પ્રણય અને સમય કોઈની રાહ ન જુએ વાંચો આ સમજવા જેવી વાત…

બ્રિટિશ હાસ્ય કલાકાર અને ફિલ્મ નિર્માતા સર ચાર્લ્સ્ સ્પેન્સર (1889-1977) તેમના આ મૂળ નામ કરતા ચાર્લી ચેપ્લિનના હુલામણા નામે સૌથી વધુ જાણીતા છે. મૂક ફિલ્મોના યુગમાં તેમની ફિલ્મો ખાસ્સી લોકપ્રિય રહી. તેઓએ કહ્યું છે કે “પ્રેમ એટલે હૃદયની લાગણીની પરિભાષા. જ્યારે હૃદયને વાચા ફૂટે ત્યારે એ પ્રેમની અભિવ્યક્તિ સ્વરુપે વ્યક્ત થાય છે. પ્રેમ એટલે પ્રેમ. સાચો પ્રેમ અને ખોટો પ્રેમ એવું ક્યાંય ન હોઈ શકે.”

પ્રેમમાં પહેલ અને સંબંધમાં સહેલ એટલે કે સહેલાઈ ને સરળતાની વાત કરીએ તો ઘણા બધા લોકોને એ વાતનો અનુભવ રહ્યો હોય છે કે જેને ચાહતા હોય તેને પોતાના મનની વાત તેઓ કહી શક્યા જ નહીં. પોતે જેને ચાહતા હોય એ સમગ્ર બાબત તો એકતરફી થઈ. પરંતુ સામી વ્યક્તિને તો એ વાતની ખબર જ નથી કે તેને કોઈ ચાહે છે. તમારે તમારા હૃદયની લાગણી અને ઊર્મિઓને વ્યક્ત કરવી જ રહી. પ્રેમમાં પહેલ નહીં કરો તો પછી પાછળ રહી જશો.

ચાર્લી ચેપ્લિન કહે છે એમ પ્રેમ એટલે પ્રેમ જ હોય. એમાં વળી સાચો પ્રેમ અને ખોટો પ્રેમ એવું કશું ન હોય. ચાર્લી ચેપ્લિને પોતાના જીવનકાળ દરમિયાન બે વખત લગ્ન કર્યાં. બેઉ વખત તેઓ જેને ચાહતા હતા તેની સાથે જ લગ્ન કર્યાં હતાં. જીવનમાં બે વખત પ્રેમ થાય? એવો સવાલ અપ્રસ્તુત છે. ગમતી વ્યક્તિ એક જ હોય કે એકથી વધુ વ્યક્તિ પણ ગમતીલી હોય એવું બને. જે વ્યક્તિ ગમતી હોય તેની સાથે જ લગ્ન થાય અથવા લગ્ન થાય તે વ્યક્તિ ગમતી જ હોય એવું હંમેશા બનતું નથી.
કોઈ પણ સંબંધમાં સરળતા અને સહજતા પણ જરુરી છે. સંબંધો કાયમ સહેલા અને સરળ હોવા જોઈએ. સંબંધમાં ગુંચવાડો ઉભો થાય ત્યારે જિંદગીમાં પણ ગૂંચવણ પડી જતી હોય છે. જિંદગીમાં એટલે કે સંબંધમાં ગુંચવાડો કે ગૂંચવણ ઉભા ન થવા દેવા જોઈએ. જો તમે કોઈને યાદ કરતા જ હોય તો સામેથી વાત કરવાની પહેલ કરવી જ જોઈએ. જો તમે મળવા માગતા હોય તો મળવાનું આયોજન કરવું જોઈએ. જ્યારે તમારી નજીકની વ્યક્તિ સાથે કોઈ બાબતે ગેરસમજણ થઈ હોય તો એ અંગે ખુલાસો પણ કરી લેવો જોઈએ.


મનમાં કોઈ મુંઝવણ કે સવાલ હોય તો એ વ્યક્ત કરીને પુછી લેવાય એ સંબંધના આયુષ્ય માટે જરુરી છે. જો તમને તમારી નજીકની વ્યક્તિના વ્યક્તિત્વમાં કે વર્તનમાં કશુંક અણગમતું લાગતું હોય તો એ વિશે આમનેસામને વાત કરી લેવી જોઈએ. જો તમને તમારી ગમતી વ્યક્તિમાં કશુંક ગમી ગયું હોય તો એ અંગે પણ વાત કરવી જ જોઈએ. મનમાં રાખવાનો કોઈ જ અર્થ નથી. દિલની વાત વ્યક્ત કરવામાં કંજુસ નહીં બનવું જોઈએ, પરંતુ હંમેશા ઉદારતા જ રાખવી જોઈએ.

તમે તમારી નજીકની વ્યક્તિ પાસેથી કશુંક જાણવા માગો છો કે કશુંક જાણવાની ઈન્તજારી છે, તો એવી વાત પણ મનમાં રાખવાના બદલે વિના સંકોચ પુછી જ લેવું જોઈએ. જો તમે પ્રેમનો એકરાર કરી શક્યા ન હોય તો એ વાત મનમાં રાખી મૂકવાનો પણ કોઈ જ અર્થ નથી. મનની વાત વ્યક્ત કરી જ દેવી જોઈએ.
આપણને એક જ જિંદગી મળી છે, તો પછી શા માટે જિંદગી યા સંબંધમાં ગુંચવાડો ઉભો કરવો જોઈએ કે શા માટે ગૂંચવણ રાખવી જોઈએ. સંબંધ હંમેશા સરળ અને જિંદગી હંમેશા સહેલી રાખવી જોઈએ. જિંદગીમાં કોઈ પહેલી (પરીક્ષા) રાખવી જોઈએ નહીં.

રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા હિન્દી ભાષાના શીર્ષસ્થ કવિશ્રી મૈથિલિશરણ ગુપ્ત (1886-1964)એ લખ્યું છે કે “માનવીય સંબંધોની સંવેદના એમાં જ સમાયેલી છે કે જ્યારે આપણે એકમેકના હૃદયની ભાષા પણ સમજી શકીએ. કહ્યું કંઈક અને સમજ્યું કંઈક, એવું નહીં.” મૈથિલિશરણ ગુપ્તે વ્રજભાષામાં અને સંસ્કૃતમાં કાવ્યસર્જન થતું એ સમયે વરિષ્ઠ કવિ મહાવીર પ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી ખડી બોલીમાં કાવ્યસર્જન શરુ કર્યું અને સમકાલીન કવિઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા.
પ્રેમમાં પ્રત્યાયન મહત્વનું છે. પ્રેમ તો હૃદયની ભાષા પણ સમજે છે અને હૃદયના ધબકારને પણ પીછાણે છે. કહ્યા વિના પણ પ્રિયજનને સમજી શકાય, એનું નામ પ્રેમ. એક વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાને ગમતી વ્યક્તિ સમક્ષ કરે, પરંતુ એ વ્યક્તિ જ્યારે એમ કહે કે “હું વિચારીને કહીશ…” તો, એનો અર્થ એ જ કે એના હૃદયમાં પ્રેમનું ઝરણું ફૂટ્યું જ નથી. જળનું ઝરણ કે લીલાશ પણ ન હોય એવી જમીન ઉપર પ્રેમનો છોડ પાંગરે અને ફુલો ખીલી ઊઠે એવી આશા રાખવી વધારે પડતી ગણાય.

પ્રણય અને સમય કોઈની રાહ ન જુએ. પ્રેમ એ વહેતાં ઝરણ અને કલકલ નાદ કરતી નદીનાં વહેણ જેવો છે. પ્રેમનાં ઝરણ અને વહેણને કોઈ રોકી શકે નહીં. જો નદીનો માર્ગ આંતરવામાં આવે તો નદીને વહેણ બદલીને પોતાનો નવો માર્ગ કરતા આવડતું હોય છે. ટિક-ટિક કરતી ઘડિયાળ કદાચ પાવરના અભાવે બંધ પડી જતી હોય છે, પરંતુ સમયને રોકી શકાતો નથી. સમય પણ આગળને આગળ વધતો જ જાય છે. સમય કોઈની રાહ જોયા વિના ચાલ્યા જ કરે છે.
સમજણ દરેક સંબંધનો પાયો છે. એકમેકને સમજવાની અને સમજ્યા પછી સ્વીકારવાની તૈયારી દરેક સંબંધને નવપલ્લવિત રાખે છે. એકમેકને સમજ્યા વિના સંબંધ આગળ વધી શકતો નથી. સમજણ એ જ સંબંધનો માર્ગ નિયત કરે છે. સંબંધમાં સમજણ કેળવવી જરુરી છે.

જસ્ટ ટ્વીટઃ

પ્રણયમાં એકરાર તમે કરશો કે સામેની વ્યક્તિ કરશે, એવી કશ્મકશ રહેતી હોય છે. હિન્દી ફિલ્મ કવિ રાજેન્દ્ર ક્રિષ્નએ પ્રણયમાં બોલવું અને મૌન રહેવું એ વિશે બે ફિલ્મ માટે લખેલ બે વિવિધ શબ્દમુદ્રા :-

“वो चूप रहे तो मेरे दिल के दाग जलते है,
जो बात कर ले तो बुझते चराग जलते है.”
फिल्मः “जहांआरा”
“उन को यह शिकायत है किं हम कुछ नहीं कहते,
अपनी तो यह आदत है किं हम कुछ नहीं कहते.”
फिल्मः “अदालत”

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ આવી સમજવા જેવી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી