દ્રષ્ટિ વિહિન દ્રષ્ટા એવો શેર બજારનો ખેલાડી – આશિષ ગોયલ…એક વાર અચૂક વાંચજો…

લંડન સ્થિત JP Morgan ની ઓફિસમાં તમે આશિષ ગોયલ ને કુશળતાપૂર્વક વિનિમય કરતા જોયા છે? બેંકના અબજો ડોલરો ના વિનિમયની વધઘટના જોખમ સાથે કુશળરીતે વહીવટ કરતા તેમને જોઇને તમારા મુખમાંથી ‘આફરિન’ શબ્દ અચૂક બોલાઇ જશે.

નવરાસના સમયે તેમને ટેન્ગોના તાલે નાચતા કે ક્રિકેટ રમતા કે મિત્રો સાથે ટોળ-ટપ્પા મારતા તમે જોશો. લેવડ દેવડના માહોલ વચ્ચે કોમ્પ્યુટરના સ્ક્રિન પર બખૂબીથી આગળ-પાછળ જતા તેમને કાર્ય કરતા નિહાળવા તે એક લહાવો છે. પોતાના ઇ-મેઇલ તપાસવા, સંશોધનોના અહેવાલો વાંચવા અને તેના પ્રેઝન્ટેશનો પર નજર દોડાવી લેવા મિ. ગોયલ સ્ક્રિન-રીડીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે

જેની ઝડપ એટલી બધી છે કે બીનકેળવાયેલા કાન પર કોઇ લવારો થતો હોય તેવું લાગે. સાંકેતિક ગ્રાફ્સને વાંચવાની જરૃર પડે છે ત્યારે તેમનું સોફ્ટવેર કામ ન આપે ત્યારે મિ.ગોયલ આંકડાને લક્ષમાં લઇને પોતાના મસ્તકમાં તે ગ્રાફની કલ્પના કરી લે છે. તેમના મેજ પર રહેલા બન્ને કોમ્પ્યુટરના સ્ક્રિન પર બ્લૂમબર્ગના (છેલ્લામાં છેલ્લા વ્યાપારી સમાચાર આપતી સાઇટ) સામાન્ય સંદેશાઓ ચમકાવતા અને સતત આંક્ડાઓ બદલાવતા અહેવાલો તેમને જોવા મળે છે. બે કિ-બોર્ડ હેડ સાથે જોડાયેલ છે જેના વડે માહિતી અને આંકડાઓ અતિ ઝડપથી વંચાતા જતા હોય છે.

પોતાના સેલફોન પર મળતા ટેક્સ્ટ મેસેજ પણ તેજ ટેકનોલોજીથી વંચાય છે. તેમના સાથીદારો ફરિયાદ કરતા તેમને કહે છે કે તેઓને તેમના ફોનના સ્પિકરનો અવાજ સંભળાતો નથી ત્યારે મિ. ગોયલ મજાકમાં કહે છે, “હું તમારા ટેક્સ્ટ મેસેજ વાંચી શકતો નથી તેથી એમ લાગે છે તે બરાબર હશે.”

આટલું વાંચ્યા પછી તમને એમ લાગશે કે શા માટે મિ.ગોયલની આ બધી વાત અમને કહેવામાં આવે છે ? તેનું વજૂદભર્યું કારણ છે. મિ.આશિષ ગોયલ વિશ્વના પ્રથમ શારીરિક ક્ષતિ ધરાવનાર કુશળ વહિવટકર્તા છે. ‘Empowerment of Persons with Disabilities’ માટે ભારત સરકાર તરફથી રાષ્ટ્રિય એવોર્ડ માટે તેમની પસંદગી થયેલ છે. આશિષ બેંક માટે કામ કરનાર પ્રથમ અંધ વહિવટકર્તા છે. ઉપરાંત અમેરિકાની વ્હેરટન સ્કૂલમાં અભ્યાસ કરનાર એમ. બી. એ. ના પ્રથમ અંધ વિદ્યાર્થી છે.

જે. પી મોર્ગનની મુખ્ય ઇનવેસ્ટમેન્ટ ઓફિસના કાર્યકારી ડાયરેકટર અને મિ. ગોયલના ઉપરી અધિકારી એવા Tolga Uzuner, મિ. ગોયલની નિમણૂકનું કારણ જણાવતા કહે છે, “૩૦ વર્ષની ઉંમરના વ્હેરટન સ્કૂલના આ સ્નાતકને મેં નિમણૂક આપી કારણકે એશિયાના વ્યાજ દરોને જાણનાર થોડા ઉમેદવાર માહેંના તે ફક્ત એક એવા ઉમેદવાર હતા જેનામાં જોખમી સમયે દાખવવી પડતી અદ્ભુત વહિવટ કુશળતા અને વિદેશી નાણાના વિનિમયની પૂર્ણ જાણકારી હતી.” મિ. ગોયલ સાથે કામ કરનાર વ્લાડિમિર કહે છે “ટૂકડીના ઘણાં લોકો ઐતિહાસિક આધારભૂત માહિતીના આંકડાનું વિશ્લેષણ કરે છે અને જોખમ ઉઠાવવા માટે સરખામણી કરીને નિર્ણય લે છે

જ્યારે મિ ગોયલ અત્યારની પરિસ્થિતિ ક્યાં અટકી છે તે જુએ છે અને સમાચારના પ્રવાહને સમજી વિચારીને અનુસરે છે. તે ગ્રાફથી દોરવાતા નથી. પરંતુ જેમ વ્યક્તિ પ્રકાશ અને પડછાયાને ઓળખી શકે તેમ મિ.ગોયલને પોતાની મર્યાદાની ખબર છે.” તે કહે છે, “તમે મને તત્કાલ લેવડ-દેવડના મેજ પર મુકી શકો છો પરંતુ હું તે માટે અત્યંત ધીમો છું. પડકારો તે સમજવા માટે હોય છે કે હું કયાં કિંમત ઉમેરી શકું છું અને ક્યાં નહી. તમારે તમારૃં અનુકૂળ સ્થાન કયું છે તે તમારે શોધી કાઢવું પડે.”

મિ. ગોયલને નાણાકીય બજારોમાં જ કામ કરવું હતું. પરંતુ પોતાનો વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક યોગ્યતાઓ અને અનુભવ દર્શાવતી અને ભારતની યુનિવર્સિટીની ઉચ્ચ પ્રકારની ધંધાના ક્ષેત્રની લેખીત પદવી, બીજી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆ ની પદવી અને આઇ. એન. જી. બેન્ક (ઇન્ટરનેશનલ નેધરલેન્ડઝ ગ્રુપ) નો ત્રણ વર્ષના કાર્યનો અનુભવ હતો છતાં તેમના માટે નોકરી મેળવવી સહેલી ન હતી. વેપાર-ધંધાના ક્ષેત્રની પ્રથમ પદવી મેળવ્યા પછી નોકરી મેળવવા માટે મિ. ગોયલે ઘણી બધી કંપનીઓ અને પેઢીઓના નામની યાદી બનાવી હતી પરંતુ એક વખત તેઓને ખ્યાલ આવ્યો કે તે અંધ હતા તેથી તેમને નોકરી આપવા માટે ઇન્કારાયા હતા.

પણ જ્યારે આઇ. એન. જી. બેન્ક નો વારો આવ્યો ત્યારે ભૂતકાળના અનુભવને યાદ કરી મિ. ગોયલ કહે છે, “મેં વગર વિચાર્યે બોલી નાખ્યું હતું ‘હું અંધ છું. તમે તો પણ મારી સાથે વાત કરવા ઇચ્છો છો ?” તેઓએ મને પૂછયું “હું નોકરી કરી શકુ છું કે કેમ?” મેં જવાબ આપ્યો, ” ‘હું નોકરી કરી શકું છું’ અને તેઓએ મને નોકરીમાં રાખી લીધો.”
વર્ષો પછી તેમણે ન્યૂયોર્કમાં કે લંડનમાં નોકરી મળે તેવા ધ્યેયથી વ્હેરટન સ્કૂલમાં અભ્યાસ માટે અરજી કરી ત્યારે પ્રવેશ આપતી વખતે યુનિવર્સિટીના ડાયરેક્ટરે આ નોંધ સાથે અરજી પરત આપી, “મેં કદી અંધ વેપારીને વોલ સ્ટ્રીટમાં જોયો નથી.

હું તને ખાતરી આપી શકતો નથી કે તને નોકરી મળશે પરંતુ વ્હેરટન સ્કૂલની પદવીથી તું વધુ પૈસાદાર બની શકીશ.” ત્યાર પછીથી ઘણી વોલ સ્ટ્રીટની કંપનીઓએ તેમની અરજીઓ ઇન્કારી કારણકે તેમને વોલ સ્ટ્રીટમાં તેજ પ્રકારના સ્ક્રિન-રીડીંગ સોફ્ટવેર પર કાર્ય કરતા જોયા ન હતા. ફ્ક્ત જે.પી. મોર્ગન જ એવી બેન્ક હતી જે તેમને ઉનાળાની ફરજિયાત મુકામી સેવામાં રોકી શકે તેમ હતી. આમ જે.પી. મોર્ગને તેમની સમક્ષ કાયમી સ્થાન માટેનો પ્રસ્તાવ મુક્યો.

મિ. ગોયલ જન્મથી અંધ ન હતા. મુંબઇમાં સાધારણ બાળકની જેમ તેમનું બચપણ વિતતું હતું. પરંતુ તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે કોઇક લોકોને તત્કાલ ઓળખી શકતા નથી અને તેમનેે શાળાની નોટ-બૂકની લીટી દેખાતી ન હતી. એક રાત્રે તે ખાડામાં પડી ગયા. ત્યાર પછી એકવારે તેમની સાયક્લને ટક્ક્ર લાગી ગઇ.

ટેનિસ રમતી વખતે તે દડાને ચૂકી જવા લાગ્યા. તેમને કહેવામાં આવ્યું કે તેમને આંખનો રતાંધળાપણાનો વારસાગત રોગ લાગુ પડયો હતો અને ધીમે ધીમે અમુક પરિઘમાં જ દેખી શકાય તેવી પરિસ્થિતિ ઉભી થતી હતી. વારસાગત પરિસ્થિતિના લીધે નેત્રપટલમાં ખામી ઉભી થઇ હતી જેનાથી છેવટે તેમને પૂર્ણ અંધત્વ આવી શકતું હતું. ૨૨ વર્ષની ઉંમરે પહોંચતા તેમણે સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવી.

પ્રેમ કરવાની ઉંમરે શું બનવા લાગ્યું હતુ તેની તેમને ખબર પડતી ન હતી. તેમની વયના લોકો મજા કરતા હતા ત્યારે તેમના માટે સૌથી ખરાબ સમય જતો હતો. તેઓે અસમર્થતા સામેની લડાઇ ખેલી રહયા હતા. કેટલાક લોકોને ક્યારેક જોઇ શકે અને ક્યારેક ન જોઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે તેમને પ્રશ્ન થતો હતો કે તે લોકોની સામે શું ખુલાસો કરે. દ્રષ્ટિ ગુમાવ્યાથી મિ. ગોયલ ભયભીત અને વ્યાકુળ બની ગયા હતા.

આ કારણે અંતિમ પરીક્ષા આપવાનું મુલતવી રાખી પિતાના અસલ સ્થાવર મિલકત ના લે-વેચના ધંધામાં સાથ આપવાનું તેઓ વિચારતા હતા. પરંતુ તેમની માતાએ તે પરીક્ષા આપે તેવો આગ્રહ રાખ્યો અને તેમણે પરીક્ષા આપી. નવાઇ પામવા જેવી બાબત તેમના માટે તે હતી કે પરીક્ષામાં તેમને ફક્ત સફળતાજ ન સાંપડી પણ સારી કક્ષા તેમને મળી.

આજે મિ. ગોયલ ગૌરવ અનુભવે છે કે તેમને દૈનિક કાર્યમાં કોઇની મદદ લેવી પડતી નથી અને રમત-ગમતની બાબતમાં બાલ્યાવસ્થામાં હતા તેમ ફરીથી સક્રિય બની શક્યા છે. ગયા વર્ષે તેમની ટીમ અંધો માટેના ક્રિકેટની ટુર્નામેન્ટ જીતી હતી. સામાન્ય કરતા થોડા મોટા દડા વડે રમત રમવામાં આવી હતી. સિદ્ધિઓની કલગીરૃપ ‘Empowerment of Persons with Disabilities’ માટે ભારત સરકાર તરફથી તેમને રાષ્ટ્રિય એવોર્ડ અપાયો છે ત્યારે મિ. ગોયલ નમ્રતાથી નિવેદન કરે છે ” એક પડકાર એ છે કે હું બીજા લોકો માટે માનદંડ બન્યો નથી.

હું આટલો આગળ વધી શક્યો છું પણ સંઘર્ષ ખેડીને. મિત્રો અને કુટુંબનો ટેકો મેળવવા માટે દરેક વ્યક્તિ સદ્ભાગી ન પણ બની શકે અને બીજાને માટે પ્રતિકૂળતા પણ સાંપડે. હજી ઘણી બધી બાબતો માં હું મામૂલી વ્યક્તિ જ છું.” ખૂબીની વાત એ છેકે આ એવોર્ડ મેળવનાર આશિષને ભારતમાં નોકરીની બજારમાં પ્રથમ પ્રયત્ને બિનમહત્વ ધરાવનાર વ્યકિત ગણીને કોઇ પ્રતિભાવ આપવામાં આવેલ ન હતો. ભારતમાં નોકરી મેળવવી તેમના માટે દુષ્કર બની ગઇ હતી. પોતાને મળેલ એવોર્ડ અંગે પ્રતિભાવ દર્શાવતા મિ. ગોયલ કહે છે, “મારા જેવા સામાન્ય જિંદગી જીવતા લોકોની મહત્વકાંક્ષા પૂર્ણ થાય તે માટે સાચી તકો અને પ્રોત્સાહન મળ્યું છે તેવી દુનિયાને પ્રતિતી થશે તેવી હું આશા રાખુ છું. સૌથી મોટામાં મોટો પડકાર મેં જીલ્યો તે એ હતો કે મારે લોકોને તે ખાતરી કરાવવાની હતી કે મારામાં સાર્મથ્ય છે. ”

તેમણે કદાચ ઘણાં લોકોના દિલ જીતી લીધા હશે અને જે. પી. મોર્ગનમાં પોતાના માટે સ્થાન ઉભું કર્યું પણ હશે પરંતું તેમનો કામનો દિવસ પડકારોથી ભરપૂર છે. કાર્ય કરતા કરતા તે રોજ પડકારોનો સામનો કરે છે પણ તેના પર વિજય મેળવવાનો માર્ગ પણ તે શોધી કાઢે છે. તે બ્રેઇલ લીપી જાણતા નથી. તેમને કદી ગ્રાફ્સ વાંચતા આવડયું નથી.

તેને બદલે રોજ-બ-રોજના કાર્યમાં સ્ક્રિન રીડીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું તેઓ વધારે પસંદ કરે છે. આંકડાઓ પ્રત્યેનો તેમનો પ્રેમ પોતાના કાર્યને આગળ ધપાવે રાખે છે. તેમના નિષ્ણાતો જોખમી વહિવટમાં અટવાયેલ હોય છે ત્યારે તેમનો જુસ્સો નાણાકીય વિશ્વની પેલે પાર જતો હોય છે.

તે કહે છે “મને ક્રિકેટ ખૂબજ ગમે છે. મેં વર્લ્ડ કપ જોવા માટે સાઉથ આફ્રિકાની ટ્રીપ મારી હતી. ભારતના ટેસ્ટ મેચો જોવા હું ઓસ્ટ્રેલિઆ પણ ગયો હતો. મેં યુ.ક્ે. ના બ્લાઇન્ડ ક્રિકેટ સંગઠનમાં ભાગ લીધો છે અને ગયા વર્ષે ટુર્નામેન્ટ પણ જીતી હતી.” આટલી પ્રવૃત્તિ ઓછી હોય તેમ મિ. ગોયેલ બાળકો અને વયોવૃદ્ધ સાથે પણ નવરાસનો સમય વિતાવે છે.

બેન્ક માટે કાર્ય કરતા પ્રથમ અંધ અધિકારી તરીકે અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ અંધ એમ. બી. એ. સ્કોલર તરીકે તેમનો સંદર્ભ આપવામાં આવે છે ત્યારે તે કેવી લાગણી અનુભવે છે તેવું તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, “મારા ખભા ઉપર હું ઘણી મોટી જવાબદારી ઉપાડું છું કારણકે હું નિષ્ફળ જઇશ તો દુનિયામાં કોઇ અંધ વ્યક્તિને કદી આ પ્રકારની તક આપવામાં નહી આવે.” ક્લ્પનામાં પણ ન ધારીશકાય તેવા બુદ્ધિશાળી અને પૃથ્વી પર તદ્ન વહેવારુ માનવી તરીકે આપણે તેમને મૂલવી શકીએ.

તેમની સિદ્ધિઓ ગણી ન ગણાય એવી છે. તેમાંની નોંધપાત્ર સિદ્ધિની વાત કરીએ તો વ્હેરટન બિઝનેસ સ્કૂલ, ફિલાડેલ્ફિઆના તે પ્રથમ અંધ વિદ્યાર્થી હતા. તેમણે સન. ર૦૦૬માં એમ. બી. એ.ના વિદ્યાર્થી તરીકે નોંધણી કરાવી અને વિશેષ લાયકાત સાથે એમ. બી. એ.ની પદવી મેળવી. વ્હેરટન બિઝનેસ સ્કૂલમાં વ્હેરટનના આદર્શ વિદ્યાર્થી તરીકેનો દર વર્ષે અપાતો જોસેફ પી. વ્હેરટન એવોર્ડ તેમણે મેળવ્યો.

વ્હેરટનમાં તેઓ વ્હેરટન જર્નલના કર્મચારીઓના લેખક, બ્રાઝિલિયન રીધમ વાદ્યો વગાડનારા સંઘના સભ્ય અને વ્હેરટન લીડરશીપ લેકચર્સ કમિટી ના સભ્ય બન્યા.૨૦૦૯માં મેટ્રો લંડન સ્પોર્ટસ ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું અને તેમની ટીમે અંધ લોકોની યુ.ક્ે.ની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજય મેળવ્યો. તે ટુર્નામેન્ટ સામાન્ય કરતા થોડા મોટા દડાથી રમાયેલ હતી.

એશિયામાં જે.પી. મોર્ગનના ચીજ-વસ્તુઓના ધંધાને ચલાવનાર અને મિ. ગોયેલના પ્રથમ મેનેજર એવા રે યેલ્સ પોતાની શારીરિક કમી હોવા છતાં કુશળતાપૂર્વક દરેક મહત્વની બાબતો પ્રત્યે ધ્યાન આપનાર મિ. આશિષની વિનમ્રતાથી પ્રભાવિત થયા છે.તેમના કહેવા પ્રમાણે બેન્કના બધાજ કર્મચારી માટે તેઓ પ્રેરણા સ્ત્રોત છે. મિ. આશિષ ગોયલની જિંદગીની પ્રવૃત્તિઓ ફકત વિદ્યા કેન્દ્રિય નથી.

તેમને રંગભૂમિની પ્રવૃત્તિઓ પ્રત્યે લગાવ છે તો પ્રવાસ અને સંગીતમાં ઓછો લગાવ નથી. છેલ્લામાં છેલ્લી રિલીઝ થયેલ ફિલ્મનો તેમને ખ્યાલ છે. હોલીવૂડ અને બોલીવૂડની જિંદગી પ્રત્યેના તેમના ચેપી ઉત્સાહ અને અભિરુચિએ ખાતરી કરાવી આપી છે કે તેઓ જ્યાં જાય ત્યાં લોકોને સારી રીતે પસંદ પડી જશે જ. તેમની સોબત હોવી તે ખરેખર આનંદપ્રદ બાબત છે. તેમના ચહેરા પર હંમેશા સ્મિત રમતું હોય છે અને તેઓ હંમેશા લોકોથી ઘેરાયેલા જોવા મળે છે.

તેમને પૂછાયેલ કેટલાક પ્રશ્નોના જવાબ સંભળ્યા પછી શારીરિક પડકારો ઝીલી સિદ્ધિના શિખર પહોંચેલા આ આદમીની કક્ષાનો ખ્યાલ આવશે અને તેમને મળવાનું મન થઇ આવશે. ચાલો ત્યારે આપણે તેમણે આપેલ ઇન્ટરવ્યુ વાંચી તેમની પ્રતિભાને શબ્દ દેહે નિહાળી લઇએ.

પ્રશ્નઃ તમે ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારે પ્રાથમિક તબક્કે તમારે કયા પડકારો નો સામનો કરવો પડયો હતો ?
જવાબઃ મારા માટે મુખ્ય પડકાર બે હતા. પ્રથમ તો લોકોને તે ખાતરી કરાવવાની હતી કે મારા જેવી કોઇ વ્યક્તિ આ વ્યવસાયમાં ખરેખર પોતાની કારકિર્દી બનાવી શકે છે. બીજો પડકાર ટેકનોલોજીની બાબતનો હતો. મેં ટ્રેડિંગની શરૃઆત કરી ત્યારે આ ધંધાના મંચને સુસંગત થાય તેવા સ્ક્રિન રીડીંગ સોફ્ટવેર ન હતા. Reuters અને બ્લૂમબર્ગ જેવી બીજી સાઇટના સ્ત્રોતથી મળેલ આધારભૂત માહિતીને મૂલવવાની મુશ્કેલીઓ હતી.પરંતુ મને લાગ્યું કે હું નિષ્ફળ જઇશ તો બીજી અંધ વ્યક્તિને બીજી કોઇ તક નહી મળે.

પ્રશ્નઃ બીજા ટ્રેડર્સ કરતા તમે કેવી રીતે જુદા પડો છો ?
જવાબઃ મને લાગે છે કે દુનિયામાં સફળ થનાર બીજો ટ્રેડર હું છું. હું જે તફાવત જોવું છું તે એ છે કે લોકો ગ્રાફસ અને બજાર ભાવ તરફ વધારે ધ્યાન આપે છે જે હું નથી કરી શકતો તેથી હું પાયાના સિદ્ધાન્તને પહેલા સમજવામાં વધારે સમય વ્યતિત કરૃં છું.

પ્રશ્નઃ તમને બજારનો ખ્યાલ કેવી રીતે આવે છે ?
જવાબઃ વિવિધ પ્રકારની સેંકડો રીતે ટ્રેડિંગ કરી શકાય. નસીબ યોગે નાણાકિય બજારના છેલ્લા બે કે ત્રણ વર્ષના અનુભવને લક્ષમાં રાખવાના અભિગમે મને સૌથી મોટા ચિત્રને નિહાળવામાં મદદ કરી છે.

પ્રશ્નઃ ટ્રેડિંગ કે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કઇ બાબત છે ?
જવાબઃ સૌથી અગત્યની બાબત તો એ છે કે આધારભૂત સિદ્ધાંતો અને મૂલ્યાંક્નો પ્રત્યે નજર રાખવી જોઇએ. બીજું ખાતરી કરો કે તમે નુકસાન થતું અટકાવી દીધું છે અને ત્રીજું તમે રોકડ નાણું ઉભું કરવાની સ્થિતિમાં છો. બધા જ સમયે તમારે રોકાણ કરવું જરૃરી નથી. લોકોના હાથમાં પૈસા હોય ત્યારે ઘણાં લોકો પૈસા રોકવા માટે અત્યંત ઇચ્છુક બની જતા હોય છે. પરંતુ રોકાણ કરવા માટે યોગ્ય સમય હોય છે અને ન રોકવા માટેનો પણ યોગ્ય સમય હોય છે. આ એક અગત્યનો પદાર્થ પાઠ લોકોએ શીખવા જેવો છે તેવું મને લાગે છે.

પ્રશ્નઃ તમે બીજાની અપેક્ષાએ રાહ જોવો છો કે બજારના વલણને અનુસરો છો ?
જવાબઃ તમારે બજારના વલણોને લક્ષમાં લેવા જોઇએ. કયારેક બજાર તમને એવી બાબતોની જાણ કરે છે જેની તમને જાણ હોતી નથી. તેથી બજારભાવ પર નજર નાખવી જરૃરી છે. બજારભાવ હંમેશા સાચો માર્ગ બતાવે છે. તમે તમારૃં સંશોધન સાચી રીતે કર્યું હોય તો ટ્રેડિંગમાં ખોટા પડવાની તકો ઓછી છે. તમારા સંશોધન પ્રમાણે ધારણા કરવી તે સાચા ટ્રેડિંગ જેટલું જ અગત્યનું છે.

પ્રશ્નઃ ટ્રેડિંગમાં પૈસા રોક્યા હોય ત્યારે તે તમારી ધારણા થી ખોટા રોકાય જાય ત્યારે તમે શું કરો છો ? તેવી સ્થિતિને તમે પલટાવી નાખો છો, તેને સરભર કરો છો કે તમારૃં નુકસાન સ્વીકારો છો અને બહાર નીકળી જાવ છો ?
જવાબઃ ટ્રેડિંગમાં દાખલ થતા પહેલા, હું તે જાણવા પ્રયત્ન કરૃં છું કે મારી ભૂલ ક્યાં થઇ શકે છે. રોજ બરોજ હું કયાં છું તે તપાસુ છું અને એક દિવસ મને લાગે કે બરાબર નથી તો હું તેમાથી બહાર નીકળી જાવ છું. નુકસાન સ્વીકારી લેવું સહેલું છે અને પછીથી તમે ઇચ્છો ત્યારે પાછું દાખલ થવું વધુ સરળ છે. નહિતર તે ગાળામાં તમારૃં નુકસાન ડુંગર જેટલું ખડકાય જશે.

પ્રશ્નઃ તમે કદી ઉંઘ્યા ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે ? શું બન્યું હતું ?
જવાબઃ હું બોન્ડ અને ચલણમાં ટે્રડિંગ કરૃં છું તે કારણે મારે ચીન, ઓસ્ટ્રેલિઆ અને ભારતીય બજારનો રસ્તો અપનાવવો પડે છે. ખરેખર તો મારી ચોવીસ કલાકની નોકરી છે. તેથી મને પુરતી ઉંઘ મળતી નથી !

પ્રશ્નઃ કોઇ દેશ કે તેના અર્થતંત્રનું તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો ?
જવાબઃ દેશના આર્થિક સમષ્ટિ ભાવનું મૂળભૂત મૂલ્યાંકન વેપારના ચક્રમાં દેશ ક્યાં છે અને દુનિયાનું અર્થતંત્ર વેપાર ચક્રમાં કયાં છે તેના પરથી થઇ શકે છે. હું દેશના મુડી રોકાણ,ચલણવૃદ્ધિ, દેશના મહેસૂલ કે તિજોરી સંબંધી ખાધ તેમજ વેપારની ખાધને તપાસુ છું. બધાજ પ્રકારના આર્થિક સમષ્ટિ ભાવ અસ્થિર હોય છે આથી તેને સાથે મૂકીને તપાસુ છું. વેપાર અને વપરાશકારો શું કરે છે તે પણ હું તપાસું છું કારણકે ક્યારેક અસ્થિરતાને જાણવા આધારભૂત માહિતી ધીમે ધીમે મળતી હોય છે. સરકારની નીતિનું વલણ જાણવું પણ જરૃરી છે. બજેટમાં સરકાર કોઇ જાહેરાત કરવાની હોય તો તેની બજાર પર કેવી અસર પડશે તે પણ ધારી લેવું જરૃરી છે. આ બધા પરિવર્તનો અને આધારભૂત માહિતીને લક્ષમાં રાખીને હું કોઇ દેશ કે તેના અર્થતંત્રનું મૂલ્યાંકન કરવા પ્રયત્ન કરૃં છું.

પ્રશ્નઃ તમે તેજીના બજારમાં રોકાણ કરો છો? તમને ભારતની સ્થિતિ અત્યારે અને આવનાર દિવસોમાં કેવી લાગે છે ?
જવાબઃ હું તેજીના બજારને લક્ષમાં રાખું છું અને મને ભારતની તેજી દેખાય છે.મને લાગે છે કે હવેના કેટલાક દશકામાં ભારતમાં ઘણી તકો ઉભી થવાની છે. ભારતનો વિકાસ દર ઉચો જતો મને દેખાય છે. આધુનિકરણ અને આધારભૂત સામગ્રીના સંર્દભમાં કહીએ તો ભારતમાં વિકાસની તકો ઉજળી હોવાની સંભવિતતા મને દેખાય છે.

પ્રસ્તુતકર્તાઃ
”ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ.”

ફ્રોમઃ ‘અંધારી અમાસના તેજસ્વી તારલા’

ટીપ્પણી