ડિવોર્સની વાર્તા – મા-બાપના ડિવોર્સની બાળક પર થતી અસરની કરૂણ વાર્તા..વાંચો, રામ મોરીની કલમે

“પછી તો હાથીભાઈનું બચ્ચું ભોંદુ ઉંડા ખાડામાં પડી ગયું. એ તો જોરજોરથી રડવા લાગ્યું કે મને બચાવો. જંગલના કોઈ પ્રાણીઓએ ભોંદુને બચાવ્યું નહીં. બધા કહે તું તો તારી મનમાની કરતું હતું હવે તને કોણ બચાવે. ભોંદુએ માફી માંગી અને જીરાફે એને ખાડાની બહાર કાઢ્યું…” પપ્પા ડ્રોઈંગબુકના ચિત્રો પર આંગળી મુકતાં જાય, પ્રાણીઓ બતાવતા જાય અને વાર્તા કહેતા જાય. ત્રણ વર્ષની નાનકડી કાલુ એના ખોળામાં બેસીને ટીકી ટીકીને ચિત્રો જોયા કરે. સાતેક વર્ષની ગુડ્ડી પપ્પાની સામે બેસતી અને પપ્પા બહેનને ચિત્રો જોઈજોઈને વાર્તા કહે એ રીત એકીટશે જોયા કરે.

નાનકડી કાલુને જ્યાં સુધી પપ્પા વાર્તા ન કહે ત્યાં સુધી ઉંઘ ન જ આવે એટલે રોજ રાત્રે પપ્પા વાર્તા કહેવા આવે અને એના ખોળામાં બેસીને એ પપ્પાની વાર્તા સાંભળ્યા કરે. એમાં પણ કાલુની જીદ કે ડ્રોઈંગબુકમાં બંને બહેનોએ જાતે દોરેલા પ્રાણીઓના ચિત્રોને પાત્ર તરીકે લઈને જ પપ્પાએ વાર્તા કહેવાની.પપ્પાને વાર્તા બનાવતા વાર ન લાગે એ તો ચિત્રો ફરતાં જાય એમ વાર્તા કહેતાં જાય. મોટી ગુડ્ડીને આ જ વાતનો અહોભાવ કે પપ્પા મસ્ત વાર્તા કહે છે અને એની વાર્તા સાંભળતા સાંભળતા જ કાલુ ખોળામાં સુઈ જાય. પછી પપ્પા ધીરેથી કાલુને સુવડાવે અને ગુડ્ડીને ચાદર ઓઢાડીને સુવા જતા રહે.

ક્યારેક પપ્પા બિઝનેસના કામથી શહેરથી દૂર ગયા હોય ત્યારે રાત્રે કાલુ રડી રડીને આખું ઘર માથે લે. મમ્મી વાર્તા કહેવાના પ્રયત્ન કરે પણ ડ્રોઈંગબુકના ચિત્રોને પાત્ર બનાવીને વાર્તા કહેવાની રીત એમને ફાવે નહીં. એટલે કાલુ રડે અને મમ્મી અકળાય. આખી રાત ગુડ્ડી કાલુને હિબકા ભરતી જોઈ રહે કેમકે કાલુને વાર્તા વિના તો ઉંઘ આવે જ નહીં ! મમ્મી ઘણીવાર અકળાઈને પપ્પાને કહ્યા કરે કે “તમે છોકરીઓને બગાડી છે.”

હવે ઘરમાં ધીમે ધીમે રાત્રે ગુડ્ડીને મમ્મી પપ્પાના ઝઘડવાનો અવાજ વધતો જતો હોય એવું લાગ્યા કરે છે. એક દિવસ રવિવારે તો પપ્પા મમ્મી એટલું જોરજોરથી ઝઘડતાં હતા કે ગુડ્ડી અને કાલુ દોડતા એમના બેડરૂમ પહોંચી ગયા અને બારણાની આડશમાં એ નાનકડી આંખોએ મમ્મી પપ્પાની આપસમાં મારામારી જોઈ. ડરીને બંને બહેનો પોતાના રૂમમાં જતી રહી. આ સીલસીલો જાણે કે રોજનો થઈ ગયો. વાર્તા કહેવા આવતા પપ્પાનો ગુસ્સો એમની વાર્તામાં અને વર્તનમાં દેખાતો. બંને બહેનો ડરીને ચૂપ થઈ જતી.હવે ઘરમાં નાના નાની આવવા લાગ્યા.

મોડી મોડી રાત સુધી એ લોકો ઝઘડતા હોય એ રીતે ચર્ચાઓ કરતા. નાનીમા બંને બહેનોના માથે હાથ મુકીને રડતા. કાળા કોટ પહેરેલા બે અંકલ ફાઈલો લઈને આવતા અને પપ્પા મમ્મી પાસે કશીક સહી કરાવતા. ગુડ્ડીએ તો નાનાજી પાસેથી એવું પણ સાંભળ્યું કે “બંને જણા એક વાર દીકરીઓનો તો વિચાર કરો” પણ પપ્પા કે મમ્મી કશું બોલ્યા નહીં. છેલ્લે ગુડ્ડીએ રસોડામાં સાંભળ્યું કે મમ્મી નાનીને કહેતી હતી “અમારે કોર્ટમાં જઈને તાયફો નથી કરવો એટલે તમારી હાજરીમાં જ બધું પતાવીએ છીએ !”

આ ‘બધું પતાવીએ છીએ’ એનો અર્થ ગુડ્ડીને મળ્યો નહીં. ઘરના કામવાળા માસી ગેટવાળા અંકલ સાથે વાત કરતા હતા એ ગુડ્ડીએ અગાશી પરથી સાંભળ્યું કે,

“સાહેબ અને બહેન બેય માણહ છુટાછેડા લેવાના છે. બેય બેબીઓ તો કાયદા પ્રમાણે એની મમ્મીની સાથે જ જશે અને સાહેબ તો હવે સાવ એકલા.” કોઈએ ગાલ પર અચાનક તમાચો માર્યો હોય એવું લાગેલું ગુડ્ડીને. છુટાછેડાનો અર્થ નહોતો સમજાયો પણ હવે બધા સાથે નથી રહેવાના એટલું સમજાયેલું.દોડીને મમ્મી પાસે આવી તો મમ્મીએ સીધું જ કહી દીધું કે, “ગુડ્ડી કાલે આપણે નાનાનાનીના ઘરે જઈએ છીએ.” ધ્રુજતા અવાજે ગુડ્ડીએ પૂછ્યું કે, “મમ્મી, પપ્પા…?”

“પપ્પાને બહું કામ છે એ હવે આપણી સાથે નહી હોય.” ગુડ્ડીએ આટલું સાંભળ્યું તો એને થયું કે હવે પપ્પા સાથે નહીં હોય ? એને સૌથી પહેલી કાલુ યાદ આવી.

એ બપોરે ખૂબ વરસાદ પડ્યો અને કાલુ ડ્રોઈંગબુક ગેલેરીમાં ભૂલી ગયેલી તો બધા ચિત્રોના રંગ રેળાઈ ગયા. સાંજે ફટાફટ ગુડ્ડી નવા ચિત્રો બનાવીનેર રંગો પૂરતી રહી અને અંધારામાં ચિત્રો પર આંગળી મુકીને કશુંક ગણગણતી રહી. કાલુ બંને હાથે ચહેરો ટેકવીને પોતાની મોટી બહેનને ચિત્રોમાં રંગો પૂરતી અને ઘડીક ચિત્રો સામે તો ઘડીક પોતાની સાથે કશુંક બોલતી જોઈ રહી. પાછળ અંધારામાં પપ્પા આવ્યા અને એમણે બારીના નાનકડા અજવાસમાં કલર સ્કેચપેનથી ડ્રોઈંગબુકમાં રંગો પૂરતી અને ચિત્રો સાથે ગણગણતી ગુડ્ડીને જોઈ એટલે પૂછ્યું,

“ગુડ્ડી, કાલુ, શું કરો છો તમે લોકો ત્યાં અંધારામાં ?”
ગુડ્ડીએ પપ્પાનો અવાજ સાંભળ્યો તો અંધારામાં એની આંખો ભરાઈ આવી. પપ્પાએ લાઈટ કરી. કાલુ પોતાની નાની નાની આગળીઓ વાંકડિયા વાળમાં ભરાવતા બોલી

“ડેડી, ગુડ્ડીદીદી..માલા માટે વાલતા બનાવે છે !”

લેખક : – રામ મોરી

મિત્રો, સમાજ માં આજે ડિવોર્સ વધી રહ્યા છે ત્યારે આ વિષય માં તમે શું માનો છો ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!

ટીપ્પણી