દિલની ઘંટીઓ

મીરા ખુબ જ ખુશ હતી. આખરે લગ્ન પછી પ્રથમ વાર તે પિયરે જઈ રહી હતી. પોતાના ઘરને તે હવે પિયર તરીકે ઓળખવા લાગી હતી. આવા ઘણા બધા વિચારોને જીવીને તે પોતાના ફ્લેટ પર પહોંચી.

ફ્લેટની અંદર આવીને જયારે તે પોતાના ઘર તરફ ચાલી રહી હતી ત્યારે આજુ-બાજુ જોઈને ઘણી-બધી જૂની યાદો તાઝા થઇ રહી હતી. મન ઘણા ભાવુક વિચારોથી ઘેરાયેલું હતું અને જયારે પોતાના ઘરના બારણે પહોંચી ત્યારે આ વિચારોનો અંત આવ્યો. ઘરના બારણે પહોંચીને તેને એક વાર ઘરનો બેલ વગાડ્યો અને હાથ તેની કમર તરફ મૂકી દીધો.

તેની બાજુમાં ઉભેલા તેના પતિ રાજનું તેના કંઈક આ વ્યવહાર પ્રત્યે ધ્યાન ગયું. તેણે તરત જ મીરાનો હાથ પોતાના હાથમા લીધો અને બંને હાથ બેલની દિશા તરફ આગળ વળ્યાં. બેલ પર પહોંચતા જ રાજની આંગળીઓ એ મીરાની આંગળી દબાવી અને મીરાની આંગળીઓ થી ડોરબેલની સ્વિચ દબાઈ, ફરીથી બેલ વાગ્યો અને રાજ મીરાનો હાથ તેના હાથમાં રાખીને આંગળીઓ દબાવતો જ રહ્યો અને બેલ એક પછી એક વાગતો જ રહ્યો.

ત્યારે જ મીરાએ રાજ સામે જોઈને એક ભાવ ભર્યું સ્મિત આપ્યું અને રાજે સામે સ્મિત આપી તેના સ્મિતને પરિપૂર્ણ કર્યું.

અમુક જ સેંકન્ડમાં મીરાની માતાએ દરવાજો ખોલ્યો. તરત જ બંને હાથ મીરાની માતાના જોયા પહેલા શરમના ભાવે અલગ થઇ ગયા. મીરાની માતા તેને જોઈને પ્રફુલ્લિત થઇ ગઈ અને તેને વળગી પડી. પછી મીરાની માતાએ તેને અને જમાઈ બંનેને પ્રેમ પૂર્વક આવકાર્યા.

ચા-પાણી કરીને જયારે ઘરના બધા જ સદશ્યો ઘરના હોલમાં બેઠા હતા ત્યારે મીરાની માતાએ વાત કાઢતા કહ્યું, “તું જાણે છે મીરા, હમને દરવાજો ખોલ્યા વગર ખબર પડી ગયી હતી કે દરવાજાની પાછળ તું છું. તારી જૂની આદત હતી બેલ વગાડીને હમને બધાને હેરાન કરવાની. આખરે તારા સિવાય આટલા બધા બેલ કોણ મારે? દીકરી તારા સાસરે ગયા પછી હું અને તારા પપ્પા આ વારંવાર વાગનારા બેલનો અવાજ સાંભળવા કંઈક બેચેન જ થઇ ગયા હતા. આજે તારા આવ્યા પહેલા બેલનો અવાજ સાંભળીને જ દિલને ખુશી મળી ગઈ હતી.”

આટલું સાંભળતા જ મીરા ખુશ થઇ ગઈ હતી કારણકે તેના પતિએ તેની નાની-નાની શેતાની પણ માસુમિયતથી ભરેલ દરેક ખુશીઓ અને આદતોનું ધ્યાન લગ્નના પહેલાથી જ રાખ્યું હતું. તે દિવસે મીરા સંગ બાળક બનીને રાજે એક દીકરીને તેની મનપસંદ રમત ફક્ત રમાડી જ નહીં પરંતુ દિલથી જીતાડી હતી. આખરે આજતો હતું મીરાનું અપેક્ષાથી ભર્યું નાનું વાવરણ.

તેણે તરત જ આંખોથી પ્રેમપૂર્વક રાજની સામે જોયું અને બંને એ એકબીજાને સ્મિત આપ્યું. બે સ્મિતે ચૂપ-ચાપ હોઠ ફેલાવીને ફક્ત એકબીજાને સમજાય તેવી પ્રેમની ઘણીબધી વાતો કરી નાખી. આખરે ફક્ત ડોરબેલની જ નહીં પણ મીરાના દિલમા પણ ઘંટીઓ વાગી ચુકી હતી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

ટીપ્પણી