માણસ ધીરજ ગુમાવ્યા વિના પ્રયાસ કરતો રહે તો સફળતા મેળવી શકે છે

‘રંગ દે બસંતી’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવનારા સફળ ફિલ્મ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે પોતે મોટા થઈને ફિલ્મસર્જક બનશે. ૧૯૬૪માં દિલ્હીમાં ચાંદની ચોક વિસ્તારમાં જન્મેલા અને ત્યાં જ મોટા થયેલા રાકેશ મહેરાને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. પ્રાઈમરી સ્કૂલમાં છેલ્લાં વર્ષોમાં અને હાઈ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેઓ મિત્રો સાથે દિલ્હીની જામા મસ્જિદ નજીકના મેદાનમાં ક્રિકેટ રમવા જતા હતા. એ વખતે તેમને ક્રિકેટની રમત પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું અને તેઓ ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા.

રાકેશ મહેરાએ સ્કૂલમાં અભ્યાસના સમય દરમિયાન ફાઈટર પાઈલટ બનવાનું સપનું પણ જોયું હતું. તેઓ એરફોર્સ બાલભારતી સ્કૂલમાં ભણતા હતા. એ સ્કૂલના ગ્રાઉન્ડમાં એક મિગ પ્લેન રખાયું હતું. એ પ્લેન પર જ્યારે જ્યારે નજર પડે ત્યારે તેમને ફાઈટર પાઈલટ બનવાની ઈચ્છા થઈ આવતી હતી. એરફોર્સ બાલભારતી સ્કૂલમાં અભ્યાસનાં વર્ષો દરમિયાન તેઓ ક્રિકેટની રમતમાં પારંગત થઈ ગયા હતા.

તેમને ક્યારેક દ્વિધા થતી કે ફાઈટર પાઈલટ બનવું કે ક્રિકેટર? પણ તેઓ એ બંનેમાંથી એક પણ બનવાના નથી એવું તેમને ત્યારે કોઈએ કહ્યું હોત તો રાકેશ મહેરા એવું કહેનારી વ્યક્તિ પર હસ્યા હોત, પણ એક કહેવત છે કે તમારે ભગવાનને હસાવવા હોય તો એને તમારી ભવિષ્યની યોજનાઓ વિશે કહેવું. એ કહેવત રાકેશ મહેરાના પિતાને બરાબર સમજાઈ ગઈ હતી.

રાકેશ મહેરાના પિતાને હિન્દી ફિલ્મો પ્રત્યે જબરદસ્ત આકર્ષણ હતું. તેમણે એક તબક્કે બધું પડતું મૂકીને બૉલીવૂડમાં કરિયર બનાવવા માટે દિલ્હીથી મુંબઈની વાટ પકડી હતી. જોકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવાની તેમની ઈચ્છા પૂરી ન થઈ એટલે તેમણે એક હોટેલમાં નોકરી મેળવી લીધી. તેમણે આખી જિંદગી એ હોટેલમાં જ નોકરી કરવી પડી હતી. તેઓ નીચલા સ્તરથી પ્રમોશન મેળવતા મેળવતા એ હોટેલના જનરલ મેનેજરપદ સુધી પહોંચ્યા હતા.

રાકેશ મહેરાના પિતા જે હોટેલમાં નોકરી કરતા હતા એ હોટેલના સ્ટાફ ક્વાર્ટર્સમાં જ તેમને કુટુંબ સાથે રહેવાની વ્યવસ્થા હોટેલ મેનેજમેન્ટ દ્વારા કરી અપાઈ હતી. એ હોટેલમાં ઘણીવાર હિન્દી ફિલ્મોની સફળતાની પાર્ટીઓ યોજાતી હતી. એવી પાર્ટીઓમાં રાકેશ મહેરાના પિતા ક્યારેક રાકેશને લઈ જતા હતા અને તેને ફિલ્મ સ્ટાર્સને નજીકથી જોવાની તક મળતી હતી. રાકેશ મહેરાને નાની ઉંમરમાં દિલ્હીમાં યોજાતી રામલીલાના કલાકારોને જોઈને અહોભાવ થતો હતો, પણ તેમના પિતા જે હોટેલમાં નોકરી કરતા હતા ત્યાં તેમને ફિલ્મ સ્ટાર્સનો દબદબો જોઈને ધીમે ધીમે બૉલીવૂડ પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું હતું.

‘ક્લેરિજીસ’ હોટેલની નોકરીને કારણે રાકેશ મહેરાના પિતાનો પરિચય બૉલીવૂડની ઘણી પર્સનાલિટીઝ સાથે થયો હતો. એમાં વિખ્યાત ચરિત્ર અભિનેતા ઓમપ્રકાશ સાથે તેમની દોસ્તી જામી ગઈ અને તેમનો એકબીજાના ઘરે ડિનર માટે આવવા-જવાનો વહેવાર થઈ ગયો. ઓમપ્રકાશ ઘણીવાર રાકેશ મહેરાના ઘરે મોડી રાતે આવતા અને ડિનર લેતા. એ વખતે ઓમપ્રકાશ અને રાકેશ મહેરાના પિતા શેર-શાયરીની જમાવટ કરતા. સ્વાભાવિક રીતે એમની વચ્ચે હિન્દી ફિલ્મો વિશે અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પણ વાતો થતી. અભિનેતા ઓમપ્રકાશની પોતાના ઘરે આવન-જાવનને કારણે રાકેશ મહેરાનું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષણ ઓર વધ્યું.

પિતાના હિન્દી ફિલ્મો પ્રત્યેના લગાવને કારણે રાકેશ મહેરાને બાળપણથી જ ઘણી હિન્દી ફિલ્મો જોવા મળી હતી. તેના પિતા પણ પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છા આડકતરી રીતે દીકરામાં રોપી રહ્યા હતા.

રાકેશ મહેરા યુવાન થયા ત્યાં સુધીમાં વાસ્તવિક્તાનો સામનો કરવાને કારણે ફાઈટર પાઈલટ બનવાનું એમનું સપનું ભુલાઈ ગયું હતું. જો કે તેમના મનમાં એરફોર્સ બાલભારતી સ્કૂલના ગ્રાઉન્ડમાં રખાયેલા મિગ પ્લેનની ઈમેજ બરાબર અંકિત થઈ ગઈ હતી. તેઓ ફાઈટર પાઈલટ તો ના બની શક્યા, પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં રખાયેલા એ મિગ પ્લેનમાંથી પ્રેરણા લઈને તેમણે વર્ષો પછી ‘રંગ દે બસંતી’ ફિલ્મ બનાવી.

રાકેશ મહેરાએ યુવાન બન્યા પછી કરોડો ભારતીય યુવાનોની જેમ નોકરી શોધવા માટે કોશિશ કરવા માંડી. ફાઈટર પાઈલટ અને ક્રિકેટર બનવાના સપનાને બદલે એક સારી નોકરી શોધવાનું સપનું તેમના મનમાં સવાર થઈ ગયું હતું. એ વખતે તેમના કુટુંબની માસિક આવક માત્ર બે હજાર રૂપિયા હતી એટલે કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તેમણે નોકરી શોધવા માંડી હતી. અઢી-ત્રણ દાયકા અગાઉ બે હજાર રૂપિયાની કિંમત એટલી નહોતી કે એક કુટુંબ સહેલાઈથી ગુજરાન ચલાવી શકે. એટલે તેમણે નોકરી કરવી પડે એમ હતી.

કોઈ મોટી કંપનીમાં તો નોકરી મળે એમ નહોતી એટલે તેમણે યુવાનીમાં પોતાના કુટુંબને મદદરૂપ થવા માટે યુરેકા ફોર્બ્સ કંપનીના સેલ્સમેન તરીકે નોકરી સ્વીકારી લીધી. પહેલો મહિનો તો તેમને સમજવામાં ગયો. બીજા મહિનાથી તેમણે બીજા સેલ્સમેન કરતાં જુદી રીતે માર્કેટિંગ શરૂ કર્યું. તેમણે વિચાર્યું કે વૉટર ફિલ્ટર મશિન્સ વધુ ઝડપથી વેચવા માટે રેલવે અને બીજી ધરખમ કંપનીઝને લક્ષ્ય બનાવવી જોઈએ.

ઘરે ઘરે ગૃહિણીઓ પાસે જઈને એક એક વૉટર ફિલ્ટર વેચવાનું એમને બહુ આકરું લાગતું હતું. મોટી સંસ્થાઓને લક્ષ્ય બનાવવાનો એમનો આઈડિયા ક્લિક થઈ ગયો અને ત્રીજા જ મહિને તેમણે યુરેકા ફોર્બ્સના એટલાં વૉટર ફિલ્ટર્સ વેચી બતાવ્યાં કે એ એક જ મહિનામાં એમને રૂપિયા ૫૮ હજારની આવક થઈ. એ વખતે એમના કુટુંબની કુલ માસિક આવક રૂપિયા બે હજાર હતી!

જોકે એ કમિશનવાળી નોકરીથી આવક શરૂ થઈ હતી એ સિવાય એમને અસંતોષ હતો. એટલે થોડા મહિનાઓ સુધી સેલ્સમેન તરીકે કામ કર્યા પછી તેમણે એ નોકરી છોડી દીધી. એ દરમિયાન એક મિત્ર સાથે ઘણો વિચાર કર્યા પછી તેમણે ભાગીદારીમાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસનો ધંધો શરૂ કર્યો. એ ધંધામાં પણ એમને બહુ લાંબા સમય સુધી રસ ના પડ્યો એટલે ફરી વાર એમણે નોકરી શોધવા માંડી. આ વખતે એમણે નક્કી કર્યું હતું કે પોતે સેલ્સમેન નહીં બને. એટલે બહુ માથાકૂટ કર્યા પછી એમણે ઉલ્કા એડવર્ટાઈઝિંગ એજન્સીમાં નોકરી મેળવી. એ વખતે ઉલ્કા એજન્સી હીરો હોન્ડા માટે એક ફિલ્મ્સ બનાવતી હતી પણ હીરો હોન્ડાના સંચાલકો એના કામથી ખુશ નહોતા એટલે તેઓ બીજી એજન્સીને કામ સોંપવાનું વિચારી રહ્યા હતા.

એ એડવર્ટાઈઝિંગ કંપનીના માલિકે રાકેશ મહેરાને કહ્યું કે, હું તને ૩૦ હજાર રૂપિયાનું બજેટ આપું છું. તું એક એવી એનિમેટિક્સ ઍડ ફિલ્મ બનાવીને આપ કે જે હીરો હોન્ડા કંપનીના સંચાલકોને પસંદ પડી જાય. રાકેશ મહેરાએ એ ઍડ ફિલ્મ બનાવી અને એ ઍડ ફિલ્મ હીરો હોન્ડાના સંચાલકોને એટલી પસંદ પડી ગઈ કે તેમણે કરોડો રૂપિયા ખર્ચીને એ ફિલ્મનું પ્રસારણ કર્યું.

એ ઍડ ફિલ્મને કારણે રાકેશ મહેરાનો ઉત્સાહ વધી ગયો અને તેમણે હિન્દી ફિલ્મો બનાવવાનું સપનું જોવા માંડ્યું. એમને થયું કે હવે મુંબઈ જતા રહેવું જોઈએ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવું જોઈએ. જોકે મુંબઈમાં રહેવા માટે આવકનું સાધન શોધવું જરૂરી હતું.

એ વખતે તેમણે પોતાની ક્રિયેટિવ એજન્સી શરૂ કરવાનું વિચાર્યું. તેમણે ઉલ્કા ઍડ એજન્સીમાં પોતાના સિનિયર્સ અને મિત્રો સાથે પોતાના યોજનાની ચર્ચા કરી. તેમના સિનિયર્સે તેમને મદદરૂપ થવા માટે એક ઍડ ફિલ્મનું કામ અપાવ્યું. રાકેશ મહેરા હોંશે હોંશે મુંબઈ આવ્યા અને તેમણે પોતાની ક્રિયેટિવ એજન્સી શરૂ કરી. જોકે એક વર્ષ સુધી કામ મેળવવાની માથાકૂટ કર્યા પછી તેમને સિનિયર્સે અપાવેલી ઍડ ફિલ્મ સિવાય બીજું કંઈ પણ કામ ના મળ્યું.

મુંબઈમાં આવીને તેઓ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. કંઈ કામ ના મળવાને કારણે તેમણે નાછૂટકે પોતાના માતાપિતા પાસેથી દર મહિને ચારસો રૂપિયા મગાવવા પડતા હતા, જે તેમણે પેઈંગ ગેસ્ટ તરીકે મકાનમાલિકને આપવા પડતા હતા. જોકે તેમણે હિંમત હાર્યા વિના કે ધીરજ ગુમાવ્યા વિના કામ મેળવવાની કોશિશ ચાલુ રાખી અને ઘણાં વર્ષોના સંઘર્ષ પછી તેમને એક ઍડ ફિલ્મના દિગ્દર્શનની તક મળી. એ ઍડ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને સાઈન કરાયા હતા!

બીપીએલની એ ઍડ ફિલ્મને કારણે રાકેશ મહેરાની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. એ ઍડ ફિલ્મને કારણે અમિતાભ બચ્ચન સાથે એમનો સારો સંબંધ બંધાઈ ગયો અને અમિતાભ તેમની ફિલ્મમાં અભિનય કરવા તૈયાર થઈ ગયા. બીપીએલની એડ ફિલ્મનાં અમુક વર્ષો પછી રાકેશ મહેરાએ અમિતાભ બચ્ચનને લઈને ‘અક્સ’ ફિલ્મ બનાવી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહીં, પણ રાકેશ મહેરાની એક સારા ફિલ્મ દિગ્દર્શક તરીકે નોંધ લેવાઈ અને તેમનો સંઘર્ષ પૂરો થયો અને ‘રંગ દે બસંતી’ તથા ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ફિલ્મોએ તેમને અણધારી સફળતા અપાવી.

માણસ ધીરજ ગુમાવ્યા વિના અને હિંમત હાર્યા વિના પ્રયાસ કરતો રહે તો સફળતા મેળવી શકે છે એનો પુરાવો રાકેશ ઓમપ્રકાશ મહેરાની જીવનસફર છે.

લેખક – આશુ પટેલ

લેખક કોક્ટેલ ઝિંદગી મેગેઝિનમાં પણ લખે છે. આ મેગેઝિન ખરીદવા અહીં ક્લિક કરો.

ટીપ્પણી