દીકરી અમીર કુટુંબમાં જન્મી હોય કે ગરીબ કુટુંબમાં, તેને હમેશા માતા-પિતા ની ચિંતા રેહતી હોય છે.

- Advertisement -

“હુણ અમી તો આ હંધાય ખોળ ચઢાવાના કામ કરી સવી. અમાર ગોમતીને એવી ફાવટ કે વાત્યુ ના કરો…!! આ મોટા શે’ર માં તે વળી શેઠણીયુંને ક્યે દા’ડે ખોળ ચડાવતા આવડે…?!? અમાર ગામમાં તો સોડીને ખોળ ચડાવતા ના આવડે એની જોડે છુટ્ટુ કરી નાખે।.!”

સવિતાબેન આવેલ ઘરાકને પોતાના ગામની અને પોતાના ધંધાની વાતો ઝીણવટપૂર્વક કરી રહ્યા હતા. ખોબા જેવડા ગામમાંથી સમુદ્ર જેટલા વિશાળ શહેરમાં આવીને સવિતાબેન ને ગોમતી વસ્યા હતા. જુના અમદાવાદ બાજુ પોળમાં રહેતા ને નાકે જ ત્રણ હજાર ભાડે દુકાન મળી હતી તે ત્યાં આખો દિ’ બેસતા. અંધારી દુકાનમાં ફાનસનું અજવાળું, ગાદલાંને કવર ચઢાવા ઠેર-ઠેર વેરાયેલા જાતજાતના કાપડ અને એક સંચો. પંદર બાય પંદર ફુટની નાનકડી દુકાનમાં ને આટલી વસ્તુઓમાં ગોમતીનું વિશ્વ્ સમાઈ જતું. ગોમતી જે કવર સીવે તે પરફેક્ટ જ હોય. એક પણ જગ્યાએ વધારાના દોરા ના હોય અને સાથે સાથે કવર જયારે ચઢાવાય જાય ને દોરી બંધ થાય એટલે જાણે તેના જ માપનું હોય એમ ચસોચસ ગોઠવાઈ જાય. આજે સવિતાબેને જોયું તો એણે સીવેલા એક કવરની સિલાઈ તૂટી ગઈ હતી. સવિતાબેન એની પાસે ગયા અને ખખડાવતા બોલ્યા,

“વાલામૂઇ આ ઝૉ તો કવી કારીગરી કરી સ? આ ઝોઈને તો ઘરાક પાસુ વયુ જાહે.. તાર આટલા વખાણ કયરા તો હારું સીવને.”

ગોમતીએ નેણ ચઢાવી જવાબ આપ્યો,
“તયેં આખો દા’ડો આઝ તો કરું હું. કોઈક દિ’ મારીયે આંખ્યુંમાં અંધારા આવે.”

બોલતાને ગોમતી ઝટ ઉભી થઇને દુકાનની બહાર ચાલી ગઈ. ચાલતા ચાલતા ક્યાંય દૂર પહોંચી ત્યારે તેને અણસાર આવ્યો કે પોતે તો રીસ રીસ માં આવી ગઈ પણ બા નું જમવાનું શું થશે હવે..?!?

ગોમતી જ પોતાના બા માટે ને પોતા માટે રોજ જમવાનું બનાવતી. બા તો બનાવી ના શકે એટલે રોજ ઘરે જાય ને સીધી મોઢું ધોઈને રસોડામાં કુકર ચઢાવે. જેટલી વાર કુકર ગેસ પર હોઈ પોતે બહારની રૂમમાં આવી અરીસામાં પોતાની જાતને નીરખ્યા કરે. ગોમતીને પોતાની જાતને જોવી બહુ ગમતી. અને ના કેમ ગમે..!! સાગના સોટા જેવી કાયા, જોબન જાણે કે છલકતું છલકતું વહી જતું હોય તેવું કામણગારુ. ગોમતી સહેજ ભીને વાન હતી પણ હદ બહારની નમણી હતી. એમાંય પાછો છેક પગની પાનીએ પહોંચતા કેશનો ઢીલો અંબોડો લઈને કપાળે વચ્ચોવચ નાનો ચાંદલો કરે ત્યારે તો તેની સુંદરતાની અદેખાઈ તેની આજુબાજુ રહેતી દરેક છોકરીને આવી જતી. હજુ તો ગોમતી પોતાને મનભરીને નિરખવામાંથી ઊંચી આવે ના આવે ત્યાં જ કૂકરની પાંચ સીટી વાગી જાય ને એયને પછી તો એકબાજુ મોટા મોટા રોટલા ટિપાઈ, સાથે લસણની ચટણી હોઈને દહીંની તિખારી ને છાસમાં વઘારેલા મગ. લગભગ તેનું અને તેની બાનું રોજનું આ જ જમણ. પછી રોજ જમવાનું લઈને દુકાને જાય અને ઘરાકનાં ખોળ ના હોય તો પોતાનું એક ખોળ સીવતી. સવિતાબેન તેને દર વખતે તે ખોળ સીવવાનું કારણ પૂછતાં પણ ગોમતી કઇ જવાબ ના દેતી. નાનપણથી અત્યાર સુધી ગોમતીએ આવા હજારેક ખોળ સીવી નાખ્યા હતા.

આજ જયારે ગુસ્સામાં ને ગુસ્સામાં દોડી આવી તેના પછી હવે બા ની ચંત્યા થતી હતી ગોમતીને. તેથી પાછી વળીને રિક્ષાની રાહ જોતી જોતી ચાલવા લાગી. તેણે પહેરેલા ચણિયાચોળીને તેની લયબદ્ધ ચાલ, જાણે કે કોઈ કવિની કવિતા ચાલી રહી હોય તેવું લાગતું હતું. જેવી તે દુકાને પહોંચી એની બા ફરી એને વઢવા લાગી,

“મૂઈ તને તો ભાન સે નય, આ ખોળ ચઢાવા કેટલાય ગાદલા આપી ગયા સે તે. કયેં ઈ હંધુંય પૂરું કરીસ તું..! ને પાસી એક તો આવ ગંધારી સિલાઈ કરી સ. તાર તો આપણી નાયતમાં જ પરણવાનું સ, તયેં તારી હાહુ તને ઝૉ આવો ખોળ ચઢાવીશ તો ઘરની બાર કાઢી મુકહે, પસી મું નૈ હાચવું।.!”

“એ હો બા, મુ હવે ઘીરે ઝઈ ઝમવાનું લઇ આવું સવું. આવીને હંધુંય સીવી લેવીસ.”

કહેતાંકને ગોમતી તેના ઘર તરફ ભાગી. સવિતાબેનને પણ છોકરીનો ઉધડો લઈને કઈ જીવ શાંત થોડો રે’ તે એય બધું કામ પડતું મેલીને દુકાનના ઓટલે બેઠા કે પચ્ચીસ વરસનો કોઈ છોકરો આવતો દેખાયો.

“જી, મારા ગાદલાંને કવર ચઢાવાનું છે. કેટલી વારમાં થઇ જશે? મારું ગાદલું ગાડીમાં પડ્યું છે. તમે કહો તો આપી જાવ.”

આંગતુકે સવિતાબેનને કહ્યું.

“માર સોડી ઘીરે ગઈ સે. હમના આવી જોવે. પસી તમુ આવોને.તય સીવી દેહે.”

“ઓકે. તો હું આવું છું.”

કહીને તે ચાલ્યો ગયો.

આ બાજુ ગોમતીએ જમવાનું બનાવીને ઘરને તાળું માર્યું ને દુકાન તરફ જવા નીકળી. પહોંચીને બેય માઁ-દીકરી એ સાથે જમ્યું પછી સવિતાબેને અજાણ્યા છોકરાની વાત કરી ને પોતે આડે પડખે થયા. હજુ તો ગોમતી પાણી પી ને આવી ત્યાં જ દુકાન પાસે તેણે યુવાનને જોયો. ઘડી બેઘડી માટે તો ગોમતી વિસરી ગઈ કે પોતે ક્યાં છે, શું છે!! ને તે યુવાનને નીરખી રહી.

યુવાને કહ્યું,

“મારું આ ગાદલું ને એને ખોળ(કવર) ચઢાવાનું છે. પ્લીઝ જલ્દીથી કરી આપશો. મારા દાદીબાને આ ગાદલા વગર ફાવતું નથી ને કવર હતું જે આનું તે ફાટી ગયું છે.”

તેણે પોતાની વાત પુરી કરી ત્યારે તો ગોમતીને ખબર પડી કે ઘરાકને ઉતાવળ છે. તે ઝટ પોતાના સંચે ભાગી ને સીવવાનું ચાલુ કર્યું. હાથ તેના કાપડ પર હતા ને નજર યુવાન તરફ. સંચો ફરતો જાય. ને તેની નજર પણ યુવાનના ચહેરાને જોવામાં તેની આંખથી લઈને હોઠ તરફ વધતી જાય. ત્યાં તો અચાનક પેલાએ સામે જોયું ને ગોમતી ભોંઠી પડી ગઈ ને નજર નીચી ઢાળીને સીવવા લાગી.

સવિતાબેને ઓટલે બેઠા બેઠા તે યુવાનને પૂછ્યું,

“હું નામ તાર ભાઈલા?”

“જી. રાઘવ.”

ગોમતીની નજર તરત ફરી ઊંચી થઇ. આ વખતે રાઘવે સામે સહેજ હોઠ વંકાવીને મુસ્કાન કરી. ગોમતીને લાગ્યું કે રાઘવને રસ પડ્યો છે પોતાનામાં એટલે તે ખુશ થઇ ગઈ. બમણા જોરે તેનું કામ કરવા લાગી અને કવર સીવીને રાઘવને આપ્યું. કવર લેતા જયારે સહેજ બેયનો હાથ અડ્યો તોયે ગોમતીના શરીરમાં ઝણઝણાટી થઇ ગઈ.

પછી તો અવારનવાર શેરીમાં રાઘવ દેખાઈ જતો. જાણે તેને પણ ગોમતીમા કઈંક ગમ્યું હોય તેવું લાગતું. ઘણા મહિનાઓ પછી એકાદ વખત ગોમતી ઘરે જતા જતા રાઘવ જોડે ભટકાઈ હતી ત્યારે રાઘવે તેનો હાથ દબાવીને કહ્યું હતું,

“મને તું ગમે છે.”

ને ગોમતીને તો જાણે બત્રીસેય કોઠે દિવા થઇ ગયા. ઝટ દોડીને દુકાનમાં શરમાતી હરખાતી બાની ગોદમાં લપાઈ ગઈ. સવિતાબેનને નવાઈ લાગી તેથી તેમણે પૂછ્યું,

“આજ્ય તો તાર બા પર બવેય વહાલ આવ્યું સ ને કાંય।.! હું વાત સ સોડી।.?!?”

“બા ઓલા લાટસાહેબે મન કહ્યું સ કે ઈને હું બવ ગમું સવ. બા મુ ઈની હારે ઝ લગન કરવાની સવ.”

સવિતાબેનની આંખો તો સાંભળીને ચાર થઇ ગઈ. જાણે ગોમતી શું બોલે છે તેની ગતાગમ જ નહોતી.

“એ સોડી, શું બકે સ..?!?” આગળ વધારે કંઈ બોલવા જાય ત્યાં તો સવિતાબેને રાઘવ ને તેના મમીને તેમની દુકાન તરફ આવતા જોયા. સવિતાબેને છેડો સરખો કર્યો ને ગોમતીને સંચા પર જવાનું કહીને પોતે ઓટલે આવ્યા.

રાઘવે નજીક આવીને સવિતાબેનને પોતાની માઁ સાથે ઓળખાણ કરાવીને કહ્યું કે તેમનું નામ “નંદિની” છે.

નંદિની બહેન બોલ્યા,

“મારા દીકરાના મોઢે તમારી ગોમતીના બહુ વખાણ સાંભળ્યા છે. આવું જોવા તો વાર્તાઓમાં જ મળે પણ જીવનમાંય થશે એવી ખબર નહોતી. મારો દીકરો તમારી ગોમતી પર મોહી ગયો છે ને અમારે તો શું હોય, રાજાને ગમે તે રાણી, પછી ભલે ને છાણાં વીણતી આણી..”

સવિતાબેનને તો શું કહેવું તે સુજ્યું નહિ, એટલે ગોમતી અંદરથી આવી અને નંદિનીબહેનને પગે લાગી. જાજરમાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા નંદિનીબહેન પણ ગોમતીની નમણાશ પર વારી ગયા. ભાઈબીજના દિવસે લગ્નનું મુહર્ત લીધું ને તૈયારીઓ શરુ કરી.

ગોમતી આખો દિવસ ખોળ ચઢાવતી ને કવર સીવતી. હવે તો તેણે બમણા જોશથી કામ શરૂ કર્યું હતું. પોતાના લગ્નમાં તે કોઈ કસર નહોતી રાખવા માગતી. દિવસ આખો દુકાનનું કામ કરે ને સાંજે નાની મોટી ખરીદીમાં નીકળી પડે ને રાતે આવીને વળી દુકાન ખોલે ને એક ખોળ સીવે. રોજ તે એકનું એક જ ખોળ સીવતી. સવિતાબેન એને પૂછતાંય ખરા કે રોજ રાતે જાગીને કામ કોનું કરે છે..! પરંતુ તે કોઈ જવાબ ના આપતી. ને સવિતાબેન કંટાળીને સુઈ જતા.

ધીમે ધીમે લગ્નનો દિવસ નજીક આવતો ગયો. ગોમતી હવે તો બ્યુટી પાર્લરમાં પણ દર અઠવાડિયે જતી. ક્લીન અપ કરાવીને ચહેરાને ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરતી. રાઘવે તેને મોબાઈલ ગિફ્ટ કર્યો હતો. રોજ તેની સાથે રાતે ખોળ સીવતા સીવતા તે ફોનમાં વાતો કરતી.

દિવાળીનો દિવસ હતો આજે. તેના હાથમાં રાઘવના નામની મહેંદી મુકાઈ ને દાંડિયામાં બંને ખુબ નાચ્યાં. લગ્નના દિવસે ગોમતી તેની બાને ભેટીને બહુ રોઈ. પછી અંદર તેની ઓરડીમાં ગઈ અને એક વજનદાર પોટલું લઇ આવી અને બાના હાથમાં આપ્યું.

સવિતાબેનને નવાઈ લાગી કે આવડા મોટા પોટલામાં શું હશે તેથી તેમને ગોમતીને પૂછ્યું,

ગોમતીએ જવાબ આપ્યો,

“બા માર લગ્ન પસી તું એકલી પડી જાહે. એકલપંડે કામ કટલુક કરીસ. અટલે આમાં મુ સીવેલા ખોળ સ. મુ નાનપણથી સીવું ને હંધાય ખોળ આના માટે ઝ તો હતા. હવ તાર નિરાંત સે. એયને બાજરીનો રોટલો ટીપીને ખાજે.”

ત્યાં ઉભેલા સૌ કોઈ માં-દીકરીની આ અદભુત સંવેદના જોઈ આભા રહી ગયા. નંદિનીબહેનને પોતાના દીકરાની પસંદ માટે માન થયું અને રાઘવે ગર્વથી તેના કોલર સંભાળ્યા.

રાઘવ ને ગોમતી ઘરે આવ્યા અને નંદિનીબહેને તેમને રિવાજ મુજબ પોંખ્યા પછી તેમના ઓરડામાં મોકલ્યા….

રાઘવ ને નંદિની ઓરડામાં એકલા પડ્યા ત્યારે રાઘવે નંદિનીને કહ્યું,

“જી. મને ખોળ ચઢાવતા નથી આવડતુ અને આપણા ગાદલામાં ખોળની જરૂર પણ નથી. આ મેટ્રેસની જગ્યાએ કાલે જ આપણે નવું ગાદલું લઇ આવીશુ અને તું તારા હાથે બનાવેલું ખોળ આપણી શૈયા પર ચઢાવજે।”

લેખક : આયુષી સેલાણી

ખુબ હૃદયસ્પર્શી વાર્તા, શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી