એક દુજે કે લીયે – આજે વાત બે ભાઈઓના પ્રેમની, એકબીજા પ્રત્યે સ્નેહની…

એક દુજે કે લીયે

બે ભાઈયો પોતાના ખેતરમાં સાથે કામ કરતા હતાં. એમાંનો મોટો ભાઈ પરણેલો હતો અને તેને બાળકો પણ હતાં. બીજો કુંવારો હતો. દર વખતે બંને ભાઈ પાક અને થયેલી કમાણીની બરાબર અડધે હિસ્સે વહેચી લેતા હતા.

એક દિવસ નાના ભાઈએ વિચાર્યું, “પાક અને કમાણી અમે બંને ભાઈઓ સરખે સરખા વહેચી લઈએ છે એ બરાબર નથી. હું એકલો છું અને મારી જરૂરિયાતો ઓછી છે, એટલે મોટા ભાઈને વધુ હિસ્સો મળવો જોઈએ.” એટલે એ રોજ રાત્રે પોતાના ખળામાંથી અનાજની એક ગુણ ઉઠાવીને, બંને ભાઈના મકાન વચ્ચેની ખાલી જગ્યામાંથી પસાર થઈને મોટા ભાઈની ખળામાં મૂકી આવતો.

આ દરમિયાન પરણેલા મોટા ભાઈએ વિચાર્યું કે, “પાક અને કમાણી અમે બંને ભાઈઓ સરખેસરખા વહેચી લઈએ એ બરાબર નથી. હું તો પરણેલો છું. આગામી વર્ષોમાં મારી સંભાળ તો મારી પત્ની અને મારા બાળકો લેશે. નાના ભાઈને તો નથી પત્ની કે નથી બાળકો, તો ભવિષ્યમાં એની સંભાળ કોણ લેશે ? એને વધુ હિસ્સો મળવો જોઈએ.”

એટલે એ રોજ રાત્રે પોતાના ખળામાંથી અનાજની એક ગુણ ઉઠાવીને કુંવારા ભાઈના ખળામાં મૂકી આવતો. પોતાની અનાજની ગુણો ક્યારેય ખલાસ કે ઓછી કેમ ન થઇ?? એ અંગે બંને ભાઈઓ વર્ષો સુધી વિમાસણમાં જ રહ્યા. પછી એક રાત્રે બંને ભાઈયો અંધારામાં અથડાઈ પડ્યા. એમને આખી વાત સમજાઈ ગઈ. અનાજની ગુણ નીચે પટકીને બંને ભાઈઓ હેતથી ભેટી પડ્યા. લાગણીનો ધોધ બંનેની આંખમાંથી વહેતો હતો.

બોધ : ચાહે પરિવારમાં કે ઓફિસમાં, આપણે એકમેક પર શંકા કરવાને બદલે એકબીજાને જરૂરિયાત પ્રત્યે વધુ સંવેદનશીલ બનીએ તો આગળ જતા સૌને ફાયદો જ ફાયદો છે.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી નાની નાની બોધકથાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી