વારંવાર પેઇનકિલર્સ લેવાની ટેવ પડી છે? – આ વાંચી લેજો

બ્રિટનમાં દર વર્ષે આશરે ત્રણ અબજ પૅરાસિટામોલ, બે અબજ ઍસ્પિરિન અને પચાસ કરોડ બુફેન વેચાય છે. ૮૦ લાખ લોકો ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી પેઇનકિલર ગોળીઓ લે છે. ૩૧ ટકા પુરુષો અને ૬૬ ટકા સ્ત્રીઓ નિયમિત પેઇનકિલર્સ લે છે. માત્ર બ્રિટનમાં પેઇનકિલર્સનું માર્કેટ ૫ચાસ કરોડ પાઉન્ડ (આશરે ૩૪.૪૦ અબજ રૂપિયા)નું છે. એક અંદાજ મુજબ દર વર્ષે વિશ્વમાં ૫૦ અબજ પેઇનકિલર ગોળીઓનો વપરાશ થાય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ અઠવાડિયામાં બે વાર પૅરાસિટામોલ ડ્રગ ધરાવતી પેઇનકિલર લેવાથી શરીરને શું તકલીફ થાય છે એની યાદી તૈયાર કરી છે.

૧. કબજિયાત

હાઈ ડોઝમાં અથવા તો વારંવાર પેઇનકિલર્સ લેવામાં આવે ત્યારે કૉન્સ્ટિપેશન થઈ જાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહે તો મળ ગંઠાઈ જાય છે અને એને કારણે પેટમાં ગરબડ થવી, ભૂખ ન લાગવી, આફરો ચડવો જેવી તકલીફો પેદા થાય છે. જ્યારે પણ હેવી પેઇનકિલર્સ આપવાની હોય ત્યારે ડૉક્ટરો સ્ટૂલ સૉફ્ટનર પણ સાથે જ આપે છે.

૨. ઊંઘરેટાપણું

પેઇનકિલર્સથી પીડાની સંવેદના મગજ સુધી પહોંચતી બંધ થઈ જાય છે. મગજમાં સંવેદનાઓનું વહન ઘટી જવાથી મગજ સુસ્તી અનુભવે છે. સામાન્ય રીતે આવી દવાઓને કારણે ઊંઘ આવ્યા કરે છે, સુસ્તી લાગે છે. લાંબા સમયના ઉપયોગને કારણે હાથ-પગમાં ખાલી ચડવાનું પ્રમાણ પણ વધે છે.

૩. ડ્રાય માઉથ

અવારનવાર પીડાશામક દવાઓ લેવાને કારણે ટેમ્પરરી ધોરણે મોઢું સુકાવાની તકલીફ થઈ શકે છે. ખાસ કરીને બીપીની ગોળીઓની સાથે પેઇનકિલર્સ લેવાથી મોઢું સુકાવાનું પ્રમાણ વધી જાય છે અને લાળ બનવાનું પ્રમાણ ઘટી જાય છે, જેને કારણે મોંમાં બળતરા થવા લાગે છે.

૪. હૃદયના ધબકારામાં ગરબડ

દર્દશામક ગોળીઓને કારણે લોહીના ભ્રમણમાં અને હાર્ટ રેટમાં ગરબડ થવાની શક્યતાઓ રહે છે. લાંબા સમય સુધી આ ગોળીઓ લેવાથી હૃદયના ધબકારામાં અનિયમિતતા આવી શકે છે. ક્યારેક ખૂબ ઝડપથી હૃદય ધબકે છે તો ક્યારેક ખૂબ જ ધીમેથી. સામાન્ય સંજોગોમાં ક્યારેક આવું થવું સામાન્ય છે, પરંતુ જો ક્યારેક પેઇનકિલરનો ડોઝ ખૂબ વધી જાય અને હૃદયના ધબકારા લાંબા સમય માટે ખોરવાય તો હાર્ટને નુકસાન થઈ શકે છે.

૫. ભ્રાન્તિ અને મૂંઝવણ

પેઇનકિલર ગોળીઓ એક પ્રકારના ઍનેસ્થેસિયા જેવી અસર કરે છે. એનાથી શરીરની પીડાનો અહેસાસ મગજને નથી થતો એટલે કે શરીરમાં ચાલતી ગતિવિધિઓ પ્રત્યેની સંવેદના મગજમાં નથી થતી. એનો મતલબ એ કે પીડાશમન માટેની ગોળીઓ મગજની કાર્યક્ષમતા થોડા સમય માટે ઘટાડી દે છે. દર્દશમન ગોળીઓને કારણે ઊંઘરેટાપણું રહે છે. જે સામે નથી એ દેખાય છે અને જે છે એ શું છે એની સમજણ નથી પડતી.

૬. ઑટોટૉક્સિસિટી

પેઇનકિલર લેવાથી બહેરાશ આવી ગઈ હોય એવું ડાયરેક્ટલી નથી નોંધાયું, પરંતુ રિસર્ચરોએ ૪૮થી ૫૦ વર્ષની વયે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય એવા પુરુષોની લાઇફસ્ટાઇલ અને હેલ્થનો અભ્યાસ કરીને તારવ્યું છે કે જે પુરુષો નિયમિત પેઇનકિલર્સ લઈને શરીરની પીડાને કાબૂમાં રાખતા હોય તેમનામાં શ્રવણશક્તિ ઘટી જાય છે અથવા તો કાનમાં ઘંટડી વાગતી હોય એવો ભાસ થયા કરે છે. રિસર્ચરોએ નોંધ્યું છે કે પેઇન શમાવવા માટે વપરાતી ડ્રગ્સને કારણે કેટલાંક ટૉક્સિન્સ શરીરમાં જમા થાય છે જે કાન અને મગજને જોડતી નવ્ર્સને નુકસાન કરે છે. જેમ-જેમ વધુ ઝેરી પદાથોર્નો ભરાવો થાય એમ શ્રવણશક્તિ પર માઠી અસર પડતી જાય છે.

૭. આંખોની દૃષ્ટિ

માઇગ્રેન કે રૂમેટૉઇડ આર્થ્રટાઈસ કારણે લેવામાં આવતી દવાઓના હાઈ ડોઝને કારણે દૃષ્ટિ ઝાંખી થઈ જઈ શકે છે. અલબત્ત, આ લક્ષણ ટેમ્પરરી જ હોય છે. જોકે આ દવાઓ સતત લેવી જ પડતી હોવાથી દૃષ્ટિ નબળી ને નબળી જ પડતી જાય છે.

૮. આદતને કારણે બેઅસર

અમુક વર્ષો પછી એકની એક પેઇનકિલરના નૉર્મલ ડોઝથી પીડામાં કંઈ જ ફરક નથી પડતો. એનું કારણ છે કે વારંવાર પેઇનકિલર લેવાથી એક હૅબિટ થઈ જાય છે. એ પછી પીડા શમાવવા માટે કાં તો વધુ ડોઝની જરૂર પડે છે અથવા તો પછી અન્ય ડ્રગ વાપરવું પડે છે. લાંબો સમય લીધા પછી પેઇનકિલર બિનઅસરકારક થઈ જાય છે.

ટીપ્પણી