામકાજે કુશળ હતી , તેણે બાપ દીકરાના સંસારને સાચવી લીધો, શહેર મોટું થયું હતું , બાપાની સાથે સંતોષ પણ ચોકીદારી કરવા લાગ્યો , ત્રણ જણનું પેટ ભરાઈ રહેતું. ચારેક વર્ષમાં રામી એ મરેલા બાળકને જન્મ આપ્યો, તે રાત્રે પણ જેસંગભા અને સંતોષ શેરીએ શેરીએ ફરતાં પોકાર કરતા હતા …”આ..લબેલ …આલ…બેલ”. હા, ત્યારે પણ બધું બરોબર તો હતું.

લગ્નના દસમે વર્ષે રામીએ એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો , સંતોષે નક્કી કર્યું, કે દીકરાને તો આ ચોકીદારી નહિ જ કરાવે, જેસંગભા અને સંતોષે બીજી બે શેરીનું કામ વધાર્યું, કામના બોજાને કારણે હોય કે પછી ઉંમરને કારણે, બસ એક દિવસ જેસંગભા અચાનક દેવીબાની વાટે સિધાવ્યા. આવક ઘટી તોય સંતોષે દીકરા કિસનને ખાનગી શાળામાં ભણાવ્યો, એસ. એસ. સી. પાસ થઈ ઘરમાં મદદરૂપ થવા માટે કિસને પટાવાળાની નોકરી સ્વીકારી લીધી. ઘરે વહુ લાવવાના દિવસો આવ્યા , દૂરની ઓળખાણથી નેપાળની જ એક રૂડી રૂપાળી છોકરી, નામ એનું મોની, ઘરમાં આવી. રામી અને સંતોષ હરખાતાં, પણ થોડા દિવસમાં ઘરમાં નાના મોટા ઝગડા થવા લાગ્યા, મોની ગર્વની પૂતળી હતી, ઉગ્ર સ્વભાવની અને લાડમાં રહેલી હતી, તેને ઘર અને આવક નાના પડતા હતા. સંતોષ અને રામી એમનું કામ કર્યા કરતા ,મોનીને એક શબ્દ પણ ના કહેતા છતાંય મોની અવારનવાર ઝગડા કરી તેમને વાગોવતી, અને ત્યારેય સંતોષ તો રોજ રાત્રે પોકારતો જ હતો, “આ…..લબેલ….આલ…બેલ”. લે વળી, શેરીમાં તો બધું બરોબર જ હતું ને!

હજુ તો લગ્નને વરસ પણ નહોતું થયું અને એક દિવસ ગુસ્સામાંને ગુસ્સામાં મોનીએ કુવામાં પડતું મૂક્યું , કિસન તો કામે ગયેલો છતાંય મહિલા સુરક્ષા કાયદાઓ હેઠળ કિસનને , રામીને અને સંતોષને જેલ થઈ ગઈ, શેરીના લોકોની મદદથી જામીન તો મળ્યા પણ ચુકાદો તેમની તરફેણમાં આવે તે પહેલાં તો કિસને બદનામીથી ડરી આત્મહત્યા કરી, રામી પણ આઘાત ન સહી શકી અને રામશરણ થઈ અને સાઈઠ વર્ષે એકલો પડેલા સંતોષને શેરીના લોકો એ સાચવી લીધો. પગારની સાથે ખાવા-પીવાના દિવસના વાર પણ બાંધી દીધા અને સંતોષનું ગાડું ગબડી રહ્યું હતું. થોડા દિવસે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ આવતો અને એ રોજ રાત્રે બોલતો, “આ…..લબેલ ….આલ…બેલ.” ત્યારે જો આ મતલબ ખબર હોત, તો પણ શું યંત્રવત મોઢામાંથી આલબેલ પોકારી જ હોત? હા! કદાચ, કેમ કે ચોકીદારની આલબેલ પોતાનાં માટે થોડી હોય છે!

સંતોષની આંખ સામે પોતાના જીવનની દરેક ઘટનાઓ આવી ગઈ, માથા ઉપર હાથ રાખી આંખમાં ઝળઝળિયાં સાથે તેણે સાહિલને કહ્યું,

“ અરે વાહ, બાબા ભાઈ ! તમે તો સરસ વાત સમજાવીને, મારે તો હવે આજીવન આલબેલ.” ફરી એકવાર આલબેલની છડી પોકારી તે ધ્રૂસકેને ધ્રુસકે રડી પડ્યો.

લેખક : એકતા દોશી

દરરોજ આવી સમજવા જેવી વાર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર.

ટીપ્પણી