શું તમારા પતિ તમને દિવાળી કામમાં મદદ કરવાનું કહે છે? હા કે ના જે પણ હોય વાંચો ખુબ મજા આવશે…

દિવાળીના કામની ધાડ

દશેરાના જલેબી–ફાફડા અને ચંદની પડવાના ઘારી–ભૂસામાંથી મેળવેલા સંતોષની સામે, શરીરમાં જમા થયેલી ચરબીનો હું હિસાબ માંડવા જ બેઠેલી કે બારણે પતિદેવ પધાર્યા ! હાથમાં એક નાનકડી સીડી ! સ્વર્ગની સીડી આટલી નાની ? અરે વાહ ! તો તો સ્વર્ગ હવે હાથવેંતમાં ! હું હંમેશાં આવા જ વિચારે ચડી જતી હોઉં ને પતિદેવની ગણતરી કંઈક જુદી જ હોય. ઘરમાં દાખલ થતાં જ એમને પોતાનો માલિકીભાવ યાદ આવી જાય.

‘આમ બાઘાની જેમ મારી સામે જોયા નહીં કર. આ સીડી લે ને બાજુએ મૂકી દે.’ એ તો પોતે પણ મૂકી શકે ને ? જે માણસ બજારમાંથી ઘર સુધી સીડી લાવી શકે, તે માણસ ઘરમાં આવતાં જ કેમ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવી બેસતો હશે ? ઘરમાં દાખલ થતાં જ અચાનક એને એમ થઈ જાય કે, આ સીડીનો ભાર હવે મારાથી નહીં ખમાય. કદાચ મને ચક્કર આવી જશે અથવા મારાથી સીડીનો ગમે ત્યાં ઘા થઈ જશે. હાથે કરીને ઉપાધિ વહોરવી એના કરતાં પોતાનો ભાર બીજાને સોંપી દેવો.

મને તો સીડી જોઈને જ એટલું બધું આશ્ચર્ય થયેલું ને કે, ચા–પાણી પૂછવાનું ભૂલી હું સીડી વિશે જાણવા તત્પર બની.

‘કોઈ દિવસ નહીં ને આજે સીડી લાવ્યા ?’
‘દિવાળીની સાફસફાઈ કરવાની છે કે નહીં ?’
‘પણ એમાં સીડી લાવવાની શી જરૂર ? દર વર્ષે તો હું ટેબલ પર ચડીને જ સાફસફાઈ કરું છું ને ? હજી તો વાર છે. દિવાળીના કામની એવી તે શી ધાડ ? જોજો ને, બે દિવસમાં તો ઘર સાફ.’ કોઈની રાહ જોવાની એના કરતાં મેં મારાં જ વખાણ કરી લીધાં.
‘આ વખતે ઘરની સાફસફાઈમાં હું તને મદદ કરવાનો છું એટલે, સમજી ?’
મેં મારા હાથ પર ચીમટો ભર્યો કારણકે નાની અમથી ચૂંટી ખણવાથી કામ નહોતું ચાલવાનું.

‘તમે….? ને મદદ ? મશ્કરી સમજીને જવા દઉં છું.’
‘ના ના, સિરિયસલી. જો આટલા ફોન નંબર તું પહેલેથી જ લખીને સામે મૂકી રાખ. જો અચાનક જ જરૂર પડે તો ગભરાઈ નહીં જતી. લખ–પોલીસ સ્ટેશનનો નંબર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફૅમિલી ડૉક્ટર અને આ નજીકની હૉસ્પિટલનો નંબર છે.‘
‘હવે પહેલી વાર દિવાળીમાં ઘરમાં મદદ કરવાનો વિચાર કર્યો તેમાં પણ આટલો ડર ? અમે તો વર્ષોથી ઘર સાફ કરીએ છીએ. ડેટોલ અને બૅન્ડ એઈડ સિવાય કોઈની જરૂર નથી પડી. સીડી લાવ્યા તે બદલ ધન્યવાદ અને તમારા શુભ આશય બદલ પણ હું તમારી ઋણી છું, પણ તમે દર વખતની જેમ આરામ કરજો અથવા બે–ચાર ફિલ્મો જોઈ નાંખજો. ઘર અમે સાફ કરી નાંખશું.’
‘જો, મેં અઠવાડિયાની રજા લીધી છે. નજીકની લૉજમાં ટિફિન પણ નોંધાવીને આવ્યો છું. આ વખતે તો હું ઘર સાફ કરીને જ રહીશ. જોઉં તો ખરો કે, તમે એવી તે કેવીક ધાડ મારો છો કે, દર વર્ષે દિવાળીના દિવસો પહેલાંથી જ મને બીવડાવી–બીવડાવીને અધમૂઓ કરી નાંખો છો ! આપણે આ વખતે સહિયારી સાફસફાઈ કરશું. તું જાળાં પાડજે, હું કચરો વાળીશ. તું લાદી ઘસજે, હું પાણી રેડીશ. તું ફર્નિચર ચમકાવજે, હું ગોઠવવા લાગીશ. જો, ના નહીં પાડતી. મને આ વખતે મદદ કરવા દેજે.’

મનમાં બધું વિચારતાં મને તો ખૂબ મજા પડતી હતી. ભારે ગમ્મત થવાની. ચાલો, આટલો આગ્રહ કરે જ છે તો હું પણ પાણી માપી જ લઉં. મેં એમનો આભાર માન્યો અને બીજા દિવસથી વહેલા ઊઠીને કામે લાગવાનું છે તે જણાવી દીધું.

મારી નવાઈ વચ્ચે બીજા દિવસે તો એ સવારની ચા ને છાપું લઈને હાજર ! હું તો ખુશી ખુશી ચાનો કપ લેવા ગઈ તો ભોંઠી પડી !
‘આ તો મારી ચા છે, તું તારી મૂકીને પી લે. આજે તને મારી ચા મૂકવામાંથી છુટ્ટી.’
‘મેં તો કાયમ આપણી ચા મૂકી છે. ક્યારેય તારા–મારા ભેદભાવ નથી રાખ્યા. આવું કરવાનું ?’
‘સૉરી, તું કાલથી આપણી ચા મૂકી દેજે બસ ?’

દિવાળીના કામમાં કોઈ અપશુકન કરવા માંગતી ન હોવાથી મેં મારી ચા મૂકીને પી લીધી.

 

‘ચાલો હવે, વહેલા પરવારો. કયા રૂમથી શરુ કરવાનું છે ?’
અચાનક જ પૂછાયેલા નવા સવાલથી મને નવાઈ લાગી. મેં મનને સ્થિર કર્યું. પહેલી વાર જ આવો ચાન્સ મળ્યો છે ને ઘડી ઘડી મળે કે કેમ તે મને ખબર નથી. લેવાય તેટલો લાભ લઈ લેવાના ઈરાદે મેં એમને સીડી રસોડામાં ગોઠવી આપી.

‘ચાલો, આજના શુભ મૂરતમાં સફાઈકામની શરૂઆત કરો. સીડીનું ઉદ્ઘાટન તમારા જ પવિત્ર પગ વડે કરો એવી મારી ઈચ્છા છે. રિબિનક્રિયા કરવી છે કે ચાલશે ? કોઈને આ સમારંભમાં બોલાવવા છે ?’

મારી સામે ડોળા કાઢી કોઈ યુધ્ધ જીતવા જવાના હોય એમ, એ તો તલવારની જેમ એક હાથમાં ઝાડુ પકડી બીજા હાથે સીડીનો સહારો લઈ સડસડાટ સીડી પર ચડી ગયા. છેલ્લે પગથિયે પહોંચ્યા તો ખરા પણ શું કરવું તે સમજાયું નહીં !

‘હવે ?’ મારી સામે એમણે પ્રશ્નાર્થ નજર ફેંકી. હાથમાં ઝાડુ પકડેલા પતિદેવ એવા તો શોભતા હતા કે, હું મારી નજર એમના પરથી હટાવી ન શકી.
‘હવે જ્યાં જ્યાં જાળાં દેખાય છે, ત્યાં ત્યાં સમરાંગણમાં ઘુમતા કોઈ યોધ્ધાની જેમ ઝાડુ ઘુમાવવા માંડો એટલે, દુશ્મનના માથાંની જેમ ટપોટપ જાળાં પડવા માંડશે.’ મેં કોઈ સૈનિકપત્નીનો ધર્મ નિભાવ્યો ને એમનામાં યુધ્ધ જીતવાનું જોશ ઊમેર્યું.

એમણે તો ઉત્સાહમાં આવીને ચારે બાજુ ઝાડુ ઘુમાવવા માંડ્યું. એમ કરવામાં એક ખૂણે એ જરા વધારે પડતા નમી ગયા ને થવાકાળ થઈને રહ્યું. એમનો એક પગ હવામાં અધ્ધર અને બીજો પગ સીડી પર જ ધ્રુજવા માંડ્યો. સીડીએ પણ એમને સાથ આપવા નમતું જોખ્યું અને એ સાથે જ હવામાં ને ઘરમાં(કદાચ આડોશપાડોશમાં પણ !) ઓ…ઓ…ઓ…ની એક ઘેરી–ઘોઘરી ચીસ ફરી વળી. પછી ?

બસ. પછી કંઈ નહીં. ન તો એમ્બ્યુલન્સની જરૂર પડી કે ન તો ડૉક્ટરની કે ન પોલીસ કે ફાયરબ્રિગેડની ! મેં તો સીડીને જોશભેર પકડી રાખેલી એટલે એમ તો સીડીને પડવા શેની દઉં ? મેં તો હતું તેટલું જોર લગાવીને સીડીને ધીરે ધીરે સીધી કરી. (કોઈને સીધા કરવાની ટેવ કામ આવી.) નમેલી સીડી, નમેલા પતિ સમેત મૂળ જગ્યાએ પાછી ફરી. એ તો વહેલા વહેલા સીડીના ચા….ર પગથિયાં ઊતરી ગયા અને શ્વાસ ખાવા આગલા રૂમમાં જઈ બેઠા. મેં એમને સાંત્વનની સાથે પાણી આપ્યું.

થોડી વાર પછી એ ફોન પર કોઈને કહી રહ્યા હતા, ‘ભાઈ, આ દિવાળીની સાફસફાઈનું કામ તો આ લોકો જ કરે, આપણું એમાં કામ નહીં. મારી તો આજે બહુ મોટી ઘાત ગઈ.’

મારો ઉલ્લેખ સુધ્ધાં નહીં ? મેં બચાવ્યા એનું કંઈ નહીં ? જવા દો. પેલા સત્યવાને જો સાવિત્રીને ફક્ત ‘થૅંક્સ’ જ કહ્યું હોત તો આજે પણ એ પ્રથા ચાલુ રહેત !

લેખક : કલ્પના દેસાઈ.

ચાલો તમારા પતિ કામ તો નહિ કરાવે પણ વિચારીતો જુવો કેવું થાય એ કામ કરાવે તો…. વિચારો અને શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block