ભુલોની યાદી બનાવશો કે ભુલો ભૂલી જશો? વાંચો આ દરેક કપલ માટેના સોનેરી સૂચનો …

ભુલોની યાદી બનાવશો કે ભુલો ભૂલી જશો?

મીરાંબાઈએ ગાયું છે ને કે “એ રી, મેં તો પ્રેમદીવાની, મેરો દર્દ ન જાને કોઈ…” તમારી ગમતી વ્યક્તિ તમારું દર્દ તરત સમજી જશે. જે વ્યક્તિ તમારું દર્દ સમજી ન શકે તે તમારો પ્રેમ પણ નહીં સમજી શકે. એવી વ્યક્તિને વળગી રહેવાનો કોઈ જ મતલબ નથી.

પ્રેમદીવાના અને પ્રેમદીવાનીને કોઈ સમજી ન શકે. પરંતુ તેઓ એકબીજાને તો અવશ્ય સમજી જ શકે અને જો એકમેકને જ ન સમજી શકતા હોય એવી બે વ્યક્તિ વચ્ચે બીજું કશુંક હોઈ શકે, પ્રેમ તો ન જ હોય. કારણ કે પ્રેમની પૂર્વશરત જ એ છે કે સમજણપૂર્વકનો સ્વીકાર. તમને ગમતી વ્યક્તિ જેવી હોય એવી સ્વીકારી લો અને એને સમજવા પણ લાગો એ જ પ્રેમનો પ્રવેશક-આરંભ.

ઘણી વ્યક્તિઓનાં લગ્નજીવન યા પ્રેમજીવન એક સજીવ અને એક નિર્જીવના સરવાળા જેવા હોય છે. ખરેખર તો આવા સરવાળામાં ઘાત જ નીકળવાની. દીવાલ સાથે આખી જિંદગી વાતો કરવાથી તમને હોંકારો પણ સાંભળવા મળવાનો નથી. આથી જ દીવાલથી ઘેરાયેલા રહેવાનો પણ કોઈ અર્થ નથી. ચાર દીવાલની બહાર નીકળીને જુઓ તો ખરા, દુનિયા કેટલી વિશાળ છે અને વ્યાપક છે.

એક સરસ મજાનો પ્રસંગ છે. એક યુગલ પોતાના સંબંધથી અને જિંદગીથી ખુશ હતું. આમ છતા સ્ત્રીને એમ થતું કે તેની કેટલીક ભુલો થતી રહે છે. આથી સંબંધમાં ક્યારેક અડચણ પણ આવે છે. તેને એમ પણ થતું કે તેના સાથી-પુરુષની પણ ભુલો થાય જ છે ને.

આમ છતા સ્ત્રીએ એક દિવસ તેના પાર્ટનરને કહ્યું કે “તમારે મારું એક કામ કરવાનું છે. મારી ભુલોની યાદી બનાવીને મને આપો. એ વાંચીને એમાંથી હું મારી રીતે સુધાર લાવવા પ્રયાસ કરીશ. એ જ પ્રમાણે હું પણ તમારી ભુલોની એક યાદી બનાવીને સાંજે તમને આપીશ. જેના ઉપરથી આપણે ક્યાં ક્યાં સુધરવાની અને આપણા સંબંધમાં ફેરફાર લાવવાની જરુર છે, એ સમજી શકીશું.”

સ્ત્રીના સાથીએ તેને સમજાવી અને બોલ્યો કે “આવી રીતે ભુલોની યાદી બનાવવાની કોઈ જરુર નથી. એવું બધું તો ચાલ્યા કરે.”
પરંતુ સ્ત્રીએ ખુબ આગ્રહ કર્યો કે “મારે સાંજ સુધીમાં તમારી પાસેથી યાદી જોઈશે. તમારે એ બનાવી આપવી જ પડશે અને હું પણ તમારા વિશે એક યાદી બનાવીને રાખીશ.”

સ્ત્રીહઠ આગળ તો કોઈનું ના ચાલે. સાંજે જ્યારે પેલા સાથી યુવાને સ્ત્રીને મળીને એક કવર આપ્યું તો સ્ત્રી ખુબ ખુશ થઈ ગઈ. તેને એમ કે પોતાની ભુલોની યાદી મળી ગઈ છે. પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે કવરમાંથી ભુલોની યાદી ન નીકળી. યાદીના બદલે સાંજના શો-ટાઈમની નવી ફિલ્મની મલ્ટીપ્લેક્સની બે ટિકિટ હતી.

સ્ત્રીને હવે સાથીની ભુલોવાળી પોતે બનાવેલી યાદીનું કવર સાથીને આપવાની હિંમત જ ન ચાલી. તે ફક્ત એટલું જ બોલી શકી કે “યાદીને બદલે આ ફિલ્મની ટિકિટો કેમ?”
યુવાને કહ્યું કે “એવી રીતે તારી કે મારી ભુલોની કોઈ યાદી બનાવવાની ન હોય. જિંદગી આમ જ ચાલ્યા કરે. એકબીજાને ચાહતા હોઈએ ત્યારે એકબીજાને સમજતાં પણ રહીએ અને એકમેકનો સંપૂર્ણ સ્વીકાર પણ કરીએ, એનું નામ જ તો પ્રેમ. એટલે જ આપણે સાંજે ફિલ્મ જોવા પણ જઈશું અને પછી બહાર કોઈ રેસ્ટોરન્ટમાં પણ જઈશું.”

સ્ત્રી ક્ષણભર માટે ઝાંખપ અનુભવી રહી. તેને એમ હતું કે પોતે પોતાના સાથીમાં પરિવર્તન લાવે. પોતાને ગમતા બીબાંમાં એને ઢાળવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. બીજી તરફ સાથી યુવાને તો પોતાની પ્રિય જીવનસાથીને જેવી છે એવી જ સ્વીકારી લીધી હોવાનું પ્રમાણ પણ આપી દીધું.

પ્રેમમાં પરસ્પર આદર, પરસ્પર સ્વીકાર, પરસ્પર સમજણ અત્યંત જરુરી છે. પ્રેમમાં એકમેકને નહીં સમજી શકનાર યુગલને ખુદ સમય જ આપોઆપ અલગ કરી દે છે. પ્રેમ એટલે એકમેકનું સુખ પોતાનું કરવું એટલું જ નહીં, એકમેકનું દુઃખ પણ સમજવું અને વહેંચવું. સમજણ વિનાનો સંબંધ અલ્પજીવી હોય છે. હિન્દી કવિતાની પંક્તિઓ યાદ આવે છે. “उसने मेरा हाथ थामा था, उस पार जाने के लिए, और मेरी एक ही तमन्ना थी, कभी किनारा ना आए.”

કોઈ અંતરાય વિના સંબંધમાં તો જળની જેમ વહેવાનું હોય. 18મી સદીમાં થઈ ગયેલી મહાન અંગ્રેજી લેખિકા અને ચિંતક મેરી વૂલસ્ટોનક્રાફ્ટ (1759-1797)એ લખ્યું છે કે “પ્રેમ તમારી ભીતરથી જ પ્રગટવો જોઈએ. તમારી ભીતરથી પ્રગટેલા પ્રેમથી જ તમે અન્યના ભીતરને પ્રેમથી અજવાળી શકો. તમારું અજવાળું અને તમે જેને પ્રેમનો પ્રકાશ આપો છો, તેનું અજવાળું ભેગું થવાથી પૂર્ણ પ્રેમનો પ્રકાશ રેલાશે, જે તમને આનંદની પરાકાષ્ઠાએ લઈ જાય છે.”

મેરી કહે છે એમ અન્ય પાસેથી ઉછીનું તેજ લઈ શકાય નહીં, અન્ય વ્યક્તિના પ્રેમસ્વરુપ તેજ સાથે પોતાનું તેજ અવશ્ય મેળવી શકાય. પ્રેમનું પણ એવું જ છે. પ્રેમ પોતાની ભીતર જો ન પ્રગટ્યો હોય તો અન્ય પાસેથી મળનારા પ્રેમની પણ અનુભૂતિ થઈ શકતી નથી.

પ્રેમસંબંધ યા લગ્નસંબંધમાં નદીની માફક નિરંતર વહેતા રહેવાનું હોય છે. રાહમાં નદીના પ્રવાહને ખડક, કાંકરા, ઝાડી-ઝાંખરાં વગેરે કંઈ કેટલાય અવરોધ આવતા જ રહે છે. આમ છતા નદીનો જળપ્રવાહ પોતાનો માર્ગ ખુદ કરી જ લે છે. નદી કોઈ ફરિયાદ કરતી નથી.
નદી કોઈ અવિશ્વાસ, શંકા, આક્ષેપ, તિરસ્કાર, રુસણાં, દગો, છળ-કપટ કે એવું કશું જ નકારાત્મક કાર્ય કરતી નથી. નદીનું એક જ લક્ષ્ય હોય છે કે દરિયા સાથે મિલન. રાહમાં અનેક અવરોધ આવતા રહેવાના છે, એ વાતની નદીને ખબર છે.
સંબંધ પ્રેમનો હોય કે લગ્નસંબંધ, બેઉ પક્ષે વફાદારીની અપેક્ષા રહે એ સ્વાભાવિક છે. સંબંધનો સેતુ એટલે પરસ્પર સમજણ. સમજણ અને વફાદારી સાથે વિશ્વાસ અને સમર્પણ જોડાયેલાં છે.

આ સવાલો અથવા આવા પ્રકારના સવાલો તમારે તમારા પાર્ટનરને પુછવા પડે છે? (1) “આજે તું ક્યાં હતો/હતી?”, (2) “આજે બપોરે તારો ફોન કેમ એન્ગેજ આવતો હતો?”, (3) “તારે આટલા સરસ રીતે તૈયાર જઈને ઓફિસ જવાની શું જરુર છે?”, (4) “તારી ફોનબૂકમાં સમીર/શાઈના કોણ છે, એના વિશે તો તેં મને ક્યારેય વાત જ કરી નથી?”, (5) “કોનો કોલ હતો? કોની સાથે આટલી મસ્તીથી વાત કરે છે?”, (6) “તારા એફ.બી.માં આ મિતેશ/મિતાલી કોણ છે?, તારી તો બધી જ પોસ્ટમાં ઢગલાબંધ લાઈક્સ ને કોમેન્ટ્સ આપે છે, શું ચક્કર છે?”, (7) “તારી વોટ્સએપ/ફેસબૂક ચેટ હિસ્ટ્રી મને બતાવ.”, (8) “કોની સાથે તું આટલી લાંબી લાંબી ચેટ કરે છે?”, (9) “ઓફિસમાં તારે કલીગ સાથે લંચ કરવાની શી જરુર?”, (10) “ઓફિસથી નીકળીને તારે તારા કલીગ સાથે કોફી પીવા જવાની શી જરુર હતી?”, (11) “તારા કલીગ તને ભલે લિફ્ટ આપે પણ તારે એની સાથે આટલા ક્લોઝ થવાની શી જરુર છે?” જ્યારે તમારે તમારા લાઈફ પાર્ટનરને આવી રીતે રોજેરોજ જો સવાલો પુછવા પડતા હોય તો એ સંબંધને “રિપોર્ટિંગ લવ” અથવા “રિપોર્ટિંગ રિલેશનશીપ” જ કહી શકાય.

જો તમને તમારા સંબંધમાં વિશ્વાસ જ ન હોય તો એવા સંબંધને નિભાવવાની કોઈ જ જરુર નથી, અને જો તમારો સાથી વિશ્વાસ તોડે છે, એવું તમને લાગે છે તો તમારું એકવીસમી સદીમાં કોઈ કામ નથી. આજે વિશ્વાસની વ્યાખ્યા તમારે નવેસરથી સમજવી પડે. તમે જેને વિશ્વાસભંગ સમજો છો, પરંતુ તમારો કે તમારી સાથી એ બાબતને “પર્સનલ સ્પેસ” ગણે છે. દરેક વ્યક્તિને થોડીક સ્પેસ આપવી જોઈએ.

આજના સમયમાં “રિપોર્ટિંગ લવ” અથવા “રિપોર્ટિંગ રિલેશનશીપ” રાખવાના બદલે જો તમે તમારા સાથી પ્રત્યે વિશ્વાસ રાખશો તો એ સાથી ક્યાંય જશે નહીં, એ તમારી પાસે જ રહે છે. સવાલ માત્ર “પર્સનલ સ્પેસ” આપવાનો છે. જેને આપણે “લેટ-ગો” કહીએ છીએ. વીસમી સદી સુધી આપણે “જતું કરવાની ભાવના” કહેતા એ બાબતને આજે એકવીસમી સદીમાં “પર્સનલ સ્પેસ આપવી” કહેવાય છે.

પ્રેમ હોય કે લગ્ન હોય, સંબંધમાં વફાદારીની અપેક્ષા રહે છે. પરંતુ આજે નવા જમાનામાં અન્ય ફેરફારો સાથે સમાજમાં પણ ભારે પરિવર્તન આવ્યું છે. લગ્નબાહ્ય સંબંધ “લેટ ગો” નહીં કરવાના કારણે એટલે કે “પર્સનલ સ્પેસ” નહીં આપવાના કારણે પણ બંધાતા રહે છે. સંબંધમાં માલિકીપણાંની ભાવના એટલે કે “પઝેસિવનેસ”ના કારણે પણ તમારી પ્રિય વ્યક્તિ તમારાથી દૂર થતી જાય એવું બનતું હોય છે.

તમારા સવાલો તમારા સાથીને જેલની સજા જેવા લાગે, એવું પણ બને. અવિશ્વાસથી છલકાતા સવાલો સાંભળવા કોઈને ગમતા હોતા નથી. દરેકની ધીરજ કે સહનશક્તિની હદ આવી જતી હોય છે. તમારો આગ્રહ જો દરેક સવાલનો જવાબ મેળવવા માટે હોય ત્યારે તમારા સાથી ખોટું બોલવા પ્રેરાય છે, ખોટા જવાબો આપ્યા કરવાના બદલે થાકીને તમારા સાથી એક દિવસ સંબંધ તોડી નાખવા સુધી પણ નિર્ણય કરી બેસે છે. આમ ન બને તેનો એક જ ઉપાય કે વિશ્વાસ અને સમર્પણ સાથે સતત વહ્યા કરવું.

જસ્ટ ટ્વીટઃ

“પ્રેમમાં કોઈ અંતરાય ન હોય,
અંતરાય હોય એમાં પ્રેમ ન હોય.”
– ખલિલ જિબ્રાન

લેખક : દિનેશ દેસાઈ

દરરોજ આવી સમજવા જેવી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી