એક મિત્રતા આવી પણ

આજે Friendship Day છે. તો એક એવા પ્રસંગની વાત કરીએ જે અંગે કદાચ આપને માહિતી ન પણ હોય !

નઝીર ભાતરી નામના શાયર ઉપર એવું આળ છે કે તેમણે પણ મરીઝ પાસે ગઝલો લખાવેલી. હકીકત સદંતર વિપરીત છે. મરીઝે માત્ર નઝીર ભાતરીની ગઝલોની ઇસ્લાહ કરેલી અને મરીઝને નઝીર સાથે િદલોજાનની મૈત્રી હતી. મરીઝના કારણે જ નઝીરને કિશોર વયમાં શાયરીનો ચસ્કો લાગેલો. મરીઝની સાથે એ મુશાયરામાં જાય. સૈફ પાલનપુરી, અમીરી, અમીન આઝાદ, આસિમ રાંદેરી વગેરેની જોડે બેસે-ઊઠે.

એમ કરતાં એ શાયરી કરતા થઈ ગયા. શરૂઆતમાં મરીઝે તેમને મદદ કરેલી, પણ પછી તો એ જાતે જ લખતા. રાત્રે મોડે સુધી લખતા. ‘વતન’માં તેમની શાયરી છપાતી થઈ એટલે લોકોને ખ્યાલ આવ્યો કે આ બહુ સરસ શાયરી કરે છે. મુશાયરામાં તેમને માન મળવા લાગ્યું. મુશાયરામાં નઝીરની તારીફ જોઈને મરીઝે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ બહુ આગળ જશે, પણ તેમને 26માં વર્ષે કેન્સર થયું. આ બીમારીની જાણ થતાં મરીઝ અને પરિવારજનોના જાણે પગ જ ભાંગી ગયા. નઝીરના ખાટલા પાસે રાત-દિવસ મરીઝ બેસી રહેતા. છેલ્લા ચાર દિવસ મરીઝ એમની પડખેથી ખસ્યા નહોતા. મરીઝે તેમનું મેલું પણ સાફ કરેલું. નઝીર જે કંઈ માગે તે તરત હાજર કરતા.

નઝીરનો ‘સમય’ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ મરીઝ વધુ ઢીલા પડતા ગયા. તેમના ચહેરા પરનું નૂર ઊડી ગયેલું. આખરે નઝીરે ચોથા દિવસે દમ તોડ્યો. શરાબ વિના જેને કલાક પણ ચાલે નહીં એ મરીઝે નઝીરના છેલ્લા ચાર દિવસ સુધી શરાબને હાથ સુધ્ધાં નહોતો લગાડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વાર એવું બન્યું હશે કે એમણે ચાર દિવસ સુધી શરાબને હાથ ન લગાડ્યો હોય, પણ નઝીરને દફનાવ્યા પછી મરીઝે નઝીરના ગમમાં હદ બહારનું પીવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારજનોએ અને બીજા કેટલા ય લોકોએ મરીઝને દારૂ પીધેલી હાલતમાં પોક મૂકીને રડતા જોયેલા અને મરીઝે નઝીરની શાનમાં એક અંજલિ લેખ પણ લખ્યો હતો.

? સૌજન્ય : ‘મરીઝ નામની ઘટનાની 100મી જયંતી’, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2017

? આભારી :- મિત્ર વિપુલભાઇ

Post :- — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી