આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉદભવ અને તેની અસરો – Very Informative !!

આજકાલ આપને સોફ્ટવેર, હાર્ડવેર, કોમ્પ્યુટર વગેરે શબ્દોથી ખુબ સારી રીતે પરિચિત છીએ અને દરરોજ એનો ઉપયોગ પણ કરીએ છીએ. મોબાઈલ સાથે તો જીવન સાથી જેવો સબંધ થઇ ગયો છે. પણ શું તમને ખબર પડી કે જે ટેકનોલોજી અઘરી લાગતી એ ક્યારે તમારા જીવનમાં આટલી મહત્વની થઇ ગઈ? ટેકનોલોજીની આજ ખાસિયત છે તે ક્યારે ધીમા પગલે આવી જાય એનો આપણને ખ્યાલ પણ ન આવે અને રાતો રાત બદલાઈ પણ જાય.

આજે એવી જ ટેકનોલોજીની વાત કરવી જે છે આપણા નાક નીચે કુદકે ને ભૂસકે વધી રહી છે. એને આપણી જાણ બહાર આપણા રોજીદા જીવનમાં પગ પેસારો કરી લીધો છે અને હજી આપણને એની ભનક સુદ્ધા નથી પડી. એ છે આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ) ટેકનોલોજી જેને ગુજરાતીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા કહી શકીએ. એક સમય હતો જ્યારે કોમ્પુટરની બુદ્ધિ સાવ નગણ્ય હતી જેનાથી કોઈ ચોક્કસ કામ પાર પાડવામાં આપણને થોડી મદદ મળતી. હવે સમય બદલાયો છે. ધીમે-ધીમે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે કામપૂરું પાડવા માટે એ જાતે નિર્ણય લઇ શકે છે.

કૃત્રિમ બુદ્ધિમત્તા એટલી ચડિયાતી થઇ ગઈ છે કે અમુક ક્ષેત્રોમાં માણસની બુદ્ધિને પણ પાછળ રાખી દીધી છે. તાજેતરના અમુક ઉદાહરણ જોઈએ જેમકે

(૧) આઈ.બી.એમ. કંપનીની “વોટસન” નામની એ.આઈ સોફ્ટવેરે પહેલા તો લાખો રોગીઓના લક્ષણો, ટેસ્ટ ના રીપોર્ટ અને રોગોનો અભ્યાસ કર્યો. પછી એ બધાનો તાળો મેળવી જાતે દર્દીના રોગને પારખવાનું કામ શરુ કરી દીધું. પછી શું, બસ દર્દીનો ડેટા, ટેસ્ટ રીઝલ્ટ નાખો એટલે તરત રોગ પારખી કાઢે. એક રીપોર્ટ મુજબ ફેફસાના કેન્સરને ઓળખી કાઢવામાં “વોટસન”નો ૯૦% કેસમાં સાચું પડે છે જયારે મોટા-મોટા એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ નો સકસેસ રેટ માત્ર ૫૦- ૬૦% જ હોય છે.

(૨) ગુગલે પોતાની ની “ડીપ માઈન્ડ” એ.આઈ ને લીપ રીડીંગ માટે તૈયાર કરી જેમાં અવાજ વગરના વિડીયો માં બોલનાર વ્યક્તિના ચેહરા અને હોંઠની હરકતનો અભ્યાસ કરીને તારવવાનું હોય છે કે વિડીયોમાં શું વાક્ય બોલાયું છે. આ શીખવવામાટે “ડીપ માઈન્ડ”ને ભાષાના અલગોરિધમ સાથે ૫૦૦૦ કલાકના મુક વિડીયો બતાવવામાં આવ્યા. પછી પ્રોફેશનલ લીપ રીડર અને આ “ડીપ માઈન્ડ” વચ્ચે હરીફાઈ કરવામાં આવી જેમાં બંને ને વીડિઓ ક્લિપ્સ બતાવવામાં આવી. જયારે રીઝલ્ટ જોયું ત્યારે વૈજ્ઞાનિકો પણ અચંબો પામી ગયા. પ્રોફેશનલ લીપ રીડરસ માત્ર ૧૨% વાક્યો સંપૂર્ણ સાચા તારવી શક્યા હતા જ્યારે “ડીપ માઈન્ડ” ૪૭% જેટલા વાક્યો પૂરે પુરા સાચા તારવી બતાવ્યા હતા !

(૩) આજ રીતે ગુગલનની એ.આઈ ને ચાઈનામાં રમતી ચેસ જેવી રમત જેને “ગો” તરીકે ઓળખાય છે તે ગેમના નિયમો શીખવવામાં આવ્યા અને રમાઈ ચુકેલી ગેમના સ્ટેપ્સનો અભ્યાસ કરાવવામાં આવ્યો. લાખો સ્ટેપ્સનો અભ્યાસ કરાવ્યા બાદ એ.આઈ ની કોમ્પીટીશન ચાઈનાના વર્લ્ડ ચેમ્પિયન લી સેડોલ સાથે કરાવવામાં આવી. બધાના આશ્ચર્યવચ્ચે ડીપ માઈન્ડે લી ભાઈને હરાવી દીધો એટલુજ નહિ ૪-૧ ના સેટ થી ભવ્ય વિજય મેળવ્યો. હજી પણ “ગો” ગેમ માં આ એ.આઈ વિશ્વ વિજેતા તરીકે અપરાજેય છે.
આવા ઘણા દાખલા છે જેમાં એ.આઈ. માનવ અને તેની બુદ્ધિમત્તા ને ક્યાંયે પછાડી ને આગળ વધી રહ્યું છે. આના થી આપણને ખુશી તો થાય પણ સાથે સાથે આ એક મોટી ચિંતાનો વિષય બનતો જઈ રહ્યું છે.

પેહલા ટેકનોલોજીથી માનવીના નાના કામ થતા, પછી ટેકનોલોજી મદદગાર બની હવે ધીમે-ધીમે માનવીના જ કામ કરવા લાગી જે ખુબ આઘાત જનક છે. એ.આઈ ના વિકાસ સાથે દરરોજે કેટલાય લોકોની નોકરીઓ જઈ રહી છે અને કેટલાય લોકોની રોજી પર તલવાર તોળાઈ રહી છે. તાજેતરના અમુક કિસ્સાઓ જોશો તો ચોક્કર આ મામલાની ગંભીરતા તમને સમજાઈ જશે.

(૧) અમેરિકા સ્થિત ટેસ્લા મોટર્સ તેની “ડ્રાઈવર લેસ” કાર માટે જાણીતી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આવી કાર પર કામ ચાલતું હતું આજે “ડ્રાઈવર લેસ” માર્કેટમાં છે વેચાય છે અને માનવ ડ્રાઈવર કરતા ખુબ સલામતી ભર્યું ચાલે છે. આ કાર સામાન્ય માણસ કરતા સારી, સલામતીભર્યું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલે છે. એની સફળતા એ રીતે જાણી શકો કે ફોર્ડ, ઔડી, ફોક્સવેગન આ બધા જ કાર નિર્માતાઓએ ૨૦૧૮-૧૯ સુધીમાં પોતાની “ડ્રાઈવર લેસ” લોન્ચ કરી દેવાના છે. આના થી ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ ૫૦ લાખ લોકોની નોકરી ખતરામાં છે જ.

(૨) “એમેઝોન” પોતાની કુરિયર સર્વિસ માટે જાણીતી છે. આજે દરરોજના લાખો પાર્સલને માત્ર રોબોટ્સ વડે મેનેજ કરે છે જેમાં દરેક રોબોટને માલ ઉચકવો, બીજે લઈ જવો, મુકવો, વર્ગીકરણ કરવા થી માંડી પોતાની બેટરી ખતમ થઇ થાય તો ચાર્જીંગ સ્ટેશન પર જઈ જાતે રીચાર્જ થઇ જવા સુધીની આવડત છે. ઓછા માં ઓછા ૫૦ લોકો થી ચાલતા ગોડાઉનમાં આ રોબોટ આવી ગયા હવે આખી દુનિયામાં બધી જ મોટી કુરિયર કંપની આવા રોબોટ વસાવવા વિચારતી થઈ ગઈ છે.

(૩) આ ઉપરાંત રીથીંક રોબોટીક્સ કંપનીએ “બેક્ષટર” નામનો રોબોટ બનાવ્યો છે જેને કોઈપણ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં મૂકી શકાય છે. અમુક કલાકોની ટ્રેનીગ આપ્યા બાદ તે જાતે માનવીની માફક અમુક કામ કરી શકે છે જેમકે આકાર ઓળખવા, વર્ગીકરણ કરવું, ફીટ કરવું એસેમ્બલ કરવું વગેરે. આજે દુનિયામાં કરોડો વર્કર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીકમાં આવા નાના-નાના કામ કરીને કમાય છે. “બેક્ષટર” પાસે તમે ધારો એ કામ શીખવાડી શકો અને એક ધારું કર્યા કરે.

(૪) “ફ્લીપ્પી” નામના રોબોટેને બર્ગર બનવવાની ટ્રેનીંગ આપ્યા પછી એ જાતેજ બર્ગર બનાવે છે. તે વસ્તુ ને આકાર અને રંગ જોઈ ને પારખે, ટીક્કીને જાતે સાંતળે, સાંતળી ને રંગ બદલાયા પછી પલટાવવા થી માંડી ને બધા જ કામ ઓર્ડર પ્રમાણે ઓટોમેટીક કરે. આ રીતે જરૂરી વસ્તુઓ આપી દો તો જાતે જ બર્ગર બાનાવી ને આપે. આજે મેકડોનાલ્ડના કિચનમાં જુઓ કેટલા લોકો કામ કરે છે આવનારા વર્ષોમાં અડધા થઇ જશે અને અમુક નાના રેસ્ટોરન્ટતો સંપૂર્ણ ઓટોમેટીક થઇ જશે.

આ તો હજી શરુઆત છે પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત. આવા તો કેટલાય ક્ષેત્રમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આવી ગઈ છે. તમારે એ.આઈ.નો જાતે અનુભવ લેવો હોય તો ગુગલનું “એલો” (Allow) સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો. એ ચેટબોટ છે જે એક માણસની જેમ તમારી સાથે વાત કરશે, તમને જોક્સ સંભળાવશે, તમારા અને તમારા ઘરના સદસ્યો નાં નામ યાદ રાખશે, રસ્તો બતાવશે, મીટીંગ, રીમાઈન્ડર, એલામ બધું જ કરી આપશે. જેમ જેમ નાના, સસ્તા અને ઝડપી પ્રોસેસર બની રહ્યા છે, ગ્રાફિક્સની અને ચીપની ટેકનોલોજી વધી રહી છે એમ હજી જલ્દી એ.આઈ. આપણા જીવન માં પગ પેસારો કરશે. એક રીપોર્ટ મુજબ એ.આઈ નાં કારણે આવનારા ૧૦ થી ૧૫ વર્ષમાં ૮૦% જોબ પર ખતરો છે. કોઈપણ કંપની હોય એ એ.આઈ. ને કેમ ન વસાવે? માણસ કરતા વધુ ઝડપી, સક્ષમ, ૧૦ માણસોનું કામ એક એ.આઈ કરે, ન પગારના ખર્ચા, ન કોઈ રજા માંગે, ન હડતાલની ચિંતા. મોબાઈલ જેમ સસ્તા થયા એમ એ.આઈ પણ દિવસે-દિવસે સસ્તી થવાની જ છે. એ નિયમ છે કે માણસ અને મશીનની હરીફાઈમાં હમેશા કિફાયતી ઇકોનોમિકસ જ જીતે છે.

આપણા ભારતમાં તો હજી પરિસ્થિતિ વણસે એવું છે. આપને હરખાઈએ છીએ કે ભારત સૌથી “યુવાન દેશ” છે કેમ કે ૬૫% થી પણ વધુ લોકો ૩૫ કે તેથી ઓછી ઉમરના છે. જે ખુબ મોટી વાત છે આખી દુનિયામાં આટલો મોટો યંગ મેન પાવર ક્યાય એક જગ્યા એ ન મળે. ખાલી વિચારો અત્યારે નોકરી-ધંધાની આ હાલત છે ૧૦-૧૫ વર્ષે એ.આઈ. અહી પણ દેખા દેશે પછી નાના-મોટા કરોડો લોકોને ફટકો પડશે તો એ ક્યાં જશે?. ઉપર થી દર વર્ષે લાખો યુવા ભણતર પૂરું કરીને માર્કેટમાં આવશે એમને શું નોકરી મળશે? આપણી જોડે યુથ માનવ ધન શું ખરેખર ધન છે?

અત્યાર સુધીમાં જે ટેકનોલોજી આવી એનથી નવી રોજગારી ઉભી થઇ. પણ આ વખત સદંતર અલગ છે આ વખતે તો માણસની બુદ્ધિમત્તા ને રિપ્લેસ કરવાના વાત છે. જો આનો અત્યારથી યોગ્ય ઉકેલ શોધવાની શરૂઆત નહિ કરીએ તો કાલે ખુબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. વિદેશોમાં તો સરકાર આ બાબતે ખુબ જ ગંભીરતા પૂર્વક વિચાર કરીને પોતાની પોલીસી બદલવા માંડી છે. દુનિયા ભરમાં એમને એમ વિઝાના નિયમો નથી બદલાયા. જરૂરી છે ભારતમાં પણ કૈક પગલા લેવાય. બાકી ૨૦૨૦-૨૧ સુધીમાં તો આની અસરો દેખાવા લાગવાની છે.

ટેકનોલોજી ગમે તેટલી સારી હોય પણ એનો ઉપયોગ પર આપનું ભવિષ્ય નિર્ભર કરે છે. જો યોગ્ય અગમ ચેતી રાખીને પગલા લેવામાં આવે તો એ.આઈ થી આપણો ઉદ્ધાર થઇ શકે છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.) કોઈ એકલું સોફ્વેર, કે કોઈ ચીપ, કે કોઈ કોમ્પુટર નથી પણ વિકસતી બધી જ ટેકનોલોજીનું સંકલિત પરિણામ છે જેમાં અપાર સંભાવનાઓ રહેલી છે. હવે શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ થવા દેવો એ આપણી ઉપર છે.

લેખક :- ભૌમિક દવે

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી