“ઉધારની જિંદગી” જિંદગીની આ કરુણ કહાણી વાંચીને કદાચ તમારી આંખો પણ ભીની થઇ જાય તો કહેવાય નહિ! વાંચો અને શેર કરો

હજારેક મકાનોવાળી હાઉસિંગ વસાહતમાં ધનીબાને કોણ ન ઓળખે? પંચોતેર વર્ષનાં ધનીબા
અને ચાળીસેક વર્ષનો રાજુ, બેઉ કામગરાં. વસાહતમાં જે કોઈ સાદ પાડે કે તરત બેઉ દોડીને સાદ દેનારનું
કામ કરી આપે. કોઈ અપેક્ષા નહીં. માગીને કશું લેવાનું નહીં.

હાથનાં’ય બેઉ ચોખ્ખાં. રાજુને ગાંધીની દુકાને મોકલ્યો હોય ને મોટી નોટ દીધી હોય ત્યારે કહ્યા
પ્રમાણેની ચીજવસ્તુ અને વધેલા રૂપિયા-પૈસા બરાબર ગણીને પાછા લાવે. ધનીબાને સિઝનમાં કોઈ
પડોશી અનાજ સાફ કરવા બોલાવે કે મરી-મસાલા ભરવા માટે બોલાવે, ઘરમાં સોનાની વસ્તુ રેઢી મૂકી
હોય તો પણ મા-દીકરો નજર પણ ના નાખે.

બેઉની ઘસાઈને ઊજળા થવાની ભાવના. એથી લોકો એમની દરકાર પણ રાખે. બસ, આ જ વાત
શિલ્પાને આંખમાં કણાની જેમ ખુંચતી.

“વહુ બનાવીને આ ઘરમાં તો તને હું લાવી છું, પણ રુઆબ તો એવો કરે છે કે જાણે તું જ મને વહુ
બનાવીને આ ઘરમાં ના લાવી હોય.” ધનીબા આટલું બોલ્યા એમાં તો એમનાં મોટા દીકરાની વહુ શિલ્પા
વરસી પડી હતી. માત્ર હાથ ઉપાડવાનો જ બાકી રાખ્યો હતો. પરંતુ એ શબ્દપ્રહારના ઉઝરડા ધનીબાના
ચહેરા ઉપર કાયમની છાપ છોડી ગયાં.

શિલ્પા વિફરી હતીઃ “મારા ઘરનાં રોટલાં તોડવાં છે ને મને જ ગાળો ભાંડવી છે, ડોશી… નીકળ
મારા ઘરમાંથી તું અને તારો ગાંડો રાજુ.”

શિયાળાની સાંજ હતી. ધનીબા મોંગોલિયન ચાઈલ્ડ પ્રકારના નાના દીકરા રાજુ સાથે પહેલા
માળના ફ્લેટના દરવાજામાંથી નીકળીને સડસડાટ સીડીનાં પગથિયાં ઉતરી ગયાં. મોટો દીકરો પંકજ તો
સવારનો નોકરી કરવા ઘરેથી નીકળે તે છેક રાતે ઘરભેગો થાય. એક રૂમ ને રસોડાનો આ ફ્લેટ ખરીદવા
ધનીબાએ જીવનની બધી પુંજી ખર્ચી કાઢી હતી. પંકજ અને રાજુના પિતા તો પત્ની-સંતાનોને
નાનપણમાં જ મૂકીને ગુજરી ગયા હતા.

વિધવા ધનીબાએ જ દુઃખ વેઠીને બેઉ દીકરાને લાડકોડથી ઉછેર્યા હતા. પંકજ ભણીગણીને
સ્નાતક થયો. સેલ્સમેનની નોકરી મળી. સારું ઠેકાણું જોઈને ધનીબાએ શિલ્પા સાથે લગ્ન કરાવી આપ્યાં. પંકજના ઘરે પણ બે દીકરાનો વસ્તાર થયો. એ વખતે તો ધનીબાનો થોડો બોખો ચહેરો ફુલ્યો સમાતો નહોતો. આ બધું છતાં ધનીબાને રાજુની ચિંતા રહેતી. એ મોંગોલિયન ચાઈલ્ડ હોવાના કારણે મગજ સહેજ મંદ હોય એવી એની પ્રકૃતિ. મોજીલો સ્વભાવ. મનમાં આવે તો કામ કરે. ક્યારેક ચીડાઈ પણ જાય.

સાંજના સાત થવા આવ્યા. શીતળ સમીર શિયાળાને વધુ ઠંડો બનાવી રહ્યો હતો. એવા માહોલમાં
ધનીબા પોતાના જ ફ્લેટની સામેના કોમન પ્લોટમાં બાંધવામાં આવેલા રામજી મંદિરના ઓટલે રાજુનો
હાથ પકડીને ધ્રુજતા બેઠાં હતાં. સંધ્યા પૂજા અને સાયં આરતી કર્યા બાદ પુજારી લાભશંકર મહારાજ
મંદિરની બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે મા-દીકરો લાચાર સ્થિતિમાં ઓટલે બેઠાં છે. તરત તેઓ
ભગવાનને ધરાવવા મૂકેલો થાળ લઈને આવ્યા અને કહ્યું કે “બહાર ઠંડી વધારે લાગશે. મંદિરની અંદર
આવી જાઓ અને આ થાળ લો. તમે અને રાજુ જમી લો.”

“ના, ના. મહારાજ. રહેવા દ્યો.” ધનીબાએ થાળ ઉપર એક નજર કરતાં વિવેક કર્યો.
મહારાજે કહ્યુઃ “બા, તમે જે દર્દ છુપાવવા માગો છો એ હવે અહીં કોઈથી છાનું રહ્યું નથી. ના
પાડશો તો નાહક ભુખે મરશો. એના કરતાં જમી લો. તમારી વહુ શિલ્પાને હાઉસિંગ વસાહતમાં કોણ
નથી ઓળખતું.”

એટલું કહેતામાં તો રાજુએ થાળમાંથી સુખડીનો એક ટુકડો લઈને સીધો મોંઢામાં મૂકી જ દીધો.
આખરે ધનીબાએ થાળનો સ્વીકાર કર્યો. મા-દીકરાએ થાળ આરોગી લીધો. થોડી વારે મંદિર
સામેના ભોંયતળિયાના ફ્લેટવાળા અમૃતભાઈ ધનીબા અને રાજુને બે ધાબળા ઓઢાડી ગયા. રાત્રે
લગભગ દસના સુમારે તો સહુ જંપી ગયાં હતાં. ચોતરફ સન્નાટો હતો. એ સન્નાટાને વિચલિત કરતો
સ્કુટરનો અવાજ આવ્યો.

રાજુએ ધનીબાને ઢંઢોળ્યાઃ “મા, ઓ મા. જો તો ખરી. મોટાભાઈ – પંકજભાઈ આવી ગયા છે.”
ધનીબા ઊંધમાંથી ઉઠ્યા ને પંકજને જોઈ રહ્યાં. પંકજે પણ માને જોઈ. એવામાં રાજુ તો દોડતો
જઈને પંકજનો હાથ પકડીને ધનીબા પાસે ખેંચી લાવ્યો. પંકજ મા પાસે ગયો અને મા સામે જોઈને
આંખ મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ નજર ઢળી ગઈ. એ મા સામે આંખ મેળવી શક્યો નહીં.

ધનીબાનો સંયમ તૂટી ગયો હતોઃ જોયું?, તારી વહુએ અમારી બેઉની શી દશા કરી છે? આ
દિવસો જોવા માટે તને ભણાવી-ગણાવીને મોટો કર્યો ને મકાન લઈ દીધું? ને લગ્ન કરાવી આપ્યાં.?”
પંકજે પત્ની શિલ્પાનો લૂલો બચાવ કરતા કહ્યું કે “મા, એ હું કંઈ ન જાણું. તેં જ કંઈક બફાટ કર્યો
હશે. ઘરમાં શાંતિથી પડી રહેતાં શું થાય છે?”

બસ, દીકરો આ રીતે આંખ આડા કાન કરતો રહ્યો ને પુત્રવધૂને તો જાણે મોકળું મેદાન મળતું ગયું.
એક રૂમ-રસોડાના ફ્લેટમાં શિલ્પાને એકલું મહાલવું હતું ને એને તો જાણે ફાવતું જડી ગયું. જો કે ધનીબા
ને રાજુનો પગ ઘરમાંથી સાવ કાઢી નાખ્યો હતો, એવુંય નહોતું. પરંતુ રાતની નિંદર ને બપોર-સાંજનો
વિસામો લેવા બેઉએ રામજી મંદિરના ઓટલે કે પરસાળમાં જ લાંબા થવાનું.

સવારે ન્હાવા-ધોવા મા-દીકરો પોતાના ફ્લેટમાં જાય. એ વેળા ધનીબાએ ઘરનાં તમામ કપડાં,
વાસણ, કચરા-પોતાં અને બારી-બારણાંનાં ઝાપટ-ઝુપટ વગેરે કામો કરવાનાં, શાકભાજી લાવી આપવાનાં
ને સમારી આપવામાં, બેઉ બાળકોને નવડાવી-ધોવડાવીને તૈયાર કરવાનાં અને આ બધાં કામમાં રાજુએ

માને મદદ પણ કરવાની. એટલું જ નહીં, રાજુએ બેઉ બાળકોને નજીકની શાળાએ મૂકવા માટે ચાલીને
જવાનું અને સાંજે શાળા છુટવાના સમયે પણ રાજુએ જ બેઉ ભત્રીજાઓને ઘરે પણ લઈ આવવાના.
રાજુ માટે તો જાણે નોકરી જેવો આ નિત્યક્રમ.

બસ, સવારે મા-દીકરાને એકાદ કપ ચા પીવા મળે એટલું અહોભાગ્ય. બપોરના બાર વાગ્યા
સુધીમાં તો બેઉએ ઘરનાં કામ પરવારીને ફ્લેટનાં પગથિયાં ઉતરી જવાનાં. પછી તો બપોરે મંદિરના
થાળની પ્રસાદીનું ભોજન લઈને મા-દીકરો આડે પડખે થાય. પુત્રવધૂએ સાસુ અને આંશિક માનસિક
વિકલાંગ દીયરની હાલત જાણે કૂતરા જેવી કરી નાખી હતી. શિલ્પા હડે-હડે કરે ત્યારે ચાલ્યા જવાનું ને એ
સાદ પાડે ત્યારે એનો પડ્યો બોલ ઝીલવા હાજર થઈ જવાનું.

રામજીના ઓટલે ને રામજીના રોટલે જીવતાં ધનીબા મંદિર તરફ જોઈને કહેતાઃ “હવે તો આ
રામજી બોલાવે એટલી જ વાર. ક્યાં સુધી આવી ઉધારની જિંદગી જીવવાની? બસ, જતાં જતાં એક જ
ચિંતા થાય છે કે હું નહીં હોઉં ત્યારે મારા આ લાડલા રાજુનું શું થશે? એનું ધ્યાન કોણ રાખશે?”
આવા વલોપાત પછી ધનીબા સ્વગતઃ બબડતાઃ “એ તો મારો રામજી ને આખો રામદરબાર બેઠો
છે ને મારા રાજુની રક્ષા કરવાવાળો.”

એક દિવસ તો રામનવમીનો ઓચ્છવ હતો. આથી ઉપવાસ હોવાથી મંદિરના થાળના બદલે
ધનીબા-રાજુને ફળાહારથી જ ચલાવી લેવાનું હતું. ભજન-કિર્તન બાદ બપોરે એકાદ વાગે સહુ
મંદિરમાંથી વિખરાયા હતા. બપોરે ચાર વાગે મંદિરના દ્વાર ખોલવા માટે પુજારી લાભશંકર મહારાજ
આવ્યા ત્યારે જોયું કે ધનીબા ચત્તાપાટ સૂતા હતા અને રાજુ પણ મંદિરની ઓસરીમાં ટુંટિયું વાળીને આડે
પડખે થયો હતો. એક કૂતરો ધનીબાના પગ તો ઘડીક માથાનો ભાગ સુંઘતો હતો.

મહારાજને જોઈને રાજુ તરત જ ઉભો થઈને મહારાજ તરફ રીતસર દોડી જ ગયોઃ “પુજારીજી,
પુજારીજી, આ કૂતરાને અહીંથી ભગાડો ને. મેં કેટલીયવાર ભગાડ્યો, પણ એ પાછો અહીં જ આવી જાય
છે ને માને સૂવા પણ નથી દેતો.”

લાભશંકર મહારાજે કૂતરાને ભગાડી મૂક્યો ને ધનીબાનો હાથ પોતાના હાથમાં લીધો અને તરત જ
પાછો ભોંય ઉપર મૂકી દીધો.

લેખક : દિનેશ દેસાઈ 

વાર્તાઓ, નવલિકાઓ,ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ તેમજ અન્ય ઘણી માહિતી એકસાથે મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી