એકબીજા વગર ના રહી શકનાર ડોસા-ડોસીની વાત – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ’ દ્વારા

Senior woman kissing man, smiling

પ્રેમની ખાટી-મીઠી દુનિયામાં એકબીજા સાથે લડી-ઝગડીને પણ એકબીજા વગર ના રહી શકનાર ડોસા-ડોસીની વાત ‘ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ’ દ્વારા આપણા પોતાના પેજ જલ્સા કરોને જેંતીલાલ પર.

ડોસો-ડોસી ભાગ ૧ 

ડોસી: સાંભળો તો, આજે કેવી લાગુ છું?
ડોસો: એટલે મારે હવે આ ઉંમરેય જુઠ્ઠું બોલવાનું.
ડોસી: ના હોં, સાચું બોલવાની હિંમત રાખો.
ડોસો: એ તો દુનિયાના કોઈ પતિમાં આજ સુધી નથી.
ડોસી: હેં? શું કીધું?
ડોસો: ભયંકર!!
ડોસી: ભયંકર લાગુ છું. જાઓ નથી વાત કરવી તમારી સાથે.
ડોસો: અરે બાપા, ભૂલથી સાચું બોલાઈ ગયું.
હવે આ સાંભળીને ડોસીમાં વધારે અકળાયા અને નારાજ થઇને જતા રહ્યા.

થાય જ ને, ડોસીમાં આખરે તો પત્ની હતા. પત્ની તો કારણ વગર પણ નારાજ થઇ જાય અને અહીં તો ડોસીમાં પાસે નારાજ થવાનો પુરેપુરો હક હતો. ડોસો તેની ડોસીને મનાવા તેની પાછળ-પાછળ ગયો અને આખરે દુનિયાના કોઈ પણ પતિની જેમ ડોસાને પણ તેની ડોસીને મનાવતા કલાકો લાગી ગયા. ઘણા બધા વખાણ કર્યા ત્યારે જઈને ડોસીમાં આખરે મલકાયા, પણ હા પોતાનો પત્ની ધર્મ નિભાવતા તે ડોસાથી આખો દિવસ નારાજ તો રહ્યા જ.

ઝીંદગીમાં પતિ-પત્ની વચ્ચેની આવી જ ખાટી-મીઠી નોકજોક એટલે બીજું કંઈ નહીં પરંતુ ‘પ્રેમ’.

ડોસો-ડોસી ભાગ ૨ :

જાણો કે કેમ ઘડપણમાં પણ ડોસો તેની ડોસી સાથે નાદાન છે

ડોસી: એય, તમને કહું છું. સાંભળો છો.
ડોસો: ના બહેરો થઇ ગયો છું.
ડોસી: આ તમે મને આખી ઝીંદગી ઊંધા જવાબો કેમ આપ આપ કરો છો.
ડોસો: તો તું ઊંધા સવાલો કેમ પૂછ-પૂછ કરે છે.
ડોસી: ખરેખર, કઁટાળી ગઈ છું તમારાથી. ઉપાડી લે ભગવાન.
ડોસો: ક્યારેક તો સાંભળ ભગવાન.
ડોસી: હું મારી નહીં તમને ઉપાડવાની પ્રાર્થના કરું છું.
ડોસો: બસ તું આજ કર. જા મારે નથી બોલવું તારી સાથે.
આટલું કહીને ડોસો અલગ રૂમમાં ચાલ્યો ગયો અને તેમનો પૌત્ર રાજ આ બધું જોઈ રહ્યો હતો. રાજને તેમ લાગ્યું કે દાદાને દાદીની વાતનું ખોટું લાગ્યું હશે એટલે તેણે દાદા પાસે જઈને કહ્યું, “દાદા, ખોટું ના લગાડતા દાદી તો એમજ…”

ત્યારેજ ડોસાએ રાજને અટકાવતા કહ્યું, “એમાં ખોટું શું દીકરા. ઝગડો તો પતિ-પત્નીના જીવનનો એક ભાગ છે. જેમ પ્રેમ જરૂરી છે તેમ જ ઘણીબધી વાર આ રૂઠવુ-મનાવું પણ જરૂરી હોય છે. નહિતર મીઠી નોકઝોક વગરના પ્રેમની શું મજા આવે?”

ત્યારે જ રાજે પ્રશ્ન કર્યો, “એટલે તમને દાદીના શબ્દોનું ખોટું તો નહીં લાગ્યું ને?”

“ના હવે, તારી દાદી ભોળી છે. એક બાજુ કહે છે ઉપાડવાની પ્રાર્થના કરું અને બીજી બાજુ મહિનામાં ચાર-ચાર દાડા મારા માટે વ્રતો રાખે. તુ જ કહે દીકરા શું કરું હું આ મારી ડોસીનું. તુ જોજે દીકરા, હમણાં તે મને મનાવા આવશે.” ડોસાએ તેના પૌત્રને તેની દાદીના ભોળપણ વિશે ઘણુંબધું સમજાવી દીધું.

આ સાંભળીને રાજના ચહેરા પર હલકું સ્મીત આવ્યું અને ત્યાં જ તેના દાદીનો અવાજ આયો, “એય, તમને કહું છું. સાંભળો છો!!”

તે સાંભળી ડોસો તરત જ બોલ્યો, “જો આઈ આઈ, મારી વ્હાલી ડોસી આઈ. હવે જો હું એને કેવું હેરાન કરું.”

કંઈક આવી રીતે, તે દિવસે પણ ડોસા-ડોસી વચ્ચે પ્રેમ, ગમ્મ્ત અને સમજની રમત ચાલતી રહી.

ડોસો-ડોસી ભાગ – ૩

જાણો કે શું થાય છે જયારે નટખટ ડોસો તેની ભોળી ડોસી સાથે પીઝા ખાવા જાય?

ડોસો-ડોસી ઝઘડતાં-ઝઘડતાં ઘરે આવ્યા.
આ જોઈને તેમનો પૌત્ર રાજ પૂછી બેઠો કે શું થયું દાદા?
ડોસો તરત જ બોલી ઉઠ્યો, “નાલાયક, તું તો બોલીશ જ નહીં. બધું તારા લીધે થયું છે.”
“હેં? મારા લીધે?” રાજે પૂછ્યું.

“ખબરદાર, જો મારા રાજ્યાને કંઈ કીધું તો.” ડોસીએ દુનિયાની કોઈ પણ દાદીની જેમ તેના પૌત્રનું ઉપરારું ખેંચ્યું.
“એ ડોહી તું રેવાદે!” ડોસીને આટલું કહીને, ડોસાએ રાજ સામે જોઈને કહ્યું, “દીકરા તારા કહેવા પર આજે હું તારી દાદીને પેલા પીઝા ખાવા લઇ ગયો.”

“હા, તો દાદા સારું કહેવાય ને.” રાજે સુર પૂર્યો.
“શું તંબુરો સારું કહેવાય? આ તારી દાદી પીઝાને શું કહેતી હતી ખબર છે, ‘અંગ્રેજી રોટલો’. અરે! ચલ એ તો જવાદો, પેલું આવે છે ને ઓરીજાનો પીઝા પર નાખવાનું એને ‘અંગ્રેજી તમાકુ’ કહેતી હતી. શું જવું દીકરા આ અભણ ડોહી જોડે. ભૂખ્યાં પાછા આવ્યા.” ડોસાએ તેના પૌત્રને જણાવ્યું.
આ સાંભળીને ડોસી રસોડામાં જતી રહી અને રાજે હસતાં-હસતાં તેના દાદાને કીધું, “અરે! દાદા એ તો દાદીનું ભોળપણ કહેવાય. જતું કરો અને ઘરે જમી લો.”

“સારું! પણ એક કામ કર, જા પહેલા તારી દાદીને જમાડી દે. ડોહી ભૂખી હશે. મારે તો ખાવાનો મૂળ ત્યારે જ મરી ગયો જયારે પીઝામાં પનીર સમજીને ખાધેલી વસ્તુ લસણ નીકળી.” ડોસાએ રાજને કીધું.
“આટલો દાદી પર ગુસ્સો કર્યો અને હવે કહો છો કે તેને પહેલા જમાડી દો. તમારું પણ કહેવું પડે દાદા.” રાજે ઉમેર્યું.

“દીકરા, પુરૂષ ગમે તેવો હોય પણ પોતે ભૂખ્યો રહીને પણ તેની પત્ની અને પરિવારનું પેટ પહેલા ભરશે. કોઈને કહેતો નહીં પણ આ તારી દાદી મને બહુ વહાલી છે. એ ખાશે ને તો જાણે મારુ પેટ આપો-આપ ભરાઈ જશે.” ડોસાએ આટલા શબ્દોમાં ઘણુંબધું કહી દીધું.
રાજ મલકાયો અને તેની દાદીને જમાડવા અંદર ગયો તો જોયું કે દાદીએ ગરમ-ગરમ રસોઈની થાળી તૈયાર કરી રાખી હતી. તે જોઈને રાજે પૂછ્યું, “આ શું દાદી?”

તેને જવાબ આપતા ડોસીમાં બોલ્યા, “દીકરા! આ તારા દાદાને આ ઉંમરે પીઝા-બીઝા ના પચે. આ બધા નાટક મેં ના કર્યા હોત તો ડોસો પીઝા ખાત અને આખી રાત હેરાન થાત. આ કાયમચૂર્ણનું ઉંમરે એમના માટે ઘરનું ખાવાનું જ સારું. જા એમને આ આપતો આવ આ થાળી એટલે હું પણ જમી લઉં.”

આ સાંભળીને રાજ મલકાયો અને બોલ્યો, “ડોહા-ડોહી, તમારું તો કહેવું પડે હોં!”

ડોસો-ડોસી ભાગ – ૪

જુવો શું થાય છે જયારે ડોસા-ડોસીને પ્લેનની ટિકેટ મળે છે ત્યારે। પ્રસ્તુત છે

ડોસો: આ શું કરે છે?
ડોસી: ઢેબરાં અને છુંદો બનાવું છું.
ડોસો: અરે ડોસી, તું દેશીની દેશી જ રહી. તું બસ કે ટ્રેનમાં નથી જવાની, તું પ્લેનમાં જવાની છે. ત્યાં બધું ખાવાનું મળે . આટલીય બુદ્ધિ નથી તારામાં.

ડોસી: હા તો ક્યાંથી હોય? તમે કે દી મને પ્લેનમાં બેસાડી? આ તો મારા દીકરાએ ટિકિટ મોકલી મેં કીધું હતું એટલે.
ડોસો: બહુ મોટી ના જોઈ હોય તો દીકરા વાડી. મેલ આ ઢેબરાં ને બધું બનાવાનું. નહિતર આ ઉંમરે કમર લચકી જશે.

ડોસી: તે તમને કોણે કીધું કે હું તમારા માટે બનાવું છું. આ તો મારા દીકરા માટે બનાવું છું. તેને મારા હાથના ઢેબરાં બહુ ભાવે છે.
ડોસો: મને લાગ્યું જ કે તું મારા પર આટલી મહેરબાન ક્યારથી થઇ ગઈ?
ડોસી જવાબ આપવા જઈ રહી હતી ત્યારે જ મોબાઈલની રીંગટોન વાગી, “મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીયે…”
ડોસો તેના ખીંચામાં પડેલો મોબાઈલ ગોતવા લાગ્યો ત્યારે જ તે જોઈ ડોસી બોલી, “કાલે શીલાની જવાની હતી અને આજે આ. રામ-રામ! સુધરો, તમે સુધરો. આ હરીદ્વારની ઉંમરે ગોવાના લક્ષણો બઁધ કરો તમારા.”

ડોસાએ મોબાઈલમાં જોયુ તો તેના દીકરાનો ફોન હતો એટલે ડોસી સામે મોઢું બનાઈને તે બીજા રૂમમાં ગયો અને ફોન ઉપાડ્યો.
બીજી બાજુથી દીકરાએ પૂછ્યું, “શેનો અવાજ આવે છે પપ્પા? પાછા જગડ્યા મમ્મી જોડે કે શું?”

“અરે દીકરા! એની જોડે ઝઘડવું તો મારી જીવાદોરી છે. તું એ બધું છોડ. તારું અગત્યનું કામ હતું દીકરા.” ડોસાએ કીધું.
“હાં! પપ્પા બોલો.” દીકરાએ ઘણી વિનમ્રતા પૂર્વક કહ્યું.
“સાંભળ! તારી માઁની ઘણી ઈચ્છા હતી તને મળવાની દીકરા એટલે મેં આ શુક્રવારની ફ્લાઇટનું બુકીંગ કરાવ્યું છે. તું બસ તેને એમ જ કહેજે કે ટિકિટો તે મોકલી છે અને અમને લેવા એરપોર્ટ પર રાતે 8 વાગે આવી જજે.” ડોસાએ ફક્ત ડોસીનું નહીં પણ તેની માવતર માટે કરેલા કર્મો તેના દીકરાને કીધા.

“પણ પપ્પા, આ બધાની શું જરૂર હતી? મને કીધું હોત, તો હું બુકીંગ કરાવી દેત?” દીકરાએ પૂછ્યું.

“મને તે ખબર છે દીકરા કે તું કરાવી દેત. પરંતુ, તું બેખૂબી જાણે છે કે, આ તારી માઁ માટે જવાબદારી લેવાની મને કંઈક આદત પડી ગઈ છે. જે હું મરીશ ત્યારે જ જશે. અને યાર તું બુક કરે કે હું, બધું સરખું જ છે ને. સાંભળ! આ વાત પાછી બહાર ના જાય કારણ કે આ ડોસી ગોમ ફઈ બનીને આખા ગામમાં કહી આઈ છે કે તેના દીકરાએ ટિકિટો મોકલી છે. બહાર જશે તો પાછો એનો પોપટ થઇ જશે અને એ હક તો ફક્ત મારો જ છે, યુ નો.” ડોસાએ બધું સ્પષ્ટ કર્યું.

“ખરેખર પપ્પા! તો મમ્મીને હેરાન કરવાની બાબતમાં તમે નહીં સુધારો એમ ને?” દીકરાએ કીધું.
“ભાઈ, જો હું સુધરી જઈશ તો અમારો પ્રેમ બગડી જશે. તે આ જન્મમાં તો હું થવા નહીં દઉં.” ડોસાએ તેના રંગીલા મિજાજે કહ્યું.
ત્યાંજ પાછળથી ડોસીની બૂમ આવી કે, “એય! તમને કહું છું સાંભળો છો?”

એટલે ડોસાએ જય શ્રી કૃષ્ણ કહી ફોન મુક્યો અને સ્વભાવ મુજબ તાણ મારતા કહ્યું, “ના
બેરો થઇ ગયો છું, એમાં તારા બાપાનું કંઈ ગયું?”
જે
પિયરનું ટાણું સાંભળીને દુનિયાની કોઈ પણ સ્ત્રીની જેમ ડોસી પણ લાલચોળ ગુસ્સે થઇ અને પછી, પછી પાછું આગળ શું થાય?
બસ તે જ ડોસા-ડોસીની મીઠી ટકરાવ ચાલતી રહી. ફક્ત ઝઘડાની જ નહીં પણ પતિ-પત્નીના તે અતુલનાત્મક પ્રેમની પણ…

ડોસો-ડોસી વાર્તા નંબર-5

માણો નટખટ ડોસા અને ભોળી ડોસીમાંની પ્રેમભરી તકરારની પાંચમી વાર્તા

ડોસી: સાંભળો છો?
ડોસો: ૧ કલાક પેલા કીધું હતું કે બેરો થઇ ગયો છું. ભૂલી ગઈ?
ડોસી: હા ભૂલી ગઈ કારણકે તમે મને ૧૫ મિનિટ પહેલા ભુલ્લકડ ગજની કહીને બોલાવી હતી એટલે. યાદ આવ્યું?
ડોસો: ઓહો! ડોસીએ ડાયલોગ માર્યો. હેડ હેડ હવે. છોની મોની બોલ શું કામ હતું?

ડોસો: હા હા હા, સોભળો, હું શું કહેતી હતી કે આ ‘વોટ્સઅપ’ એટલે શું કહેવાય વળી?
ડોસાને ‘વોટ્સઅપ’ વીશે માહિતી નતી એટલે તે એકાદ મિનિટ માટે મુંજાયો અને કહ્યું, “લે, તને આટલુંય નહીં ખબર વોટ્સઅપ એટલે. હાં જો સંધી છૂટી પાડવાની. ‘વોટ’ એટલે ‘શું?’ અને ‘અપ’ એટલે ‘ઉપર’. એટલે કે ‘ઉપર શું છે?’ એમ. હાં જો એ ‘ઉપર શું છે?’ એ પૂછવા વપરાય. ખબર પડી?”

ડોસી: સાચું કહું. જરાય ખબર ના પડી અને તમારી બીજી બધી વાતોની જેમ જ ઉપરથી ગઈ.
ત્યાંજ તો પાડોશની મીરા તેના દીકરા સાથે ઘરની અંદર આવી ગઈ હતી. મીરાનો દીકરો તરત જ બોલ્યો, “એ ના હોં બા. આ દાદા ફેંકે છે. ‘વોટ્સઅપ’ તો મોબાઈલમાં વાત કરવા માટે વપરાતી વસ્તુ છે.”
આ સાંભળતાજ ડોસી એ કીધું, “એ આવ-આવ મીરા. હા દીકરા લાગ્યું જ કે તારા દાદા ફેંકે છે. મીરા દીકરી, આ તારા ટેણીયો કઈ ખાતો નથી કે શું? તેનું શરીર કેમ વધતું નથી.”

આ સાંભળતા જ ડોસાએ ખાર કાઢતા કહ્યું, “કરમીયાં થયા લાગે છે. કરમીયાં. ખા હજુ ગળ્યું. ખા.”

ત્યાં જ ડોસી એ ડોસાને ટોક્યા અને મીરાને રસોડામાં લઇ ગઈ. મીરાને ડોસાના સ્વભાવથી બેખૂબ વાકેફ હતી એટલે તેને ડોસાની રમૂજ કાંઈ ખોટી ના લાગી. રસોડામાં જઈને મીરાએ તેનો દીકરાનું સારું પરિણામ આવવા બદલ ડોસીને મીઠાઈના ૩ પેડા આપ્યા અને વિદાઈ લીધી.

પણ મીરાનો દીકરો પાછો આવ્યો અને એકલો બારણે ઉભા-ઉભા ડોસા સામે જોઈને આટલું કહીને ભાગી ગયો, “એ બા. પેલા પેંડા તું દાદાને ના આપતી. કરમીયા થશે તો મારુ નામ આપશે.”

છોકરાની માસુમિયતભરી શેતાની જોઈને ડોસીમાં હસવા લાગ્યા. તે જોઈને ડોસો બોલ્યો કે, “તું શેના ઢેંગના ટાણે છે? ઓછું મોઢું ખોલ. નહિતર, આ તારું ચોકઠું પડી જશે.”

“લે તે. હસું જ ને. છોકરો સાચું બોલીને ગયો.” ડોસીએ તાણ મારતા કહ્યું.

તરત જ ડોસાએ પૂછ્યું, “શું સાચું? તારો મતલબ હું પેંડા ખાઈશ તો મને…”

ત્યાંજ ડોસીએ ડોસાને અટકાવતા કહ્યું, “હાસ્તો લે…”

આ સાંભળતા જ ડોસાએ તરત જ રસોડા તરફ પગ ચલાવ્યા અને કહ્યું, “તો તો, હું બધા જ અત્યારે ખાઈને બતાવીશ.”

ડોસીએ તને અટકાવતા કહ્યું, “એ ના હો. તમે જાણો છો કે પેંડા મને સૌથી વધુ પ્રિય છે. તમને એક પણ નહીં મળે.”

પણ ડોસાએ ડોસીની એક ના સાંભળી તે તરત જ રસોડામાં પહોંચ્યો અને બધા પેંડા ખાઈ ગયો.

આ જોઈને ડોસી તેમના પર અકળાઈ અને તેમના બેડરૂમ તરફ જતી રહી. પરંતુ આ વાત ફક્ત ડોસો જ જાણતો હતો કે તેણે નાના ટેણીયાથી ઉશ્કેરાઈને નહીં પણ તેને જરાય ના પસઁદ એવું ગળ્યું એટલે ખાધું કારણ કે જો તે ના ખાત તો ડોસી તેના ડાયાબિટીસની પરવાહ કર્યા વિના તે બધુ ગળ્યું ખાત. જે ડોસો નતો ઈચ્છતો.

ક્યારેક કડવું સહી લે છે,
તો ક્યારેક ગળ્યું ખાઈ લે છે.
આખરે, ડોસો પણ એક પતિ છે.
તેની ડોસી માટે વગર કહે પણ ઘણુંબધું કરી લે છે.

હા. ડોસો બધી મીઠાઈ ખાઈ ગયો અને ડોસી નારાજ થઇને તેમના બેડરૂમમાં જતી રહી એટલે ડોસો તેને મનાવા પાછળને પાછળ ગયો અને ડોસીને મનાવાના પ્રયાશ કર્યા. આખરે, ડોસી ત્યારે માની જયારે સાંજે ડોસો તેના માટે 100 ગ્રામ મીઠાઈ લાવ્યો. ફક્ત ડોસો જ જાણતો હતો કે તે ‘સુગર-ફ્રી’ હતી.

કંઈક આવી રીતે તે દિવસે ડોસાએ મીઠાઈમાંથી મીઠાશ ગાયબ કરીને તેમના પ્રેમમાંથી ક્યારેય ના જનારી નીરોગી મીઠાશ ઉમેરી લીધી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી