શું તમે પણ આવું કરો છો ?

 

એક વૃધ્ધ પોતાના દિકરા સાથે જમવા માટે એક રેસ્ટોરન્ટમાં આવ્યા. બાપ-દિકરો બંને વાતો કરતા કરતા જમી રહ્યા હતા. જમતા-જમતા વૃધ્ધના હાથ ધ્રુજવાથી ટેબલ પર અને એના પોતાના કપડા પર દાળ-શાકના છાંટા ઉડતા હતા અને કપડા ગંદા થતા હતા. આસ-પાસ જમી રહેલા બીજા લોકો આ જોઇને મોઢુ બગાડે પણ દિકરો દરેક વખતે પિતાની સામે જોઇને મધુર સ્મિત આપે. જમવાનું પુરુ થયુ ત્યાં સુધીમાં પિતાના હાથ -મોઢુ અને કપડા ગંદા થઇ ગયા હતા.

દિકરો પોતાના પિતાને વોશરૂમમાં લઇ ગયો. ખુબ પ્રેમથી પિતાના કપડા પરના ડાઘા સાફ કર્યા પછી હાથ અને મોઢુ બરાબર સાફ કરી આપ્યુ. દિકરા સાથે પિતા વોશરૂમની બહાર આવ્યા ત્યારે એનુ પેટ તો ભોજનથી ભરાઇ ગયુ હતુ પણ હદય પણ દિકરાના પ્રેમથી તૃપ્ત થયુ હતું.

દિકરો બીલ ચુકવીને ચાલતો થયો એટલે રેસ્ટોરન્ટમાં જમી રહેલા એક બીજા વૃધ્ધે એમને ઉભો રાખ્યો અને કહ્યુ, ” બેટા, તારો આભાર કે તું અહીંયા ભોજન કરી રહેલા દિકરાઓ અને પિતાઓ માટે કંઇક મુકીને જઇ રહ્યો છે.” યુવાને કહ્યુ, ” હું મારી સાથે જે લાવ્યો હતો એ બધુ જ લઇને જઇ રહ્યો છું આપની કંઇક ભુલ થતી લાગે છે.”

વૃધ્ધે ગળગળા થઇને કહ્યુ, ” ના બેટા કોઇ ભૂલ નથી થતી તું અહીંયા બેઠેલા દરેક દિકરા માટે ‘પ્રેરણા’ અને દરેક વૃધ્ધ માટે એક ‘આશા’ મુકીને જઇ રહ્યો છે.”
મિત્રો, માતા-પિતા કે દાદા-દાદીને એનુ પોતાનું શરીર કામ કરવામાં સાથ ન આપે ત્યારે એને આપણા સાથની ખુબ જરૂર હોય છે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block