પડકાર : જે સમયની કિંમત નથી સમજતો, સમય તેની કિંમત નથી સમજતો…

આપણે બધાં જાણીએ છીએ કે જે સમય ચાલ્યો ગયો છે તે ફરીથી આવવાનો નથી. સમયની કિંમત સમય ભૂતકાળ થઇ જાય, એટલે કે તે જતો રહે પછી સમજાય છે. સમય સદા વહેતો રહે છે. પાણીને કે પવનને તો રોકી પણ શકાય છે, સમયને રોકી શકાતો નથી. જે સમયની કિંમત સમજે છે, તેને સમય સમજે છે. જે સમયની કીમત સમજતો નથી, સમય તેની કીમત સમજતો નથી. ટુકમાં જે સમયે જે કામ કરવાનું હોય તે આપણે ન કરીએ તો સમય ચાલી ગયાં પછી, તે કામ આપણે કરી શકતા નથી. જો કરીપણ શકીએ તો તેના માટે આપણે બીજાં સમયનો ભોગ આપવો પડે છે.

આપણા હાથમાં ફક્ત વર્તમાન જ હોય છે. જે સમય ચાલ્યો ગયો તે ભૂતકાળ થઇ જાય છે. જે સમય આવ્યો નથી તેને ભવિષ્યકાળ કહેછે. ભૂતકાળ અને ભવિષ્યકાળ આપણા હાથમાં હોતાં નથી. સારા ભૂતકાળની યાદો આપણને આનંદ આપેછે અને ખરાબ ભૂતકાળ વર્તમાનને પણ દુઃખી બનાવે છે. ભવિષ્યની કલ્પનાઓમાં રાચીને આપણે આનંદિત કે દુઃખી થઇ શકીએ. ભવિષ્ય આપણા હાથમાં ન હોવાં છતાં લોકોને તે જાણવાનું કુતુહલ હોય છે. ભવિષ્ય જાણવા માટે લોકો હજારો, લાખો રૂપિયાનું પાણી કરતાં હોય છે. હકીકતે ભવિષ્ય કહેનાર વ્યક્તિ, પોતાનું ભવિષ્ય પણ જાણતો નથી હોતો.

ગાલિબનો એક શેર છે. ‘मेरे बारेमे कोई राय मत रखना ग़ालिब, मेरा वक्तभी बदलेगा और तेरी रायभी.’ એક કહેવત છે, ‘દરેકનો દસકો આવતો હોય છે.’ મતલબ દરેક વ્યક્તિના જીવનમાં દસ વર્ષનો સારો સમયગાળો આવે છે, કે જેમાં તે પોતાનાં ધાર્યા કામ કરી શકે છે. આ કહેવત ઉદ્યમી અને મહેનતુ લોકો માટે છે. જે લોકો આળસુ અને બીજાં ઉપર આધારિત છે, તેમના માટે સારો સમય આવવાની શક્યતા બહુ ઓછી છે. જે વ્યક્તિ સમયની સાથે કદમ મિલાવીને ચાલે છે, તે હંમેશા પ્રગતિ કરે છે અને જે વ્યક્તિ સારા સમયની રાહ જોઇને બેસી રહે છે, તેનો સારો સમય ક્યારેય આવતો જ નથી.

એક બીજી પણ કહેવત છે, ‘જે કામ જે સમયે થતું હોય તે સમયે થાય.’ એટલે કે દરેક વ્યક્તિ માટે દરેક કામ કરવાનો સમય નક્કી કરેલો હોય છે. આ નક્કી કરેલાં સમય દરમ્યાન જે તે કામ ન થાય, તો તે ભવિષ્યમાં કરી શકાતું નથી. જેમકે ખાવા-પીવાની, ભણવાની, રમવાની, લગ્ન કરવાની અને નોકરી-ધંધો કરવાની એક ઉમર હોય છે. જે તે ઉમરમાં આપણે જે તે કામ ન કરીએ, તો મોટી ઉમરે તે કરવામાં મુશ્કેલી પડે છે. અમુક કામો તો મોટી ઉમરે થઇ શકતાં નથી. મોટી ઉમરે કોઈ કામ ન કરી શકાય તેમ કહેવાનો મારો આશય નથી. કોઇપણ કામ મોટી ઉમરે થઇ જ શકે પણ તેને જો સમયસર કરવામાં આવે તો આપણો ઘણોબધો સમય બચી જાય છે.

કહેવત છે, ‘સમયે જ વાજાં વાગે.’ યુવાનવયે આપણે લગ્ન ન કરીએ, તો પ્રૌઢ ઉમરે ઘણીબધી મુશ્કેલીઓ પડે છે. આપણને જોઈએ તેવું આપણી ઉમરનું પાત્ર મળતું નથી. બાળપણમાં જો ભણવાનું છોડી દીધું, તો મોટાં થઈને ભણવામાં મુશ્કેલીઓ આવે છે. મોટી ઉમરે સ્કુલ-કોલેજમાં જવામાં શરમ આવે છે. ઘરની જવાબદારીઓના કારણે સમય નથી મળતો. યાદ શક્તિ અને ગ્રહણ શક્તિ ઘટી ગઈ હોવાથી, ઝડપથી યાદ નથી રહેતું. યુવાનીમાં રૂપિયા કમાવા માટે દોડવાનું જોમ હોય છે, સાહસ વૃત્તિ હોય છે, મહેનત કરવાની તૈયારી હોય છે. મોટી ઉમરે શરીર સાથ નથી આપતું તેથી દોડાદોડી કરી શકાતી નથી. જવાબદારીઓ વધવાના કારણે સાહસ કરતાં ડર લાગે છે. બેંકો પણ મોટી ઉમરે લોન આપવા તૈયાર નથી હોતી.

ઘણીવાર આપણે વિચારતાં હોઈએ છીએ, યુવાનીમાં મેં આ કામ કર્યું હોત તો સારું હતું. બાળપણથી જ મેં ફલાણી લાઈન લીધી હોત તો આજે ક્યાય પહોંચી ગયો હોત. જયારે આપણી પાસે સમય હોય છે, ત્યારે આપણે તેને વેડફી નાખીએ છીએ અને જયારે સમય જતો રહે છે, ત્યારે કશું નહિ કર્યાનો પછતાવો કરીએ છીએ. બાળપણમાં આપણે અમુક કામો કરવાની ઈચ્છા હોવા છતાં મા-બાપ આપણને તે કરવા દેતાં નથી, એ વાત પણ એટલીજ સાચી છે. જોકે બાળપણમાં આપણને સારા-નરસાની પરખ પણ હોતી નથી. તે સમયે આપણા મા-બાપ તેમને આપણા માટે જે સારું લાગે તે કરાવડાવે છે. તેનું શું પરિણામ આવશે તેની તેમને પોતાને પણ તેની ખબર હોતી નથી. હવેની પેઢી બાળકોના ગમા અણગમા વિષે વિચારતી થઈ છે તે સારી નિશાની છે.

તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કે સમયનો સદઉપયોગ કરવો જોઈએ. સદુપયોગ એટલે જયારે આપણે કામ કરવા માટે શક્તિમાન હોઈએ અને આપણી પાસે સમય હોય, તો તે સમયમાં સારાં અને લોકઉપયોગી કાર્યો કરવાં જોઈએ. આપણે ઈતિહાસ ઉપર નજર નાખીશું તો સમજાશે, કે આપણા કેટલાંયે નેતાઓએ ભારતદેશને સ્વતંત્ર કરાવવા માટે પોતાની આખી જિંદગી ખરચી નાખી હતી. કેટલાંયે વિજ્ઞાનીઓએ અવનવી શોધો કરવામાં પોતાનું જીવન સમાપ્ત કરી દીધું હતું. આ બધાં લોકોએ પોતાના સમયનો સાચો ઉપયોગ કર્યો કહેવાય. માટેજ તેમને આપણે મહાન વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તમે તમારી જિંદગીનો અમુક સમય કોઈકની સેવા પાછળ આપો છો, તો તમે સમયની સાર્થકતા સમજ્યા છો.

જે લોકો પોતાનું આખું જીવન પોતાના આનંદ માટે, મોજમજા માટે, ભોગવિલાસ માટે, હરવાફરવા માટે વિતાવે છે તેમને કોઈ યાદ રાખતું નથી. દુનિયા તેને જ ઓળખે છે અને યાદ રાખે છે, જેમણે પોતાના માટે નહિ પણ બીજાના માટે કઈંક કર્યું હોય. ની:સ્વાર્થ ભાવે અને કોઈ અપેક્ષા વિના જે સમાજસેવાનું કામ કરે છે, ઇતિહાસમાં તેમનું જ નામ લખાય છે.

કોઈકામ બતાવો ત્યારે ‘મને સમય નથી’ કહેનારાં જુઠું બોલતાં હોય છે અથવા તો તેમને સમયને મેનેજ કરતાં આવડતું નથી. દરેક વ્યક્તિને મનગમતું કામ કરવા માટે સમય હોય છે. જે કામ ગમતું નથી,  જેમાંથી કઈ મળવાનું નથી, તેવું કામ કરવા માટે કોઈનેય સમય હોતો નથી. ઘણાલોકો પોતાનું આખું જીવન ‘સમય નથી’નું ગાણું ગાવામાં વ્યતીત કરે છે. તો કેટલાંક એવાપણ લોકો છે, જેઓ હંમેશાં કામ કરવા માટે ખડેપગે તૈયાર હોય છે. તેમની ડીક્શનેરીમાં ‘સમય નથી’ જેવો શબ્દ હોતો નથી. કેટલાંક લોકોને તો પોતાના માટે પણ સમય હોતો નથી. મને આવાં લોકો ઉપર બહુ દયા આવે છે. જે વ્યક્તિ પોતાના માટે સમય ના કાઢી શકે તે બીજાના માટે શું કરી શકે?

 

લેખક  – મનહર ઓઝા

ટીપ્પણી