પરમેનન્ટ રિલેશનનો ઓક્સિજન એટલે ગિવ-અપ એન્ડ લેટ-ગો…

હોલિવુડની જાણીતી અભિનેત્રી, મોડલ અને સિંગર સ્કારલેટ જ્હોનસન (જન્મ-1984)એ એક વાર કહ્યું હતું કે “પ્રેમ એટલે હૃદયના ઊંડાણમાં અનુભવાતી લાગણીના ઝરણાનું વહેવું. આ બધું કુદરતી હોય છે. એના માટે કોઈ કૃત્રિમ પ્રયાસ કે પ્રયોગ કારગત રહેતા નથી.”

પ્રેમ વિશે તેણે આ વાત કરી ત્યારે તેણે પોતાના પ્રેમસંબંધના અનુભવ પણ વર્ણવ્યા હતા. સ્કારલેટ જ્હોનસને પોતાના પ્રથમ પ્રેમ અને બ્રેક-અપ વિશે પણ નિખાલસતાથી વાત કરી હતી. સારાંશ એ જ કે પ્રેમની ફિલિંગ્સ – લાગણી આપોઆપ થાય અથવા જિંદગીભર ન પણ થાય. જિંદગીમાં પ્રેમની લાગણી એક જ વાર થતી હોય છે, વારંવાર નહીં.
સને 1994માં માત્ર દસ જ વર્ષની ઉંમરે સ્કારલેટે પહેલીવાર ફિલ્મમાં કામ કર્યું. તેની આ પ્રથમ ફિલ્મ “નોર્થ” સને 1996માં રિલિઝ થઈ. સ્કારલેટ હોલિવૂડની મોડર્ન સેક્સ સિમ્બોલ તરીકે આજે જાણીતી છે. સ્કરાલેટને “વિશ્વની સૌથી આકર્ષક સ્ત્રી” (સેક્સિએસ્ટ વુમન એલાઈવ) તરીકે બે વખત સને 2006 અને 2013માં જાહેર કરવામાં આવી હતી. એક જ સ્ત્રીને બે વખત આ ખિતાબ મળ્યો હોય એવું પહેલી વાર બન્યું હતું.

પ્રેમ અથવા લાગણી રુપના ગુલામ હોઈ શકે નહીં. આ વાત એ રીતે કરીએ કે રુપ હોય તો જ પ્રેમ યા લાગણી મળે યા આવા સંબંધમાં રુપ હોય તો જ સફળતા મળે એવું હંમેશા હોતું નથી. સ્કારલેટ જ્હોનસન પાસે રુપ, ધન-દોલત અને શોહરત-નામના હોવા છતા તેનો બે-બે વાર પ્રેમભંગ-મોહભંગ થયો. પહેલી વારનો ટિન-એજ પ્રેમસંબંધ આગળ વધી શક્યો નહીં.

પ્રોફેશનલ કેરિઅરમાં રેયાન રેનોલ્ડ સાથે પરિચય થયો અને સંબંધ બંધાયો. તેની સાથે સને 2008માં પ્રેમલગ્ન કર્યાં. ત્રણ વર્ષનાં લગ્નજીવનના અંતે સ્કારલેટે સને 2011માં ડિવોર્સ લઈ લીધા. ત્રણ વર્ષ તેણે એકાકી જિંદગી ગુજારી અને ફરી એક વાર તેણે રોમેન ડ્યુરિક સાથેની લીવ ઈન રિલેશનશીપ બાદ સને 2014માં બીજી વાર લગ્ન કર્યાં. પહેલા લગ્નથી તેને એક સંતાન છે.

પ્રેમની લાગણી જિંદગીમાં એક વાર થાય પણ ખરી અને ન પણ થાય. એટલે કે પ્રેમ પામ્યા વિના પણ માણસની જિંદગી સમાપ્ત પણ થઈ જાય. જીવનમાં કોઈને એક વાર પ્રેમની અનુભૂતિ થાય જ એવું જરુરી નથી. જાણે કે આ એક ઈશ્વરીય આશીર્વાદ જ છે. ખરી પ્રેમની અનુભૂતિ એક જ વાર થાય. એ પછી જે કંઈ થાય એને સમજુતી અથવા તડ-જોડનું નામ આપી શકાય, પ્રેમનું નામ આપી શકાય નહીં. બીજી વારનાં સંબંધમાં હંમેશા સમાધાન જ કરવાનું આવતું હોય છે.
પ્રેમમાં પડવું એવા શબ્દપ્રયોગ સામે એક વાર પૂજનીય મોરારિ બાપુએ એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે આ અનુભૂતિમાં પડવાની કોઈ ઘટના જ નથી. પ્રેમ હંમેશા માણસને ઊર્ધ્વગતિ કરાવે, પતન ન કરાવે. પ્રેમ પામવાથી, પ્રેમ મળવાથી વ્યક્તિની જિંદગીમાં સદાય માટે વસંત ઋતુનું આગમન થઈ જતું હોય છે. ગુજરાતી લોકગીત પણ છે કે

“લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો…”

પ્રેમ માણસને બાળક એટલે કે બાળક જેવા નિર્દોષ બનાવી દે છે. દોષરહિત, એટલે કે સંપૂર્ણ પવિત્ર. આમ પ્રેમ પામવાથી તો માણસ દોષરહિત બની જાય છે. આ અર્થમાં પ્રેમ કોઈ પણ સંજોગોમાં આદરપાત્ર હોઈ શકે, ધિક્કારપાત્ર પણ નહીં. પ્રેમમાં પ્રેમનો જ સરવાળો થાય છે. પ્રેમમાં હંમેશા ઊર્ધ્વગતિ જ હોય એટલે કે ઉન્નતિ થાય, થતી રહે. પ્રેમ પામનાર અને પ્રેમ આપનાર બે વ્યક્તિ પછી તો બે વ્યક્તિ મટીને એક જ વ્યક્તિ – એક જ અસ્તિત્વ થઈ જાય છે. બે જણા બે મટીને એક થાય ત્યારે છીપમાં ઝાકળનું (પાણીનું) ટીપું મોતી બની જાય છે. ગુંચવાય તે નહીં, પરંતુ ઉકેલાય તે સંબંધ.

 

જર્મન બ્યુટી ક્વીન કેરોલિન બોહસ (જન્મ-1990) મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલી છે. કેરોલિન કહે છે કે “પ્રેમની લાગણી એ કુદરતી આવેગ છે. એમાં તમારી લાગણી અને કાળજી પણ ભળે છે. પરંતુ જ્યારે તમને તમારો સાથી સમજી શકતો નથી ત્યારે સંબંધમાં ન ઉકેલી શકાય અને જોઈ પણ ન શકાય એવી ગાંઠ પડી જતી હોય છે.”
કેરોલિને કબુલ કર્યું હતું કે તેણે સ્કુલલાઈફમાં જ પોતાનું કૌમાર્ય ગુમાવી દીધું હતું. પરંતુ એ કોઈ પ્રેમસંબંધ નહોતો. તેણે કહ્યું છે કે “એ તો જસ્ટ ફોર ફન એક રમત હતી. બોયફ્રેન્ડઝ હોવા અને રિલેશનશીપ હોવી એ બે જુદી જુદી બાબતો છે. મારો ફર્સ્ટ બ્લાસ્ટ તો માર્કો રોસ જ હતો.”

કેરોલિન પ્રોફેશનલ જર્મન ફૂટબોલર માર્કો રોસ (જન્મ-1989) સાથે ચાર વર્ષ રિલેશનશીપમાં રહી. ચાર વર્ષના ડેટિંગ બાદ કેરોલિન અને માર્કો વચ્ચે બ્રેક-અપ થયો. બેઉ વચ્ચે સામસામા આક્ષેપો કે બેઉ અન્ય સાથી સાથે ડેટિંગ કરે છે. જો કે કેરોલિનના તો અન્ય સાથેના ફોટોગ્રાફ્સ પણ બહાર આવી ગયા હતા.

હંમેશા પ્રેમમાં લેટ ગો – જતું કરવાની ભાવના જ સંબંધને વધુ મજબુત બનાવે છે. લેટ ગો અથવા ગિવ ઈટ અપ એટલે પરમેનન્ટ રિલેશનશીપનો ઓક્સિજન. સંબંધ ક્યારેય કુદરતી રીતે મૃત્યુ પામતો નથી. સંબંધ મરી જવા એટલે કે ખતમ થઈ જવા પાછળ મુખ્ય પાંચ કારણ જવાબદાર હોય છે. (1) એટિટ્યુડ એટલે કે વલણ-દ્રષ્ટિકોણ-મનોવૃત્તિ હકારાત્મક હોવા જોઈએ, (2) બિહેવિયર પણ મહત્વનું છે. આપણું વર્તન કોઈ માટે અણગમો પેદા કરે એવું તો ન જ હોવું જોઈએ, (3) ઈગો સંબંધ વચ્ચે ન ઉભો રહેવો જોઈએ. (4) હિડન બેનિફિટ્સ એટલે કે સંબંધ રાખવા પાછળ કોઈ પ્રકારના લાભ મેળવવાનું ગણિત રાખવું જોઈએ નહીં, (5) ઈગ્નોરન્સ એટલે કે જ્યારે સાથીની અવગણના કરવામાં આવે એનાથી વધુ ખરાબ કોઈ પરિસ્થિતિ હોઈ શકે નહીં.

સંબંધમાં જ્યારે જુઠું બોલવાનું શરુ થાય ત્યારે સમજી જવું જોઈએ કે હવે સંબંધ કોમામાં છે અથવા આઈ.સી.યુ.માં છે. સારી વ્યક્તિ સાથેનો સંબંધ અમૂલ્ય હોય છે. આવી વ્યક્તિ એક પારા સમાન હોય છે. જો તમે ન સાચવી શકો તો એ તમારા હાથમાંથી પારાની જેમ સરકી જશે. તમારી નજર સામે જ પારો સરકી જાય અને તમે એવા સંબંધને પછી બચાવી પણ ન શકો. જમીન ઉપર પડેલા પારાને ઉઠાવી પણ ન શકાય અને એને પાછા જોડી પણ ન શકાય. સંબંધનો સ્વભાવ પણ જાણે પારા જેવો ચંચળ છે. સંબંધ પણ ક્યારે હાથમાંથી સરકી જાય એ કોઈ કહી શકતું નથી.

સંબંધ નવરાશના નહીં પરંતુ લાગણીના હોવા જોઈએ. સંબંધ જાળવવા માટે જ્યારે આપણી પાસે સમય ન હોય ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે જ્યારે આપણી પાસે સમય હશે ત્યારે સંબંધ જ નહીં બચ્યો હોય. સાચો પ્રેમ એટલે હોટલમાં ડીનર, લેટ નાઈટ ડાન્સ પાર્ટી કે મોજમજા જ નહીં, પરંતુ (1) એકમેકની કાળજી (2) બાંધછોડ, (3) આદર અને (4) વિશ્વાસ છે.

જ્યારે જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જે તમારી અપૂર્ણતા, તમારી ભુલો અને તમારી તમામ મર્યાદાઓ જાણતી હોવા છતા પણ એમ જ માને કે તમે જ દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છો, એ સ્થિતિ જીવનની સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ ગણાય. સંબંધની મધુરતા તો એમાં જ છે.

જસ્ટ ટ્વીટઃ

મળવું હો તો આનાકાની નહી કરવાની,
આમ મહોબત છાનીમાની નહી કરવાની.”

                                                – ખલિલ ધનતેજવી
લેખક : દિનેશ દેસાઈ

દરરોજ અવનવા પ્રેમની સમજ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી