દિવાળીની તૈયારી અને બા ! – તહેવારોની સ્મૃતિ સાથે જોડાયેલી મા અને દિકરાની લાગણીઓની વાત

- Advertisement -

દિવાળી આવી રહી છે એની સૌથી પહેલી ખબર નાનપણમાં તો બા પાસેથી પડતી. આખા ઘરની સાફસફાઈ, ફળિયામાં વાસણોનો ઢગલો, લીંબુ અને છાશથી તાંબા પિત્તળના વાસણોને ઘસવા, ડબ્બામાં ચુનો પલાળવો અને તલ સિંગ સાફ કરવા.આ બધી ઘટનાઓને છુટક છુટક જોયા કરવાનું. ખાસ તો આ પ્રવૃત્તિમાં તલ્લીન થયેલી બાને જોવાનું. ચુનાને પલાળ્યો હોય ત્યારે પાણીમાંથી નીકળતી વરાળ અને સફેદ પાણી પરના બુડબુડિયા એ સમયે બહું અચંબિત કરતા અને બા કોઈક વૈજ્ઞાનિકની છટાથી મોંઢા પર બુકાની બાંધી સાડીનો છેડો કમરમાં કસકસાવીને બે હાથે ચુનામાં લાકડી ફેરવતી જાય અને અમને ઈશારાથી દૂર રહેવાની સુચના આપતી જાય.

વાટકીમાં આંબલી, ખાટી છાશ અને લીંબુથી તાંબા પીત્તળના વાસણોના લીલા ડાઘાને જે સીફતથી બા સાફ કરતી એ નાનપણમાં ઘુંટણીયે બેસીને એકીટશે જોયા કરતો. ઘણીવાર કામ કરતા કરતા એનું ધ્યાન મારા તરફ જાય તો ચહેરા પર આવી ગયેલી વાળની લટને ભીના આંગળા અડકાડ્યા વિના ચહેરા પરથી દૂર કરતા હસીને કહે કે, “શું જુએ છો ? ” મારી પાસે એ વખતે કાંઈ જવાબ ન હોય અને મારી પાસેથી કોઈ જવાબ ન મળે એમાં જ જાણે કે એને એનો જવાબ મળી ગયો હોય એમ બા હસી પડતી. સૌથી વધારે મને તો રસ પડતો બાની પેટીમાં. લાકડાની મોટી પેટી અને તેની ઉપર મોસાળના સુથારીએ પતરાથી ડિઝાઈન કરેલી પટ્ટીઓ અને ચાકળાઓ.

આણામાં કરિયાવરમાં બા આ પેટી સાથે લાવેલી. દિવાળી પર બા આખી પેટી ખોલે ત્યારે મારા માટે જાણે કે ખજાનો ખુલ્યો. એક પછી એક ગાંસડી ખુલતી જાય અને જુની જુની સાડીઓ, જુના ભરત બહાર નીકળતા જાય. એ દરેક જુની સાડીઓ સાથે બાની કેટકેટલી વાતો જોડાયેલી હોય. એ બોલ્યા કરે અને હું સાંભળ્યા કરું.

“આ સાડી માસીની..એણે કીધેલું લે બહેન તુ પહેર તને બહું જ સરસ લાગશે.”
“આ સાડી મામાએ લઈ આપેલી ફલાણા પ્રસંગમાં…”
“આ સાડી નાના માસી સાથે સીહોરથી લીઘેલી.”
” મામાના લગનમાં લીધીતી..આની ફેશન ક્યારેય નો જાય એવી છે આ…”

” આ તો બાએ બહું જીદ કરેલી, કે તેજલ તું લઈજ લે, બાને તો કોણ પહોંચે…લેવી પડેલી…પણ જો આની ડિમાન્ડ હવે આવશે…કાનગોપી છે આના પાલવમાં…”
એ પછીની ગાંસડીમાંથી સાડીએ નહીં જાણે કે એના જીવનના દરેક મહત્વના પ્રસંગો ખુલે..

“આ મારું પાનેતર. બહું દોડેલા હુ અને બા…એ વખતેે પણ કેટલાનું આવેલું બોલ…કાપડ જો…કેટલું ભારેમાંથી છે….ભરતનો રંગ ય નથી ગ્યો હજું ય..”
એ વખતે એના ચહેરા પર પણ એ જ પાનેતર ફરી ઓઢ્યાનું સુખ તરવરે. અને હું એ પાનેતર જોઈને બા એમાં કેવી લાગતી હશે એ કલ્પના કર્યા કરુ.
“આ જો મારા સીમંતની સાડી…કાંજીવરમ છે….” એટલું બોલતા તો એનું મોઢું જાણે કે સાકર સુકામેવાથી ભર્યું ભર્યું થઈ જાય. કાંજીવરમના રંગો પર મારી આંગળીઓ ફરે અને એ સીમંતની વાતો બોલતી જ જાય બોલતી જ જાય…કેટલાક રંગો તો બા પાસેથી જ જાણેલા જેમકે રામા કલર….એ એનો ફેવરીટ કલર. રાણી કલર..અનધર ફેવરીટ કલર. બાટલી લીલો અને બજરીયો….

આ શબ્દો અને તેની ઓળખ બાની વાતોમાંથી જ જાણેલી.

આ મારા આણાની સાડી છે…ઘરચોળું. એ બોલતી વખતે તો જાણે ફરી એ ડેલે ઘરચોળા પર સફેદ પછેડી ઓઢીને ઉભી હોય અને ભાભુ લોટામાં પાણી ભરી નવી નવી આણે આવેલી છાતી સમાણો ઘુંઘટ કાઢીને ઉભેલી બાની નજર ઉતારતી હોય એ આખું દ્રશ્ય સાડીઓના ઢગલામાંથી મહોરી ઉઠે. દરેક બાળક પાસે તેની મમ્મીની એક ચોક્કસ સુગંધ સચવાયેલી હોય છે. બાની એ બધ્ધી સાડીઓમાં એની પોતીકી સુગંધ અકબંધ છે. કપૂરની ગમ્મે તેટલી ગોળીઓ એ પેટીમાં બા ભલે મુકતી હોય પણ બાની સુવાસ તો એ સાડીઓની દરેક ગડમાં અકબંધ છે.

દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. ઘરથી ઘણો દૂર છું. ફોનમાં સવારે વાત કરી તો બા બોલતી હતી. ધુ પાડી નાખ્યો, વાસણ ઘસી નાખ્યા અને હવે પેટી સાફ કરીશ..અત્યારે આ લખી રહ્યો છું ત્યારે બા સાડીઓની ગાંસડીઓ ખોલી ખોલી એક એક સાડીઓને ફરી સંકેલીને કપૂરની નવી ગોળીઓ સાથે ફરી ગોઠવતી હશે અને ફરી એ ઘરચોળું, બાંધણી, લેરિયા અને પાનેતર એની પોતાની વાર્તાઓ લઈ બા પાસે પથરાઈ જશે.

લેખક : રામ મોરી

આપ સૌ સાથે પણ આવી કોઈ યાદો જોડાયેલી છે ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!!

ટીપ્પણી