બાળકોનો આહાર 0-5 વર્ષ ( Diet Chart for 0-5 yrs.) : દરેક પેરેન્ટ્સ ને આ પોસ્ટ મોકલો…..!!

મિત્રો લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે… અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ સવાલનો સરળ જવાબ ….!!! કેટલાક સિધ્ધાંતો પ્રથમ સમજી લો.

1. પ્રથમ છ માસ માટે સ્તનપાન સંપૂર્ણ આહાર છે. શારીરીક અને માનસિક વિકાસ તથા રોગ મુકત તંદુરસ્ત બાળક રાખવા આ નિયમને ચુસ્ત પણે વળગી રહો.

2. છ માસ પછી નો ઉપરી આહાર બાળકના ઝડપથી વધી રહેલા શારીરીક અને માનસિક વિકાસની જરુરી માંગને પૂરી કરવા ખૂબ જરુરી છે. ઉપરી ખોરાક ચાલુ કરતી વખતે યાદ રાખો કે સ્તનપાન ચાલુ રાખીને ઉપરથી ખોરાક કે દૂધ આપવાનું છે. ઉપરી આહાર સામાન્યતઃ ½- 1 વાટકી જેટલો આપવાનો છે. જે શિશુ સ્તનપાન ઉપર હોય તે બાળકને દિવસમાં ત્રણ વખત અને સ્તનપાન ચાલુ ન હોય તેને દિવસમાં પાંચ વખત આવો આહાર આપવો જોઈએ.

3. ઉપરી ખોરાક માટે ખાસ વધુ પડતી મહેનત જરુરી નથી. આપના ઘરના અન્ય સભ્યો માટેબનાવાતા ખોરાકમાંથી જ બાળક માટે ખોરાક બનાવી શકાય છે. દા.ત. જો ઘરમાં મેનુ માં તુવેરની દાળ બનાવવાની છે તો બાળક માટે બાફેલી દાળમાં ખાંડ કે ગોળ અને ઘી નાખી ને પૂરણ જેવો પોચો અને પૌષ્ટીક ખોરાક બની શકે છે. જરુર માત્ર બુધ્ધિ દોડાવવાની છે.

4. ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરે બાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.

5. ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્ત ખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરી અને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.

6. પોપ્કોર્ન- મમરા-વેફર – ધાણી – બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાક ખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાં સમ્સ્યા સર્જતુ જોવા મળે છે.

7. ઘી- તેલ-ગોળ અને ખાંડ આ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે. નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ જ કેલરીક્ષમ હોય. આ માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી (ઘી- તેલ-ગોળ અને ખાંડ) નાખી શકો છો. દા. ત. ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી – ગોળ વાળો લાડવો બનાવવો.

8. અન્ય પ્રાણીનુ દૂધ છ માસ બાદ બાળકને આપી શકાય છે પણ તેમાં પાણી નાખવુ નહી.

9. સફાઈ ખૂબ જ જરુરી છે તમારી અને તમારા બાળકના હાથની – મોટાભાગની મા પોતે ચોક્કસ હાથ ધોવે છે પણ બાળકના ભૂલી જાય છે!!. કમનસીબે મા કરતા બાળકનો હાથ તેના મોં માં વધુ વાર જતો હોય છે.!!
બાળકો માટે નમૂના પ્રદ આહાર આયોજન ( ડાયેટ ચાર્ટ )

ઉંમર છમાસથી એક વર્ષ :

• સ્તન પાન ચાલુ રાખવુ અને નીચેનામાંથી કોઈ પણ ત્રણ વિકલ્પ બદલતા રહો
• જો સ્તનપાન ન ચાલુ હોય તો પાંચ વિકલ્પ આપવા અને રોજીંદા ધોરણે વિકલ્પો બદલવવા
• 1 વાટકી = 100 gm.
વિકલ્પો
1. ½ થી 1 વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી )
2. ½ થી 1 વાટકી જાડી દાળ માં ભાત ઘી નાખી અને મસળીને
3. ½ થી 1 વાટકી દૂધમાં બનાવેલી ખીર
4. ½ થી 1 વાટકી તાજા ફળ નો રસ
5. ½ થી 1 વાટકી ગળ્યા દૂધમાં પલાળી રોટલી કે બ્રેડ
6. ½ થી 1 વાટકી શીરો (ઘઉંના લોટનો)
7. ½ થી 1 વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ
8. ½ થી 1 વાટકી બાફેલુ બટેટુ ચોળીને (સ્વાદાનુસર તેલ – મીઠુ નાખી શકાય)
9. ½ થી 1 વાટકી તાજુ ફળ કેરી કે કેળુ કે ચીકુ ( પાકુ ) ચોળીને

ઉંમર એક થી બે વર્ષ

સૂચનો –

સ્તનપાન ચાલુ રાખવુ.
આ ઉપરાંત પાંચ વખત દર 2-3 કલાકે નીચે મુજબના વિકલ્પોમાંથી ઉપરી આહાર આપવો. વિકલ્પો બદલતા રહેવા. 1 વાટકી = 100 gm.
વિકલ્પો
1. 1 થી 1½ વાટકી રાબ (બાલભોગ કે ઘઉં ના લોટમાં થી બનાવેલી )
2. 1 થી 1½ વાટકી ઉપમા
3. 1 વાટકી શીરો
4. 1 થી 1½ વાટકી તાજા ફળૉ ( કેરી – કેળુ –ચીકુ )
5. 1 થી 1½ કપ ગળ્યા દૂધ માં બોળી ભાખરી- રોટલી કે બ્રેડ
6. 1 થી 1½ વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ
7. 1 થી 1½ વાટકી રાંધેલા ભાતમાં દહિં નાખીને ( ખાંડ કે મીઠુ સ્વાદાનુસાર )
8. ½વાટકી(50 ગ્રામ) જેટલી સુખડી
9. 1 થી 1½ બાફેલી તુવેર દાળનું પુરણ ( ઘી અને ખાંડ કે ગોળ નાખીને)
10. 1 થી 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ )
11. 1 થી 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ )
12. 1 બાફેલુ ઈંડુ ( ઘરેલુ આહાર પધ્ધતિ મુજબ)

ઉંમર બે વર્ષ થી પાંચ વર્ષ

2થી 4 વર્ષ ના બાળકને દિવસમાં પાંચ વખત દર 2-3 કલાકે નીચે મુજબ ખોરાક આપવો.
5 થી 6 વર્ષના બાળકને દિવસમાં છ વખત દર 2-3 કલાકે નીચે મુજબ ખોરાક આપવો.

નાસ્તો ( દિવસમાં ત્રણ વાર કોઈપણ એક આઈટમ)
1. 1 વાટકી ફણગાવેલ કઠોળ ( તેલ-મીઠુ –લીંબુ નાખી સ્વાદાનુસાર)
2. 1 બાફેલુ ઈંડુ / આમલેટ ( ઘરેલુ આહાર પધ્ધતિ મુજબ)
3. 1 વાટકી દૂધપાક કે ખીર
4. 2 વાટકી ઉપમા
5. 200ગ્રામ તાજા ફળૉ ( કેરી – કેળુ –ચીકુ )
6. 2 નંગ સીંગ દાણા કે દાળિયાની દાળના લાડુ ( અંદાજે 100 ગ્રામ )
7. એક ગ્લાસ દૂધ (200 મિલી)+ 4 નંગ બિસ્કીટ( ગ્લુકોઝ વાળા)/ભાખરી/બ્રેડ(2 નંગ)
8. ½વાટકી(50 ગ્રામ) જેટલી સુખડી
9. 200 મિલી દૂધ+ 50 ગ્રામ કોર્ન ફ્લેક્સ

જમવામાં ( ઘરના મેનુ પ્રમાણે કોઈ પણ ત્રણ આઈટમ દિવસમાં ત્રણ વાર)

1. 3-4 નંગ રોટલી કે 1-2 ભાખરી કે 1 રોટલો કે બ્રેડ ત્રણ સ્લાઈશ
2. ½વાટકી(50 ગ્રામ) શાક કે દાળ ( જાડી દાળ)
3. ½ થી 1 વાટકી (100) ગ્રામ કઠોળ ( મગ-મઠ-ચણા) નું શાક
4. 1 થી 1½ વાટકી દહિં
5. 1 થી 1½ વાટકી ખિચડી + દહિં કે દૂધ + ઘી કે તેલ
6. 1 થી 1½ વાટકી રાંધેલા ભાતમાં દહિં નાખીને ( ખાંડ કે મીઠુ સ્વાદાનુસાર )
7. 2 વાટકી દૂધ ગળ્યુ દૂધ
8. 1 થી 1½ વાટકી શીરો
9. 50-100 ગ્રામ સલાડ (સ્વાદ અને ઉપલ્બ્ધિ અનુસાર)

સૌજન્ય સાભાર :

ડો. મૌલિક શાહ એમડી. (પેડ)
એસોસીયેટ પ્રોફેસર – પિડીયાટ્રીક્સ
એમ.પી. શાહ મેડીકલ કોલેજ – જામનગર (ગુજરાત)

ટીપ્પણી