“‘ઓખી..” – ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત વાર્તા…

“ઓખી…”

કેરળ, તમિલનાડુમાં તબાહી સર્જી ‘ઓખી’ વાવાઝોડું ગુજરાતના દક્ષિણ ભાગે નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે.
હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારે રહેતા લોકોને સાવધ રહેવા અને સાગર ખેડાણ ન કરવાની જાહેરાતો થઇ ગઇ છે..

છતાં પણ… ઓખી તો દરિયાથી ઘડીભર દુર રહી નહોતી શકતી..
સમી સાંજે તોફાની વાતાવરણ વચ્ચે પણ ઓખી દરિયાનાં ઉછળતા મોજામાં આવતાં છીપલાં વીણી રહી હતી…

‘ઓખી.. એય ઓખી…તું દરિયાથી દુર રે’જે… ઇ આપણો દેવ તો ખરો પણ જ્યારે ગાંડોતૂર થાય તો કોઇ નો નંઇ….! અને… લંગરને કંઇ ના કરતી… દરિયામાં તોફાન આવે તેમ લાગે છે……! હું અત્યારે શહેરમાં જાઉં છું… આવતાં મોડું પણ થાય….!’ સાગરે દરિયાકિનારે ઓખીને રમતાં જોઇ બૂમ પાડી.

‘પણ.. બાપુ તમે તો કે’તા તા કે હું જન્મી ત્યારે તોફાનમાંથી બચી ગયેલી…! એટલે મને કાંઇ નઇ થાય.. તમે ચિંતા ના કરો..! તમતમારે જઇ આવો…હું ઓખીને બરાબર સાફ કરી દઉં છું…!’ ઓખી દરિયાકિનારા તરફ જતાં બોલી.

ઓખીની વાત સાંભળતા જ સાગર આઠ વર્ષ પહેલાનાં ભૂતકાળના ખોવાઇ ગયો.

ત્યારે અચાનક દરિયામાં તોફાનનાં એંધાણ વર્તાયા હતા. સૌ માછીમારોને બે ત્રણ દિવસ સાગર ન ખેડવા કહી દીધું હતું.

હવામાનખાતાએ તો જાહેરાત પણ કરી હતી કે જલ્દી દરિયાકિનારો ખાલી કરી દેજો.. રાતવાસો દરિયાકિનારે ના કરતાં.. આવતીકાલે ગમે ત્યારે વાવાઝોડું આવી શકે છે..

‘હજુ તો આવતીકાલે ને….!?’ તે સાંજે સાગરે પણ એમ જ વિચારેલું કે તોફાન હજુ તો આવતીકાલે આવવાનું છે, કાલે વહેલી પરોઢે જતા રે’શું…
પણ તે રાત ભારે તોફાની બની…

પવનદેવ અને સાગરદેવ બન્ને એકસાથે પોતાનું વિકરાળ રુપ ધરીને જળદેવને તોફાને ચઢાવી દીધાં.

અને બીજી બાજુ સાગરની પત્નીને પહેલી સુવાવડ ઉપડી…. નવ મહિના પુરા થવાને તો હજુ દસેક દા’ડાની વાર હતી, પણ આજે કેમ જાણે કુદરત રુઠી હતી…!

પણ આ તો સાગરખેડુંની દિકરી… દરિયાદેવના તોફાન વચ્ચે પણ ઝુંપડીમાં પ્રસુતિની વેદના સહન કરતી રહી.. દાયણ પણ કોઇ હતી નહી… એટલે સાગરે પોતે પોતાને જે સુઝે એટલું કરીને પોતાના હાથે પ્રસવ કરાવેલો..

દિકરી આવી સાથે દરિયાનું પાણી પણ છેક ઝુંપડા સુધી તાણી લાવી.. દરિયાનું પાણી ઝુંપડીમાં ફરી વળેલું… હજુ તો સુવાવડ માંડ પતી હતી, ને સાગરે તેની પત્ની અને નવજાત દિકરી સાથે ઘરવખરી સમેટીને દરિયાથી દુર જવા ચાલતી પકડી…

સાગર તે તોફાની રાતે વારે વારે પોતાની દિકરીનું મોં જોવા તેનું કપડું ખસેડી તેનું મોં ખુલ્લું કરતો.. પણ અંધકારમાં તે શક્ય ન બન્યું.

અને એકાએક સાગરના પગ અટકી ગયા… અને તેને પોતાની ‘ઓખી’ યાદ આવી… સાગરની નાવડીનું નામ ઓખી હતું. તેનો માછીમારીનો વ્યવસાય બાપ-દાદા વખતથી ચાલ્યો આવે. તેનું મૂળ વતન ઓખા અને ઓખીમાતા તેમના કુળદેવી એટલે નાવડીનું નામ ઓખી રાખેલું.

‘સાંભળ.. તું જલ્દી આ પોટલું અને દિકરીને લઇ કાંઠે માતાના મંદિરે જતી રે… હું ઓખીને બરાબર બાંધીને આવું… રાતે આ તોફાન હજુ વધશે…જો નાવડી દરિયામાં જતી રે’શે તો….!’ સાગરનો જીવ એકાએક પોતાના ઘરની આજીવિકા પર ગયેલો.

‘ના આમ… તોફાન વચ્ચે હું તમને નહી જવા દઉં… હું અને તમારી દિકરી બન્ને ભેળાં આવીશું…!’ સાગરની પત્ની પણ જીદે ચઢેલી.

અને તે રાતે તોફાન બરાબર જામેલું… દરિયાની ભરતી વધી ગઇ હતી…. ઉછળતા મોજા સામે નાની ‘ઓખી’ નાવડી ટક્કર ઝીલીને ઉછળી રહી હતી..

તે રાતે ત્રણેય ઓખીમાં આવી તો ગયા, તેને બરાબર બાંધી દીધી પણ હવે પાછા જવાય તેમ નહોતું.. એટલે નાની હોડીમાં વચ્ચેના ઉંચા સઢ પર જોરજોરથી ફરકતી દરિયાદેવની ધજાની નીચે બેસી રહ્યાં.

સાગર, તેની વહુ અને નવજાત દિકરીએ આખી રાત મહામુસીબતે પસાર કરેલી.. તે તોફાની રાતે દરિયાના ઉછળતાં પાણીએ તેની દિકરીને અનેકવાર નવડાવી હશે…! તેનું રુદન દરિયાના અવાજ અને પવનના સૂસવાટા વચ્ચે સતત ચાલુ હતું… પણ હવે તેમને આખી રાત ઓખીમાં જ કાઢ્યાં વિના છૂટકો ન હતો…!

અને સવારનું પહોર થતાં વાદળોની વચ્ચેના આછાં અજવાળે માં-બાપે પહેલીવાર પોતાની દિકરીનું સરખી રીતે મોં જોયું..

બન્ને ખુશ થયેલાં… અને ત્યારે જ દિકરી પર દરિયાદેવનું જળ ચઢાવી તેનું નામ ‘ઓખી’ રાખી દીધેલું.

આ ઓખી આજે આઠેક વર્ષની થઇ ગઇ હતી.

‘બરાબર સાફ-સફાઇ કરીને ઘરે જલ્દી જતી રે’જે… આ ઓખીના લીધે જ આજે તું મોટી થઇ છે….! અને તોફાન જેવુ છે એટલે ઘરમાં જ રે’જે….!’ સાગર ભૂતકાળની યાદોમાંથી બહાર આવી તરત જ ઓખીને કહ્યું..

‘હા… બાપુ…!’ ઓખી તો પળવારમાં ‘ઓખી’ પર ચઢી ગઇ અને તેની સફાઇ શરુ કરી દીધી.

ધીરે ધીરે પવનની ગતિ તેજ થઇ રહી હતી.

ઓખીનું તોફાન ગુજરાત તરફ આવી રહ્યું હતું તેની અસરો વર્તાઇ રહી હતી. પણ આ ઓખીનું ધ્યાન તો માત્ર સાફ સફાઇમાં હતું. દરિયાના ઉછળતા મોજા સાથે તો તે જિંદગીના પહેલા શ્વાસથી લડી હતી એટલે તેને કોઇ ડર લાગતો નહોતો.

દરિયાકિનારેથી બધા માછીમારો દુર થઇ ગયા હતા.

થોડીવાર થઇ હશે ત્યાં પંદરેક માણસોનું ટોળું ત્યાં આવ્યું અને તેમાંથી એકે બૂમ પાડી, ‘એય… છોડી.. સાંભળે’શે…! તારા બાપુ ક્યાં…?’

‘ઇ તો શહેરમાં ગ્યા છે.. રાતે આવશે…!’ ઓખીએ દૂરથી જ અવાજ દીધો..

‘સાંભળ…તારી નાવ પર આ બધા પોસ્ટરો અમે લગાવવા આવ્યા છીએ… તારા બાપુને કીધું છે. અહીંની બધી નાવડીઓ પર લગાવીને આવ્યાં છીએ….!’ અને તેમાંથી ચારેક જુવાનીયાએ ફોટાવાળા પોસ્ટરો નાવડીના ફરતે અને અંદર પણ લગાવી દીધા.

ઓખીને ખ્યાલ નહોતો કે ગુજરાતમાં અત્યારે ચૂંટણીનું વાતાવરણ પણ ગરમાઈ રહ્યું છે.

તેમાંથી એક બોલ્યો, ‘ તારા બાપુ આવે તો કે’જે કે આ વખતે અમારી પાર્ટીને વોટ આપે.. અમે નવી એંજીનવાળી બોટ લાવી આપીશું..!’ પેલાએ કહ્યું પણ ઓખીને કાંઇ સમજાયું નહી.

‘અલ્યાં… આ છેક ઉપર પણ આપણી પાર્ટીની ધજા લગાવી દે…!’ એક વ્યક્તિએ દૂરથી બૂમ પાડી.

‘પણ, ત્યાં તો અમારા દરિયાદેવની જ ધજા લાગે….!’ ઓખીએ તેમને રોકતા કહ્યું.

પેલા જુવાને તો બીજી પળે નાવડીની વચ્ચે રહેલા જાડા અને ઉંચા લાકડાના શઢ પર ચઢીને તેના પર લાગેલી દરિયાદેવની ધજા હટાવી અને પોતાના રાજકીય પક્ષની ધજા લગાવી દીધી.

જો કે ઓખીને તે બિલકુલ નહોતું ગમ્યું.

બાપુએ સજાવેલી ઓખી પર ચારેબાજુ કોઇ રાજકીય નેતાના પોસ્ટરો લાગી ગયા હતા. ઓખી નહોતી જાણતી કે આ ચુંટણીના પોસ્ટરો છે.. તેને મન તો પોતાની ઓખીને બધા ગંદી કરી રહ્યા હોય તેમ લાગેલું.

અને થોડીવારે તે બધા ચાલ્યાં ગયા.
ઓખી તેમના પર ખીજાયેલી… પણ તે કાંઇ કરી શકે તેમ નહોતી.

પવનના સૂસવાટા તેજ થતાં દરિયાનું પાણી ઉછળવા લાગ્યું અને સાથે ‘ઓખી’ નાવડી પણ હાલક ડોલક થવા લાગી. જાણે તેને પણ તે નહોતું ગમ્યું…!

ઓખી નાવડીથી ઉતરીને દુર દરિયાકાંઠે ઉભી રહીને પોતાની નાવડી જોઇ રહી હતી.

તોફાન અને અંધકાર બન્ને ફરી પોતાની પક્કડ મજબૂત કરી રહ્યાં હતા. દરિયાનું તોફાન વધી રહ્યું હતું..

છાપામાં જાહેર થઇ ગયેલું કે આજે ‘ઓખી’ નામનું વાવાઝોડું ત્રાટકવાનું છે.. દરિયાકિનારે પણ રેડએલર્ટ જાહેર થઇ ગઇ હતી.. જો કે આ ઓખીને ‘ઓખી’ તોફાન વિશે કોઇ જાણ નહોતી.

પોતાની નાવડી પર બદલાયેલી ધજાથી ઓખીને ન ગમ્યું. ઓખીને લાગ્યું કે નાવડીની છેક ઉપર દરિયાદેવની ધજા બાપુ નહી જુએ તો તેમને નહી ગમે એટલે તેને હટાવી દઉં… તે ઉછળતાં મોજા વચ્ચે ફરી નાવડી પર ગઇ અને તે ઉપર ચઢી…

પણ હવે તોફાન પણ વધી રહ્યું હતુ… નાવડી અને ઓખી બન્ને પોતાને સ્થિર રાખી શકતા નહોતા.

જેમ તેમ કરી ઓખી ટોચ પર પહોંચી… અને ત્યાં જ દરિયાકાંઠે બીજા દસેક લોકોનું ટોળું આવ્યું…

‘એ ય છોડી… અમારી વિરોધી પાર્ટીની ધજા તારી નાવડી પર લગાવે છે…ઉભી રે…જોવું છું તું અને તારી નાવડી કેવી રીતે બચે છે…!’ અને તેને આવેશમાં આવી નાવડીના લાગેલા લંગરને છોડી દીધું…

અને બન્ને ઓખી એકસાથે દરિયાના ‘ઓખી’ તોફાનમાં એકાએક ખેંચાઇ ગયા…

હવે ત્રણેય ‘ઓખી’ … એક વાવાઝોડું, એક નાની દિકરી અને એક નાવડી દરિયામાં એકમેક સામે લડવા મજબૂર બની ગયા હતા.

પેલા ટોળાને કદાચ ખ્યાલ નહી હોય કે પોતે કરેલી ભૂલનું પરિણામ ભયાનક આવશે.. તેઓ તો નાવડીને તણાતી જોઇ ભાગી છૂટ્યાં…

અને ઓખી ઉપર રહીને ‘બાપુ…. બાપુ…!’ ની બૂમો પાડતી રહી.

ચારેબાજુ અંધકાર અને તોફાની રાતે એકક્ષણમાં જ નાવ દરિયામાં ગરક થઇ ગઇ અને દરિયાકાંઠે બીજુ કોઇ નહોતું કે તેને બચાવે…

ઓખીએ તોફાનમાં પણ શઢના લાકડા પર દરિયાદેવની ધજા ફરી લગાવી દીધી અને ઝડપથી નીચે આવી હલેસાં પોતાના હાથમાં લીધા.

વિશાળ દરિયો અને ‘ઓખી’ના તોફાની જોર સામે નાની ઓખીનાં કાંડાનું બળ સાવ તુચ્છ હતું..

જન્મતાં જે તોફાન સાથે ઝઝુમી હતી તે આજે ફરી એકલા હાથે દરિયાદેવ સાથે બાથ ભીડી રહી હતી.

થોડીવારે તે હલેસા મારતી અને પછી નાવડીમાં અંદર ભરાઇ ગયેલા પાણીને ઉલેચતી… પણ તેના પ્રયત્નોથી કોઇ ઝાઝો ફર્ક ન પડ્યો. તે દરિયાના તોફાનમાં દૂર ખેંચાઈ ગઈ.

વિશાળ અને વિકરાળ ઓખી તોફાનમાં બન્ને ઓખીનું જોર ધીમું પડતું ગયું…

સાગર રાતે ઘરે આવ્યો, ઓખીને ન જોતા તે દરિયાકાંઠે પહોંચ્યો. દરિયો ગાંડો બની ઉછળી રહ્યો હતો…તેને પોતાની નાવ ‘ઓખી’ને ન જોતા ફાળ પડી…
અને તેને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે…!!?

તે તાત્કાલિક કાન્ટ્રોલ રુમ પહોંચ્યો અને પોતાની વાત કહી..

તાત્કાલિક રેસ્ક્યુ ટીમ આવી.. પણ દરિયાના મોટા પટમાં અને વધી ગયેલા તોફાનમાં તેમની ટીમ પણ આખરે
થાકી…

બિચારો સાગર અને તેની વહુ આખી રાત ઓખીની રાહ જોઇને બેસી રહ્યાં… પોતાની કુળદેવી અને સાગરદેવને વારેવારે વિનવતા રહ્યાં.

એક તોફાનથી ઓખી બચી’તી જ્યારે આજે ‘ઓખી’ ના તોફાને જ બન્ને ઓખીને એકસાથે પોતાનામાં સમાવી લીધા.

સવારનો પહોર થયો… રેસ્ક્યુ ટીમ પણ મહેનત કરી રહી હતી… છેલ્લે સુધી કોઇ સગડ નહોતા મળતા…

એવામાં એકાએક એક ટીમને કોઇ મોટું તરતુ લાકડું દેખાયું..
અને તે લાકડા પર ઓખી હાથમાં દરિયાદેવની ધજા લઇને ચીપકીને સુતી હતી.

તેને કિનારે લાવ્યાં . તેના શ્વાસોશ્વાસ ચાલુ હતાં અને તેને તાત્કાલિક દવાખાને દાખલ કરી…

ઓખી તો બચી ગઇ.. પણ ‘ઓખી’ નાવડીમાંથી માત્ર દરિયાદેવની જ્યાં ધજા લાગતી તે લાકડું અને તે ધજા જ કિનારા સુધી પરત આવ્યાં હતા.

ઓખીએ આંખો ખોલી..અને સાગરના આંખોમાંથી હરખની હેલી છલકાઇ. તે ઓખીને વળગી પડ્યો.

ઓખી ધીરેથી બોલી, ‘ બાપુ… હું અને ઓખી બન્ને ડુબી ગયેલા પણ મેં દરિયાદેવને જોયા…. તેમને મને ધજાવાળાં લાકડા પર બેસાડી અને ચાલ્યાં ગયા…!’

‘હા બેટા.. દરિયાદેવે જ તને બચાવી છે નહિ તો આવા તોફાનમાં…!’ સાગર એટલું કહી ફરી તેને વળગી પડ્યો.

ઓખીએ દવાખાનાની બહાર ચુંટણી પ્રચારના ઢોલ વાગતા સાંભળી બારીમાંથી તે તરફ નજર કરી અને બાપુને તે તરફ આંગળી ચિંધીને કહ્યું, ‘બાપુ તમે ચિંતા ન કરો… પેલા લોકો આપણને ઇન્જીનવાળી બોટ આપશે, ગઇકાલે જ તેમના માણસોએ મને કહેલું…! તેમને આપણા દરિયાદેવની ધજા ઉતારીને તેમના નેતાની ધજા લગાવેલી…! પણ બીજા લોકોને તે નહોતું ગમ્યું એટલે તેમણે આપણી ઓખીને છોડી દીધેલી અને હું એકલી દરિયામાં ખોવાઇ ગઇ…! ’ ઓખીએ તે સાંજે બનેલી બધી ઘટના વર્ણવી.

સાગરને બધો ખ્યાલ આવી ગયો અને તે બોલ્યો, ‘ ઓખી…મને એમ હતું કે તું દરિયાદેવનાં તોફાનમાં ખેંચાઇ હશે..! પણ તને તો ચુંટણીના રાજકીય પક્ષોનું વાવાઝોડું ખેંચી ગયું હતું…! ‘ઓખી’નું વાવાઝોડું તો કદાચ એક બે દિવસ અસર કરે પણ રાજકારણનું વાવાઝોડું તો ……!’ સાગરના શબ્દો વચ્ચે જ રોકાઇ ગયાં. કદાચ, ઓખી તે નહી સમજી શકે એટલે તેને પોતાના શબ્દો રોકી દીધાં અને તે પણ દવાખાનાની બહાર ચાલી રહેલા ચુંટણી પ્રચારના અવાજમાં ખોવાઇ ગયો.

લેખક
ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
તા. ૦૪/૧૨/૨૦૧૭
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
 
ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,
ચાર રોમાંચ જીંદગીના
 
અને સ્વવિકાસ માટેનું પુસ્તક
હું – ખોવાયેલા ખુદની શોધ
 
આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.

શેર કરો આ રસપ્રદ વાર્તા તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી