દિવાળી

0
4


હું સ્ટેશન પર હતી. અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર રોજ જોવા મળતી ભીડ એ દિવસે પણ અકબંધ હતી. બધાજ પોતપોતનામાં વ્યસ્ત હતા. કોઈ ટ્રેનની રાહ જોઈ રહ્યું હતું તો કોઈ ટ્રેનમાં આવતા સંબંધીની. દિવાળીનો તહેવાર હતો એટલે ચારેબાજુ ભીડ આસમાને પહોચેલી હતી. સારું થયું કે બહાર તંબુ લગાવીને ચીજવસ્તુઓ અડધા દામે વેચતા વેપારીઓ બેઠા હતા નહિતર સ્ટેશનમાં એટલી ભીડ હોત કે મને ઉભા રહેવાનીયે જગ્યા ન મળોત.

હું ચાંદખેડામાં એક પ્રાઈમરી સ્કૂલમાં ક્લાર્ક હતી. મને નોકરી પર લાગ્યાને પંદર વરસ થઇ ગયા હતા. મને અચાનક યાદ આવ્યું હું અને હસુમતી બંને એકજ દિવસે નોકરી પર લાગ્યા હતા. એને વડોદરામાં નોકરી મળી હતી અને મને અમદાવાદમાં. કેટલા ખુશ હતા એ દિવસે અમે! હસુમતીને નોકરી મળી એજ દિવસે મારા ઘરે મીઠાઈનું બોક્સ લઈને આવી હતી. મારી બંને મોટી બહેનોને રસગુલ્લા વધુ પસંદ હતા એટલે એ રસગુલ્લા પણ લાવી હતી. હસુમતી મારી એવી મિત્ર હતી જે માત્ર મારો જ નહી મારા પરિવારના દરેક સભ્યનો ખયાલ રાખતી.

એ મારા બા બાપુજીને પોતાના બા બાપુજી જેમ જ સમજતી! હું જેટલી ફિકર એમની કરું એટલીજ ફિકર એય કરતી! એ જયારે પણ નોકરીએથી રજાઓમાં આવતી ત્યારે પહેલા મારા ઘરે આવતી પછીજ પોતાના ઘરે જતી. પણ છોકરીઓની મિત્રતાનું કેટલું મુલ્ય? બિચારી પરણીને સાસરે ગઈ ત્યાર પછી ખાસ ક્યાં અવાયુ જ છે?. હું અને હસુમતી બંને આમ તો પાલનપુરના. અમારું બાળપણ સાથે જ વીતેલું. એકજ શાળામાં ભણ્યા એક જ સાથે નોકરી પણ લાગેલા.

દિવાળીની રજાઓ પડી ગઈ હતી એટલે મારે ઘરે જવું પડતું. આમતો મારા ઘરે હવે કોઈ હતું નહી. બા પાંચ અને બાપુજી ચાર વરસ પહેલા મને એકલી મુકીને ચાલ્યા ગયેલા. મોટી બંને બહેનોના લગન થઇ ગયેલ એટલે પાલનપૂરનું ઘર તો વરસોથી બંધ પડ્યું હતું. એ ઘરમાં કરોળિયા અને એમણે જ્યાં ત્યા બનાવેલ જાળ સિવાય કશુ જ ન હતું.

મને એકપળ માટે થયું મહેસાણા કેમ? ચાલને હસુમતી પાસે જ જતી રહું. મહેસાણામાં મોટીબેન અને જીજાજી હતા પણ મને યાદ હતું ગયા વરસે જયારે હું ત્યાં ગઈ ત્યારે સોનલ ભાણી એના પપ્પાને કહેતી હતી, “પપ્પા જુવો માશી આવી ગઈ આ દીવાલીએય આપણા મહેમાન બનવા.” ના ના મહેસાણા તો નથી જ જવું. જ્યાં કોઈનું મન ન હોય ત્યાં જવાનો શું ફાયદો? હસુમતી પાસે જ ચાલી જાઉં એ સગી બહેન નથી તોયે શું? બહેનથીયે ચડિયાતી બહેનપણી છે. પણ એના ઘરે મહેમાનો હશે. એનાય સાસુ સસરા ત્યાં આવ્યા હશે. કેટલી ભીડ હશે બીચારી બધું કામ એકલા હાથે જ તો કરતી હશે ને એમાય હું જઈશ એટલે કામ વધશે એ મને કામ તો કરવા દેશે નહિ.

મહેસાણાનો વિચાર મુકીદે છાયા! તો વિસનગર વીણાને ત્યાં ચાલી જાઉં? મેં ફરી વિચાર બદલ્યો. વીણા વચેટ બહેન હતી. સૌથી મોટી હેતલ મહેસાણા પરણાવી. વચેટ વીણા અને એનો પતિ વિસનગર રહેતા, એના પતિને ત્યાં કાપડબજારમાં દુકાન હતી.

ના, ના, વીણાને ત્યા તો નહિ. એના પતિનું કયા મન જ હોય છે? ને એ લોકો જો મારું ભલું ઈચ્છતા હોત તો મારે દર દિવાળીએ કાળુંપુર રેલ્વે સ્ટેશન ઉભા રહી આ વિચાર કરવા જ ન પડત ને? દરેક દિવાળીએ આજ થાય રજાઓ પડે એટલે મારે ક્યાંક જવું પડે એક બે દિવાળી તો મેં ચાંદખેડામાં એકલા વિતાવી હતી. પણ પછી લોકોને કહેતા સાંભળ્યા જુવો ચાલીસ વરસની સમજદાર સ્ત્રી છે. છે તો શાળામાં તોયે દિવાળી પરે કોઈ સગાને ત્યાં નથી જતી કે નથી વરસમાં ક્યારેય કોઈ એને મળવા આવતું.

બસ લોકો મને બીચારીને કોઈ સગું નથી, ક્યાય જવાની જગ્યા નથી એમ ન કહે એટલે મારે દિવાળીમાં કમસે કમ ચાર દિવસ કોઈ સગાને ત્યાં જવું પડતું. ને કોને ત્યાં જવું એ હુ કાલુપુર સ્ટેશને ઉભી રહી નક્કી કરતી.

ક્યાં જાઉં? મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. મને બા બાપુજીના શબ્દો યાદ આવી ગયા. દીકરા લગન કરીલે, અમે તો હવે પીળું પાન કેવાઈએ કોને ખબર ક્યારે ખરી જઈએ? પણ ના હું ન હતી માનતી. કહેતી ના હું લગન કરી લઈસ તો તમારી દેખભાળ કોણ કરશે? બાપુની દવા ના પૈસા કોણ મોક્લાવશે?

બા કહેતી તું ક્યાં એક જ છે? બધી કયા તારી જ જવાબદારી જ છે? મોટી બે બહેનો નાથી શું?

એ ક્યારેય આંટોય મારે છે? હું કહેતી.

“અરે એમને ગમે કે ન ગમે અમે મદદ માંગવા જઈશું, તું લગન કરીલે છાયા નહિતર અમારા ગયા પછી તારું કોણ થશે.” બાપુજી કહેતા.

“હુ બહેનો પાસે મદદ માંગવા જઈસ તમારા ગયા પછી એમને આશરે પડી રહીશ. રાખશે બહેનો છે મારી. પણ તમને એમના ઘણું કમાતા પતિઓ જોડે હાથ ફેલાવવા નાહુ દઉ.” હું જીદ કરતી.

મને પસ્તાવો થતો કાશ, કાશ મેં બા બાપુજીની વાત માની લીધી હોત.

ખાલી બા બાપુજી જ ક્યાં હસુમતીએ પણ મને કેટલી સમજાવી હતી? “છાયા આટલામાં સમજી જા હું તને ચડાવતી નથી પણ એકેય બહેનો બા બાપુજીની મદદ કરવા નથી આવતી એ તારી ક્યાંથી થવાની? મારો તો જીવ બળે છે એટલે કહું છું. સમજ નહિતર કાલે ઉઠીને તારું કોઈ નહી થાય, તારા બા બાપુજીને મેં મારા બા બાપુજી સમજ્યા છે, કહેતા જીભ કપાઈ જાય છે પણ બા બાપુજી પાકું પાન છે એમના ગયા પછી તારું કોણ થશે?

પણ હું ન સમજી, પણ હું ન માની, કદાચ મારા નસીબમાં આ દરેક દિવાળીએ રોવાનું લખ્યું હશે.

ફરી મને હસુમતી યાદ આવી. ચાલી જાઉં એની પાસે? મમ્મીના ગયા પછી મને સાચા પ્રેમથી કોઈ ગળે મળતું હોય તો એ હસુમતી જ તો છે!

પણ કેટલી દિવાળી… કેટલી દિવાળી હેમલતાના ઘરે … છેલ્લી કેટલીયે દિવાળી મેં એના ઘરે વિતાવી હતી…

સાચું કહું તો મને બધેથી જાકારો મળ્યા બાદ એક ડર લાગવા માંડ્યો હતો કે કદાચ હેમલતા પણ મારાથી કંટાળી જશે તો? કદાચ એ પણ મને જાકારો આપી દેશે તો?

વિસનગર ટ્રેન આવીને નીકળી ગઈ… મેં ઘણી કોશિશ કરી પણ મારા પગ એ ટ્રેનમાં ચડવા ન જ ઉપડ્યા… કદાચ મારા હ્રદય કરતાયે મારા પગ લાગણીઓને વધુ સમજવા લાગ્યા…

શું કરું ક્યાં જાઉં? વિસનગર…ના,ના.. વિસનગર તો નહી જ. વિસનગર વાળી બહેને તો મમ્મીના ગયા પછી ક્યારેય ફોન પણ નથી કર્યો.. ના, ના, ત્યાતો ન જ જવાય…

અને અંતે અનાયાસે મારા પગ વડોદરાની ટ્રેનમાં ચડવા ઉપડ્યા…હું વડોદરાની ટ્રેનમાં સવાર થઇ. દિવાળીનો માહોલ હતો એટલે ભીડ હતી પણ સદનસીબે મને બેસવા માટે જગ્યા મળી ગઈ. હસુમતી હતી જ મારા માટે લકી… મારી સાથે હતી ત્યારે હું કેટલી ખુશ હતી? એ મારા માટે લકી હતી, અમે બંનેએ સાથે પરિક્ષા આપી ત્યારે મને નોકરી મળી ગઈ હતી… જયારે પણ હું હસુમતીના ઘરે જાઉં મને ટ્રેનમાં બેસવાની જગ્યા મળી જતી ભલે ગમે એટલી ભીડ હોય… હસુમતીની વાત આવે ત્યારે મારું નસીબ મારો સાથ આપેજ… બસ હવે જોવાનું એ હતું કે હસુમતી ક્યાં સુધી મારો સાથ આપે છે?

હું વડોદરા સ્ટેશને ઉતરી અને ત્યાંથી ચાલતી હસુમતીના ઘર તરફ જવા લાગી… હું કમાટી બાગ પાસેથી પસાર થઇ.. હું એ બાગ દેખવા અંદર ન ગઈ કેમકે એ બાગ મેં ઘણી વાર જોયો હતો… હસુમતી વડોદરા નોકરીએ લાગીં ત્યારે એ દર વરસે મને ઉનાળુ વેકેસનમાં ત્યાં લઇ જતી ને એ બાગ બતાવતી… બાગની એ મોટી ઘડિયાળ એને ખુબજ ગમતી… મનેય ગમતી પણ એના કાંટા ફરતા ગયા વરસો વિતતા ગયા અને ફરી એકવાર હું અહી હતી…

હું હસુમતીના ઘરે પહોંચી.. દરવાજા પાસે જઇ હું અટકી.. દરવાજો ખખડાવું કે નહિ???

હવે અહી સુધી આવી છું તો અંદર તો જવુ જ પડશે…. મેં ધ્રુજતા હાથે દરવાજો ખખડાવ્યો… શું એના હ્રદયમાં એજ પ્રેમ હશે? મેં ફરી દરવાજો ખખડાવ્યો…. હસુમતીની દસેક વરસની છોકરી નેહાએ દરવાજો ખોલ્યો….

“મમ્મી છાયા માસી….” બસ એ એટલું બોલી મને એની આંખોમાં એજ પ્રેમ દેખાયો જે અમે નાના હતા ત્યારે હસુમતીની આંખોમાં દેખાતો…

હસુમતી હાંફળી ફાંફળી દરવાજે આવી… હું કઈ બોલું એના પહેલા એ મને ભેટી પડી… એની આંખમાં આંસુ હતા ને મારી આંખમયે… મને એક પળ માટે અમે પાંચમાં ધોરણમાં પ્રેમાંનાદની કવિતા “સુદામો દીઠો” યાદ આવી ગઈ, હું ને હસુમતી બાજુ બાજુમાં બેસીને એ કવિતા ભણ્યા હતા..

મેં ઉપર જોયું ભગવાનનો આભાર માન્યો કે કોઈ તો એણે મને આપ્યું હતું જે મને પ્રેમ કરતું હતું… હજુયે… ચાલીસ વરની પ્રોઢ ઉમરે… એજ પ્રેમ જે બાળપણમાં એકબીજાની આંખોમાં દેખાતો પ્રેમ… કાશ હસુમતી મારી સગી બહેન હોત……. ને હું એકવાર ફરી મારા મહોલ્લાના લોકોની વાતોથી બચી ગઈ કે મારું કોઈ નથી !!!!!

લોહીના સબંધો તો ઈશ્વર નક્કી કરે છે પણ અભાર કે એણે હ્રદયનો સબંધ નક્કી કરવાની પસંદગી મારા ઉપર છોડી હતી!!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here