રમકડાં – કેમ એક એ દિકરીએ કોઈનું શું બગડ્યું હતું…

“રમકડાં”

તેના હાથમાં રમકડાં હતા બહુ બધા, ને છતાં એ એની સાથે રમતી નહિ, એને સાચવતી. એને વારેવારે ફૂંક મારીને એની ધૂળ ઉડાડ્યા કરતી, જેથી કરીને એ જુના ના લાગે, એકદમ નવા નક્કોર ને ચકચકાટ લાગે. એને એ બધા રમકડાં બહુ જ ગમતા પણ છતાં એ એમની સાથે રમતી નહિ, એને એ રમકડાંઓમાં એક રમકડું ખુબ ગમતું, એ એક નાનકડું ટેડીબેર હતું, એ એની સાથે વાતો કરતી અને એને આખા દિવસની દિનચર્યા કહેતી, આવડે એવી વાર્તા કહેતી, એને રાત્રે પણ એની બાજુમાં જ સુવાડતી, કદાચ એટલે એ થોડું જુનું પણ થઇ ગયું હતું પણ છતાં એ એને બહુ જ ગમતું. એને પોતાનાથી દુર કરવું એને ગમતું નહોતું છતાંએ મન અડધું-પડધુ ભરાયું હોય ન હોય ત્યાં એ એને પાછું બધા રમકડાં વચ્ચે મૂકી આવતી, પણ મૂકતાં પહેલાં એને રૂમાલથી સાફ કરવાનું એ ભુલતી નહિ. ક્યારેક દિવસે એની સાથે વાત કરવાનું મન થઇ જાય તો એની સાથે મસ્તી કરી લેતી પણ છાનામાના જેથી કોઈ જોઈ ના જાય…

આ રમકડાં જ તો તેનું સર્વસ્વ હતાં. થોડેદુર શહેર વચ્ચે ફેલાયેલી એક નાનકડી ચાલીમાં રહેતા તેનાં ‘બા’ સિવાય બીજું કોઈ નહોતું તેનું. પોતે આટલી મોટી થઈ ત્યાં સુધી પપ્પાને કદી જોયા નહોતાં, જેને જોયેલી એવી “મા” ને તો ગયા વરસે જ ઉપરવાળાએ પાછી બોલાવી લીધેલી. એના ગયાં પછી આ રમકડાંઓ જ એના મા-બાપ જેવા બની ગયા હતાં. એ માંડ બારેક વર્ષની હશે પણ એ એની ઊંમર કરતાં વધારે મોટી થઇ ગયેલી.

એની ચકળવકળ આંખો સિગ્નલ ઉપર જ મંડાયેલી રહેતી ને પગ રસ્તા ઉપર દોડવા માટે તત્પર રહેતા. એના ચહેરા પર હંમેશા ઉમંગ છલકાતો રહેતો. ત્રણેક મિનીટ માટે માંડ સિગ્નલ બંધ થતું પણ એ બમણી ઝડપે મોટાભાગની ગાડીઓ ફરી વળતી. બધાને પોતાની પાસે રહેલા રમકડા બતાવી એને લેવા માટે આજીજી કરતી રહેતી. મોટીમોટી ગાડીઓમાં બેઠેલા તેના જેટલી ઊંમરના બાળકોને લલચાવતી જેથી એ લેવાની જીદ કરે. મોટેભાગે એ સફળ રહેતી પણ ક્યારેક તેને નિરાશા સાથે પાછું ફરવું પડતું ત્યારે પેલી ગાડીઓમાં જતાં બાળકો પાછળ તેની નજર પીછો કરતી રહેતી. સિગ્નલ ચાલું હોય ત્યારે પેલું ટેડીબેર જાણે કે એને સાંત્વના આપતું, એટલે ફરી નવા ઉત્સાહ સાથે એ સિગ્નલ બંધ થવાની રાહ જોવા માંડતી.

દરરોજની જેમ આજે પણ ઢળતા સુરજ સાથે તેણે પણ સિગ્નલ છોડીને ચાલી તરફ ચાલવાનું શરૂ કર્યું. બા એ કહેલું કે અંધારૂ થાય એ પહેલા ઘરે આવી જવાનું. એ અબુધ બાળાને એની પાછળનો કાંઈ હેતુ સમજાયો નહોતો પણ બા એ કહેલું એટલે બીજા એના સરીખા બાળકો સાથે એ પણ રસ્તામાં રમતીકુદતી ઘરે વહેલાસર પહોંચી જતી.

એક વળાંક આગળ એના જીવનનો વળાંક બદલાઈ જશે એ એને ખબર ના હતી. આગળ જતાં બીજા બાળકો અચાનક આંખ સામેથી ગાયબ થઈ ગયા, ચારેકોર અંધારું અને શ્વાસમાં દારૂની સાથે કશીક વિચિત્ર દવાની ગંધ પણ ભળી.

ગળામાંથી નીકળેલી ચીસ ખુલ્લા થવા મથતા હોઠ આગળ આવીને પાછી વળી ગઈ. ક્ષણભરમાં તો કોઈ મજબુત હાથોમાં પારેવડું તરફડી ઊઠ્યું. આંખો ખુલી ત્યારે બધી ઘટનાઓ કોઇ ફિલ્મની માફક યાદ આવી ને આખાય દેહમાં એક કંપારી છુટી ગઈ.

છુટવા માટે હાથપગનો વ્યર્થ સહારો લીધો પણ ડૂસકાંઓ – આંસુઓ પણ થીજી જાય એવા દર્દ સાથે એક પડછંદ કાયાના પડછાયા હેઠળ એની નગ્ન છાયા તરફડિયા મારતી રહી. દૂર તેનું મનગમતું ટેડીબેર મોઢું ફેરવીને આ બધાનું મૂક સાક્ષી બની રહ્યું.

લેખક : ધવલ સોની

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર.

 

ટીપ્પણી