દુનિયાનો સૌથી પવિત્ર,સૌથી મજબૂત અને અનોખો સંબંધ : દોસ્તી – “તુષાર રાજા” દ્વારા લિખિત વાંચવા જેવો લેખ

જાન ભી જાયે અગર યારીમે યારો ગમ નહીં
અપને હોતે યાર હો ગમગીન મતલબ હમ નહિ.

કોલેજમાં સાથે ભણતાં એક છોકરો અને એક છોકરી વચ્ચે એકદમ દિલોજાન દોસ્તી થઇ ગઈ. બન્ને મોટાભાગનો સમય સાથે જ વિતાવતા. એક દિવસ છોકરાના બાઈક પર બંને જઈ રહ્યા હતાં.બાઈક એકદમ સ્પીડમાં ચાલતું હોવાથી છોકરીને બીક લાગતાં તેનાં દોસ્તને કહ્યું, ‘ યાર, ધીરે ચલાવને, મને બહુ બીક લાગે છે.’ છોકરાએ કહ્યું, ‘ એક કામ કર, આ મારી હેલ્મેટ પહેરી લે, મને હેલ્મેટ પહેરીને ચલાવવાની મજા નથી આવતી.’ છોકરીએ હેલ્મેટ પહેરી લીધી, અને કહ્યું, ‘ ઓકે, હવે તો ધીરે ચલાવ.’. છોકરાએ કહ્યું, ‘ પહેલા મને I LOVE YOU કહે.’ છોકરીએ ‘I LOVE YOU’ કહ્યું. બીજાં દિવસે શહેરના બધા અખબારોમાં સમાચાર આવ્યા કે, ગઈકાલે રાત્રે એક બાઈક એક મકાન સાથે અથડાતાં તેમાં જઈ રહેલ બે વ્યક્તિઓ પૈકી યુવાનનું મૃત્યું થયું હતું અને સાથે રહેલ યુવતી થોડી ઘણી ઈજાઓ સાથે બચી ગયેલ છે. સમાચારમાં વધુમાં જણાવાયું હતું કે, બાઈકની બ્રેક્સ ફેઈલ થઇ જતાં આ અકસ્માત સર્જાયો હતો! હકીકતમાં યુવાનને ખબર પડી ગઈ હતી કે બ્રેક ફેઈલ થઇ ગઈ છે અને બચવાના ચાન્સ બહુ ઓછા છે, એટલે તેણે પોતાની દિલોજાન દોસ્તનો જીવ બચાવવા પોતાની હેલ્મેટ આપી દીધી હતી.અને છેલ્લી વાર તેની દોસ્તના મોઢેથી ‘I LOVE YOU ‘ પણ સાંભળી લીધું.

દોસ્તી કૃષ્ણ અને સુદામાની હોય, કૃષ્ણ અને અર્જુનની હોય, કે પછી દુર્યોધન અને કર્ણની હોય, દોસ્તી હંમેશા અનમોલ હોય છે. ‘મહાભારત’ માં આ બધા પાત્રો વચ્ચેની દોસ્તી અદભૂત રીતે દર્શાવવામાં આવી છે. એક સ્ત્રી અને પુરુષ વચ્ચે નિર્દોષ અને પવિત્ર દોસ્તી થઇ શકે છે, તે વાત હજ્જારો વર્ષો પહેલાની શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની સાવ અનોખી દોસ્તી વડે દર્શાવવામાં આવી હતી. કર્ણને ખબર જ હતી કે, દુર્યોધનના પક્ષે રહેવાથી હાર અને મૃત્યુ નિશ્ચિત જ છે, પરંતુ ફક્ત અને ફક્ત દોસ્તીનું ઋણ ઉતારવા માટે પોતાના ભાઈઓ સાથે યુધ્ધ કરવું પસંદ કર્યું. શ્રી કૃષ્ણ ભલે સ્વયં ભગવાન રહ્યા પરંતુ દોસ્તી નિભાવવાના મામલે કર્ણને વધુ મહાન ગણવો પડે. આપણા માં બાપ, ભાઈ બહેન, પુત્ર વિગેરેની પસંદગી આપણે કરી નથી શકતા, પરંતુ મિત્ર એ એક એવી સોગાદ છે જે આપણે પસંદ કરી શકીએ છીએ. આપણા જીવનમાં ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે કે ઘણી વાર એવી મુશ્કેલીઓ આવતી હોય છે કે જેના વિષે આપણે ઘરમાં કશું કહી શકતા નથી પરંતુ દોસ્તોને બેઝીઝક કહીને તેની મદદ પણ માંગી શકતા હોઈએ છીએ. તમારી પાસે ભલે ગમે તેવી ભૌતિક સુખ સગવડો હોય, જાહોજલાલી હોય પરંતુ સુખ દુઃખ ના સમયે સાથ આપનાર મિત્રો ન હોય તો તમે સાવ ગરીબ જ છો. લોહીના સંબંધો કરતાં પણ વધુ ઘટ્ટ દોસ્તીનો સંબંધ હોય છે. અમીર-ગરીબ,નાત-જાત,સામાજિક હેસિયત, જેવા શબ્દો દોસ્તી નામની ડીક્શનેરીમાં નથી.
. ઘણી ફિલ્મોમાં દોસ્તી કેવી હોવી જોઈએ અને કેવી ન હોવી જોઈએ તે ઉત્તમ રીતે દર્શાવવામાં આવેલ છે. દોસ્તાના (જુનું), યારાના,ઝંઝીર,ધરમ વીર,કુરબાની વિગેરે જેવી ફિલ્મો તેના ઉત્તમ ઉદાહરણ છે. નસીબ ફિલ્મમાં એક દોસ્ત પોતાના દોસ્ત માટે પોતાના પ્રેમનું બલિદાન આપી દે છે અને કહે છે ‘દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ, દોસ્તોકી જાન લેતી હૈ’ . સંગમ ફિલ્મમાં દોસ્તીની વચ્ચે પ્રેમ આવી જતાં પોતાની જાનની આહુતિ આપીને પણ દોસ્તીની ઈજ્જતને વધુ મહત્વ આપવામાં આવે છે. શોલે ફિલ્મમાં અંતમાં અમિતાભને ખબર હોય છે કે બંનેમાંથી એક જ દોસ્ત બચી શકે તેમ છે, ત્યારે બનાવટ કરીને પણ પોતાના દોસ્તની જિંદગી બચાવીને દોસ્તીનું એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

છોકરા-છોકરી કે સ્ત્રી-પુરુષ વચ્ચેની દોસ્તીને પહેલા શક ની નજરે જ જોવામાં આવતી હતી. પણ હવે ધીમે ધીમે જમાનો બદલાતો જાય છે. એક છોકરો અને છોકરી એક સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત અને ફક્ત દોસ્તીનો સબંધ હોય શકે છે એ વાત હવે સમાજ સ્વીકારવા લાગ્યો છે. સોશિયલ મીડિયાના અનેક અવગુણ હશે પરંતુ તેના ઘણા ફાયદાઓ પણ છે. આપણી આસપાસ આપણે અનેક લોકો એવા જોઈએ છીએ કે શાળા કોલેજોમાં ભણતા હોય ત્યારે મિત્રતા હોય પછી વર્ષોના વહાણાં વિતતા આ સંબંધો વિસરાય જતાં હોય છે. ઉપરાંત, અગાઉના સમયમાં શાળા કોલેજોમાં વાતાવરણ ઘણું સ્ટ્રીક્ટ રહેતું હતું, આથી કો-એજ્યુકેશન હોવા છતાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મિત્રતા આજના સમય જેટલી સહેલી અને સામાન્ય રીતે સ્વીકૃત નહોતી. અત્યારે ઘણા લોકો પોતાની જિંદગીમાં સેટલ થઇ ગયા હોય છે. જવાબદારીઓ પણ હળવી થતી જતી હોય છે, ત્યારે જુના દોસ્તો અને સંબંધો યાદ આવે છે.

શાળા કોલેજોમાં એક સમયે સાથે ભણતા હોય તેવાં લોકો હવે રિ-યુનિયન કરીને ભુલાઈ ગયેલા સબંધો તાજા કરી રહ્યા છે. જૂના મિત્રો ભલે કોઈ પણ શહેર કે દેશમાં રહેતા હોય,પરંતુ સોશિયલ મીડિયાના કારણે આવા લોકો વચ્ચે ફરી ઓળખાણ અને મજબૂત સંબંધો ફરી સ્થપાઈ રહ્યા છે, તે બહુ મોટી વાત છે.જે તે વખતના મિત્રોનું ગ્રુપ બનાવીને અવારનવાર ‘ગેટ ટુ ગેધર’ તેમ જ રોજ આખો દિવસ દરમ્યાન WHATSAPP પર મજાક મસ્તી કરવાનું સામાન્ય થઇ ગયું છે. ઘણી વાર એવું પણ બને છે કે જે તે સમયે એકબીજાને ચહેરાથી કે નામથી ઓળખતા હોય પરંતુ વધુ પરિચય ન થયો હોય તેવા મિત્રો પણ હવે ઉમરના આ પડાવના કારણે એકબીજાને સમજતા થયા હોય અને નિર્દોષ અને મેચ્યોર દોસ્તી માણી રહ્યા હોય છે.

દોસ્તી કેવી હોવી જોઈએ, તે એક નાનકડી પણ બહુ મજાની વાત દ્વારા જાણવાની કોશિષ કરીએ: બે મિત્રો એક વાર એક રણમાં ફરવા નીકળ્યા. રસ્તામાં બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા એક મિત્રે બીજાને એક થપ્પડ મારી દીધી. થપ્પડ ખાનાર દોસ્તને વાગ્યું પણ ખરું અને દુઃખ પણ થયું. પરંતુ તેણે કાઈ બોલ્યા વિના નીચે બેસી ગયો અને રેતીમાં લખ્યું,’આજે મારાં બેસ્ટ ફ્રેન્ડે મને થપ્પડ મારી’.ત્યાર બાદ તેઓ આગળ ચાલવા લાગ્યા.રણ પૂરું થયા બાદ એક સરોવર આવ્યું. બંને ને તેમાં નહાવાનું મન થયું.ન્હાતી વખતે થપ્પડ ખાનાર દોસ્ત અચાનક ડૂબવા લાગતા તેના દોસ્તે તેને જીવના જોખમે બચાવી લીધો. બચી જનાર દોસ્તે એક મોટા પથ્થર પર લખ્યું,’મારાં બેસ્ટ ફ્રેન્ડે આજે મારો જીવ બચાવ્યો.’ આ જોઇને તેણે બચાવનાર દોસ્તે તેને પૂછ્યું,’મેં તને માર્યો ત્યારે તે કેમ રેતીમાં લખ્યું અને હવે જયારે બચાવ્યો ત્યારે કેમ પથ્થર પર લખ્યું?’આનો તે દોસ્તે બહુ સરસ જવાબ આપ્યો,’જયારે કોઈ દોસ્તીમાં આપણને કોઈ દુઃખ પહોંચાડે તો તેને રેતીમાં લખવું જોઈએ જેથી પવનના ઝોંકાની સાથે તે ભુસાઈ જાય છે, પરંતુ જયારે દોસ્ત કોઈ સારું કામ કે મદદ કરે ત્યારે તેને પથ્થર પરની લકીર ની જેમ હંમેશા યાદ રાખવું જોઈએ.’

લેખક : તુષાર રાજા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી