“દિયરજી મારા દેવ ના દીધેલ” – આયુષી સેલાણીની કલમે લખાયેલી હૃદયસ્પર્શી વાત ! અચૂક વાંચજો

“અરે દૈવીશા, જરા સંભાળીને હો.. તારે લગ્ન પછી તરત જ ત્રણ છોકરાઓને સાચવવાના થશે..! ધ્યાન રાખજે અને જવાબદારીઓમાં ખોવાઈને તારા લગ્નજીવનને માણવાનું ભૂલી ના જતી ક્યાંક…!”

દૈવીશાની વિદાયવેળાએ તેની માઁ તેને સલાહ આપી રહી હતી. ડિસેમ્બર મહિનો એટલે ઠંડીની સીઝન સાથે સાથે લગ્નનો પણ માહોલ.. એમાંય ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તો રોજના હજારો લગ્ન હોય. સૌરાષ્ટ્રના અમરેલીમાં આવા સમયે દૈવીશાના લગ્ન તેના મનગમતા માણીગર દિત્ય સાથે પરિવારજનોની મરજીથી યોજાયા હતા.

દૈવીશા અને દિત્ય અમદાવાદની એન્જીનીયરીંગ કોલેજમાં સાથે જ ભણતા હતા.. દિત્ય એક વર્ષ આગળ હતો. દૈવીશાની બેચને ફ્રેશર પાર્ટી આપવાનું આયોજન બધુ દિત્યએ જ કર્યું હતું. અમદાવાદના “સેવન સીડ્સ“ ડિસ્કોથેકમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ એક થીમ પાર્ટી હતી. “ડોલ્સ એન્ડ ડેવિલ” નામની થીમ પાર્ટીમાં જયારે દૈવીશાએ એન્ટ્રી કરી ત્યારે ત્યાં હાજર દરેક છોકરાના હૃદયમાંથી ઉંહકારો નીકળી ગયો હતો. બસો જેટલી છોકરીઓમાંથી દૈવીશા એક જ ખરેખર ડોલ એટલે કે ઢીંગલી હોય તે રીતે તૈયાર થઈને આવી હતી. પિન્ક કલરનું શોર્ટ ફ્રોક અને બેબી પિન્ક કલરના સેન્ડલ્સ.. સાથે સાથે કાનમાં પિન્ક કલરના ફંકી ટોપ્સ અને વાળમાં થોડી લટને આગળ રાખીને ભરાવેલી બેબી પિન્ક હેરબેન્ડના કારણે તે એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી. દિત્ય સીધો દરવાજા તરફ પહોંચી ગયો અને તેને આવકારી..

“વેલકમ જુનિયર ટુ ધ પાર્ટી. તમે અત્યંત સુંદર લાગી રહ્યા છો. બિલકુલ બાર્બી જેવા જ..! મને લાગે છે મિસ ફ્રેશર તો તમે જ બનશો..!”

દિત્ય દૈવીષાને ઈમ્પ્રેસ કરવાની એકપણ તક છોડવા માંગતો નોહ્તો. કોલેજમાં પહેલા દિવસે જયારે તેને જોઈ હતી ત્યારનો તેને દિલ દઈ બેઠો હતો. પાર્ટીમાં પણ દિત્ય કરતા હેન્ડસમ કોઈ જ નોહ્તું.. દૈવીશાને વેલકમ કર્યા બાદ પાર્ટીની શરૂઆત કરી દિત્યએ ગેમ્સ રમાડી. પેપર ડાન્સની એક ગેમમાં તો પોતે જ દૈવીશા સાથે ડાન્સ કરવા પહોંચી ગયો. તેની પાતળી અને નાજુક કમરને પકડીને જયારે દૈવીશાને પોતાના તરફ ખેંચી તેની આંખોમાં તેણે જોયું તો દૈવીશા શરમાઈ રહી હતી.. બસ પછી તો શું હતું.. આંખોની એ મૂક સંમતિએ દિત્યને પ્રોત્સાહન આપ્યું અને આખી પાર્ટી દરમિયાન બંને સાથે જ રહ્યા..!

બીજા જ દિવસથી કોલેજમાં દિત્ય અને દૈવીશાની જોડી બની ગઈ.. બન્ને બધે સાથે જ હોય. દિત્ય દૈવીશા માટે ગમે તે કરી છૂટતો. ક્લાસ બંનેના અલગ હોવાથી તેઓ ચાર કલાક જેટલી વાર છુટ્ટા રહેતા તે દરમિયાન પણ મોબાઈલના મેસેજીઝ તો બંનેના ચાલુ જ હોય.

આમનેઆમ ત્રણ વર્ષ વીતી ગયા. બંનેનો પ્રેમ હવે ગાઢ થઇ ચુક્યો હતો. કેમ્પસમાંથી દિત્યને પ્લેસમેન્ટ મળ્યું ઈન્ફોસિસમાં. બેંગ્લોરમાં આવેલા ઇન્ફોસીસમાં પ્લેસમેન્ટ સ્વીકારવું કે નહિ તેની અસમંજસમાં દિત્ય અટવાયેલો હતો. તે અને દૈવીશા બગીચામાં બેઠા હતા..

“દૈવી, આઈ લવ યુ.. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું.. હમણાં જ અત્યારે જ. આ જોબની ઓફર સ્વીકારી હું તારાથી દૂર જવા નથી માંગતો.. હું તને પ્રોપોઝ કરવાનો હતો એકદમ રોમેન્ટિક રીતે પરંતુ સંજોગોવશાત અત્યારે આ રીતે કહી રહ્યો છું.. પ્લીઝ મારી સાથે લગ્ન કર..!”

દૈવીશાને જાણે આ જ દિવસની રાહ હતી. તેણે દિત્યનો હાથ પકડ્યો અને તેના ખભે માથું ટેકવીને કહ્યું,

“દિત્ય હું તારી સાથે લગ્ન ચોક્કસથી કરીશ જ. પરંતુ એ માટે તારે મારા મમી-પાપા પાસે આવવું પડશે મારો હાથ માંગવા અમરેલી…!!ત્યારે તું શું કહીશ કે તું શું કરે છે..?!

તારે આ ઓફર સ્વીકારીને બેંગ્લોર જતા રહેવાનું છે.. અને રહી વાત લગ્નની તો એ આપણે તારા બેંગ્લોર જતા પહેલા જ કરીશું.”

“પણ દૈવી, તું જાણે છે ને કે મારા બે નાના ભાઈ અને પિતાજીને હું આ રીતે અચાનક બેંગ્લોર ના લઇ જઈ શકું..!”

દિત્યના મ્મીનું દસ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે દિત્ય બાર વર્ષનો, તેનો નાનો ભાઈ દેવર્ષ આઠ વર્ષનો અને સૌથી નાનો ભાઈ દિશીત છ વર્ષનો હતો..! દિત્યના મમી લતાબહેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમાં તેઓ મૃત્યુ પામ્યા.. દિત્યના પિતાજી શ્રીકાંતભાઈ પોતાની પત્નીને અનહદ પ્રેમ કરતા હતા.. તેઓ આ જીરવી ના શક્યા અને મગજનું સંતુલન ગુમાવતા તેઓ મંદબુદ્ધિના બની ગયા. બાર વર્ષના દિત્ય પર તે સમયે બેવડી જવાબદારી આવી ગયેલી. ઘર સંભાળવા સાથે સાથે પૈસાનું પણ પ્રયોજન કરવું. અમુક નજીકના કુટુંબીઓની મદદથી દિત્યએ પોતાના પિતાજીની કરિયાણાની દુકાન ભાડે આપી દીધી.. દુકાનનું ભાડું મહિને ત્રીસ હજાર આવતું તેમાંથી ચારેય જીવનનિર્વાહ કરતા. તે ઉપરાંત દિત્ય ભણવામાં હોશિયાર હોવાથી તેણે પ્રાઈમરીના છોકરાઓને ટ્યૂશન આપવાના શરૂ કર્યા. તેમાંથી પણ તેને મહિને દસેક હજાર જેવી આવક થઇ જતી જે તે પોતાના ભણતરના ખર્ચમાં વાપરતો. બંને ભાઈઓની ભણવાની વ્યવસ્થા દુકાનના ભાડામાંથી થઇ જતી. અમદાવાદની આ પ્રતિષ્ઠિત કોલેજમાં તેને એડમિશન પણ સ્કોલરશિપથી મળ્યું હતું. આજે જ્યારે તેને ઇન્ફોસિસ તરફથી વર્ષે તેર લાખનું પેકેજ મળી રહ્યું હતું ત્યારે દૈવીશા નોહતી ઇચ્છતી કે કોઈ પણ કારણોસર દિત્ય તેને મળેલી આ તકને નકારે… તેથી તેણે કહ્યું,

“દિત્ય, તું અમરેલી આવીને માં-પાપાને મળી લે. મેં તેમને અણસાર તો આપ્યો જ છે. અને આમ પણ તમારું કુટુંબ ખાનદાન છે તેથી મને વિશ્વાસ છે કે તેઓ ના નહિ જ કહે.. એટલે તેમના હા કહ્યા બાદ આપણે તરત પંદર દિવસમાં સાદાઈથી પરણી જઈશુ.. તારે બે મહિના પછી જોઈનીંગ છે એટલે તું લગ્ન બાદ તરત જ બેંગ્લોર શિફ્ટ થઇ જજે. અહીં પપ્પાજી અને દેવર્ષભાઈ તથા દિશીતભાઈ સાથે હું હોઈશ જ.. એટલે તારી એ ચિંતા દૂર થઇ જશે.. હું સવારે કોલેજ જઈશ અને બપોરે ઘરે જ રહીશ. આમ પણ મારે એક મહિના પછી ફાઇનલ યર હશે એટલે કોલેજ રેગ્યુલર નહીં હોય.. તું ત્યાં જઈને તારી સગવડતાએ અમને તેડાવી લેજે..!”

દૈવીશાની વાત સાંભળી દિત્યની આંખમાંથી આંસુ સરી પડ્યા. આવા જીવનસાથીની કલ્પના સપનામાં પણ કરી નહોતી. આજે દૈવીશા દિત્ય માટે થઈને પોતાનું સઘળું કુરબાન કરવા તૈયાર થઇ ગઈ હતી.

બસ પછી તો તે દિવસ અને આજનો દિવસ. વિદાયવેળાએ પોતાના માતા-પિતાને ભેટીને દૈવીશા ખુબ રડી.. અમરેલીથી અમદાવાદનો રસ્તો તેને જાણે સદીઓ જેવો લાગ્યો.. દિત્યનો હાથ પકડીને બેઠેલી દૈવીશા પોતાના લગ્નજીવન વિશે વિચારવામાં ખોવાઈ ગઈ..

અમદાવાદમાં દિત્યનું નાનકડું પણ સુંદર એવું ત્રણ બેડરૂમનું ઘર હતુ. તેના પિતાજીએ પહેલેથી જ લઇ રાખેલું એટલે વર્ષોથી તેઓ અહીં જ રહેતા.. બે વર્ષ પહેલા પૈસાની બચત કરીને દિત્યએ ઘરનું થોડું રીનોવેશન કરાવ્યું હતું. પોતાના સાસરિયે પગ મુકતા જ દૈવીશા ધન્ય થઇ ગઈ.. તેનું સ્વાગત કરવા દરવાજે દિત્યના ઘરની સંભાળ રાખનારા જીવીકાકી હતા..

“આવો વહુ.. તમારું સ્વાગત છે.. કંકુપગલા કરીને આ ઘરને તમારા શુભ ચરણો વડે હવે દીપાવો..!”

જીવીકાકીએ કહ્યું.

“દૈવી, મમીના ગયા પછી જીવીકાકી ઘરને સંભાળે છે. ઘરને જ નહિ પરંતુ અમને બધાને જ.. એ આયા કે બાઈ નહિ.. અમારા માટે માવતર જેવા છે..! એમના આશીર્વાદ લે..!”

દૈવીશા જીવીકાકીને પગે લાગી અને પછી દિત્યનો હાથ પકડીને ઘરમાં દાખલ થઇ.. તેના બંને દિયર દેવર્ષ અને દિશીત દસમા અને બારમા ધોરણમાં હતા.. બંનેએ ભાભીનું ભાવભીનું સ્વાગત કર્યું. દૈવીશા પોતાના સસરાના ઓરડામાં ગઈ અને તેમને પગે લાગી. તેના સસરા તેમના લગ્નમાં પણ એકદમ ચુપચાપ રહેલા. મગજનું સંતુલન ખોઈ બેઠેલા પોતાના સસરાને જોઈ દૈવીશાને તેમના માટે બાળક સમું વહાલ થતું હતું. બધા વિધિ-વિધાન પૂર્ણ કર્યા બાદ નવદંપતી તેમના ઓરડામાં ગયા.. મધુરજનીની એ રાત બંને માટે ખાસ હતી. ત્રણ-ત્રણ વર્ષથી સજાવેલા શમણાંઓને આજે હકીકતનું સરનામું મળી રહ્યું હતું..

“દૈવી, હવેથી હું પણ તારો અને આ ઘરની ચાવીઓ પણ.. તને લગ્નની રાતે જ જવાબદારીઓથી બાંધી દઉં છું કારણકે કોઈ છૂટકો નથી. મારે પંદર દિવસની જગ્યાએ બે દિવસ પછી જ જોઈન કરવાનું છે.. મને આશા છે કે તું મને સમજીશ.. પપ્પા અને દેવર્ષ-દિશીત હવે તારી જવાબદારી છે..! હું વહેલી તકે બેંગ્લોરમાં કંઈક ગોઠવણ કરીને તમને તેડાવી લઈશ..!”

“દિત્ય, પ્રેમમાં સમજણ આપોઆપ આવી જતી હોય છે.. તમારી સાથે સાથે આજે મેં આ ઘર સાથે પણ સંબંધ બાંધ્યો છે.. તમારી સાથે જોડાયેલા દરેક નામને હું આજે હ્રદયપૂર્વક સ્વીકારું છું. હું મારા પિતા સમાન સસરાજી અને ભાઈ સમાન દિયરોની માઁ બનીને રહીશ… તમને મારા પર ગર્વ થશે..”

ને આ સાંભળતા જ દિત્યએ દૈવીષાને પોતાના પ્રગાઢ આલિંગનમાં સમાવી લીધી..

બે દિવસ પછી દિત્ય બેંગ્લોર જવા નીકળી ગયો.. દૈવીશાની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો અને તે પરફેક્ટ પુત્રવધુ બનવાના પંથે ચાલી નીકળી. રોજ સવારે પાંચ વાગ્યે જાગીને તે ઘરના નાનામોટા કામ આટોપતી. છ વાગ્યે નાહવા જાય અને સાડા છએ જ્યારે તૈયાર થાય તયારે દિત્યને ફોન કરે. વિડીયો કોલ દરમિયાન દિત્યની આંખ સામે પોતાનો સેંથો ભરે. બંને પંદર મિનિટ સુધી એકબીજા સાથે વાતો કરે અને પછી સાત વાગ્યે દૈવીશા રસોડામાં જાય. સસરા માટે ચા બનાવે અને બંને દિયરો માટે ગરમ ગરમ દૂધ. બંનેને બોર્ડ હોવાથી આખો દિવસ તેઓ ભણવામાં જ વ્યસ્ત રહે. દૈવીશા તેમની દરેક જરૂરિયાતને સાચવે.. આઠ વાગ્યે બંને સ્કૂલે જાય પછી પોતે સસરાજી પાસે બેસે. અડધી કલાક તેમની સાથે વાતો કરે અને પછી બંને સાથે જ નાસ્તો કરે. ત્યાર સુધીમાં નવ વાગતા જ જીવીકાકી આવી જાય એટલે દૈવીશા કોલેજ જવા નીકળે. બપોરનું જમવાનું જીવીકાકી તૈયાર રાખે એટલે બે વાગ્યે આવતા જ દૈવીશા જમીને બંને દિયર પાસે બેસે.. તેમને કોઈ પરેશાની હોય તો તે સાંભળે અને સોલ્વ કરે. પછી પોતાનું કોલેજનું ભણવા બેસે અને ત્રણ વાગ્યે દિત્યને બ્રેક પડતા તેની સાથે વાતો કરે.. સાંજના સસરાજીને ગાર્ડનમાં લઇ જાય. ને રાતનું જમવાનું પોતે જ બનાવે…

આ જ રીતે છ મહિના પસાર થઇ ગયા. દૈવીશા હવે આ ઘરેડમાં ઘડાઈ ગઈ હતી. ઘર-કોલેજ સાથે સાથે સસરા અને દિયરોની બેવડી જવાબદારી નિભાવવી તેને ખુબ વહાલી લાગતી.. આજે ત્રેવીશ જૂન હતી એટલે કે તેનો જન્મદિવસ. દિત્ય આવી શકે તેમ નહોતો તેથી તે થોડી ઉદાસ હતી. રાતના બાર વાગ્યા પહેલા તો પોતે સુઈ ગઈ. સુતા પહેલા જોયું તો સસરાજી આરામ કરતા હતા અને બન્ને દિયર ભણવામાં વ્યસ્ત હતા. તેમને ડિસ્ટર્બ કરવાનું મુનાસીબ ન લાગતા દૈવીશા જઈને સુઈ ગઈ. જેવા ઘડિયાળમાં બાર વાગ્યાના ટકોરા પડ્યા કે દેવર્ષ અને દિશીત તેના ઓરડામાં આવ્યા… બન્નેના હાથમાં કેક હતી અને ચહેરા પર મુસ્કાન.. દિત્યનો પણ વિડીયો કોલ ચાલુ હતો. દૈવીષાએ દિયરોની હાજરીમાં કેક કાપી અને દિત્ય સાથે વાત કરી. તેના બંને દિયર તેની માટે ભેટ લઈને આવ્યા હતા. દૈવીષાએ ખોલીને જોયું તો તેમાં સુંદર મજાની સાડી હતી.

“ભાભી, તમે બિલકુલ માઁ જેવા જ છો. બલ્કે અમારા ભાભીમાં જ છો. આ મારા મમીની સાડી છે. અમને બહુ ગમતી જયારે માઁ તે પહેરતી ને ત્યારે.. અમારી ઈચ્છા છે કે તમે પણ આ પહેરો..!”

બંને લાડકા દિયરોની વાત માનીને બીજા દિવસની સવારે દૈવીશા તે સાડી પહેરીને તૈયાર થઇ. તેના સસરાજીને પગે લાગવા તે જ્યારે ઓરડામાં ગઈ ત્યારે શ્રીકાંતભાઈની આંખમાંથી આંસુ સરી પડ્યા. ઘણા વખતે તેઓએ એક નાનકડી મુસ્કાન કરી અને વહુના માથા પર હાથ મુક્યો.. તે આખો દિવસ દૈવીશા માટે ખાસ હતો. દિત્ય વગર બંને દિયરોએ તેને એકલું ના લાગવા દીધુ..

થોડા દિવસો ફરી એમ જ વીતી ગયા.. આઠ મહિનાથી દિત્ય અને દૈવીશા એકબીજાને મળ્યા નહોતા.. એક દિવસ અચાનક સવારે દિત્યએ ઘરના દરવાજે આવીને ટકોરા માર્યા. દૈવીશા તો દિત્યને જોઈને હરખઘેલી થઇ ગઈ.. લગ્નજીવનની શરૂઆત પણ ન થઇ હોય અને પતિથી વિખુટા થવું પડે એ પતિને આઠ મહિને જોઈને દૈવીશા ગાંડીઘેલી થઇ રહી હતી.. દિત્યને પોતાની આંખોમાં સમાવી લેવા માગતી હોય તેમ તેને નીરખી રહી..

“બસ દૈવી, હવે તારી આ વિરહની વેદનાનો અંત આવ્યો.. તને છોડીને હવે હું ક્યાંય જવાનો નથી. મારા શ્વાશમાં તને સમાવવા હું ફરીથી અધીરો થઇ રહ્યો છું.. મેં બેંગ્લોરથી ટ્રાન્સફર લઇ લીધી છે.. અહીં અમદાવાદમાં નવી હેડ ઓફિસ બની રહી છે જેનો મને બ્રાન્ચ મેનેજર બનાવવામાં આવ્યો છે.. ટ્રાન્સફર પલ્સ પ્રમોશન પલ્સ મારી દૈવી.. બસ આ જિંદગીમાં કંઈ નથી ખૂટતું હવે..!”

દિત્યની વાત સાંભળી દૈવીશા તેને વળગી પડી.. દિત્ય પોતાના પિતાજી પાસે ગયો અને તેમને પગે લાગ્યો. તેમને મળીને જાણે આઠ મહિના એકલા રાખવાનો ભાર ઓછો થયો હોય તેમ દિત્ય હળવાશ અનુભવી રહ્યો હતો..! પોતાના બન્ને ભાઈઓ ઓરડામાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને પણ મળ્યો. આઠ મહિનાની આતુરતાનો આજે અંત આવ્યો હતો.. બસ પછી તો મહિનાઓ અને વર્ષ પસાર થતા ગયા..

દિત્ય અને દૈવીશાના લગ્નના ત્રણ વર્ષ બાદ જ્યારે દેવર્ષનું બેચલર્સ પૂર્ણ થયું અને તે અમેરિકા જવા રવાના થયો તે રાતે ઓરડામાં એકલી બેસીને દૈવીશા ખુબ રડી હતી.. નાનપણથી જ પોતે માતા-પિતાનું એક જ સંતાન હતી. હંમેશા તેને એક ભાઈની ગેરહાજરી વર્તાતી.. દિત્ય સાથે લગ્ન થયા બાદ તેને દેવર્ષ અને દિશીત માં પોતાના ભાઈ મળ્યા હતા.. આ ઉપરાંત તે એ બંનેની માઁ તો હતી જ.. ત્રણ વર્ષ સુધી પોતાના દિયરોને સાચવવામાં તેને ફેમિલી પ્લાન કરવાની કંઈ જરૂર જ નોહતી રહી.. તે બન્ને જ તેના દીકરા હતા.. આજે દેવર્ષ ઉચ્ચ અભ્યાસ અર્થે બે વર્ષ માટે અમેરિકા ગયો એટલે દૈવીશા ખુબ દુઃખી થઇ ગઈ હતી.. દિત્ય ઓફિસથી આવ્યો અને ઓરડામાં ગયો તો લાઇટ્સ બંધ હતી અને દૈવીશા એક ખૂણામાં બેઠી હતી.. દિત્ય તેની પાસે ગયો અને કહ્યુ..

“દૈવી, આમ ઉદાસ કેમ થઇ ગઈ છે.. બે વર્ષ માટે જ ગયો છે દેવર્ષ. અને આપણે રોજ તેની સાથે સ્કાઇપથી વાતો પણ કરીશું. તું જ કે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તેણે આપણને છોડીને જવું તો પડે ને.. અને તું જો દિશીત તો અહીં જ છે ને તારી સાથે આપણી પાસે…!

અને જાન હવે આપણે પણ ફેમિલી પ્લાન કરવું જોઈએ.. નાનું બાળક હશે તો તને એની હાજરીથી સારું લાગશે. હમણાં લગ્નને ચાર વર્ષ પૂર્ણ થઇ જશે.. આઈ થિન્ક વી મસ્ટ પ્લાન અવર ફેમિલી નાઉ..!”

દિત્યની વાત સાંભળીને દૈવીશાને થોડું સારું લાગ્યું.. દિશીત તો હજુ સાથે જ છે એટલે કંઈ વાંધો નહિ.. એકલવાયું નહિ લાગે. તેણે દિત્યને કહ્યું,

“તમારી વાત તો સાચી છે.. પરંતુ મને લાગે છે કે અત્યારે જો ફેમિલી પ્લાન કરશું તો ઘર, પપ્પા અને દિત્યની સંભાળ નહિ રાખી શકાય. જીવીકાકી પણ હવે નથી આપણી વચ્ચે..! હજુ એકાદ-બે વર્ષ પછી આપણે વિચારીશું. હજુ તો હું સતાવીશ વર્ષની જ છું.. હું અત્યારે મારું સમગ્ર ધ્યાન દિશીત અને પપ્પા પર આપવા માંગુ છું..!”

દિત્યએ દૈવીષાના આ નિર્ણયમાં પણ તેનો સાથ આપ્યો.. અને ફરીથી એ જ ઘટમાળ ચાલુ થઇ.. દિશીતે એન્જીનીયરીંગ લીધું હતું અને એમાં પણ કમ્પ્યુટર એન્જીનીયરીંગ..! એટલે દૈવીશાએ તેમાં જ બેચલર્સ કરેલું હોવાથી દિષિતને કંઈ પણ પરેશાની પડે તો તે ભાભી પાસે દોડી જતો.. જે કોલેજમાં દૈવીશા હતી ત્યાં જ દિશીત હતો એટલે દૈવીશા તેને બધી રીતે હેલ્પ કરતી.. હવે તો તેને દિશીતની અને પોતાની એક સમયની કોલેજમાં જોબ પણ મળી ગઈ હતી.. ત્યાં જ તે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાઈ ગઈ હતી.. પહેલા કરતા પણ વધારે હવે તે આખો દિવસ વ્યસ્ત રહેતી. ફેમિલી પ્લાંનિંગની વાત તો ક્યાંય બાજુએ જ રહી ગઈ.. હવે તો તે અને દિત્ય ઘણી વાર પંદર પંદર દિવસે મળતા. દિત્ય કંપનીના કામસર મોટેભાગે બહાર જ રહેતો. અને દૈવીશા પણ સસરાને સાચવવામાં વધારે વ્યસ્ત થઇ ગઈ હતી.. તેમની તબિયત હવે બહુ જ ખરાબ રહેતી.. એક વર્ષ સુધી જાતજાતની બીમારીઓનો સામનો કર્યા બાદ શ્રીકાંતભાઈ અવસાન પામ્યા.. ત્યાં સુધી દેવર્ષ પણ અમેરિકામાં બે વર્ષ એમબીએ કરીને એક વર્ષનો અનુભવ લઇ ઇન્ડિયા પાછો આવી ગયો હતો.. દિશીત પણ હવે છેલ્લા વર્ષમાં હતો.. તેને કેમ્પસ પ્લેસમેન્ટમાં પુણેમાં ટીસીએસમાં જોબ મળી ગઈ એટલે તે જઈ રહ્યો હતો.. આજે ચાર વર્ષ પછી દૈવીશાની ફરીથી એ જ હાલત હતી.. દેવર્ષ ઇન્ડિયામાં તો આવ્યો પરંતુ તેને જોબ મુંબઈમાં મળેલી હોવાથી તે મુંબઈ હતો.. બે મહિના પહેલા જ તે આવ્યો ત્યારે તેને કહ્યું હતું કે તે અમેરિકામાં પોતાની સાથે ભણતી દિશીન્યાના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે.. તે સમયે તેના ધામધૂમથી દૈવીશા અને દિત્યએ લગ્ન કરાવેલા.. તે બન્ને પછી મુંબઈ જ રહેવા લાગ્યા… અને હવે આજે દિશીત પણ પુણે જઈ રહ્યો હતો.. દિષિતને એરપોર્ટ મૂકીને આવ્યા બાદ દૈવીશાને આ ખાલી ઘર જાણે ખાવા દોડતું હોય તેવું લાગી રહ્યું હતું. રડી રડીને તેની આંખો સોજી ગયેલી. આજે તે લગ્નના આઠ વર્ષ બાદ સાવ એકલી પડી ગઈ હતી.. તેને લાગ્યું અચાનક જ જાણે ઘરની સઘળી કિલકારી, સઘળી રોનક જતી રહી હોય..! દિત્ય તેની મનોસ્થિતિ સમજતો હતો તેથી તેણે વેકેશન પ્લાન કર્યું. કદાચ ફેમિલી શરૂ કરવાનો હવે સમય આવી ગયો હતો..

એક મહિના પછીની દિત્યએ પેરિસની ટિકિટ્સ લીધી.. આ તેમની પહેલી ટ્રીપ હતી સાથે… સાવ એકલા! દૈવીશા પણ ખુશ હતી.. તેને હવે માઁ બનવાની ઉત્કંઠા હતી.. તે જાણતી હતી દિત્યએ આ ટ્રીપ તે કારણોસર જ પ્લાન કરી છે..

પેરિસની એ પંદર દિવસની ટ્રીપ બન્ને માટે યાદગાર હતી.. તે ટ્રીપ દરમિયાન અને પછી પણ અવારનવાર પ્રયત્નો કરવા છતાં પણ દૈવીષાને ગર્ભ રહેતો ના હતો.. આમનેઆમ છ મહિના વીતી ગયા.. એક દિવસ દિશીતે પોતે દેહિકાના પ્રેમમાં છે તેવું કહ્યું અને દૈવીશા અને દિત્યએ તે બંનેના પણ ખુબ ધામધૂમથી લગ્ન કરાવ્યા. લગ્ન દરમિયાન એકાદ મહિનો ઘરમા ખુબ ચહલપહલ હતી.. આ એક મહિનો દૈવીશા અત્યંત ખુશ હતી.. પરંતુ લગ્ન પૂર્ણ થતા જ બંને દેરાણીઓ અને દિયરો ચાલ્યા ગયા એટલે ફરી વાર તે એકલી પડી ગઈ.. તેને ગર્ભ પણ રહેતો ના હતો.. દિત્યએ આઠેક મહિના સુધી પ્રયત્ન કર્યા બાદ ગાયનેકોલોજિસ્ટને બતાવવાનું વિચાર્યું..

બંને શહેરના નામાંકિત ડોક્ટર પાસે ગયા.. બધી તપાસ કર્યા બાદ અંતે ડોકટરે બન્નેને બોલાવ્યા અને કહ્યું,

“જુઓ દૈવીશાબહેન.. તમારી ઉંમર બત્રીસ વર્ષ થઇ ગઈ છે.. ત્રીસ વર્ષ પછી ગર્ભ રહેવાના ચાન્સીસ પંદરથી વીસ ટકા થઇ જતા હોય છે.. આવું ભાગ્યે જ બને છે.. કદાચ હજારે એક કિસ્સો હોય કે ત્રીસ વર્ષ પછી સ્ત્રીની પ્રજનનશક્તિ ઓછી થઇ જવાના કારણે તે ગર્ભ ધારણ ના કરી શકે.. અને અફસોસ સાથે મારે કહેવું પડે છે કે હજારમાંથી એ એક મહિલા તમે છો.. તમારી પ્રજનનશક્તિ ખુબ ઓછી થઇ ચુકી છે.. તમે ગર્ભ ધારણ કરવામાં ઘણું મોડું કર્યું.. હું તમને દવાઓ તો લખી આપું છું પરંતુ શક્યતા નહિવત છે..!”

ડોક્ટરની વાત સાંભળી દૈવીશા હચમચી ગઈ… જાણે તેના માથે વજ્રઘાત થયો હોય તેવું તેને લાગ્યું. દિત્ય પણ આ જાણી ખુબ દુઃખી થયો.. દૈવીશા કઈ બોલવાની હાલતમાં પણ નહોતી. દિત્ય તેને પરાણે ત્યાંથી ઉભી કરીને ઘરે લઇ આવ્યો. આખા રસ્તે તેમજ ઘરે આવ્યા બાદ પણ દૈવીશા સુનમુન બેસી રહી.. અચાનક જ તેના ફોનની રિંગ વાગી અને દેવર્ષનો નંબર જોઈ તે હરખાઈ ગઈ..

“હેલો દેવર્ષભાઈ.. મારા દેવર્ષ.. દીકરા તું કેમ છે?? ભાભીની યાદ નથી આવતી ને તને.. ભૂલી ગયો ને મને..!”

“અરે ના ભાભીમાં એવું કંઈ નથી.. તમારી બહુ જ યાદ આવે છે.. અને હવે તો ખાસ જરૂર છે તમારી.. તમને ખબર છે મારે કંઈક કહેવું છે તમને…”

હજુ તો તે આગળ કંઈ બોલે તે પહેલા જ દિત્ય ત્યાં આવ્યો અને દૈવીષાને કહ્યું કે દિશીતનો ફોન છે.. તે તને કંઈ કહેવા માંગે છે..

બંને ફોન એક એક કાને ધરી દૈવિષાએ કહ્યું,

“બોલો દીકરાઓ…”

“ભાભીમાં તમારી દેરાણીવહુ માઁ બનવાની છે..”

“ભાભીમાં તમારી દેરાણીવહુ માઁ બનવાની છે..”

બન્ને દિયરની એકસરખી વાત સાંભળી દૈવીશા ખુબ ખુશ થઇ..

“મારા વહાલાઓ.. આશીર્વાદ છે મારા તમને. સદાય ખુશ રહો.. હું બંનેને મળવા જલ્દી આવી રહી છું.. પછી મારી દેરાણીઓને મારી પાસે જ લઇ આવીશ છ મહિના..!”

આટલું કહી દૈવીશાએ ફોન મૂકી દીધો. તેની આંખમાં આંસુ હતા.. એક આંખમાં ખુશીના અને એક આંખમાં થોડી વ્યથાના કે પોતાનો ખોળો હજુ સુધી ખાલી છે..! પણ બધું ભૂલીને, મગજમાંથી ખંખેરીને તેણે દિત્યને સઘળી વાત કરી.. તે પણ ખુશ થયો..

પછી તો બીજા જ દિવસે તે મુંબઈ જવા રવાના થઇ.. પહેલા દેવર્ષના ઘરે અઠવાડિયું રોકાયા બાદ તે પુણે દિષિતને મળવા ગઈ.. ત્યાં પણ અઠવાડિયું રોકાઈને વળતા તે દેહિકાને લઈને પાછી અમદાવાદ તરફ રવાના થઇ.. દિત્ય , દૈવીશા અને દેહિકા ગાડીમાં જ આવતા હતા.. તેથી મુંબઇથી જ ત્દિશીન્યાને લઈને તેઓ નીકળી ગયા..

અમદાવાદ આવ્યા બાદ દૈવિષાએ પોતાની જોબ છોડી દીધી.. બંને દેરાણીઓની સેવામાં તે લાગી ગઈ.. પોતાની ઈચ્છાઓને નેવે મૂકી તે બંનેનુ પ્રેમથી જતન કરતી. બંનેને એકસાથે જ ચોથો મહિનો જતો હતો.. ત્રણ મહિના બાદ તેમનું સીમંત કરી દૈવિષાએ બંનેના પિયરિયાઓને કહ્યું કે સુવાવડ પોતે જ કરાવશે.. તેની ડબલ ડ્યુટી લાગી ગઈ હતી.. આખો દિવસ બંનેને શું ખાવું, શું વાંચવું, કેમ રહેવું આવુ બધું કહેવા-કરવામાંથી દૈવીશાને પોતાના માટે ફુરસદ જ ના મળતી.. ત્યાં સુધી કે પોતાની ગર્ભધારણની દવાઓ લેવાનું પણ તેણે બંધ કરી દીધું હતું..

આખરે તે દિવસ પણ આવી ગયો.. ડોકટરે બંનેને આગળપાછળ જ તારીખ આપેલી. છેલ્લા પંદર મહિનાથી દેવર્ષ અને દિશીત પણ આવી ગયાં હતા. પહેલા દિશીન્યાને પેઈન શરૂ થયું..તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરી.. ત્યાં જ દેહીકાને પણ પેઈન શરૂ થતા તેને પણ હોસ્પિટલમાં દાખલ કરી.. દૈવીશા ઘડી એક આઈસીયુમાં તો ઘડી બીજા આઈસીયુના દરવાજા તરફ જોતી…

આખરે તેની આતુરતાનો અંત આવ્યો જયારે બંને ઓપેરેશન થિયેટરમાં બાળકના રડવાનો અવાજ તેણે સાંભળ્યો…!!! બંને દેરાણીઓને ખોળે કલૈયા કુંવર જેવા દીકરાઓ જન્મ્યા હતા….!! બંનેને જોઈ દૈવીશા સઘળા દુઃખ ભૂલી ગઈ.. તેની આંખો ભરાઈ આવી.. પછી તો હોસ્પિટલની ફરજ પતાવી ત્રીજા દિવસે તે બંને દેરાણીઓને લઈને ઘરે પહોંચી. બંનેનું હ્રદયપૂર્વક તેણે સ્વાગત કર્યુ..! નાનકડા ભૂલકાઓને જોઈને તો તેની આંખ ઠરતી હતી…

આજે બંનેની છઠ્ઠી હતી.. બંનેને ઘોડિયામાં સુવાડ્યા હતા.. બધી વિધિ પૂર્ણ થયા બાદ બંને દેરાણીઓએ દૈવીશાના આશીર્વાદ લીધા અને પોતાના દીકરાઓ તેમના હાથમા આપ્યા…

દેહિકાએ કહ્યું,

“ભાભીમાં આ બાળકો તમારા છે.. તમારો તેમના પર હક છે.. અમને મોટાભાઈએ છ મહિના પહેલા જયારે બધી વાત કરી ત્યારે જ અમે ચારેયે નક્કી કર્યું હતું કે અમારા બંનેના બાળકોની માઁ તમે હશો..!”

દેહીકાની વાતમાં સુર પુરાવતા દેવર્ષ બોલ્યો…

“હા માઁ.. તમે મારા અને દિશીત માટે તમારું બધું ન્યોછાવર કર્યું એ સામે આ તો કંઈ જ નથી.. આને જન્મ આપનાર તમારી દેરાણીઓ ભલે હોય પરંતુ આ બાળકોની ખરી માઁ તમે જ છો..!”

દિશીત પણ બોલ્યો,

“હા માઁ.. તમારો ખાલી ખોળો ભરવા માટે ખોળાના ખૂંદનાર આવી ગયા છે..!”

પોતાના દિયર-દેરાણીઓની આ વાત સાંભળી બન્ને દિત્ય અને દૈવીશા રડી પડ્યા.. આ જન્મના પુણ્ય આ જન્મમાં જ ફળે છે તેવું દૈવીશાને લાગ્યું…!! દસ વર્ષથી જે ખોળો ખાલી હતો તે કુળદેવીની કૃપાથી આજે ભરાઈ ગયો..

દૈવીષાને આજે પોતાની જિંદગી સાર્થક લાગી રહી હતી..!! આજે જાણે તે બંને દિયરોની માઁ સાથે સાથે પોતાની બંને દેરાણીઓ અને આ ભૂલકાઓની પણ માઁ હોય તેવું તેને લાગ્યું…

આંગણે જાણે સુખની રંગોળી થઇ અને બારણે આનંદનું તોરણ બંધાયું…

લેખક : આયુષી સેલાણી 

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો !