એક આદર્શ પ્રાથમિક શાળા – ગામડા ની શાળા જયારે રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ માટે પસંદ થાય ! Inspiring….

શાળા એ એક માધ્યમ છે જે બાળકને રાષ્ટ્રનું ભવિષ્ય બનાવે છે. રાષ્ટ્રના નયનરમ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે એનો સર્વાંગી વિકાસ ખુબ જ જરૂરી પરિબળ થઇ પડે છે. અહી બાળકને માત્ર ભણાવવું કે પછી પુસ્તકિયું જ્ઞાન આપીને મેડલ લઇ આવવા એટલા માત્રથી શાળાની ફરજ પૂરી થતી નથી. પરંતુ, શાળાની એ પણ જવાબદારી છે કે બાળક દરેક ક્ષેત્રમાં કમ્ફર્ટ મહેસુસ કરે એ રીતે એમનું યોગ્ય ઘડતર કરવું. આજે આવી જ જવાબદારી બખૂબી નિભાવતી એક શાળાની વાત કરવી છે જેનું નામ છે “નવા નદીસર પ્રાથમિક શાળા” અને જેનું એકમાત્ર ધ્યેય વાક્ય છે, “શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ નાગરિકથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ”.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના એક નાનકડા ગામ એવા નવા નદીસરમાં આવેલી પ્રાથમિક શાળા એના મોહક બાહ્ય દેખાવથી લઈને એની તમામ આંતરિક પ્રવૃત્તિઓના કારણે ગુજરાતભરમાં નામના પામી છે. ઉપરાંત તાજેતરમાં જ રાજ્ય કક્ષાના એવોર્ડ અને માનવ સંશાધન મંત્રાલય, ભારત સરકાર દ્વારા ટેકનોલોજીના મહત્તમ અને વ્યાજબી ઉપયોગ માટેના એવોર્ડથી નવાજવામાં આવી છે. અહીનો આખોય સ્ટાફ પોતાનો જીવ રેડીને પોતાના ઘરની જેમ જ શાળાની અને શાળાના બાળકોની સારસંભાળ લે છે. અહી બાળક શાળાને પોતાનું ઘર માને છે અને પોતાને અનુરૂપ વાતાવરણમાં અલગ અલગ ક્ષેત્રે પોતાના માટે મોકળું મેદાન મેળવે છે.

ત્યારે તમારા મનમાં એવો વ્યક્તિગત પ્રશ્ન ઉદભવે કે આ શાળામાં એવી તો કઈ ખૂબી છે કે જે એને બાકીની શાળાઓથી અલગ પાડે છે? એવા તે કયા શાળાકીય પ્રયાસો છે જે સ્ટાફની અને બાળકોની સહભાગીદારીથી શાળાને આ મુકામ પર લઇ આવ્યા છે? તો એનો સચોટ અને મુદ્દાસરનો જવાબ અહી રજુ કરેલ છે. આશા છે જે પ્રાથમિક શિક્ષક આ લેખ વાંચે એમને પોતાની શાળા માટે કશુક કરવાની પ્રેરણા મળી રહે.

૧) અભ્યાસલક્ષી નહિ, સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ :

નવાનદીસર શાળામાં માત્ર “કેવી રીતે ભણવું?” એનાથી આગળ વધીને “કેવી રીતે જવાબદારી નિભાવવી?”, “પોતાનું સ્ટેજ ફીયર કેવી રીતે દુર કરવું?”, “ગમ્મત સાથે જ્ઞાન કેવી રીતે મેળવવું?” જેવા પ્રશ્નો પર વધારે ધ્યાન આપવામાં આવે છે. અહી આવતો દરેક વિદ્યાર્થી ભણવા સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધે, બોલતો થાય, પોતાની જવાબદારી સમજતો થાય એ માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવે છે.

૨) ઇકોક્લાસ :

ગુરુકુળમાં ભણતા આપણા ઈતિહાસના પાત્રો તો તમને યાદ જ હશે. અહી આજનો વિદ્યાર્થી પણ કદાચ સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી ચાર દીવાલો વચ્ચે પોતાને પુરાયેલો મહેસુસ કરી શકે એવો વિચાર આવતાં અહીંના સ્ટાફ દ્વારા શાળાના પ્રાંગણને વૃક્ષો અને વનસ્પતિઓથી ભરચક એક સુંદર ઉપવન જેવું સ્વરૂપ આપ્યું છે. જ્યારે બાળકો ક્લાસમાં કંટાળે ત્યારે ઋષિમુનીઓના આશ્રમની જેમ એમનો ક્લાસ પણ બગીચામાં જ ભરાય અને એ ક્લાસ એટલે “ઇકોક્લાસ”. આ પગલાથી બાળકોની સાથે શિક્ષકોનો પણ ઉત્સાહ વધ્યો અને અલગ વાતાવરણમાં એમની અને બાળકોની પણ એફીસીયન્સી બહાર આવી.

૩) ‘આજના ગુલાબ’ નામે હરીફાઈ :

આ કોઈ દોડની કે પ્રથમ નંબર લાવવાની હરીફાઈ નથી. આ હરીફાઈ હાઈજીન અને ક્લીનલીનેસની છે. દરરોજ પ્રાર્થનાસભામાં વર્ગવાઈઝ બાળકોને ઉભા કરી બાળકોની જ એક સમિતિ દ્વારા સ્વચ્છતાના ધોરણો જેવા કે ‘નખ કાપેલા છે કે નહિ?’, ‘વાળ સરખા ઓળેલા છે કે નહિ?’, ‘યુનિફોર્મ ધોયેલો છે કે નહિ’ વગેરેની ચકાસણી થાય છે. તપાસનાર જૂથ જે બાળકનું નામ સૂચવે તેને ત્રણ તાળી અને ઢોલકના તાલ સાથે સન્માન અપાય છે. આ હરીફાઈથી ફાયદો એ થયો કે સન્માનથી ગર્વ અનુભવવા બધા બાળકો યથાશક્તિ યોગ્ય રીતે તૈયાર થઈને આવે અને જેથી પોતાની શારીરિક સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે.

૪) અનોખી પ્રાર્થનાસભા :

દરેક શાળામાં અને ખાસ કરીને ગામડાની પ્રાથમિક શાળાઓમાં એક સમસ્યા ખુબ ગંભીર હોય છે એ છે “બાળકોની ગેરહાજરી”. તો આ સમસ્યાનો પણ એક મનોરંજક ઉપાય શાળાના આચાર્યએ શોધ્યો છે. એ મુજબ જે વિદ્યાર્થી શાળામાં નિયમિત રીતે અનિયમિત હોય, એના ફળિયામાં એના ઘર આગળ જ જઈને જેતે દિવસની પ્રાર્થના થાય. એટલે એના વાલી કશું કહ્યા વગર જ છોભીલાપણું અનુભવે અને બાળકને નિયમિત કરવા તરફ દોરાય છે.

૫) ખોયા-પાયા બોક્સ :

આ એક અનોખું બોક્સ છે જે શાળાના ઓફીસ રૂમની બહાર જ રાખેલું હોય છે. અહી શાળાના વર્ગખંડો, પ્રાંગણ કે કમ્પ્યુટર લેબમાંથી કોઈની ખોવાયેલી વસ્તુ મળે તો આ બોક્સમાં મુકવાનો નિયમ છે. જેથી જેની વસ્તુ ખોવાઈ હોય તે બીજે કશે નહિ પણ અહીથી, આ બોક્સમાંથી જ એ વસ્તુ મેળવી શકે. આમ બીજાની વસ્તુ પોતાની પાસે રાખવી એ ચોરીની કુટેવ પણ બાળકોમાં જો હશે તો દુર થાય અને વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળે છે.

૬) “ગાંધી-હાટ” :

શનિવારી અને રવિવારી હાટનું નામ તો આપે સાંભળ્યું જ હશે. પણ શાળા દ્વારા, ઇન્ફેક્ટ શાળાના વિદ્યાર્થીઓની સમિતિ દ્વારા જ અહી એક “ગાંધી હાટ” ચલાવવામાં આવે છે. જે અન્વયે જરૂરી શિક્ષણ સામગ્રી જેવી કે પેન્સિલ, રબર, સંચો, બોલપેન વગેરે અલગ અલગ ખાનામાં મૂકી એના પર એનું નામ અને એની કીમતનું લેબલ મારેલુ હોય છે. જે વિદ્યાર્થીને જરૂર પડે તે વિદ્યાર્થી પોતે જ એ વસ્તુ લઈને એની કિંમતના રૂપિયા ત્યાં જ મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. અને આ સમિતિ અમુક સમયે બદલાયા કરે છે. બિલકુલ ભારતના નાણાપંચની જેમ!! વસ્તુઓ ખૂટ્યે ફરીથી કેટલી લાવવી, ક્યારે લાવવી વગેરે જેવા કામો બાળકો જ એક માર્ગદર્શક શિક્ષકશ્રીની સલાહથી કરે છે. કેવો સુંદર પ્રયાસ? બાળકો પોતે જવાબદારી લેતા થાય અને હિસાબી કામકાજ પણ પોતે જ રાખતા થાય એ માટે આ પ્રયાસ એક મહત્વનો બની રહ્યો.

૭) શાળાનો પોતાનો બ્લોગ :

શાળાનો પોતાનો એક બ્લોગ પણ છે જેમાં રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉત્સવો, બાળમેળા, વિજ્ઞાન મેળા, પ્રેવેશોત્સવ વગેરે જેવી મહત્વની ઈવેન્ટ્સની ઉજવણી વિશેની તમામ માહિતી ત્યાં રેગ્યુલર અપડેટ થાય છે. શાળાને ટેકનોલોજીથી આખા વિશ્વ સાથે જોડવાનો આ એક સુંદર પ્રયાસ છે. આપ પણ એ બ્લોગ આ લિંક પર જઈને નિહાળી શકો છો nvndsr.blogspot.in

૮) શાળાનું પોતાનું મુખપત્ર :

જી હા! આ શાળા દર મહીને પોતાનું આગવું મુખપત્ર બહાર પાડે છે જેનું નામ છે, “બાયોસ્કોપ”. જેમાં એક મહિનાના સમયગાળા દરમિયાન શાળામાં થયેલી પ્રવૃત્તિઓની માહિતી હોય છે. જાણે કે સફારીનો અંક! પણ, અહી એ વાત નોંધવા જેવી છે કે આ મુખપત્ર પ્રિન્ટેડ ન હોતા ઓનલાઈન પીડીએફ સ્વરૂપે હોય છે.

આ ઉપરાંત શાળાના સ્થાપના દિવસની ઉજવણી, તમામ તહેવારોની શાળામાં ઉજવણી, કમ્પ્યૂટર દ્વારા એક્શન સાથે બાળગીતોની તાલીમ, વકતૃત્વ સ્પર્ધાઓ, ક્વીઝ વગેરેથી સતત પ્રવૃત્ત રહેતી આ શાળા બાળકોને એક બીજું ઘર પૂરું પાડે છે. સરકારી શાળાની માનસપટ પર રહેલી છાપને બિલકુલ નલીફાય કરવાનું સુંદર કામ આ શાળાએ કર્યું છે. ગુજરાતની જ નહિ, સમગ્ર દેશની બધી જ પ્રાથમિક શાળાઓ “નવા નદીસર પ્રાથમિક શાળા” જેવી બને તો ખરેખર દેશનું ભાવિ એટલે કે બાળકોનું વ્યક્તિત્વ નીખરી શકશે.

લેખક : ભાર્ગવ પટેલ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી