ઝવેરચંદ મેઘાણી લિખિત એક અદભૂત વાર્તા !!

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ.

એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.

ચોર કહે : ‘શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !’

વાણિયો કહે : ‘બસ ભાઈ, મારે વધારે નથી પીવું.’

ચોર કહે : ‘શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.’

વાણિયે પાણી પીધું. ચોર કહે : ‘શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’

વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો : ‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?’

ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં.

દાંત કાઢીને ચોર કહે : ‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ, તમે ક્યે ગામ જાઓ છો ?

શેઠ કહે : ‘ઉજેણી નગરી.’

ચોર કહે : ‘ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.’

વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા.

રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે !

રાજાએ હુકમ કર્યો કે ‘આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય.’

રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા.

રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઊતરવા મંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી.

ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે. એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, ‘ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેકાણાં બતાવું.’

બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ-શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે : ‘કોણ એ, ભાઈ !’

આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ‘ચાલો, બીજે ઘેર. આંહી ખાતર નથી પાડવું.’

રાજા કહે : ‘કાં ?’

ચોર બોલ્યો : ‘શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.’ એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો.

પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા.

ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો.

રાજા કહે : ‘કેમ થયું ?’

ચોર બોલ્યો : ‘ભાઈ, આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ. ચાલો, બીજે ઘેર !’

રાજાને થયું કે ‘આ તે ચોર કે સંત !’

ત્રીજે ઘેર ગયા; રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, ‘ભાઈ, શુકન તો સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઈ લૂંટાય ? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો, બીજે ઘેર.’

રાજા કહે : ‘ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ.’

બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા; ત્યાં એક પણ ચોકીદાર ન જોયો.

ચોર પૂછે છે : ‘ભાઈ ! આ તે શું ? ગામમાં કોઈ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાં યે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !’

રાજા કહે : ‘અરે ભાઈ ! એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતાં.’

મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે ‘આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંના છોકરાં બેઠાં બેઠાં ખાય.’

પણ ખાટ શી રીતે કાઢવી ! રાણીજી જાગી જશે તો !

પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું.

પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા.

પેલો ચોર કહે : ‘લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.’

રાજા કહે : ‘હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.

ચોર કહે : ‘ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.’

ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી

તરત ચોરે રાજાને કહ્યું : ‘ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?’

રાજા હસી પડ્યા અને પૂછ્યું : ‘તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?’

ચોરે કહ્યું : ‘રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !’

રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યાં. એને રાજમાં નોકરી દીધી.

સમાપ્ત

ઝવેરચંદ મેઘાણી નો ટૂંકો પરિચય :

સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એમણે જે લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે -મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે……..ગુજરાતી સાહિત્યના આ નરવીર રત્ને સૌરાષ્ટ્રના પાંચાળના ગામડાઓ, કસ્બાઓ, ગીરના અડાબીડ જંગલો, નેસડાઓમાં રઝળપાટ કરીને શોર્યવાતો, બલીદાન, ત્યાગ, પ્રેમ,સમર્પણની વાતો, રાસડાઓ, દુહાઓ, લોકવાર્તાઓને શોધી શોધીને રકત ટપકતી કલમ દ્વારા ખમીરવંતી કથાઓને અક્ષરદેહ આપ્યો છે. મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યાં હતાં.

એ માટે ગુજરાતી પ્રજા હંમેશા એમની ઋણી રહેશે.

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

ભારતને આઝાદી મળી તે અગાઉ એજન્સીના બ્રીટીશ શાસન દરમિયાન ચોટીલાના પોલીસ થાણામાં ફરજ બજાવતા કાળીદાસ દેવચંદભાઈ મેઘાણીના ધેર તા. ૨૮-૮-૧૮૯૬ના દિવસે જન્મેલા ઝવેરચંદે ગુજરાતી સાહિત્યને એક નવી જ દીશા આપી હતી.ઝવેરચંદ મેઘાણીએ વર્ષ ૧૯૧૨માં મેટિ્રક થયા બાદ ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ઇંગ્લીશ અને સંસ્કત સાથે સ્નાતકની ઉપાધી મેળવી હતી. ૧૯૧૭માં તેઓ કલકત્તાની જીવણલાલ એલ્યુમિનિયમ કંપનીમાં જોડાયા હતા. જયાં તેઓએ સતત ત્રણ વર્ષ કામ કર્યું હતુ.

આ નોકરી દરમિયાન તેઓએ યુરોપની મુલાકાત પણ લીધી હતી. વર્ષ ૧૯૨૧માં તેઓ પોતાની નોકરી છોડી મૂળ વતન બગસરા પરત ફર્યા હતા. જયારે ૧૯૨૨માં તેઓએ જેતપુર ખાતે દમયંતીબેન સાથે ગૃહસ્થાજીવનની શરૂઆત કરી હતી.

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે.

જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખરચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6

મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક

સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

આભાર-
ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani

૫૦ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું હૃદયરોગની બીમારીથી બોટાદ ખાતે તા. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ મોત થયુ હતુ.

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે ઘણી વધુ માહિતી, જુના ફોટા, એમની રચનાઓ, એમના હસ્તાક્ષરમાં અમુક લખાણો… એવું ઘણું બધું એમની પોતાની વેબસાઇટ – http://jhaverchandmeghani.com/પરથી મળશે..

આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને અંજલી અર્પતું સર્જન
ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી – મનુભાઇ પંચોળી ‘દર્શક

કાલે હું ચોટીલા ગયો હતો. ચોટીલામાં ચામુંડાનો સુંદર મજાનો ડુંગર છે. ડુંગરના પેટાળની નીચે બહુ મોટી સભા ભરાઇ હતી. ચોટીલામાં આવડો મોટો સમુદાય કોઇ દિવસ એકઠો નહીં થયો હોય, પણ મેઘાણીનું એ જન્મસ્થળ, અને મેઘાણીને પોતાની અંજલિ આપવા બધા એકઠા થવાના, એવું સાંભળીને હજારો લોકો આવેલા. પોતાના જ કુટુંબમાં કોઇ મુરબ્બીની ગુણગાથા ગાવાની હોય, અને તેમાં હું રહી જાઉં તો કેટલી મોટી ખોટ જાય – તેવા તેમના ભાવો હતાં.

મેઘાણીભાઇના આ મણિમહોત્સવ અંગે જ્યાં જ્યાં જવાનું થાય છે ત્યાં લોકોની બહુ મોટી મેદની જામેલી હોય છે. ત્યાં જે બોલાય છે તે બધા સમજે છે એવું કાંઇ નથી. મારો વારો તો આવ્યો લગભગ બે કલાક પસાર થયા પછી. ત્યારે મેં લોકોને ધન્યવાદ આપ્યાં. : “તમે અમને સહન કરી લો છો એને માટે તમારો પાડ માનવો જોઇએ. પણ તમે સહન કર્યું તેની પાછળનું એક કારણ એ છે કે તમને એમ છે કે મેઘાણી અમારો માણસ હતો. અમારા માણસનું કાંઇક સારું સારું બોલાય છે; પછી અમે સમજીએ કે ન સમજીએ.

અજ્ઞજનોમાં એક ગુણ હોય છે, એક કદર હોય છે, એ લોકો કાંઇ શબ્દને નથી વળગતાં, ભાવને વળગે છે કે ભાઇ, આ લોકો મેઘાણીનું કાંઇક સારું સારું કહેવા આવ્યા છે – પછી બસ, વચમાં કાંઇક ન સમજાય તો પણ વાંધો નહીં. જેમ આપણે મૂર્તિની આરતી ઉતારતા હોઇએ છીએ ને બ્રાહ્મણ સંસ્કૃતમાં બોલતા હોય એ કાંઇ આપણે સમજતા થોડું હોઇએ ? પણ આપણે આરતી ઉતારીએ ત્યારે આપણા મનમાં હોય છે કે બહુ સારું ! બહુ સારું ! ભગવાનના ગુણ ગાય છે, બસ, આટલા ઉપરથી પૂજામાં આપણી સ્થિરતા આવે છે. મેં આ લોકોને કહ્યું, “મેઘાણી તમારો માણસ છે તેમ માનીને તમે બે ત્રણ કલાકથી બેઠા છો, પણ તમે બેઠા તેમ અમેય પણ ત્રણ કલાકથી બેઠા છીએ. – જે તમારા જેવા નથી, અમે તો પંડિતો મનાઇએ છીએ. અને છતાં અમે પણ ત્રણ કલાકથી બેઠા છીએ; તો અમારી ધીરજનું શું કારણ છે? એનું કારણ એ છે કે મેઘાણીએ તમને તમારો પરિચય કરાવ્યો, અને અમનેય તમારો પરિચય કરાવ્યો. તમને પણ ખબર નહોતી કે તમે કોણ છો અને અમને પણ ખબર નહોતી કે તમે કોણ છો. આ મોટું સેતુબંધનું કામ કર્યું. એક મોટો દરિયો હતો તમારી અને અમારી વચ્ચે, તે દરીયા પર તેમણે પાળ બાંધી દીધી. એટલા માટે અમે પણ મેઘાણીમય થઇ ગયા છીએ, તમે પણ મેઘાણીમય થઇ ગયા છો.”

સાભાર : પ્રગનજી

 

ટીપ્પણી