સ્માર્ટ V/S ગમાર – પ્રેમને ગિરવે મુકવા ગયો’તો બેંકમા… તો અરજી તરત જ નામંજુર થઇ… પણ તેને ડિપોઝીટ કરી સૌના દિલમાં.. તો કરોડોથીએ વધુ કિંમત મળી ગઇ…

સ્માર્ટ V/S ગમાર

‘સાહેબ… મારે બેંક્માં ખાતું ખોલવું શ… ન ટેબલે ટેબલે તઇણ દાડાના ધક્કા ખઉં શું.. મને ઝીણાભાઇ એ મોકલ્યો શ… ને કીધુ છે કે ઝવેરી સાહેબને મારુ નામ દેજે…!’ બેંક મેનેજર ઝવેરી સાહેબની સામે સાવ ગમાર ગામડીયો બે હાથ જોડીને ઉભો ઉભો આજીજી કરી રહ્યો હતો.

જો કે ઝીણાભાઇનું નામ પડતા ઝવેરી સાહેબે એક વાર આંખ ઉંચી કરી અને સામે જોયું.

‘હા તો ડોક્યુમેન્ટ…!’ ઝવેરી સાહેબે હાથ લાંબો કર્યો.

‘સાહેબ.. મેં ડોક્યુ નો’તુ કર્યુ.. ઇ તો ગેસના બાટલાની સબસીડી માટે બેંક્મા ખાતુ જોઇએ એટલે દરવાજાની અંદર આવી ગ્યો’તો…! ગમાર માણસને જે સમજાયું તેવો જવાબ આપ્યો.

‘ આઇ મીન… કાગળો..!’ ઝવેરી સાહેબે લાંબો કરેલો હાથ પોતાના માથા પર પછાડ્યો.

‘ના.. મીના નથી આવી અને ઇ’ની જરુર પડશે ઇ ઝીણાભાઇ એ મને નોતુ કીધુ..!’ અને આ શબ્દો સાંભળતા તો ઝવેરી સાહેબનો પિત્તો ગયો અને ઉભા થઇ ગયા.

અને ત્યાં જ એક સ્માર્ટ, શુટ-બુટમાં સજ્જ, જોઇને ભલભલાને આંજી દે તેવો વ્યક્તિ કેબિનમાં દાખલ થયો. તેની સાથે બીજો કાળા કોટવાળો વ્યક્તિ પણ તેમની પાછળ સુટકેસ લઇને આવ્યો.

‘ઓહ… ગિરધારીલાલ આપ…!’ ગુસ્સેથી ઉભા થયેલા ઝવેરી સાહેબ પેલા નવા વ્યક્તિને જોઇ સાવ બદલાઇ ગયા.

‘અરે.. બેસો.. બેસો…મિ. ઝવેરી… મને જોઇને ઉભા થવાની જરુર નથી…!’ અને ગિરધારીલાલ સામેની રીવોલ્વીંગ ચેર પર બેઠા અને બેંક મેનેજરને પણ બેસવા ઇશારો કર્યો.

પેલો ગમાર સામે જ ઉભો હતો.
‘શું નામ છે તારું…?’ ઝવેરી સાહેબ હવે નરમ બની ગયા હતા.

‘ગિધો…!’ પેલાએ બે અક્ષરનું નામ જણાવતા ઝવેરી સાહેબ હસી પડ્યા અને પેલા ગિરધારીલાલે પણ તેની સામે જોયું.

પોતાના નામથી પોતે પહેલી વાર શરમ અનુભવી હોય તેમ તે ફેરવીને બોલ્યો, ‘ઝીણાભાઇ મને કાયમ ગિધો જ કે’શે પણ મારુ હાચુ નામ તો ગિરધારી શ…!’

અને પણ ગિરધારીલાલ તેની સામે જોઇને હસી પડ્યાં.

ત્યાં ઝવેરી સાહેબ મજાકમાં બોલી ઉઠ્યાં. ‘તમારા બન્નેનું નામ તો એક જ છે પણ ગિરધારીલાલ તમે ક્યાં..? અને આ ગિધો ક્યાં…?’ અને ફરી બધાના ચહેરા પર હાસ્ય રેલાઇ ગયું.

‘હા… સાબ… અમે રહ્યાં ગરીબ ને ગમાર..! કે’વાય છે ને નાણા વગરનો નાથીયો ને નાણે નાથાલાલ…!’ ગિધાએ ખરા સમયે જ સિકસર મારતા સૌ ચુપ થઇ ગયા.

‘જો ઝવેરી… આ મારા ડોક્યુમેન્ટ છે.. બધે સાઇન થઇ ગઇ છે… આવતીકાલ સુધીમાં મારું એકાઉન્ટ ખોલી દેવાનું છે અને હું પછી ફરીથી આવીશ.. પેલી વાત મુજબ….!’ અને ગિરધારીલાલે વાત અધુરી છોડી જે ઝવેરી સાહેબ સમજી ગયા હતા.

‘સાહેબ તો મારું ખાતું…?’ ગિધો પણ વચ્ચે બોલી ઉઠ્યો.

‘તું તારા ચાર ફોટા.. આધાર કાર્ડ… તારા ઘરના સરનામાનો પુરાવો આપ…!’ ઝવેરી સાહેબે ગિધાને સામે ઈશારો કર્યો..

ગિધાએ તેની પાસે રહેલી સાવ મેલી થેલી ઉંચી કરી અને કોકડું વળી ગયેલા કાગળો અને જુનવાણી રીતના ફોટા આપ્યાં.

‘આજે તો બે ગિરધારીલાલના ખાતા એક સાથે ખુલશે..!’ ઝવેરી સાહેબે બન્નેના ડોક્યુમેન્ટ હાથમાં લેતા કહ્યું.

‘ઓકે બાય… કોઇ કામ હોય તો ફોન કરજો…!’ ગિરધારીલાલ ઉભા થયા.

‘સર… ચા-કોફી… ઠંડુ….!’ ઝવેરી સાહેબે વિવેક કર્યો.

‘ના… ના.. ટાઇમ નથી…!’ અને ગિરધારીલાલ કેબિનમાંથી બહાર નીકળી ગયા.

ગિધો હજુ ખૂણામાં જ ઉભો હતો… તેને એમ હતું કે મને પણ ચા-કોફીનું પુછશે, પણ ઝવેરી સાહેબ ખુરશીમાં બેસતા તેને કહ્યુ, ‘ત્રણ દિવસ પછી મને મળજે અને કંઇ કામ હશે તો ઝીણાભાઇને ફોન કરીશ.’

અને ગિધો સમજી ગયો કે હવે તેનું કોઇ કામ નથી તે પણ કેબિનમાંથી બહાર નીકળી ગયો.

ત્રણ દિવસે ગિધાએ બેંક મેનેજરની કેબિનમાં ડોકીયું કર્યુ.

આ વખતે ગિરધારીલાલ પહેલેથી જ અંદર બેઠાં હતા.

બેંક મેનેજરને ગિધાને જોઇ થોડીવાર પછી બોલાવવાની ઇચ્છા થઇ પણ ગિરધારીલાલે તેને જોઇ કહ્યું, ઓહ.. ગિરધારી લાગે છે કે આપણે દરવખતે બેંકમાં સાથે જ ભેગા થઇશું. આવ.. આવ… !’

અને ગિધાએ કેબિનમાં પ્રવેશ કરી લીધો.

ગિધો કાંઇ સમજે નહી તે રીતે ઝવેરી સાહેબે ગિરધારીલાલને અંગ્રેજીમાં કહ્યું, ‘સર.. આઇ થીંક યુ ડિપોઝીટ મોર ધેન ટ્વેન્ટી ફાઇવ લેક…. ઇટ હેલ્પ યુ ફોર મેકીંગ સ્ટ્રોંગ ક્રેડીટ ઇમેજ…!’

અને ગિધો બોલ્યો, ‘સાહેબ આજે મારું ખાતું ખુલી જશે’ને..?

‘હા.. લે તારા કાગળો.. કેસ કાઉન્ટર પર જઇને પૈસા જમા કરાવી દેજે…!’ ઝવેરી સાહેબે કાગળ સામે ધરતા કહ્યું.

‘સાહેબ કેટલા ભરવા પડશે..?’ ગિધાએ પ્રશ્ન કર્યો.

‘પાંચ હજાર ભરી દે.. એટીએમ.. ચેકબુક.. બધુ તારા ઘરે આવી જશે..! એ મિનિમમ બેલેન્સ છે..! ’ ઝવેરી સાહેબને ઉતાવળ હતી.

‘પણ.. મીના તો બહાર ગઇ શ… ને ચાર હજાર ચાલશે..?’ ગિધાએ ફરી પોતાની ગમાર હોવાની સાબિતી આપતા બધા હસી પડ્યાં.

‘ના પાંચ એટલે પાંચ… ત્રિવેદી આમને કાઉન્ટર બતાવી પૈસા ભરાવી દે.. !’ ઝવેરી સાહેબે માથું ખંજવાળતા કહ્યું.

‘સાહેબ.. તમારે’ય મારી જેમ પૈસા ભરવાના શે તો હાલો મારી ભેળાં…!’ ગિધાએ ગિરધારીલાલને જોઇ મજાક કરી અને કેબિન બહાર નીકળી ગયો.

‘વેરી ઇલિટરેટ.. ગમાર…!’ કેબિનનો દરવાજો બંધ થતા જ ઝવેરી સાહેબ બોલ્યાં.

ગિરધારીલાલે પચ્ચીસ લાખનો ચેક લખી ઝવેરી સાહેબને આપ્યો અને ઉભા થતા બોલ્યા, ‘ આવતા મહિને જ ગિરધારી જ્વેલર્સનું ઓપનીંગ કરી દેવું છે.. તો…..!’

‘હા.. તમે સહેજે’ય ચિંતા ન કરો.. તમારા ડોક્યુમેન્ટ પર પાંચ કરોડ તો પાસ કરી જ આપીશ..! અને તે પણ જલ્દી…!’ ઝવેરી સાહેબે હાથ લાંબો કર્યો.

‘ઓકે ડન… અને ઓપનીંગમાં એક પાંચ તોલાનો નેકલેસ તમારી પત્નીની પસંદગી પ્રમાણે લેજો.. અમારા જ્વેલર્સ તરફથી નાનકડી ભેંટ સ્વરુપે…!’ અને ગિરધારીલાલે ઝવેરી સાહેબનો હાથ દબાવતા કહ્યું.

વિસેક દિવસ પછી ફરી ગિધો ઝવેરી સાહેબ સાથે રકઝક કરી રહ્યો હતો…
‘સાહેબ મારુ પેલું કારડ… આઇવું શ.. પણ મને તો નઇ ફાવે… મારે પઇસા લેવા શે… બાટલાની સબસીડી જમા થઇ શે.. એમ ઝીણાભૈ કેતા’તા..કે બેંક્મા જજે….ને સીધો ઝવેરી સાહેબને મલજે…!’ ગિધો દયામણો થઇ પોતાના પૈસા લેવા ઝવેરી સાહેબ સામે ઉભો રહી ગયો.

ઝવેરી સાહેબ હજુ કાંઇ બોલે તે પહેલા જ ગિરધારીલાલ કેબિનમાં દાખલ થયાં.

‘અરે ગિધા.. વાહ કેવું યોગાનું યોગ છે… આપણે દર વખતે અહીં જ મળીએ છીએ… પણ તુ મારા માટે લકી છે હોં….! હું જ્યારે આવું છું ત્યારે તું અચૂક મળે છે અને તે દિવસે મારુ કામ થઇ જાય છે…’ ગિરધારીલાલે તો ગિધાને માન આપ્યું અને ખુરશીમાં બેસી ગયાં.

‘સર.. આપનો ચેક રેડી છે… આ ડોક્યુમેન્ટ પર સહી કરી દો…!’ ઝવેરી સાહેબ ખુરશીમાં ઉભા થઇ કાગળો ગિરધારીલાલ સામે ધર્યા.

થોડીક સહીઓ થઇ અને તરત જ ઝવેરી સાહેબે પાંચ કરોડનો ચેક ગિરધારીલાલને આપ્યો.

અને તરત જ ગિરધારીલાલે તેની સાથે આવેલા સુટકેસવાળા તરફ ઇશારો કર્યો.

પેલાએ તરત જ પોતાના પાસે રહેલા મોટી બેગમાંથી એક મોટું મીઠાઇનું પેકેટ ઝવેરી સાહેબને આપ્યું અને બીજા નાના પેકેટ આપતા કહ્યું, ‘સ્ટાફમાં બધાને એક એક આપી દેજો… અને હા.. આ ગિધાને પણ એક પેકેટ આપજે…!’

‘હેં સાહેબ… તમને સબસીડીના પઇસા મલી જ્યાં…!’ ગીધાએ પેકેટ હાથમાં લેતા કહી દીધું અને ગિધા સિવાય બધા હસી પડ્યાં.

‘તો સાહેબ.. મારા’ય પઇસાનું કરોને…!’ ગિધાએ ઝવેરી સાહેબને જોઇને કીધું.

ઝવેરી સાહેબે ફરી ત્રિવેદીને બોલાવી ગિધાને કાઉન્ટર બાજુ ધકેલી દીધો.

‘આવતા મહિનાની સાતમી તારીખે ઓપનીંગ છે.. આ ઇન્વીટેશન કાર્ડ.. તમારી વાઇફને સાથે લાવવાનું ભુલતા નહી..!’ અને ગિરધારીલાલ બેંકમાંથી બહાર નીકળી ગયા.

અને ગિધો હજુ સાતસો રુપિયા ઉપાડવા લાઇનોમાં ધક્કે ચઢી ગયો હતો.

છએક મહિના વીતી ગયા…
ગિધાના એકાઉન્ટમાંથી કુલ મળીને ત્રણેક હજાર કપાઇ ગયેલા… અને ગિધા માથે તો જાણે આભ તુટી પડ્યું.

બેંકમાંથી તો મિનિમમ બેલેન્સ.. બેંકીક ચાર્જ…ફલાણાં ને ઢીકણાં ચાર્જ જેવા અઘરા અઘરા શબ્દો બોલી ગિધાને સૌ ધકેલી દેતા.

ઝવેરી સાહેબને મળ્યા વગર કામ નહી થાય તેમ વિચારી તે ચક્કર લગાવતો.
અને આખરે એક દિવસ ઝવેરી સાહેબને કેબિનમાં જોઇ લીધા.

અને પહોંચ્યો ગિધો સીધો કેબિનમાં…

તે કેબિનમાં કોઇ એક સ્માર્ટ અને ઉંમરલાયક વ્યક્તિ ઝવેરી સાહેબની ખુરશીમાં બેઠા હતા અને ઝવેરી સાહેબ સામે હાથ જોડી ઉભા હતા.

ગિધાને જોઇ ઝવેરી સાહેબ અકળાયા.

‘ચ્યમ… સાહેબ આજે પેલા ગિરધારી શેઠ નથી આઇવા…!’ ગિધાએ તો ભાંગરો વાટ્યો.

અને ગિરધારી શેઠનું નામ પડતા સામે ખુરશીમાં બેસેલા વ્યક્તિએ ગિધા સામે જોઇ લીધું અને કહ્યું, ‘તું ઓળખે છે ગિરધારી શેઠને…..?’

‘અરે… ઇ તો.. ઝવેરી સાહેબના ખાસ માણહ… હું આવું તો ઇ તો હોય જ… સાહેબ છેલ્લે તો ઇમને જે મીઠાઇ આલી તી.. ઇ તો હું ને મીના આંગળા ચાટતા રહી ગયા એટલી મીઠી હતી.. ઝવેરી સાહેબને’ય ખોખું આલ્યું તું… !’

‘ચુપ ગિધા…!’ ઝવેરી સાહેબે ગિધા તરફ ઇશારો કરી તેને બંધ થવા કહ્યું.

‘ઝવેરી સાહેબ… મારા તઇણ હજાર કપાઇ ગીયા શ… ઉણ ટમેટાં થીયા શ.. એક થેલી લાઇવો છું.. બધાને થાય એટલા નથી.. પણ તમે લઇ જજો… આ તમારા સાહેબ લાગે શે.. ઇમને’ય આલજો.. પણ સાહેબ.. મારા પઇસા પાછા આલો…! ઝીણાભૈએ કીધું તુ ઝવેરી સાહેબ માટે કઇક લેતો જજે એટલે કામ થઇ જશે…’ ગિધાએ ટમેટા ભરેલી થેલી ઝવેરી સાહેબ સામે ધરી.

‘એટલે મિ. ઝવેરી તમે આ રીતે કામ કરો છો….?’ સામે બેસેલો માણસ ઝવેરી સાહેબની ઇન્કવાયરી માટે આવ્યો હોય તેમ લાગ્યું.

‘ના… સર… આ.. તો….!’ ઝવેરીને શબ્દો ગોઠવવામાં તકલીફ પડી.

‘મિ. ઝવેરી તમે જેની પાંચ કરોડ જેટલી લોન મંજુર કરી છે તે ગિરધારીલાલે હજુ સુધી બે હપ્તા પણ ભર્યા નથી અને વિદેશ ફરાર થઇ ગયો છે.. તેમનો ગિરવે રાખેલો જ્વેલર્સની દુકાનનો બધો માલ મળીને દોઢ કરોડનો પણ નથી….! આમ ને આમ તો બેંકનું ઉઠમણું થઉ જાય…!’ પેલા વ્યક્તિ ઝવેરી પર ગુસ્સો કરી રહ્યા હતા અને ઝવેરી વીલે મોઢે સાંભળી રહ્યો હતો.

‘હેં સાહેબ… ઇ શેઠે બેંકવાળાનું કરી નાખ્યું….??’ ગિધાને સમજાયું તે રીતે કીધું.

‘ચુપ કર ગધા…!’ ઝવેરી સાહેબે જાણી જોઇને ગિધાને ગધો કહી તાડુકી ઉઠ્યાં.

આ સાંભળી ગિધો થોડીવાર ચુપ રહ્યો અને પછી ઝવેરી સાહેબ સામે જોઇને બોલ્યો, ‘હા… સાહેબ અમે તો નાણા વગરના એટલે ગધા જ છીએ… પેલા શેઠ જેવા લોકો ચુનો લગાવે તો’ય ઇમની માટે જી હજુરી અને અમારા તો વાતે વાતે પઇસા કાપી નાખો… હા સાહેબ અમે તો ગધા જ કે અમને તેમની જેમ ચુનો લગાવતા નથી આવડતું એટલે તમે અમને ચુનો લગાવી દો… હા સાહેબ અમે ગધા જ છીએ કે દેશી બોલીએ પણ કોઇદી જુઠ્ઠુ ના બોલીએ… હા સાહેબ અમે ગધા જ છીએ કે સારી રીતે હાથ મિલાવતા નો આવડે પણ તમને હાથ જોડીને ઉભા રહીએ… હા સાહેબ અમે ગધા જ છીએ કે અમારી પરસેવાની બે પઇસાની પુંજી તમારે ભરોસે મુકીને જઇએ કે તમે પેલા શેઠ જેવા લોકોને આલી દો… હા સાહેબ અમે તો ગધા જ છીએ… સાહેબ તમે જ કે’તા તા ને કે પેલા શેઠ ક્યાં ને તું ક્યાં…? આજે ખબર પડી કે ભલે અમે રહ્યા ગમાર માણહ ને પેલા આંખ્યુને આંજી દે તેવા…. પણ અમે એક રુપીયોએ ખોટી રીતે કોઇનો નો લઇએ…!’

અને ત્યાં જ પોલીસ પણ કેબિનમાં દાખલ થઇ અને ઝવેરી સાહેબને વધુ પુછપરછ કરવા ગિધાને બહાર ધકેલી દીધો.

ગિધો બિચારો તેના તઇણ હજાર પાછા લેવા બધે કરગરતો ફરવા લાગ્યો…

અને ગિરધારીલાલ કરોડોનું કરી વિદેશમાં એશોઆરામ ફરમાવી રહ્યાં હતા.
લેખક
ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
ચાર રોમાંચ જિંદગીના
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
હું

અવશ્ય વંચો અને વંચાવો…

દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી