ધીરુભાઈ અંબાણીના જીવન વિષેની આ અજાણી વાતો હજુ ઘણા ને ખબર નહિ ! તમે વાંચી ?

એક રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. ૨૦૦૨ની સાલમાં ન્યૂ યોર્ક સીટીમાં ખાલીદ મોહમ્મદે લખેલી અમિતાભ બચ્ચનની સચિત્ર બાયોગ્રાફી ‘ટુ બી ઓર નોટ ટુ બી: અમિતાભ બચ્ચન’ નું લોન્ચિંગ હતું. જયા બચ્ચન સાથે હતા. બચ્ચન પોતાના પેરેન્ટ્સ અને પોલીટીક્સની વાતો કરી રહ્યા હતા. ઓડીયન્સમાંથી જીતેન્દ્ર મુછાલ નામની વ્યક્તિએ ધીરુભાઈ અંબાણીના દેહાંત બાદની બચ્ચનની પબ્લિક સ્પીચને યાદ કરી એક પ્રશ્ન પૂછ્યો. એટલે બચ્ચને શુદ્ધ હિન્દીમાં કહ્યું: એ સમયે હું રાજનીતિમાં હતો. એટલે હતો કે નેહરુ પરિવારથી મારો સબંધ હતો. અને રાજકારણમાં આવવાનો મારો એક ભાવનાત્મક નિર્યણ હતો.

બોફોર્સ કાંડ પ્રચલિત થયો અને હું તથા મારો પરિવાર એમાં સંડોવાયેલા છીએ, એવો આરોપ આખા દેશમાં લાગી રહ્યો હતો. એ જે પણ હતું, હું રાજનીતિમાં આવ્યો અને ઈલેકશન જીત્યો, પછી મને ખબર પડી કે રાજનીતિ અને ભાવનાનો કોઈ પણ તાલમેલ નથી! રાજનીતિ એક અલગ ખેલ છે, અને એ ખેલમાં મારું કામ નથી. એટલે બોફોર્સ કાંડ વખતે, એનાથી લડવા હું મિત્રોને મળ્યો. એમાંના એક મારા મિત્ર ધીરુભાઈ. એમણે મને કહ્યું કે: આ જે બહાર થઇ રહ્યું છે, એ ફક્ત એક રાજનીતિક મુદ્દો છે. અને જો સચ્ચાઈ તારા હાથમાં હોય તો તું જે કામ કરસ એ જ કર. તું કલાકાર છે. એક્ટિંગ કર. તને જે આવડે છે એ કર. બાકીનામાં ધ્યાન ન આપ. એ આપોઆપ બંધ થઇ જશે!

સીધી ને સો ટચની સાચી સલાહ આપનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ સૌરાષ્ટ્રના ચોરવાડ ગામે થયો. પિતા હીરાચંદભાઈ અને માતા જમનાબેનનું પાંચમું સંતાન. હીરાચંદભાઈ ગામડાના શિક્ષક. ધીરજલાલ એટલે કે ધીરુભાઈના બે ભાઈ- રમણીકલાલ અને નટવરલાલ તથા બે બહેન- ત્રીલોચના અને જાસુમતી. ચોરવાડમાં શાળાકીય અભ્યાસ કર્યો પણ આર્થિક અગવડને કારણે કોલેજ તો ન જ ગયા, પણ ઘરેથી ફોર્સ થતા વચ્ચેથી જ હાઈસ્કુલ પણ છોડવી પડી. ધીરુભાઈએ આર્થિક ઉપાર્જન માટે ગીરનાર ચડતા પદયાત્રીઓ માટે થોડો સમય ભજીયા પણ વહેંચ્યા છે!

ધીરુભાઈ અંબાણી ઘણી વાર કહેતા કે, આપત્તિ એ કોઈ અવરોધ નહીં, પણ એક અવસર, એક તક છે. આપત્તિ જ તમને એ શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. આ જ રીતે તેઓએ ગરીબીમાંથી, આપત્તિમાંથી ઉઠવા ભણતરને બદલે ગણતર કામે લગાડ્યું. ૧૯૪૯માં ધીરુભાઈના મોટા ભાઈ રમણીકલાલ એડન હતા. એ સમયે ધીરુભાઈની ઉંમર ૧૭ વર્ષની હતી. ભાઈએ તેમને બોલાવ્યા. એમના માટે જોબ એરેન્જ કરી. ધીરુભાઈની એ પહેલી ઓફિસિયલ જોબ હતી, કંપનીનું નામ હતું: એ. બીઝ એન્ડ કંપની.

જે શેલ નામની પેટ્રોલિયમ કંપનીની ડીસ્ટ્રીબ્યુટર હતી. એડન બંદરે આવતાં વહાણોને લ્યુબ્રિકન્ટ અને ઓઈલનું વેચાણ કરતા કરતા ધીરુભાઈએ ત્યાં ૯ વર્ષ કાઢ્યા. એ સમયે જ એમણે એક સ્વપ્ન જોયેલું, એક વિચારને ઘૂંટેલો કે એક દિવસ પોતાની વિશ્વકક્ષાની રીફાઇનરી બનાવવી. જયારે કાબોટા શીપમાં ધીરુભાઈ યેમનના એડનમાં પહેલી વાર ઉતર્યા હશે, બંદરે ઓઈલ-પેટ્રોલ ભરતા હશે, ત્યારે કોઈએ વિચાર્યું હશે કે આ વીસની આજુબાજુનો છોકરો એક દિવસ આખા ભારત દેશમાં પોલીયેસ્ટરનો પ્રણેતા, મહાન ઉધોગપતિ અને રીફાઇનરી ઉધોગનો માંધાતા બનશે! અને એના ચાર દાયકા પછી ૧૯૯૫માં, ૬૩ વર્ષની ઉંમરે ધીરુભાઈએ જામનગરમાં રિલાયન્સ રીફાઇનરીનું ભૂમિપૂજન કર્યું, ને વર્ષો પહેલા ખુલી આંખે જોયેલું સ્વપ્ન સાકાર કર્યું.

સ્વપ્ન લગભગ દરેક જોય છે. દીર્ઘદ્રષ્ટિ પણ લોકો ધરાવતા હોય છે. પણ ધીરુભાઈ જોયેલા સપનાંને ક્યારેય ન ભૂલવાની, ક્યારેય ન છોડવાની દ્રઢતા ધરાવતા હતા. સપનું સાકાર નહીં થાય તેવી નિરાશામાં આવી જવાની શક્યતાઓ દરેક જગ્યાએ હોય જ છે, પણ પોતાની ક્ષમતા પર દ્રઢ રહેવું, વિશ્વાસમાં અડગ રહેવું-એ ધીરુભાઈની શૈલી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સહયોગી કંપની ‘રિલાયન્સ જીઓ’ દ્વારા હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે, ૪જી સ્ટાર્ટ થશે, ‘ડીજીટલ ક્રાંતિ’ની યોજનામાં રિલાયન્સવતી મુકેશ અંબાણી દ્વારા અઢી લાખ કરોડના રોકાણની ઘોષણા થઇ, વગેરે- એવા બધા રિલાયન્સ રીલેટેડ સમચારો મળતા રહે છે. રીચ મેનની યાદીમાં મુકેશ અંબાણી કે અનીલ અંબાણીના નામો આગળપાછળ થતા રહે છે. મુકેશ અંબાણીનું નવું, બિલ્ડીંગ જ કહેવું પડે એવું ઘર એન્ટિલા હોય કે નીતા અંબાણીને આપેલું ૬૨ મીલીયન ડોલર્સનું જેટ વિમાન હોય કે પછી આઈપીલ ટીમ કે જાતજાતના એવોર્ડ્સ હોય-આ બધાની શરૂઆત, એમનું મૂળ તો ચોરવાડ, એડન ને પછી જામનગરમાં શરૂઆત કરનાર ધીરજલાલ હીરાચંદ અંબાણી નામના માણસમાં જ છે ને!

‘રિડિફ.કોમ’ મુજબ હાલમાં મુકેશ અંબાણી ૨૩.૬ બિલીયન ડોલર્સ એટલે કે ૮૫ હજાર કરોડ રૂપિયાના માલિક છે. દુનિયાના ધનકુબેરોમાં ઓગણીસમુ અને ભારતમાં પ્રથમ સ્થાન ધરાવનાર મુકેશ અંબાણી કહે છે કે, પપ્પા પાસે કંઈ જ ન હતું. મારા દાદા સ્કુલમાં શિક્ષક હતા. પપ્પા બહુ લાંબુ ભણ્યા પણ નહોતા. તેમના માટે આ દુનિયા જ એક યુનિવર્સીટી હતી અને જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાંથી જ તેમણે ટયુશન લીધું. કોઈ પણ નાણાકીય સગવડ કે પ્રભાવશાળી અને વગદાર નેટવર્ક વિના તેમણે પોતાનું સાહસ શરુ કર્યું. એ કઠોર એપ્રેન્ટિસશિપ દરમિયાન તેમણે પોતાનામાં એક કુશાગ્ર વ્યક્તિત્વ ખીલવ્યું, જે આજે જુદાં જુદાં ક્ષેત્રોમાં ફેલાયેલાં રિલાયન્સનાં સાહસોમાં મૂર્તિમંત થયેલું દેખાય છે…

આ બધી વાતો કરતી વખતે મણીરત્નમ દિર્ગદર્શિત અને એક માત્ર સોલો હીરો તરીકે અલાતારીન એક્ટિંગ કરી છે એમ કહી શકાય એવા અભિષેક બચ્ચનની, ૨૦૦૭માં આવેલી ‘ગુરુ’ યાદ આવે. ફિલ્મની મોટા ભાગની વાતો કે વાર્તા ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત છે. મુવીના છેલ્લા સીનમાં અભિષેકની એના પપ્પાની અદામાં બોલાતી સ્પીચ કાબિલેતારિફ છે. મુવી જોઈ હશે એમને અને બાકીના ધ્યાનથી જોશે તો સમજાશે કે સ્વાતંત્ર્ય સેનાની અને ઇન્ડીયન એક્સપ્રેસના સ્થાપક રામનાથ ગોયન્કા મિથુન ચક્રવતીના પાત્રમાં ઝીલાય છે. સ્વામીનાથન ગુરુમુર્થી, જેઓ આરએસએસ લીડર હતા અને ગોયેન્કાએ તેમને રિલાયન્સની તપાસ માટે અસાઈન કર્યા હતા.

તેમણે અને જર્નાલિસ્ટ અરુણ શૌરીએ મળીને રિલાયન્સ વિરુધ્ધ- કસ્ટમ ડ્યુટી ઓછી અને પ્રોડકશન ડબલ કરવું તથા સ્પેરપાર્ટ્સ તરીકે આયાત થયેલા મશીનોથી આખો પ્લાન્ટ ઓપરેટ કરવો, વગેરે મુદ્દે આર્ટીકલ્સ લખ્યા હતા. એ ગુરુમુર્થીનું કેરેક્ટર મિથુન પાસે આવીને, ગુરુભાઈને નગ્ન કરતા માધવનમાં દેખાય છે. અર્ઝ્ન કોન્ટ્રાક્ટરનું એક પાત્ર છે, જેના પિતા ગુરુભાઈને ખરીદવાનો પ્રયત્ન કરે છે એટલે ગુરુભાઈ અખબારો ખરીદી, ખોટી માહિતીઓ આપે છે, ને પછી બધી રામાયણ શરુ થાય છે. એ અર્ઝ્ન એટલે પારસી ઉધોગપતિ નસ્લી વાડિયા અને એના પિતા એટલે નેવિલ વાડિયા. (નેવિલ વાડિયાના સસરાનું નામ મોહમ્મદ અલી જીણાહ!) ખેર, આ બધો ફોડ મણીરત્નમેં હજુ સુધી પાડ્યો નથી. આ તો ફક્ત સંયોગ છે! પણ ધીરુભાઈની લાઈફ જલ્દીથી અને સહેલાઈથી સમજવા માટે ‘ગુરુ’ અચૂક જોવી.

ધીરુભાઈનું ૬ જુલાઇ, ૨૦૦૨ના રોજ ૬૯ વર્ષની ઉંમરે અવસાન થયું. પાંચ દિવસ પહેલા એમની ૧૩મી મૃત્યુતિથિ હતી.

ધીરુભાઈ યુવાનો માટે હમેશાં કહેતા કે, અવરોધો આવે ત્યારે હારીને બેસી જવાને બદલે મનમાં આશા, આત્મવિશ્વાસ અને ભરોસો રાખીને નકારાત્મક પરિબળોને ચેલેન્જ કરવી જોઈએ. હું તો માનું છું કે પહેલ કરવામાં આવે તેનાથી આખરે વિજય મળે જ છે. નવી સદીમાં એક નવા જ ભારત માટે આ યુવાન સાહસિકો સફળ થાય તે જરૂરી છે..

ઊંચું, ઝડપી અને આગળનું વિચારો, વિચારો પર કોઈનો ઈજારો નથી. –ધીરુભાઈ અંબાણી

લેખક : પાર્થ દવે

જો આપ ને આ પોસ્ટ પસંદ પડી હોય તો શેર કરવાનું ભૂલશો નહિ !!

ટીપ્પણી