એક જૂની ચિઠ્ઠી – “વર્તમાન ઉપર ભૂતકાળની એક ટકોર” A Powerful Story !!

આજે વેલેન્ટાઈન ડે. મિતાલીને રસોઈની ચિંતા જ નહિ. દર વર્ષની જેમ અનિમેષ એને કેન્ડલ લાઈટ ડિનર કરવા લઈ જશે. દસ વરસનું સુખી લગ્ન જીવન અને આઠ વર્ષની એકની એક લાડકવાયી દીકરી મીઠી. આજે મીઠી તો નાની ને ત્યાં જ જમશે. નાનીએ એને માટે એને મનગમતી વાનગીઓ કરી હશે. અનિમેષ ઓફિસે અને મીઠી હજી શાળામાં. એને થયું આ વધેલા સમયમાં આજે જરા સ્ટોર રૂમની સાફસફાઈ કરી નાખે.

લગ્નના આટલા વર્ષોમાં એને આ ઓરડામાં આવવાની તક જ બહુ ના મળી. પોતે મીઠીના ઊછેરમાં એટલી વ્યસ્ત. એક માં જ એક માની વ્યસ્ત જરૂરિયાતોને સમજી શકે. તેથી જ અનિમેષની માં જ આ બધી સગવડ અને વ્યવસ્થાની કાળજી લઈ નાખતા. મિતાલી હતી તો ભાગ્યશાળી. સાસુ પોતે જ પસંદ કરી એને ઘરમાં લાવ્યા હતાં. અનિમેષ પણ માંની પસંદગીથી ખૂબ જ ખુશ. એક દીકરીની જેમ જ એ ઘરમાં રાજ કરતી. અને મીઠી તો જાણે આ ખુશીઓનું બોનસ. એક નાનો ખૂબ જ સુખી પરિવાર. પણ એક વર્ષ પહેલાં જ અનિમેષની માતાનું અવસાન થયું ત્યારથી ઘરની સંપૂર્ણ જવાબદારી હવે એને જ સંભાળવી રહી. નવી જવાબદારીઓમાંની એક આ સ્ટોર રૂમની વ્યવસ્થા.

અહીં ઘરનો બહુ ઉપયોગી નહિ એવો સામાન સચવાયો હતો. કેટલુંક જૂનું ફર્નિચર, જૂની યાદો, અનિમેષની બાળપણની યાદો, રમકડાંઓ અને એવું ઘણું. ખૂણામાં રખાયેલી એક જૂની અલમારીથી એણે સફાઈ આરંભી. અલમારી ખોલતાં જ ધૂળથી એને ખાંસી ચઢી. અંદર અનિમેષના બાળપણના કેટલાક કપડાઓ, શાળાના અને કોલેજ સમયના સાહિત્યો, સંભાળીને માંએ રાખ્યા હતાં. બાળકની બાળપણની યાદો એ જ માનો ખજાનો! ધીરે ધીરે એણે બધું મૂકવા માંડ્યું કે કંઈક ઊડી ને એના પગે લાગ્યું.

એક ખૂબ જ જૂનું પરબીડિયું. પણ એ ખોલાયું ના હતું. એક તારીખ એની ઉપર હતી. આ તારીખ તો ખૂબ જ જાણીતી. એ કઈ રીતે યાદ ના હોઈ એ તો એના અને અનિમેષના લગ્નની તિથિ. આ કાગળ એમના લગ્નના દિવસે લખાયો હતો. પણ કદાચ હજી વંચાયો ના હતો. શું હશે એની અંદર અને એ આમ અહીં સ્ટોરરૂમમાં કેમ પહોંચ્યો? રહસ્યમયતા અને આશ્ચર્ય સાથે એણે ધીરેથી પરબીડિયું ખોલી સંભાળીને કાગળ કાઢ્યો. અક્ષર એ તરત જ ઓળખી ગઈ. આ તો અનિમેષના જ અક્ષર. રસપૂર્ણ એ એક એક શબ્દ વાંચી રહી:

“હું તારી જોડે લગ્ન ના કરી શકું. મારી પણ મજબૂરી છે. થઈ શકે તો મને માફ કરજે. મારી રાહ ના જોઈશ. કોઈ સારો જીવનસાથી શોધી લગ્ન કરી લેજે. હું તારા પ્રેમને લાયક જ નથી. સોરી એન્ડ ઓલ ધ બેસ્ટઃ અનિમેષ”

મિતાલી એક ક્ષણ માટે હોશ જ ખોઈ બેઠી. શરીર કાંપવા લાગ્યું. પગ ધ્રૂજવા માંડ્યા અને એક જૂની ચિઠ્ઠીએ પળભરમાં જ એના સુખી વિશ્વને ડામાડોળ કરી નાખ્યું. એને ચક્કર ચઢી ગયા. બાજુમાં મૂકેલી એક જૂની બેન્ચ પર એ ફસડાઈ પડી. એની છાતીમાં એક તીવ્ર પીડા ઊઠી.

એટલે એ અનિમેષની બીજી પસંદગી? કે પછી એની પસંદ જ નહીં ફક્ત એની માંની જ પસંદગી? એની જોડે લગ્ન અનિમેષની મરજી નહીં ફક્ત સમય સાથે થયેલ એક કરાર?

એનું મગજ વિચારોના ભ્રમરમાં ચકરાવા લાગ્યું. અનિમેષ સાથે એણે ભલે અરેન્જ મેરેજ કર્યા હોઈ પણ એને માટે તો આ અરેન્જ મેરેજ લગ્નના થોડા જ દિવસોમાં જાણે લવ મેરેજમાં ફેરવાઈ ગયા હતા. એ અનિમેષના વિચારો, વ્યક્તિત્વ, સ્વભાવથી ધીરે ધીરે એવી અંજાતી ગઈ કે એને જ જાણ ના થઈ કે એ ક્યારે એના પ્રેમમાં પડી ગઈ. અનિમેષને એક જીવન સાથી તરીકે, એક મિત્ર તરીકે, એક પ્રેમી તરીકે એણે હૃદયમાં જે સ્થાન આપ્યું હતું એનું સૌથી મોટું કારણ એના ચરિત્રની સચ્ચાઈ અને એના પ્રેમની પારદર્શિતા.

પણ આજે આ એક જૂની ચિઠ્ઠી એ બધી જ પારદર્શિતાઓ આગળ એક મોટો પ્રશ્નચિન્હ બની ઊભી રહી! એણે કોઈને પ્રેમ કર્યો ને આમ જ અર્ધે રસ્તે જ મજબૂરીના બહાના હેઠળ છોડી આવ્યો.?! આ એ જ અનિમેષ જેના પર એ કેટલો ગર્વ લેતી! આજે એની કાયરતાનો પુરાવો નિહાળી એ ગર્વ ચૂરેચૂરા થઈ ઊડ્યું. કોઈને પ્રેમ કરવાની હિંમત જો હોય તો એને સાથ આપવાની કેમ નહિ? એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આજે સ્વર્ગસ્થ માં બહુ જ યાદ આવ્યા. આંખો ટપટપ થતી વરસતી ગઈ. વિચારોના થાકથી એના શરીરમાં કમજોરીએ જોર પકડ્યું.

ચિઠ્ઠી લઈ એ સ્ટોર રૂમની બહાર આવી ગઈ. મીઠી શાળાએથી આવી ચુકી હતી. નાનીને ત્યાં જવાનો ઉત્સાહ એટલો કે એ બધું જ જગ્યાએ ગોઠવી તૈયાર થવા એના ઓરડા તરફ ભાગી. મિતાલીને પણ ડિનર પર જવા તૈયાર રહેવાનું હતું. એ નિરુત્સાહ અને તણાવ અનુભવતી એના ઓરડામાં પોંહચી. સવારથી જ બધી પૂર્વ તૈયારીઓ એણે કરી રાખી હતી. અનિમેષને ગમતી આ લાલ સાડી, મેચિંગ બંગડીઓ, અનિમેષે ભેટમાં આપેલ ઈયરિંગ્સ અને માંની નિશાની મંગળસૂત્ર જે એમણે મૃત્યુના થોડા મહિના પહેલા જ એની માટે ખાસ તૈયાર કરાવ્યું હતું. એણે પ્રેમથી બધાને સ્પર્શ્યું પણ પહેરવાની હિંમત જ ના થઈ:

“અરે તું હજી તૈયાર ના થઈ?”

પાછળથી અનિમેષનો અવાજ સંભળાયો. એ કંઈ જ બોલી ન શકી.

“હું ઝડપથી તૈયાર થઈ મીઠીને મૂકી આવું, એટલે તું તૈયાર રહેજે.”

મિતાલીને પ્રેમપૂર્વક પિસાની રોજની જેમ ચૂમી એ તૈયાર થવા ઉપડ્યો . મિતાલીના મોંમાંથી એક પણ શબ્દ ના નીકળ્યો. એને કેટલું બધું પૂછવું હતું, કેટલું બધું કેહવું હતું. પણ એનું આ સુખી જીવન એને જાણે એક સુંદર સ્વપ્ન સમાન સાચવી રાખવું હોઈ એમ એ શાંત જ ઊભી રહી. અનિમેષ મીઠીને છોડવા ગયો. મિતાલી હિંમત કરી તૈયાર થવા પ્રયત્ન કરી રહી. પણ એ ચિઠ્ઠીના શબ્દો એને અટકાવવા લાગ્યા. કોણ હશે અનિમેષનો પ્રથમ પ્રેમ? ક્યાં હશે? શું હજી પણ બંને એકબીજાના સંપર્કમાં હશે? હું અનિમેષનો પ્રેમ બનવા ઈચ્છું એની ફક્ત એક જવાબદારી જ નહીં .એક ડૂસકું ભરાઈ ગયું અને એ પલંગ ઉપર ઊંધી પડી ઓશિકામાં બધા જ આંસુ ખલવી રહી. અનિમેષ એને લેવા આવી પહોંચ્યો. મિતાલીને આ પરિસ્થિતીમાં નિહાળી એ ડરી જ ગયો:

“મિતાલી શું થયું? તું આમ કેમ રડે? તારી તબિયત તો ઠીક છે?”

રડતાં રડતાં જ મિતાલીએ ચિઠ્ઠી એને થમાવી. અનિમેષ ને મોટો આંચકો લાગ્યો:

” આ તને ક્યાંથી મળી?”

અનિમેષની આંખોમાં આંખ પરોવી એ બોલી :

“આજે સ્ટોર રૂમની સફાઈ કરવા ગઈ હતી”

અનિમેષ એક ગુનેગારની જેમ આંખો નીચે ઝૂકાવી રહ્યો.

“તો મારી સાથે કરેલા લગ્ન તારી ઈચ્છા નહિ ફક્ત માંની લાગણી ના દુભાઈ એ માટે કરેલો તારો ત્યાગ એમ જ ને?” શું જવાબ આપે એની મૂંઝવણમાં અનિમેષની નજર હજી પણ ચિઠ્ઠીને જ તાકી રહી.

“જો અનિમેષ હું તને ખૂબ જ પ્રેમ કરું પણ હું અને મીઠી તારા માથા પરનો બોજ ના જ બનીયે. હવે તો માં પણ નથી. એમની લાગણીઓ માટે તને હવે શેની ચિંતા? હું અને મીઠી તારા જીવનથી દૂર જતા રહીશુ. તું તારું બચેલું જીવન આમ ત્યાગમાં ના વેડફ. યુ મેં ડિવોર્સ મી”

ડિવોર્સ શબ્દ સાંભળતા જ એ ઊભો થઈ ગયો:

“આ શું કહી રહી છે તું મિતાલી? આટલી નાની ભૂલની આટલી મોટી સજા?”

“નાની ભૂલ? આઈ કેન નોટ બીલીવ ધીઝ! તે મારાથી આ વાત છુપાવી એ કદાચ હું માફ કરી શકું, પણ જેને તું આમ કાયરની જેમ છોડી આવ્યો એનું શું થયું હશે કદી વિચાર્યું છે? પ્રેમનો તારો એ ગુનાહ હું માફ ના જ કરી શકું!”

મિતાલીએ માફી ના આપવાનો નિર્ણય સંભળાવ્યો કે અનિમેષ જોરથી હસી પડ્યો. એનું હસવું તો જાણે રોકાઈ ના રુકતું હતું. આવો પથ્થર હૃદય હશે અનિમેષ એની કદી મિતાલી એ કલ્પના પણ ના કરી હશે.

” મિતાલી આજે કેન્ડલ લાઈટમાં બુફે થીમ છે. એમ અહીં જ વાતો કરતા રહીશું તો ભૂખ્યા જ રહી જઈશું. એ ફરી હસ્યો.

“અનિમેષ અહીં મારુ આખું જીવન ઊંધું થઈ પડ્યું છે ને તને જમવાની પડી છે? હૃદય હજી જગ્યાએ છે કે એની જગ્યાએ પથ્થર ગોઠવી દીધો છે?”

અનિમેષે હાસ્ય ખંખેરી મિતાલીનો ચેહરો એના બંને હાથોમાં લઈ લીધો:

“દસ વર્ષ મારી ઉપર વિશ્વાસ રાખ્યો. હજી થોડા કલાક ના આપી શકે?”

મિતાલી એ નજર ઝૂકાવી દીધી.

” પ્લીઝ તૈયાર થઈ જા. આઈ પ્રૉમિસ. હું તને શબ્દેશબ્દ બધું જ કહી દઈશ. પછી તારો જે નિર્ણય હોઈ એ હું સ્વીકારી લઈશ. ગીવ મી વન ચાન્સ એટલિસ્ટ”

મિતાલીનો અનિમેષ માટેનો ગાઢ પ્રેમ, એના તરફના અનન્ય હેતે એને એક તક આપવા રાજી કરાવી જ લીધી. એ તૈયાર થઈ અને બંને હોટેલ જવા નીકળી પડ્યા. ગાડીમાં આખે રસ્તે એ એક પણ શબ્દ ના બોલી. તદ્દન શૂન્યમનસ્ક. ભૂતકાળનો ભાર,વર્તમાનની હતાશા અને ભવિષ્યની અનિશ્ચિતતા. શૂન્યમનસ્ક થયા વિના કોઈ વિકલ્પ બચ્યો હતો ખરો? અનિમેષ લાલ સાડીમાં સજ્જ એની મિતાલીને અવારનવાર નિહાળતો ગાડી હાંકે જતો. આજે એને મિતાલી કંઈક વધુ જ સુંદર લાગી, પણ એની મિતાલીના ચહેરા ઉપરથી દરરોજ જોવા મળતી ખુશી અને હાસ્ય અદ્રશ્ય હતા.

હોટેલ પહોંચી બંને ટેબલ પર ગોઠવાયાં. આખું જ વાતાવરણ પ્રેમ અને રોમાન્સથી છલકાતું હતું. અનિમેષ જાતે જ થાળ તૈયાર કરી લઈ આવ્યો. બુફે મેનુમાંથી મિતાલીની દરેક ગમતી વાનગીઓ એ સજાવી લાવ્યો.પણ મિતાલીનો હાથ જમવા ઊઠ્યો જ નહીં. છેવટે એણે કોટમાંથી એ જૂની ચિઠ્ઠી કાઢી ટેબલ પર મૂકી:

“તને જાણવું છે આ ચિઠ્ઠી મેં કોને સંબોધી લખી હતી?”

મિતાલીનું હૈયું જાણે એક ધબકાર છોડી ગયું!

“તો સાંભળ આ ચિઠ્ઠી મેં તારા માટે લખી હતી.”

મિતાલી સ્તબ્ધ જ થઈ ગઈ. એને કંઈ જ સમજ ના પડી. એના ચ્હેરાના ભાવ અનિમેષે વાંચી લીધા. એને સમજાવવાનો પ્રયાસ કરતા એણે વાત આગળ વધારી.

“તું તો જાણે જ છે પિતાજી બહુ જલ્દી આ દુનિયા છોડી ગયા. મને ઉછેરવામાં માં એ જે સંઘર્ષ કર્યો એ જોતાંજોતાં જ હું સફળતાના શિખરો સર કરવાની જીદે ચઢ્યો. માં લગ્ન કરાવી મને ખુશ જોવા ઇચ્છતી હતી. પણ હું માનસિક રીતે તૈયાર ના હતો. મારી કારકિર્દી આગળ લગ્નની જવાબદારી ને હું બાધા બનાવવા ઈચ્છતો ના હતો. લગ્નથી જવાબદારીઓનો ભાર વધે અને સંઘર્ષ બમણો થાય, પણ માંની જીદ આગળ હું નબળો પડ્યો. એમને લગ્નની તિથિ પણ ગોઠવી દીધી”

મિતાલી ધ્યાનથી એક એક શબ્દ સાંભળી રહી.

” લગ્નના દિવસે મને ભાગી જવાનો વિચાર આવ્યો. બધાથી છુપાઈ હું સ્ટોર રૂમમાં જઈ તારા નામે ચિઠ્ઠી લખી રહ્યો. પણ માં મને શોધતી સ્ટોરરૂમ આવી પહોંચી. ગભરાટથી મેં ચિઠ્ઠી અલમારીમાં ક્યાંક ફેંકી દીધી. નિયતિની રમત તો જો… જે ચિઠ્ઠી હું ત્યાં જ છોડી ભુલ્યો, જે આટલા વર્ષો માં માંની વૃદ્ધ આંખે ના ચઢી એ સીધી જ તારા હાથમાં આવી પહોંચી!”

મિતાલીથી એક ઊંડો નિસાસો નખાય ગયો. પહેલેથી જ પલળેલી એની આંખો વધુ પલળી ગઈ.

“અનિમેષ આખરે તો હું તારા માટે જીવનનો સમજોતો જ ને અને મીઠી પણ કદાચ”

“એમ ના કહે મિતાલી. સમજોતાથી શરૂ કરેલ આ સંબંધ તો ક્યારનો પ્રેમમાં પરિણમી ચૂક્યો છે. તે મારા જીવનમાં પ્રવેશી મને પ્રેમની સાચી વ્યાખ્યા શીખવી. હું સમજી ગયો કે પ્રેમ જીવન માટે ભાર નહિ, પણ પ્રેમ તો પોતે જ જીવનભરને હળવી કરતી ઔષધિ. પ્રેમને સ્વીકારવાથી જ જીવન જીવન થાય, નહીં તો ફક્ત યાંત્રિક કાર્યોની હારમાળા. પ્રેમમાં જવાબદારીઓનો ગુણાકાર ના થાય. પ્રેમ તો બે હૃદયો દ્વારા થતો જવાબદારીઓનો ભાગાકાર. તે મારા ઘરને, માંને, મને એક નવું જીવન આપ્યું અને આ કાયર માનવીને એક નીડર પ્રેમી બનાવી નાખ્યો.”

મિતાલીના આંખોના અશ્રુ જોર પકડી રહ્યા.

“હું તારા અને મીઠી વિના ના જ જીવી શકું”

આગળ કઈ ના બોલી શકતા એક બાળક જેમ એ રડી પડ્યો. મિતાલી ગળું ખંખેરતા ઊભી થઈ ગઈ. બધા જ સાંભળી શકે એમ એ ઘોષણા કરી રહી:

“આજે આ પ્રેમના ઉજવણી દિવસ નિમિત્તે હું મિતાલી આપ શ્રી અનિમેષની સામે પ્રસ્તાવ મુકું છું, શું આપ આપનું આખું જીવન મારી સાથે વિતાવવું સ્વીકારશો?”

આજુબાજુના ટેબલ પરથી આજીજી સંભળાવા લાગી:

“સે યસ, સે યસ, સે યસ.”

આંસુઓ લૂછતાં એણે મિતાલીને ગળે લગાવી દીધી:

“યસ આઈ વિલ”

હોટેલનો આખો રૂમ તાળીઓના ગડગડાહટથી ગૂંજી ઉઠ્યો અને મિતાલીએ ટેબલ પરથી ચિઠ્ઠી ઉઠાવી એના ટુકડેટુકડા કરી હવામાં ઉડાવ્યા. અનિમેષની પીસાની ચૂમી બોલી પડી:

“હેપ્પી વેલન્ટાઇન ડે માઇ લવ”

લેખક – મરિયમ ધુપલી

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી