એડીશનની આ હકારાત્મક વિચારસરણી – Inspiration

આ જગતની સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો થોમસ આલ્વા એડીશનના નામે નોંધાયેલી છે. આપણે એમને માત્ર વિજળીના ગોળાના શોધક તરીકે ઓળખીએ છીએ પરંતું એ ઉપરાંત અનેક નાની મોટી શોધોની એમણે જગતને ભેટ આપી છે. સંશોધન કાર્ય કરવા માટે એડીશને પોતાની એક વિશાળ પ્રયોગશાળા બનાવી હતી.

એકવાર રાત્રીના સમયે સાવ અચાનક એની પ્રયોગશાળામાં આગ લાગી. એડીશનને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી. એડીશન તુરંત જ પોતાની પ્રયોગશાળાએ પહોંચી ગયા. આગ એટલી વિકરાળ હતી કે આખી પ્રયોગશાળાને એણે પોતાની લપેટમાં લઇ લીધી હતી. આગ બુઝવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા પણ આગ કાબુમાં આવતી ન હતી.

એડીશન દુર ઉભા ઉભા પોતાના વર્ષોના સંશોધન કાર્યને ભષ્મિભૂત થતા જોઇ રહ્યા હતા. બધાને ચિંતા હતી કે એડીશન આ આધાત જીરવી નહી શકે. એની પત્નિ બાજુમાં ઉભી રહીને એડીશનની પીઠ પર હાથ પસવારી રહી હતી. પત્નિએ ધ્યાનથી એડીશનના ચહેરાનું નિરિક્ષણ કર્યુ. કોઇ જાતની વેદના, દુ:ખ કે અફસોસ એના ચહેરા પર દેખાતો નહોતો. એડીશનને આટલા સ્થિર જોઇને એમની પત્નિ પણ આશ્વર્ય થયુ.

પત્નિનથી ના રહેવાયુ એટલે એમણે એડીશનને પુછ્યુ , “ તમે વર્ષો સુધી દિનરાત કરેલી મહેનત આજે બળીને રાખ થઇ ગઇ તમને દુ:ખ નથી થતું.” પોતાનું સર્વસ્વ ગુમાવી ચુકેલા એડીશન હસતા હસતા જવાબ આપે છે, “ મેં મારા આ સંશોધન કાર્યની સાથે સાથે અનેક પ્રકારની ભૂલો પણ કરી હતી. ભગવાન પણ કેવો દયાળુ છે કે આજે એણે મારી બધી જ ભૂલોને પણ બાળી નાંખી હવે મારી ભૂલોની આ દુનિયાને કંઇ જ ખબર નહી પડે. ચિંતા શું કરવાની કાલથી ફરી કામ ચાલુ કરીશ.”

એડીશનની આ હકારાત્મક વિચારસરણીને કારણે જ એમના દ્વારા આટલી બધી વૈજ્ઞાનિક શોધખોળોની ભેટ મળી. જીવનમાં આવતી મુશ્કેલી વખતે એડીસન જેવી સમજણ હોય તો મુશ્કેલીઓના મહાસાગરને પણ આસાનીથી તરી શકાય.

લેખક – શૈલેશ સગપરીયા

ટીપ્પણી