હવે ગળાના કેન્સર પીડિત વ્યક્તિઓ ફરીથી બોલી શકશે એ પણ ફક્ત ૫૦ રૂપિયામાં….

બેંગલુરુના કેન્સર રોગ વિશેષજ્ઞ ડો. વિશાલ રાવે અફોર્ડેબલ વોઇસ પ્રોસ્થેસિસ ડિવાઇસ વિકસિત કર્યું છે. આપણા ગળામાં વાઇન્ડ પાઇપ (વોકલ કાર્ડ) અને ફૂડ પાઇપ છે. ફેફસાંમાંથી મળનારી હવાથી વોઇસ બોક્સ વાઇબ્રેટ થાય છે અને આપણે બોલીએ છીએ. ગળાના કેન્સરની સર્જરી કરતી વખતે વાઇન્ડ પાઇપ અને ફૂડ પાઇપને એકબીજાથી અલગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ દર્દી બોલી શકતો નથી અને વ્યવસ્થિત રીતે ખાવાનું ખાઈ શકતો નથી. તેની સારવાર છે પ્રોસ્થેસિસ ડિવાઇસ. તેની મદદથી ફૂડ પાઇપ વાઇબ્રેટ કરવા લાગે છે અને દર્દી બોલવા લાગે છે. વેસ્ટર્ન વોઇસ પ્રોસ્થેસિસ ડિવાઇસની કિંમત 15થી 30 હજાર રૂપિયા છે અને તેને દર છ મહિને રિપ્લેસ કરાવવું પડે છે. ડો. વિશાલ રાવે જે ડિવાઇસ બનાવ્યું છે તેની કિંમત છે માત્ર 50 રૂપિયા.

આપણા દેશમાં હૃદયરોગ પછી સૌથી વધારે લોકો કેન્સરથી મરે છે. તેમાંય ગળાના કેન્સરથી મરનારા દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. ગળાના કેન્સર દર્દીઓની સર્જરી માટે જાણીતા ડો. વિશાલ રાવ એ વાતને લઈને પરેશાન હતા કે તેમના ગરીબ રોગીઓ માટે પ્રોસ્થેસિસ ડિવાઇસ અફોર્ડેબલ નથી. તેઓ દર છ મહિના પછી તેને રિપ્લેસ કરાવી શકતા નથી. ડો. રાવ આવા રોગીઓ માટે લોકો પાસે મદદ માગે છે. આવા જ એક નિર્ધન દર્દી માટે એક વાર તેમણે પોતાના ઉદ્યોગપતિ મિત્ર શશાંક મહેશ પાસે દાન માગ્યું તો તેમણે કહ્યું, આ દર્દીને તો હું મદદ કરીશ, પરંતુ અન્યો માટે ક્યાં સુધી દાન મેળવતા રહેશો, મોંઘાં વોઇસ પ્રોસ્થેસિસ ડિવાઇસનો સસ્તો વિકલ્પ કેમ નથી શોધતા?

ડો. વિશાલ રાવ વોઇસ પ્રોસ્થેસિસ ડિવાઇસની ટેક્નિક તો સમજતા હતા, પરંતુ તેઓ ઉદ્યમી નહોતા. શશાંક મહેશની પાસે કારોબારનું જ્ઞાન હતું. શશાંક મહેશની પ્રેરણા અને પાર્ટનરશિપમાં ડો. વિશાલ રાવે ઇન્ટરનેશનલ ધારાધોરણોવાળું પ્રોસ્થેસિસ ડિવાઇસ બનાવવા માટે પ્લેટિનમ-ક્યુર્ડ સિલિકોન આયાત કર્યું. બે વર્ષના પ્રયત્નો પછી એવું પ્રોસ્થેસિસ ડિવાઇસ બનાવી લીધું જે શરીરના ટિશ્યૂઓને પ્રભાવિત ન કરે. ડો. વિશાલ રાવે તેનું નામકરણ કર્યું – ‘ૐ’ અને કિંમત નક્કી કરી માત્ર 50 રૂપિયા. ડો. રાવ કહે છે કે ‘ૐ’ સૃષ્ટિનો આધાર છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોઈ બેસેલો અવાજ મેળવે છે ત્યારે મારી દૃષ્ટિએ તેનો પુનર્જન્મ થાય છે, તેથી મેં પોતાના પ્રોસ્થેસિસ ડિવાઇસનું નામ ‘ૐ’ આપ્યું છે.

 

ડો. રાવના એક કેન્સર રોગી હતા 55 વર્ષના ચોકીદાર રામકૃષ્ણન. વર્ષો સુધી બીડી પીવાને કારણે તેમને ગળાનું કેન્સર થયું ત્યારે ડો. રાવે સર્જરી પછી તેમના ગળામાં બે વર્ષ સુધી પહેલાં વેસ્ટર્ન પ્રોસ્થેસિસ ડિવાઇસ પ્લાન્ટ કર્યું હતું. પૈસાની ઊણપને કારણે તેઓ તેને ફરીથી રિપ્લેસ કરાવી શક્યા નહીં અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ડો. રાવે સૌથી પહેલાં તેમના ગળામાં સ્વ-વિકસિત પ્રોસ્થેસિસ ડિવાઇસ ‘ૐ’ પ્લાન્ટ કર્યું. મોડી રાતે રામકૃષ્ણને ડો. રાવને ફોન કર્યો અને કહ્યું, ‘તમે મારા ભગવાન છો. મહિનાઓ પછી હું બોલી રહ્યો છું અને મેં સારી રીતે ખાવાનું ખાધું.’

ડો. વિશાલ રાવ કિશોરવયના હતા ત્યારે તેમનું સ્વપ્ન શેફ બનવાનું હતું. તેઓ બાઇકના શોખીન હતા અને બાઇકર બનવા માગતા હતા. બાયોલોજીમાં તેમને સારા માર્ક્સ મળ્યા તો માતા-પિતાએ તેમને મેડિકલનો અભ્યાસ કરવા માટે મજબૂર કર્યા. એમએસની ડિગ્રી લીધા પછી તેમણે ટાટા મેમોરિયલ હોસ્પિટલમાંથી ઓન્કોલોજી (કેન્સર)ની ટ્રેનિંગ મેળવી. આ દિવસોમાં તેઓ એચસીજી હોસ્પિટલ, બેંગલુરુના ઓન્કોલોજિસ્ટ હતા. યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન, યુએસએના વિઝિટિંગ સ્કોલરની સાથે સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કેન્સર પ્રિવેન્શન એન્ડ ટોબેકો કંટ્રોલ પ્રોજેક્ટના ડાયરેક્ટર છે. ડો. વિશાલ રાવે એક અભિયાન શરૂ કર્યું છે – ‘કેન્સરથી બચો, જિંદગી બચાઓ.’

બાઇક આજે પણ ડોક્ટર રાવની કમજોરી છે. તેઓ 1800 સીસી સુઝુકી ઇનટ્રુડર ચલાવે છે અને કહે છે કે ઓટોમોબાઇલમાં રસને કારણે જ હું પ્રોસ્થેસિસ ડિવાઇસ ‘ૐ’ને વિકસિત કરી શક્યો છું.

મેડિકલ ગ્રેડ મટીરિયલથી બનેલા પ્રોસ્થેસિસ ડિવાઇસ ‘ૐ’ને ભારતમાં ઉપયોગ કરવાની માન્યતા મળી ગઈ છે. ગળાના કેન્સરથી પીડાતા 17 દર્દીઓમાં ડો. રાવ તેનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે. હવે તેઓ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે તેના પેટન્ટ અધિકાર માટે પણ આવેદન મોકલી દીધું છે. પેટન્ટ મળ્યા પછી પણ તેઓ તેનો ઉપયોગ બીજાને કરવા દેશે. એટલું જ નહીં, તેઓ દેશના દરેક રાજ્યના એક સેન્ટરના ડોક્ટરોને તેના પ્લાન્ટેશનની ટ્રેનિંગ પણ આપવા જઈ રહ્યા છે.

ડો. રાવનું કહેવું છે કે આજના સમયમાં સાયન્સનો લાભ સૌને મળવો જોઈએ. બોલવું અને સાંભળવું એ માનવાધિકાર છે. તેનાથી ગરીબ લોકોએ વંચિત ન રહેવું જોઈએ.

સૌજન્ય : દિવ્યભાસ્કર 

શેર કરો આ વિગતો તમારા મિત્રો સાથે કદાચ કોઈ ને કામ લાગી શકે…

ટીપ્પણી