તમને તમારા લગ્ન પછી અચાનક તમારો કોઈ જુનો આશિક ચિઠ્ઠી લખે તો??? વાંચો અને સમજો…

રણમાં ખીલ્યું ગુલાબ

 

“જયાં ભર્યા’તાં તારા કોરા કેશના કિસ્સા સજનવા,
આજ એ ખમ્મીસના ખાલી છે સૌ ખિસ્સા સજનવા”

 

બપોરના ત્રણ વાગ્યે બંગલાની ડોરબેલ વાગી, ત્યારે અંદર શાશ્વતી એકલી જ હતી. એણે બારણું ઉઘાડ્યું તો સામે વીસ-બાવીસ વરસનો એક વ્યવસ્થિત દેખાતો છોકરો ઊભેલો હતો, ‘આપ પોતે જ શાશ્વતી બહેન છો?’ એના બોલવા પરથી એવું લાગતું હતું જાણે એને ખબર હોય કે સામે શાશ્વતી જ ઊભેલી છે, છતાં ખાતરી કરવા માટે જ એ પૂછી રહ્યો હોય!
‘હા, શું કામ છે? બપોરની ઊંઘ માણીને તાજી થયેલી શાશ્વતીએ સુસ્તી ઉડાડવા માટે એક અડધી સાઇઝનું બગાસું ખાધું.
‘આ પત્ર છે. તમારા માટે’
‘તમે કુરિયર સર્વિસમાંથી આવો છો?’
‘ના’. છોકરો બહુ ટૂંકા અને મુદ્દાસર જવાબો આપતો હતો.
‘તો પછી… ટપાલખાતામાંથી… ’


‘ના’ છોકરો હવે ગભરાયો, ‘હું જઉં હવે? મારું કામ પૂરું થયું’ આટલું કહેતામાં તો એ દોડી ગયો. પાછું વળીને જોવા માટે પણ ન રોકાયો. શાશ્વતીના દિમાગી કરંડિયામાં શંકાની સાપણ ફૂંફાડા મારવા લાગી. એણે છોકરાએ આપેલાં પરબીડિયાં તરફ જોયું. એમાં ધ્યાન ખેંચાય એવું કશું જ ન હતું સીધું-સાદું સફેદ પરબીડિયું હતું ઉપર ટિકિટ ન હતી. મોકલનારનું કે મેળવનારનું નામ સરનાનું ન હતું. પણ એટલું નક્કી હતું કે કાગળ મોકલનારે બધી બાજુએ વિચાર કરીને પત્ર માત્ર શાશ્વતીના હાથ સુધી જ પહોંચે એની સંપૂર્ણ તકેદારી રાખી હતી.

તકેદારી હવે શાશ્વતીએ પણ રાખવાની હતી. એણે બારણું વાસી દીધું. બંગલામાં બીજું કોઇ ન હતું, તો પણ એ પોતાના શયનખંડમાં ચાલી ગઇ. બારીઓના પડદા ખેંચી લીધા. ડ્રેસિંગ ટેબલના આયના ઉપરનો તેજ હેલોજન બલ્બ ચાલુ કર્યો. પછી પરબીડિયું ફોડીને અંદરનો કાગળ વાંચવા શરૂ કર્યો. અજાણ્યા અક્ષરો હતા, અજાણ્યું સંબોધન હતું અને લખનાર પણ કદાચ…! એણે ઝડપથી કાગળ ઉલટાવીને પાછળના ભાગે આવેલું લિખિતંગવાળું લખાણ વાંચી લીધું. ત્યાં પણ નિરાશા મળી, પત્ર નનામો હતો. આખરે એણે ધડકતી છાતી સાથે લખાણ વાંચવું શરૂ કર્યું. ‘શાશ્વતી, તારા નામની આગળ ‘પ્રિય’ લખી શકું એવી ઇચ્છા તો છે, પણ અધિકાર નથી. ડરીશ નહીં, હું કોઇ સડકછાપ રોમિયો કે મજનૂ નથી, તારો પ્રેમી છું. જ્યારે આપણે અઢાર વરસનાં હતાં ત્યારે રાજકોટની આર્ટ્સ કોલેજમાં સાથે ભણતાં હતાં. તું હતી જ એટલી ખૂબસૂરત કે આખી કોલેજ તારા સૌંદર્ય ઉપર મરતી હતી, પણ હું તો તને જોઇ જોઇને જીવતો હતો! રોજ રાતે જ્યારે હું પથારીમાં પડતો, ત્યારે પહેલાં ઊંઘ આવતી, પછી સપનાં આવતાં અને પછી તું આવતી. સપનાઓમાં હું બહું હિંમતવાન હતો. તારી સાથે સુહાગરાતથી લઇને સંપૂર્ણ સંસાર માણવા સુધી પહોંચી જતો હતો. પણ જ્યારે સવાર પડતી અને આપણે કોલેજમાં ભેગાં થતાં, ત્યારે મારું મોં સિવાઇ જતું હતું.

સપનાનું રેશમ હકીકતની આગમાં બળીને રાખ થઇ જતું હતું. હું જાણતો હતો કે બધી રીતે હું તને પામવા માટે લાયક હતો. જરૂરી માત્ર નિખાલસ એકરારની હતી, જે હું ક્યારેય ન કરી શક્યો. પછી વિધાતાએ ફૂંકેલા વાયરામાં આપણે ક્યાંના ક્યાં ઊડી ગયાં. હું અમદાવાદમાં ફેંકાયો અને તું? મને ખબર જ ન પડી પૂરા વીસ વરસ મેં તને શોધવામાં કાઢી નાખ્યાં. મેં લગ્ન ન કર્યું. મને ખબર હતી કે તું પરણી ગઇ છે. પણ ક્યાં? કોની સાથે? ક્યારે? સવાલોના સમંદરમાંથી જવાબનું મોતી જડતું ન હતું. છેવટે હમણાં મને જાણ થઇ કે તું ત્યાં છે. પતિ અને બાળકો સાથે સુખી છે, પણ તેમ છતાં મારે એક વાર તને મળવું છે શાશ્વતી! જ્યારે તું હતી, ત્યારે હિંમત ન હતી આજે હિંમત છે ત્યારે તું નથી. જિંદગીમાં એક વાર તને મળવાની તરસ છે.

માત્ર આટલું કહેવા માટે કે આ વિશાળ પૃથ્વી ઉપરની છ અબજની વસ્તીમાં એક પાગલ પુરુષ એવો પણ છે જે તને પ્રેમ કરે છે. તારો પતિ તને ચાહતો હશે એના કરતાં પણ એ તને વધુ ચાહે છે. એક જુગાર ખેલવા હું જઇ રહ્યો છું. આ પત્ર તને બુધવારે મળી જશે. શનિવારે તું અમદાવાદ આવે છે, મને મળવા માટે. હું કાલુપુર સ્ટેશને તારી વાટ જોતો ઊભો હોઇશ. તારી ટ્રેન સવારે દસ વાગ્યે પહોંચે છે. તારો પતિ, તારાં બાળકો એ બધાં વિશે તારે વિચારવાનું છે. મારે તો માત્ર તારા વિશે જ વિચાર કરવાનો છે. હું જાણું છું કે આ જુગાર માત્ર છે, પણ જો તું શનિવારે સવારે દસ વાગ્યે નહીં દેખાય તો…… તો બીજું શું? એક વાર બાજી હારી ગયા પછી પ્રેમનાં પત્તાંને જિંદગીમાં ફરી ક્યારે હું હાથ નહીં લગાડું’
શાશ્વતી આખોયે પત્ર બીજી વાર વાંચી ગઇ. ત્રીજી, ચોછી, પાંચમી વાર વાંચી ગઇ. પત્ર વાંચવો ગમતો હતો. ક્યાંક કશુંય અશ્લીલ ન હતું. આ પ્રેમ હતો કે પૂજા એ જ સમજાતું ન હતું. કોણે લખ્યો હશે આ પત્ર? શાશ્વતી ગુમસુમ બનીને વિચારતી રહી. સમયની સપાટી પરથી વીસ વરસના પોપડા ઉલેચી નાખ્યા. આડત્રીસમાંથી અઢારની બની ગઇ. રાજકોટની કોલેજમાં પહોંચી ગઇ. દૂર-દૂરના ભૂતકાળમાં ધુમ્મસનો બનેલો હોય એવો એક આકાર ઉપસ્યો. ગોરો-ગોરો ચહેરો, પાણીદાર આંખો, તીખો નાક-નકશો, પોતાને ધારી ધારીને જોયા કરતો એક કોલેજિયન છોકરો નજરમાં તરવરી ગયો.

સંયમ ત્રિપાઠી. હા, એ જ નામ હતું એનું હવે સમજાય છે કે એ પોતાના પ્રેમમાં હોવો જોઇએ. અરે, પણ એવું હતું તો સંયમે એને કહ્યું કેમ નહીં? છોકરો સારો હતો, સંસ્કારી હતો, પોતાની જ જ્ઞાતિનો હતો, ભણવામાં પણ હોશિયાર હતો. કોલેજ પૂરી કર્યા પછી બંનેનાં માવતર જ લગ્ન કરાવી આપત! પણ સંયમ ઢીલો નીકળ્યો કેટલાકને મૂછ મોડી ફૂટતી હોય છે, કેટલાકને મુહબ્બત!

શાશ્વતી એકલી-એકલી હસી પડી. પછી બબડી ઊઠી, ‘ શનિવારે જવું તો પડશે જ. જોઉ તો ખરી કે મને આટલો બધો પ્રેમ કરનાર અબજોમાંથી એક પુરુષ છે કોણ? જો સંયમ ત્રિપાઠી હશે તો વાત કરીશ. નહીંતર ચૂપચાપ મારા કઝીનના ઘરે ચાલી જઇશ.
શાશ્વતીએ સ્ટેશનની બહાર આવીને જોયું તો નાચી ઊઠી. એ જ હતો, સંયમ ત્રિપાઠી. એક બાજુએ ટોયોટા કોરોલા પાર્ક કરીને બાજુમાં ઊભો હતો. શરીર જરા ભરાયું હતું હેન્ડસમ લાગતો હતો. પણ જે એક ચીજ બદલાયા વગરની હોય તો એ એની નજર હતી. એવી ને એવી. જીવનભરની તરસથી ટળવળતો માણસ ઠંડા જળની પરબ સામે જે રીતે જુએ તેવી નજરથી એ શાશ્વતીને આવતી જોઇ રહ્યો હતો.

‘હાશ! આવી તો ખરી! સયંમ હસ્યો ‘પહેલા એ કહે આપણે ક્યાં બેસીશું? ખુલ્લામાં? બગીચો, રેસ્તોરાં કે પછી ગાડીની અંદર જ….?’
‘અહં…!ના! અમદાવાદમાં મારા ઘણાં બધાં સગાં રહે છે તારા ઘરે…?’
‘ત્યાં પડોશીઓ પંચાતિયા છે. હોટલમાં લઇ જઉં તો આવીશ? એટલો વિશ્વાસ છે મારી ઉપર? સંયમને જાણે જવાબની ખબર હોય તેમ ગાડીનું બારણું ઉઘાડ્યું.
‘એટલે તો આવી છું.’ શાશ્વતી પણ પતિની ગાડીમાં બેસતી હોય એમ બેસી ગઇ.
શહેરની સૌથી મોંઘી અને સૌથી વધારે વૈભવી હોટલના ડબલ બેડ વિથ એ.સી. કમરામાં દાખલ થયા પછી સંયમે બારણું બંધ કર્યું. બંને ખુરશીઓમાં બેઠાં. સયંમે પૂછ્યું, ‘ડર તો નથી લાગતો ને?’

‘ના’ શાશ્વતીની આંખોમાં તોફાન ઊગ્યું, ‘ડરપોકથી વળી ડરવાનું શું? પણ હોટેલના રજિસ્ટરમાં પતિ પત્ની તરીકે સહી કરતી વખતે તારો હાથ કંપતો હતો શા માટે?’
‘એ ડર નહીં, પણ રોમાંચ હતો. કોઇક સદભાગી પુરુષ છે જે મેરેજ સર્ટિફિકેટમાં તારો પતિ બની શક્યો છે. હું કમભાગી છું….. પણ આટલુંયે ક્યાં કમ છે કે હોટલના ચોપડામાં તો આપણે પતિ-પત્ની…!’

શાશ્વતી ઊભી થઇને સંયમને વળગી પડી. એ આખો દિવસ એમણે હોટલના કમરામાં જ ગાળ્યો. લંચ, બપોરની ચા, સાંજનો બ્રેકફાસ્ટ અને આખા દિવસનું આલિંગન. છેક લક્ષ્મણરેખાને સ્પર્શીને બંને પાછાં આવ્યાં, એ રેખા પાર કરવા જેટલી શાશ્વતીની છૂટ ન હતી અને સંયમની જીદ ન હતી. એ પ્રેમ હતો. શુદ્ધ, સાત્ત્વિક પ્રેમ. પૂરા આઠ કલાકનો સંસાર માણીને બંને ઊભા થયાં.

સંયમે એક ડબ્બીમાંથી સિંદૂર કાઢીને શાશ્વતીના સેંથામાં ભર્યું. શાશ્વતી હસી પડી, ‘આ શું કરે છે?’ સંયમ પણ હસી પડ્યો, ‘આવતા ભવનું એડવાન્સ બુકિંગ.’ પછી શાશ્વતીના કાળા, છુટ્ટા, રેશમી કેશમાંથી ત્રણ-ચાર વાળ એણે જુદા પાડ્યા, ‘ડાર્લિંગ, તારી યાદ રૂપે વાળ આપીશ? કહે છે કે વાળને જ્યાં સુધી બાળો નહીં, ત્યાં સુધી એ બીજી કોઇ રીતે નાશ નથી પામતા. આપણે બીજી વાર ક્યારેય મળીશું નહીં, એટલે આટલું માગું છું.’ શાશ્વતીએ માથું ઝુકાવી દીધું.

બીજા દિવસે સંયમે ફોન કરીને સમાચાર આપ્યા, ‘શાશ્વતી, તારા વાળ તો મેં શર્ટના ખિસ્સામાં મૂકેલા, તે ભૂલથી નીકળી ગયા અને તરત હવાના ઝાપટામાં ઊડી ગયા!’


‘ચિંતા શા માટે કરે છે? બીજા આપીશ. એના માટે આપણે ફરીથી મળીશું’, શાશ્વતીએ કહ્યું. આ એના છેલ્લા શબ્દો. ટેલિફોન પત્યા પછી એ રસોડામાં ગઇ. ગેસ સળગાવવા માટે લાઇટર ચાલુ કર્યું, એક ભડકો એક ચીસ અને પછી વાળ સહિતની આખી એક વ્યક્તિ સળગી ગઇ.

લેખક : ડૉ. શરદ ઠાકર

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ –       ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી