એક ડાયરી by Dhawal Barot

રાજ અને મીરા ઘરડા પણ પ્રેમાળ દંપતિ હતા. એક દિવસે નદી કિનારે, બાંકડે બેઠા-બેઠા બંને ઝીંદગીમા વિતાવેલી ક્ષણોને યાદ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ મીરાએ કહ્યું, “રાજ! જાણે ગઈકાલની જ વાત હોય પણ જોત-જોતામા ઝીંદગીના ચાલીશ વર્ષ ગુજરી ગયા.”

“ખરેખર! મને વખાણવો પડે હો!”, ભલે ઘરડા થઇ ગયા હતા પણ હજુ પણ પ્રેમમા હાશ્ય નો રંગ ઉમેરી મીરાને હેરાન કરવાનું રાજ ક્યારેય નતા ચુકતા.

“મજાક નહીં રાજ પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આપડા ઘણા મિત્રો ના લગ્ન સફળ ના થયા તો ઘણા ના સફળ થઇ ને પણ અસફળ રહ્યા. આપડે ક્યારેય આવું કઈ પણ ના થયું. શું આનું કારણ આપડો પ્રેમ જ છે કે બીજું કઈ?” મીરાએ એક પ્રશ્નમા ઘણું-બધું પૂછી લીધું.

“તારે જાણવું જ હોય તો આજે હું પ્રેમની એક કબૂલાત કરવા માંગુ છું. જે મેં આટલા વર્ષો સુધી છુપાયેલી રાખી હતી.” રાજે જણાવ્યું.
“મારા ઘરડા પતિ! તે શું છે? જરા જણાવશો?” મીરાએ આતુરતાપૂર્વક પૂછ્યું.

“વર્ષો પહેલાની વાત છે. જયારે હું તારા ઘરે લગ્નની પહેલા આવ્યો હતો, ત્યારે મને તારા કબાટમાંથી એક ડાયરી મળી હતી. તે ડાયરીમા તે એ દરેક વસ્તુ લખી હતી જે તું તારા ભવિષ્યના પતિથી ઇચ્છતી હતી. મેં તે દિવસે એ ડાયરી લઇ લીધી અને મનમા ધારી લીધું કે અંદર લખેલી દરેક માંગ હું સમયાંતરે પુરી કરીશ.” રાજે વધુ ઉમેરતા જણાવ્યું,

“જેમ કે ડાયરીના પેજ નંબર 25 પર તે લખ્યું હતું કે,

વહાલા ભવિષ્યના પતિ,

સમાજના નિયમોને કારણે હું બહુ ઘરની બહાર ફરી નથી. પણ સાંભળ્યું છે કે આ દુનિયા બહુ જ સુંદર છે. શું તમે મને દુનિયા બતાવશો અને સમાજના ઘણા બંધનોમાંથી આઝાદી અપાવશો. – સહ પ્રેમ સાથે. તમારી પત્ની મીરા.”

“શું? તે ડાયરી તમે લઇ લીધી હતી? હું તેને શોધી-શોધી ને થાકી ગઈ હતી. તમે કેમ આવું કર્યું? કેમ ડાયરી લઇ લીધી. જાઓ તમારી સાથે નથી બોલવું.” મીરાએ આશ્ચર્યચકિત થઇ ચુકી હતી.

રાજે મીરાનો હાથ પકડ્યો અને આંખોમા આંખો નાખીને જણાવ્યું, “તમારા પત્નીઓ પાસે અદભૂત કળા હોય છે. પતિઓના શબ્દો તમે વગર બોલે સાંભળી અને સમજી જાઓ છો. પણ બીજા પતિઓની જેમ હું પણ આ કળાથી અજાણ છું. તે વગર ડાયરીએ મારી બધી ઈચ્છાઓ પુરી કરી. જયારે મેં ડાયરી સાથે તારી ઈચ્છાઓ પુરી કરી.”

આટલું કહીને ફરી રાજે મજાકના ભાવમા ઉમેર્યું, “અને તોય કોઈ મારી સાથે નથી બોલતું. શું કરવું હવે આ ઘરડી ઉમરમા મારે? બોલે છે કે નહીં?”

ચહેરા પર પ્રેમ ભર્યું સ્મિત આપી મીરા એ રાજના ખભે માથું મૂક્યું અને કહ્યું, “ઝીંદગીના દરેક તબ્બકે તે મારી માંગણીઓ પુરી કરી. મેં સપનામા પણ નતું વિચાર્યું કે તે બધી માંગણીઓ પુરી થશે. સાચા અર્થમા કહું તો તે મારી માંગણીઓ પૂર્ણ અને મને સંપૂર્ણ કરી છે. આઈ લવ યુ માય ઓલ્ડ મેન.”

ખરેખર મિત્રો. સાચો પ્રેમ એકબીજાને સંપૂર્ણ કરી દે છે.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી