આ સત્યઘટના ખાસ વાંચજો – ગુલાબ થી ડો. ગુલાબ બનવાની યાત્રા !!

દાહોદ જિલ્લાના દાદુર નામના નાનકડા ગામમાં રહેતો એક આદીવાસી પરિવાર રોજી રોટીની શોધમાં વતન છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યો. પરિવારના મોભી હિંમતસિંહ બામણિયા એમના ધર્મપત્નિ અને ત્રણ સંતાનો સાથે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં સ્થાયી થયા. શરુઆતમાં બીજાની જમીન વાવવા માટે રાખતા પરંતું આકાશી ખેતીના લીધે પરીવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી આથી કમરકોટડાની ગૌશાળામાં મહિને 6000ના પગારથી નોકરી શરુ કરી જેથી દર મહિને થોડી પણ નિશ્વિત આવક મળી રહે.

હિંમતસિંહનો દિકરો ગુલાબ ભણવામાં હોશીયાર હતો. આર્થિક સંકડામણ ખૂબ હોવા છતા હિંમતસિંહે દિકરા ગુલાબને સરકારી શાળામાં ભણાવ્યો. કમરકોટડાની બાજુમાં આવેલા શિવરાજગઢ ગામની સરકારી હાઇસ્કૂલમાંથી અભ્યાસ કરીને આ છોકરાએ 10માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનથી આદીવાસી પરીવારનો આ દિકરો બોર્ડમાં 99.53 PR સાથે પાસ થયો. પરીણામ અદભૂત હતું પણ હવે આગળ શું કરવું એની કોઇ દીશા નહોતી. છોકરાની ઇચ્છા હતી કે ડીપ્લોમાં કરીને કોઇ નોકરી કરીશ અને પપ્પાને મદદ કરીશ અને એના પિતાજીની ઇચ્છા હતી કે આઇટીઆઇનો કોઇ કોર્સ કરે.

ગુલાબ દસમા ધોરણના વેકેશનમાં ગોંડલના એકટીવ કોમ્યુટર ક્લાસમાં ચેતનભાઇ કાથરોટીયા પાસે કોમ્પ્યુટર શીખવા માટે જતો હતો. જ્યારે ગુલાબના રીઝલ્ટની એને જાણ થઇ ત્યારે એણે ગુલાબને સાયન્સમાં આગળ વધવાની સલાહ આપી. ગુલાબે પોતાના પરીવારની આર્થિક પરીસ્થિતીની વાત કરી અને સાયન્સની ફી ભરવાની એની કોઇ ક્ષમતા નથી એમ જણાવ્યુ. ચેતનભાઇએ ગુલાબને સમજાવતા કહ્યુ, “તારે આગળ અભ્યાસ કરવો હોય તો હું એક શાળાના સંચાલકને વાત કરુ તારી ફી માફ કરી દેશે” ગુલાબે આગળ ભણવામાં રસ બતાવ્યો એટલે ચેતનભાઇએ ગોંડલમાં આવેલી ગંગોત્રી સ્કૂલના સંચાલક શ્રી સંદીપભાઇ છોટાળાને આ છોકરા વિશે વાત કરી.

સંદીપભાઇએ બધી વાત સાંભળ્યા પછી છોકરાને શાળાએ બોલાવવાને બદલે એ પોતે જ કેટલાક મિત્રો અને શિક્ષકો સાથે કમરકોટડા ગુલાબના ઘરે પહોંચી ગયા. ગુલાબના આગળના અભ્યાસનો તમામ પ્રકારનો ખર્ચ પોતે ઉપાડી લેશે એવી હિંમતસિંહને ખાત્રી આપી. તમે મને ગુલાબ આપો હું તમને ડો.ગુલાબ આપીશ આવી હદયભાવના સાથે સંદીપભાઇ ગુલાબને કમરકોટડાથી ગોંડલ લાવ્યા. ગુલાબનો અભ્યાસ શરુ થયો પણ હજુ ગંગોત્રી સ્કૂલમાં હોસ્ટેલ શરુ થઇ નહોતી એટલે ગુલાબના રહેવાની વ્યવ્સ્થા નેશનલ હાઇવે પર આવેલા ગુરુકુળમાં કરવામાં આવી. ગુરુકુળના ભગત સાહેબે પણ સંદીપભાઇની સેવાભાવનાને ટેકો આપીને જ્યાં સુધી ગંગોત્રી સ્કૂલની હોસ્ટેલ શરુ ના થઇ ત્યાં સુધી ગુલાબને રહેવાની વ્યવસ્થા કરી આપી.

એકદિવસ સંદિપભાઇએ ગુલાબને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. ગુલાબને એના જીવનનું ધ્યેય દ્રઢાવતા એમણે એક કાગળ પર પોતાના જ હસ્તાક્ષરમાં સહી કરીને એક વાક્ય લખ્યુ (જે ફોટા માં ઉપરના ભાગે મુકેલ છે). ગુલાબને કહ્યુ, “બેટા, તું બીજી કોઇ ચિંતા ના કરતો આજથી તારી બધી જ જવાબદારી મારી છે. તું માત્ર અભ્યાસમાં ધ્યાન રાખ મારે તને ડોકટર તરીકે જોવો છે અને મને પુરો વિશ્વાસ છે કે તું ચોક્કસ ડોકટર બનીશ.” બસ પછી તો ગુલાબે પણ તનતોડ મહેનત કરી. ધો. 12 વિજ્ઞાનપ્રવાહમાં ખૂબ સારા ટકા આવ્યા અને રાજકોટની સરકારી મેડીકલ કોલેજમાં એને એડમીશન પણ મળી ગયુ.

સંદીપભાઇએ 2 વર્ષ પહેલા કાગળ પર જે વાક્ય લખ્યુ હતુ એ વાક્ય વાસ્તવિકતા બની ગયુ. ધો.11 અને ધો.12નો ગુલાબના અભ્યાસનો બધો જ ખર્ચો સંદીપભાઇ છોટાળાએ ઉપાડ્યો હતો એટલું જ નહિ આજની તારીખે પણ ગુલાબના અભ્યાસનો બધો ખર્ચો સંદીપભાઇ આપી રહ્યા છે. ગુલાબ કહે છે કે “સંદીપભાઇએ મને દિકરાની જેમ રાખ્યો છે. હુ એને કોલ કરુ એટલે તુરંત જ મારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી આપે. મારી બિમારીમાં મને સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરની સારવાર અપાવી છે. પૈસા તો કદાચ મળી રહે પણે સંદીપભાઇએ ખૂબ પ્રેમ અને પ્રોત્સાહન આપ્યુ છે જેના પરીણામે આજે હું મેડીકલ કોલેજમાં અભ્યાસ કરુ છું.

ગરીબ પરીવારના ગુલાબને ડો. ગુલાબ બનાવવાની યાત્રાના સૌ સહભાગીઓને વંદન.

લેખક : શૈલેષ સગપરીયા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી