ડોક્ટરની ડાયરી – શરદભાઈ અને ઈરફાન ખાન.. ફક્ત એક મૂવી શોટ અને બંધાઈ ગયો અનોખો સંબંધ…

ચુભન યે પીઠ મેં કૈસી હૈ મુડ કે દેખ તો લે
કહીં કોઇ તુઝે પીછે સે દેખતા હોગા

‘શરદભાઈ, આપણે જેવો એક્ટર શોધીએ છીએ તેવો મળી ગયો છે. આજે બપોરના સમયે જો તમે થોડોક સમય કાઢીને આવી શકો તો આવી જાવ. હું તમારી સાથે એની મુલાકાત કરાવી આપીશ. હું એની સાથે એક હિન્દી ટીવી સિરિયલનું શૂટિંગ કરી રહ્યો છું.’

સવારના દસેક વાગ્યે મારી ઉપર ફોન આવ્યો. ગુજરાતી ટેલિવિઝન અને ફિલ્મોના જાણીતા દિગ્દર્શક મૌલિક મહેતા લાઇન પર હતા. મેં પૂછ્યું, ‘મારે કામમાંથી ફ્રી થતાં બે વાગી જશે, હું ત્રણેક વાગતાં સુધીમાં પહોંચી જઈશ. મારે ક્યાં આવવાનું છે?

મૌલિક ભાઈએ મને સરનામું જણાવ્યું. એક બંગલામાં શૂટિંગ ચાલતું હતું. નદીની પેલે પારનો વિસ્તાર હતો. હું જો ભૂલતો ન હોઉં તો ‘ડૉક્ટર્સ હાઉસ’ની આસપાસમાં એ આવેલો હતો. એમણે તો ફોન પૂરો કર્યો પણ મારા દિમાગમાં ચક્રો ચાલુ થઈ ગયાં. અમદાવાદમાં આટલા દાયકાઓ રહ્યા પછી પણ સરનામું શોધવામાં મને ભારે તકલીફ પડે છે. આ ઘટના લગભગ 1997ના વર્ષની છે, ત્યારે તો મોબાઇલ ફોન પણ ન હતો. કોઈને પૂછી પૂછીને જ સરનામું શોધવું પડતું હતું.

સરનામાં કરતાંયે વધારે તકલીફ એ સમયે અમને એક સારો અભિનેતા શોધવામાં પડી રહી હતી. ત્યારે મારી ‘ડૉ. ડાયરી’ના એક એપિસોડ પરથી ટીવી સિરિયલ બનાવવાનું વિચારાઈ રહ્યું હતું. ખૂબ મોટો અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. દિગ્દર્શનની પૂરી જવાબદારી અનુભવી દિગ્દર્શક મૌલિક મહેતાને સોંપવામાં આવી હતી.અમારી વચ્ચે છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી મિટિંગ્સનો દોર ચાલતો હતો. મેં એમને પેટછૂટી વાત કરી દીધી હતી, ‘ભાઈ, મારી સ્ટોરીનું મુખ્ય પાત્ર ખૂબ કોમ્પ્લેક્સ છે. એના મનોભાવો અને સંવેદનાઓ પડદા પર સાકાર કરી શકે તેવો કોઈ ગુજરાતી કલાકાર મને દેખાતો નથી. આ પાત્રને સંજીવકુમાર જેવો કલાકાર જ ન્યાય આપી શકે. જો તમારા ધ્યાનમાં આવો કોઈ એક્ટર હોય તો જ વાતને આગળ વધારીએ.’

સંજીવકુમાર તો તે સમયે ચાલ્યા ગયા હતા, જો જીવતા હોત તો પણ એમની ફી અમને પરવડવાની ન હતી. મૌલિકભાઈએ નજર દોડાવવાનું શરૂ કર્યું. પહેલું નામ એમના દિમાગમાં ઝબક્યું તે ગિરીશ કર્નાડનું હતું. પછી તરત એમણે પોતે જ રદિયો આપી દીધો, ‘ગિરીશ કર્નાડ આજકાલ એમના નાટકમાં બિઝી છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી તેઓ હિન્દી મેઇન સ્ટ્રીમ સિનેમાથી દૂર ચાલ્યા ગયા છે. માણસ છે જોરદાર અભિનેતા, પણ કદાચ આપણા પ્રોજેક્ટ માટે…’તરત જ બીજું નામ વિચારવામાં આવ્યું. એ હતા મહેશ ઠાકુર. આ મરાઠી એક્ટર પણ અમારા મુખ્ય નાયકના રોલ માટે પૂરેપૂરો બંધ બેસતો હતો. એ સમયે એ ટીવી સિરિયલ્સમાં ખૂબ લોકપ્રિય થઈ ચૂક્યો હતો. અમે એની સાથે સી.જી. રોડ પરની એક ભવ્ય રેસ્ટરાંમાં ડિનર પણ રાખ્યું હતું. એ પછી સ્ટોરીસેશન પણ યોજાયું. એણે ખૂબ હકારાત્મક રિસ્પોન્સ દર્શાવ્યો, પણ પછી તરત જ એ હિન્દી ફિલ્મોમાં વ્યસ્ત બની ગયો. હમ સાથ સાથ હૈ, આશિકી ટુ, સત્યા ટુ જેવી સંખ્યાબંધ ફિલ્મો અને ‘માલિની ઐયર’ જેવી ટીવી સિરિયલમાં એણે શ્રીદેવીની સાથે ખૂબ સુંદર કામ કર્યું.
એ પછી બે-ત્રણ મહિના પસાર થઈ ગયા, ત્યારે એક દિવસ સવારના દસના ટકોરે ફોન પર મૌલિન મહેતાએ વધામણી ખાધી, ‘આપણે જેવા કલાકારની તલાશમાં છીએ એ મળી ગયો છે.’

હું ઉત્તેજિત હતો. શાંતિથી મારા દર્દીઓનું કામ નિપટાવીને હું નીકળી પડ્યો. તે સમયે મારી પાસે ફિયાટ કાર હતી. સરનામું શોધવામાં થોડીક તકલીફ પડી, પણ આખરે હું સાચી જગ્યાએ પહોંચી ગયો. વિશાળ પ્લોટ હતો. વચ્ચેની જગ્યામાં જૂની ઢબની બાંધણીવાળો બંગલો હતો. એના કારણે પ્લોટ બે ભાગમાં વિભાજિત થઈ જતો હતો. આગળનો ખુલ્લો ભાગ નીરવ અને નિર્જન હતો. માટીમાં પથરાયેલાં સૂકાં પર્ણો કહી આપતાં હતાં કે બંગલામાં કોઈ રહેતું નહીં હોય. પોર્ચમાં એક યુવાન ખુરશીમાં નિરાંતે વામકુક્ષી કરતો હતો.

‘અહીં શૂટિંગ ચાલે છે તે ક્યાં..?’ મેં એને અવાજથી જ જગાડી દીધો.
‘પાછળ ચાલ્યા જાવ.’ કહીને એ પાછો ઊંઘી ગયો. હું બંગલાની સાઇડની પગદંડી પર ચાલીને પાછળના હિસ્સામાં પહોંચી ગયો. ત્યાં તો માહોલ જામ્યો હતો. બે ટેક્સ વચ્ચેનો સમય હતો. મૌલિક મહેતાએ મને આવકાર્યો. એમની બાજુમાં ગુજરાતી અભિનેતા ચેતન રાવલ હતા. અભિનેત્રી વૈભવી ભટ્ટ પણ હાજર હતાં. બંનેને પડાદા પર જોયાં હતાં. ઉષ્માસભર પ્રત્યક્ષ પરિચય ત્યારે થયો.

દસેક મિનિટમાં જ નેક્સ્ટ શોટ માટેની તૈયારી પૂર્ણ થઈ ગઈ. મૌલિક ભાઈએ મને કહ્યું, ‘શરદભાઈ, આ શોટ પતાવી લઉં એ પછી આપણે બેસીએ. જે કલાકાર વિશે મેં તમને વાત કરી હતી એની સાથે જ…’
અને હવામાં અવાજ ગુંજ્યો, ‘સાઉન્ડ, લાઇટ્સ, કેમેરા ઓન! સાઇલન્સ પ્લીઝ! એક્શન!’
હું શાંતિથી દૃશ્યનું પિક્ચરાઇઝેશન જોઈ રહ્યો. એક સાધારણ ચહેરો ધરાવતો યુવાન અભિનેતા. મોટી ગોળ ભાવવાહી આંખો. કર્લી વાળ. સાવ સાધારણ કપડાં અને એણે શુદ્ધ ઉર્દૂ જબાનમાં પોતાના ખરજના અવાજમાં સંવાદ બોલવાનું શરૂ કર્યું. એ એક લાંબો સંવાદ હતો, ડાયલોગ નહીં, મોનોલોગ હતો. ડિરેક્ટરે અડધો મોનોલોગ લોંગ શોટમાં ઝડપવાનું નક્કી કર્યું હશે. ધીમે ધીમે કેમેરા ઝૂમ થતો ગયો. કલાકારનો ચહેરો પાસે ને પાસે આવતો ગયો. હવે એના એક્સપ્રેશન્સ સાવ સ્પષ્ટ કળાતા હતા.

હું શ્વાસ થંભાવીને જોઈ રહ્યો હતો. એ વખતે જ મને લાગ્યું કે આ યુવાનની સૌથી મોટી મૂડી બે જ હતી, એની આંખો અને એનો અવાજ. મને સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું લાગ્યું કે એ આખોયે ‘મોનોલોગ’ એ કલાકારે એક જ ‘ટેક’માં પૂરો કર્યો. નો રિટેક્સ.જ્યારે મૌલિક મહેતાએ કહ્યું, ‘કટ!’ એ સાથે જ અમે બધાં તાળીઓ પાડી ઊઠ્યા. એ યુવાન ક્ષણવારમાં જ એના કેરેક્ટરમાંથી બહાર આવી ગયો. અત્યંત તણાવપૂર્ણ કશ્મકશભર્યા અભિનયમાંથી એ સાવ હળવાશમાં પાછો ફર્યો.
‘આઇયે, મૈં આપકા પરિચય કરવાઉ.’ મૌલિક ભાઈએ અમને વિધિવત્ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા, ‘યે હૈ હમારે જાનેમાને રાઇટર ડૉ. શરદ ઠાકર. ઔર યે હૈ ઇરફાન ખાન!’
અમે હાથ મેળવ્યા. ‘હાય-હેલ્લો’ કર્યા પછી મેં એની પ્રશંસા કરી, ‘ઇરફાન ભાઈ, આપકી ઉર્દૂ બહુત અચ્છી હૈ.’
એ હસી પડ્યો, ‘અરે જનાબ! હમ સાહબઝાદે હૈ. જયપુર કે નવાબી ખાનદાન સે હૈ. અગર હમારી ઉર્દૂ ઝુબાં ખલિશ નહીં હોગી તો ફિર ઔર કિસકી હોગી?’
પછી અમે બધા ત્યાં જ મૂકેલી પતરાંની ફોલ્ડિંગ ખુરશીઓ પર ગોઠવાઈ ગયા. પ્લાસ્ટિકના કપમાં કટિંગ ચા આવી એની ચૂસકીઓ ભરતા રહ્યા અને ‘ચાય પે ચર્ચા’ કરતા રહ્યા.

‘ડૉક્ટરસા’બ, આપસે એક ગુજારિશ હૈ. હમારે ડિરેક્ટરસા’બને બતાયા કિ આપકી એક કહાની પર ટીવી સિરિયલ બનને જા રહી હૈ. ક્યાં આપ મુઝે ઉસકા સિનોપ્સીસ બતા સકતે હૈ?’

‘જરૂર, ક્યૂં નહીં?’ કહીને મેં વાર્તાનો ટૂંકસાર કહેવાનું શરૂ કર્યું. એ ચાનો કપ હાથમાં પકડીને ધ્યાનથી સાંભળી રહ્યા. એમનું ઇન્વોલ્વમેન્ટ સો પ્રતિશતનું હતું. એમની આખો જાણે મટકું મારવાનુંયે ભૂલી ગઈ હતી! જ્યાં સુધી મારું બોલવાનું ચાલતું રહ્યું, મને બરાબર યાદ છે કે એમણે ચાનો એક પણ ઘૂંટ ભર્યો ન હતો.
સ્ટોરી ટેલિંગ સમાપ્ત થયું. થોડી વારની ખામોશી પછી એણે વાતાવરણને બોલતું કર્યું, ‘ઓકે! ડન! આઇ એમ પોઝિટિવ ફોર ધિસ પ્રોજેક્ટ. બાકી સબ ફોર્મેલિટીઝ બાદ મેં ડિસ્કસ કરે લેંગે. અબ મુઝે ચલના હોગા. મેરી ટ્રેન કા વક્ત હો ગયા હૈ.’

એ ઊભા થયા. હાથ મેળવ્યા, ‘ફિર મિલેંગે, બહુત જલ્દ. ઇન્શાલ્લાહ!’
અને એ ચાલવા માંડ્યા. મારાથી પુછાઈ ગયું, ‘આપ કૈસે જાઓગે?’
‘મૈં ઓટો કર લૂંગા.’
‘મૈં કાર મેં છોડ દૂ આપકો?’
‘નહીં, નહીં, સાહબ! હર એક ઇન્સાન કો અપના સફર ખુદ હી તય કરના હોતા હૈ. શુક્રિયા!’ એમણે પગ ઉપાડ્યો. હું એમને ધીમે ધીમે ડગ ભરતાં, અમારાથી દૂર ચાલ્યા જતાં જોઈ રહ્યો. થોડી જ વારની મુલાકાતમાં મને એમના પ્રત્યે ‘’ થઈ જવાનું એકમાત્ર કારણ એમનો પાંચ-સાત મિનિટ્સ માટે મેં જોયેલો અભિનય હતું. હું પારખી ચૂક્યો હતો કે આ માણસ બહુ જલદી અભિનયના આસમાનમાં છવાઈ જવાનો હતો. એ સ્ટાર નહીં, પણ એક્ટર બની જવાનો હતો.
એવું જ બન્યું. ઇરફાન ખાન એના નક્કર અભિનયના બળ પર સ્ટારડમથી ઊભરાતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અડગ, અજેય, અવિચળ સ્થાન પર પહોંચી ગયા. ‘મકબૂલ’ અને ‘પાનસિંહ તોમર’ જેવી ફિલ્મો હોય કે ‘લંચબોક્સ’ હોય, ઇરફાનનો અભિનય બેમિસાલ રહ્યો. 2011માં એમને ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા. એમના અભિનયની મહેક ભારતના સીમાડાને વળોટીને હોલિવૂડ સુધી પ્રસરી ગઈ. ‘જુરાસીસ વર્લ્ડ’, ‘સ્લમ ડોગ મિલિયોનેર’ અને ‘લાઇફ ઓફ પાઈ’માં પણ એમણે ઝળહળતું પ્રદાન કર્યું.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાંચ્યા કે આ ઉત્કૃષ્ટ અભિનેતાને બ્રેઇનનું એવું ટ્યુમર થયું છે જે અત્યંત ઘાતક મનાય છે. તબીબો એને ‘ડેથ ઓન ડાયગ્નોસિસ’ ગણે છે. હજુ તો નિદાન થાય ત્યાં જ…! પછી તરત આ ખબરને રદિયો આપતા સમાચાર પણ આવ્યા. કેટલીક ન્યૂઝ ચેનલ્સ પર આ અંગેના ફુલ લેન્થ કાર્યક્રમો પણ જોવા મળ્યા. મારું શંકાશીલ મન માનતું રહ્યું કે બીમારીના સમાચાર સાચા જ હોવા જોઈએ. નહીંતર આવી મનહૂસ વાત ફેલાવે કોણ? અને શા માટે ફેલાવે? અને દિલમાં સમાંતરે એવું ‘વિશફુલ થિંકિંગ’ પણ ચાલતું રહ્યું કે આ સમાચાર હળાહળ જૂઠા સાબિત થાય.

ઇરફાને ટ્વીટ કરીને એમના ત્રીસ લાખથી વધારે ફોલોઅર્સને જણાવ્યું છે કે હું અત્યારે એક ‘રેર’ બીમારીનો ભોગ બન્યો છું. પરીક્ષણો ચાલી રહ્યાં છે. પંદરેક દિવસમાં કંઈક જાણવા મળશે. વેઇટ એન્ડ વોચ.
આ વાંચતાંની સાથે જ મને વીસ-એકવીસ વર્ષ પહેલાંની એ ઘટના યાદ આવી ગઈ. આજે પણ કેમેરાની પાછળ ઊભા રહીને ક્લોઝઅપમાં જોયેલો એમનો ચહેરો, એ બોલતી આંખો, એ ગુંજતો ઘેરો અવાજ, એ ખલિશ ઉર્દૂ જબાન, એ સાહિબઝાદી તમીઝ અને અમારાથી દૂર અને દૂર સરકતી જતી એમની પીઠ આ બધું એવું ને એવું તાજું થઈ ઊઠે છે.
મારું દિમાગ માને છે કે બીમારી જીતી જશે, મારું દિલ ઇચ્છે છે કે ઇરફાન જીતી જાય. ઈશ્વર આ ઉમદા કલાકારના આયુષ્યમાં એક ‘છોટા રિચાર્જ’ કરાવી આપે!

(શીર્ષક પંક્તિ: શીન કાફ નિઝામ)

લેખક : ડૉ. શરદ ઠાકર

ઈરફાન ખાનની તમારી પસંદની મુવી કોમેન્ટમાં જણાવો અને હવે શરદ સરની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી