પ્રપોઝલ – વાંચો આ દિલ દેહલાવી દેનારી પ્રેમકહાની..

“પ્રપોઝલ”

” જન્નત ઓલ્ડ -એજ હોમ”, લાહોર, પાકિસ્તાન. ત્યાં આજ સવારથી ખુબ ઉત્સાહિત વાતાવરણ હતું અને કેમ ન હોય! આજથી અહીં રહેવા 50-60 ના દશકમાં ભારતીય સિનેજગત પર રાજ કરનાર સેલિબ્રિટી કપલ ” મધુ ચાવલા અને દેવકુમાર ” જો આવવાના હતાં . મધુ ચાવલા સ્વતંત્ર ભારતની પહેલી રૂપસુંદરી. બોલ્ડ, બ્યુટીફૂલ અને અદાકારીનો સુંદર સમન્વય. દેવકુમાર ટોલ,ડાર્ક,હેન્ડસમ હોવાની સાથે પ્રભાવશાળી ગાયકીનો ઘૂઘવતો દરિયો. બંને લાહોરના વતની, બંને ફિલ્મી દુનિયાના ચહેતા અને જુના મિત્ર, એટલે એક પડાવ પર પહોંચી બંનેએ લગ્ન કરી લીધેલા. પાકિસ્તાનના ભાગલા પછી પહેલીવાર તેઓ પોતાની માતૃભૂમિમાં આવી રહ્યા હતા, તે પણ એવા નિશ્ચય સાથે કે આયુષ્યનો બાકી સમય અહીં વિતાવવો અને જન્મભૂમિના ખોળે જ દેહ ત્યાગવો.


આખા સ્ટાફમાં અને બધા રહેવાસીઓમાં અનોખી ઉત્સુકતા હતી, સિવાય કે છેલ્લી રૂમમાં એકાકી જીવતા એક વૃદ્ધ “ઓસ ચાચા”.
કોણ જાણે છેલ્લા કેટલાય વર્ષોથી કોઈએ તેમને વાતો કરતા કે હસતા જોયા નથી. ચુપચાપ ખાઈ લે ,શાંતિથી પોતાના રૂમમાં બેઠા રહે , નમાઝના સમયે કાન બંધ કરી દે, એના ઉપરથી સમજાય કે, આ નાસ્તિક હશે. રમઝાનના રોઝા રાખે પણ કોઈ મઝહબી કાનૂનને ન માને, કોઈ કાંઈ પણ પૂછે તો એક જ શબ્દ બોલે “ઓસ ” .
મધુ ચાવલા અને દેવકુમાર પાકિસ્તાન આવી ગયા. પહેલા તો બંનેએ આજના લાહોરમાં જૂનું લાહોર ગોતવાની કોશિશ કરી. પોતાની ગલી, પોતાના રસ્તા, સ્કૂલ અને બંનેની આંખો છલકાઈ ગઈ, “મારું ખોવાયેલું કશું જડતું નથી”, એવો વસવસો સપષ્ટપણે તેમની આંખોમાં આવી ગયો. તેઓ જન્નત તરફ જવા માટે નવા રસ્તાઓ ઉપરથી પસાર થયા, ત્યાં તો તેમની નજર પડી જૂની ખંડેરનુમા ગવર્મેન્ટ કોલેજ ઉપર, અને બંનેની સામે પોતાનો ભૂતકાળ તરી આવ્યો, થોડીક ખુશીના તો થોડાક અફસોસના અશ્રુબિંદુ ટપકી પડ્યા, મધુએ પોતાના દેવને પૂછ્યું”આપણે અહીં રહેવાનું નક્કી કરી ને ભૂલ તો નથી કરીને ?”, શું જવાબ આપે દેવ! એ પોતે જ આંસુમાં ડૂબેલો હતો,બધાથી છુપા વસવસાના અશ્રુમાં, કોલેજ પાસે બંનેની યાદો ભીંજાઈ ગઈ, કારણ હતું ”ઓસ”.


કાર “જન્નત ઓલ્ડ-એજ હોમ” આવી પહોંચી, તેઓએ આ આખા રમણીય સ્થળની મુલાકાત લીધી , ફરતાંફરતાં છેલ્લા રૂમ ઉપર પહોંચ્યા અને જોયા “ઓસ ચાચા”ને, બંન્નેના મોઢામાં થી આશ્ચર્ય સાથે સરી પડ્યું,”દોસ્ત તું ?” અને જવાબ મળે છે,”ઓસ”.
મધુ અને દેવ તેને વળગી પડ્યા, અને ત્રણેય મિત્રો પહોંચી ગયા પોતાની યુવાનીમાં, જયારે તેઓ સત્તરઅઢાર વર્ષના હતા.
વાત છે 1946ની. મેટ્રિક પાસ કરીને આંખમાં કંઈક બનાવાના સપના સાથે નવયુવકોનો ફાલ ગવર્ન્મેન્ટ કોલેજ લાહોરમાં જોડાણો, સાથે થોડી યુવતીઓ પણ ખરી. કોઈને ” બેરિસ્ટર ” બનવું હતું તો કોઈને શિક્ષક, કોઈને પત્રકાર તો કોઈને રાજકારણી.


આ વાતાવરણમાં આવી સુંદર મજ્જાની છોકરી નામ “ઓસ”,આંખમાં કંઈક કરી બતાવવાનું સ્વપ્ન લઇને. થોડી ગભરાતી, મૂંઝાતી એ ક્લાસમાં દાખલ થઇ પણ ત્યાં તો મધુ નામના વાવાઝોડાએ એને પકડી લીધી, સાથે સુમન પણ હતી અને એ ત્રણેયની દોસ્તી જામી. ટૂંક સમયમાં ક્લાસના અતિ મિલનસાર દેવ અને તેના શરમાળ મિત્ર અસદ સાથે પણ આ છોકરીઓની મિત્રતા થઈ . કોલેજમાં પંજાબણ મધુની સુંદરતા પાછળ દરેક છોકરો પાગલ હતો, તો કશ્મીરી બ્રાહ્મણ ઓસની બુદ્ધિ પ્રતિભા અને સાલસ સ્વભાવને બધા ચાહતા. રાજપૂત સુમનનું વેવિશાળ થઇ ચૂક્યું હતું, તે હંમેશા થોડી સંકોચાયેલી રહેતી. જટ્ટ દેવ સોહામણો ,મીઠડો ગાયક હતો અને સુન્ની મુસલમાન અસદ ઓછાબોલો, ગરવો, તીખો,દેશદાઝથી ભરેલો સામાન્ય યુવાન. ઓસને પોતાના પપ્પાની જેમ વકીલ બની સ્ત્રીઓના હક્ક માટે લડવું હતું,મધુ તો ખાલી ડિગ્રી લેવા આવી હતી, સુમનને પરણતાં પહેલા જ્ઞાન મેળવવું હતું, દેવ ગર્લ્સ કોલેજનો પ્રોફેસર બનવા માંગતો હતો અને અસદ આઝાદ પત્રકાર.

ઓસ,મધુ, સુમન, દેવ અને અસદ પૂરો દિવસ સાથે રહેતા જાણે કોમી એકતાનું પ્રતીક. તેઓ કૃષ્ણ મંદિર પણ જતાં અને અનારકલી ચોકના મહાદેવ મંદિર પણ ,ગુરુદ્વારા પણ જતાં તો દરગાહ પણ. દિવાળી હોય કે ગુરુપૂર્ણિમા કે પછી ઈદ હોય ,દરેક તહેવાર, દરેક ખુશી, આ પાંચ મિત્રો માટે એકબીજા વગર અધૂરા રહેતા.

એ કાચી ઉમરમાં ઓસને અજાણતાં જ અસદ સાથે પ્રેમ થઈ ગયો, આખો દિવસ સાથે રહેતા રહેતા એને દરેક વાતમાં એવું લાગવા માંડ્યું કે, અસદ પણ એજ લાગણીમાંથી પસાર થાય છે. કંઈ કહ્યા સાંભળ્યા વગર ઓસ પોતાની લાગણીમાં તણાતી ગઈ, મધુને પોતાના દિલની વાત જણાવી, મધુ તો ઉછળી પડી અને તેણે જઈને દેવને કહ્યું કે, ” તારા મૂંગા મિત્રને કહે કે ઓસ તેને ચાહે છે “, પણ એ ન થઈ શકયુ, દેવને ઓસ ગમતી હતી, તે નહોતો ઇચ્છતો કે અસદ સુધી આ લાગણી પહોંચે. દેવે તે વાત પોતાના મનમાં રાખી, ઓસની સાથે વધુ સમય વિતાવી, તે અસદના મનમાં ગેરસમજ ઉત્પન્ન કરાવતો રહ્યો. અસદે નોંધ્યું કે,ઓસ અને દેવ સાથે ઘણો સમય વિતાવે છે, પરંતુ મારી હાજરીમાં ચૂપ થઇ જાય છે. હા! ઓસ એવું જ કરતી કેમકે અસદને જોતા જ એના હૃદયના ધબકારાઓ વધી જતાં, જીભ થોથવાઈ જતી, પણ દેવ પાસે એ મન ખોલીને અસદની વાત કરી શકતી. અસદ એને બોલાવે તો અવગણતી કેમકે એ પોતાની જ ઊર્મિઓથી ડરતી.અસદે તો દેવ- ઓસનું નામ પણ જોડી દીધું , મધુ પોતાની સખીની આ મનોસ્થિતિ ન જોઈ શકી, તેણે અસદને કહી દીધું “બુદ્ધુ !તને ખબર નથી પડતી કે, ઓસ તને ચાહે છે!”

પ્રથમ વર્ષ ચપટીકમાં પૂર્ણ થઇ ગયું, પરંતુ સાથે સમાચાર લાવ્યું સુમનના લગ્નના અને ભારત-પાકિસ્તાનના ભાગલાના. મધુનું કુટુંબ રાજકારણ માં જોડાયેલું હતું, માટે એમને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો, તેથી 1 ઓગસ્ટ 1947 માં કોઈને કંઈ જ જણાવ્યા વગર તેઓ લાહોરથી નીકળી ગયા. મધુ ઇચ્છતી હતી કે આ વાત તેના મિત્રોને પણ જણાવે,તેમને સાથે લઇ જાય, પરંતુ તેના પિતાએ તેને સમય આપ્યો જ નહિ. આ બાજુ ઓસ,દેવ અને અસદ, મધુની રાહ જોતા. અને આખરે એ ગોઝારો દિવસ પણ આવી ગયો,15 ઓગસ્ટ 1947, જયારે લોકો ભારતની આઝાદીની ઉજવણી કરતાકરતા, કોમવાદના ભાગલાની હિંસા પર ઊતરી આવ્યા, બધા હિંદુ તાત્કાલિક લાહોર છોડવા મંડ્યા ,દેવ અને ઓસના પરિવાર પણ નિકળી ગયા. પરંતુ ઓસનું મન તો અસદમાં હતું, ટ્રેન માં ચડ્યા પછી પણ એને એકવાર અસદને મળવું હતું ,એને પ્રપોઝ કરવું હતું , એનો જવાબ જાણવો હતો.

એજ સમયે સ્ટેશન પર ઝુનૂની મુસ્લિમ ટોળું આવ્યું. હા! એમાં અસદ પણ હતો.ટ્રેન જલ્દી ઉપાડવામાં આવી, પણ ઓસ કશું સમજ્યા વિચાર્યા વગર, અસદ સાથે એકવાર, બસ એકવાર વાત કરી લેવા ચાલુ ટ્રેનમાંથી ઊતરી ગઈ. નહોતો એને આસપાસનો કોલાહલ સંભળાતો, નહોતી હિંસા દેખાતી, બસ એકવાર અસદને કહી દઉં એજ રટણ . અસદે જોયું અને એ બધાથી આગળ દોડ્યો કહેવા કે “ઓસ…તું જા “, પરંતુ ટ્રેન નીકળી ગઈ હતી અને ટોળું બચેલા પ્રવાસીઓની માર કાપ કરતું, સ્ત્રીઓની આબરૂ લુંટતું, બેફામ બની ગયું હતું .

અને બે ઘડી વિચાર કરી ને અસદે પોતાની ઓસના પેટમાં ચપ્પુ હુલાવી દીધું , અને એના કાનમાં કહ્યું ” હા! હું પણ તને ચાહું છું “, ઓસની આંખમાં પીડાની સાથે એક ખુશી ડોકાઈ ગઈ સાથે હતી એની સ્વીકારાયેલી ” પ્રપોઝલ ” .

હા ! આ એજ અસદ હતો જે ટોળા માં જોડાયો હતો તેનાથી બચાવી શકાય તેટલા હિંદુને બચાવવા.જેણે કોઈના હાથે પોતાની ઓસ તડપે નહિ, ચૂંથાય નહિ તે માટે જાતે જ એને મારી હતી, અને એ જ દિવસ થી કોમવાદ ને નફરત કરતો અસદ ચૂપ થઇ ગયો હતો. પશ્ચાતાપ કહો કે સાચો પ્રેમ, એ અસદ મટી “ઓસ ” બની ગયો હતો.

લેખક : એકતા દોશી

દરરોજ અવનવી વાર્તાઓ માટે આજે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી