કોઈપણ માનવીના જીવનઘડતરમાં પુસ્તકો એક મહત્વનું સ્થાન ધરાવે છે.

‘પુસ્તકો આપણા સારામાં સારા મિત્ર છે.’ એ કહેવત તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પણ શું કદી એવું સાંભળવામાં આવ્યું છે કે પુસ્તકોનું વાંચન આપણને સફળ બનાવી શકે? માનવામાં ન આવે તેવી આ વાત સમજવા માટે આપણે જ્ઞાનની દુનિયામાં ડોકિયું કરવું પડશે જે આપણને સફળતાના રસ્તે આગળ લઈ જઈ શકે છે.

મા ના ગર્ભમાં પહેલા શ્વાસથી લઈને મૃત્યુના આખરી સમય સુધીની દરેક ક્ષણે આપણું નાનકડું મગજ અનેક પ્રકારનું જ્ઞાન ગ્રહણ કરતું રહે છે. આ જ્ઞાન સામાન્યરીતે આપણને ઈન્દ્રીયોના માધ્યમ થકી અથવા અનુભવોમાંથી જાણવા મળે છે. આપણી આસપાસ સર્જાતી પરિસ્થિતિઓ, અન્ય માનવીઓ સાથે થનારા સંપર્કો, તેમની રીતભાત, વાણી, આચારવિચાર તથા સમાજના નીતિનિયમો – વ્યવહારો થકી આપણને અનેક અનુભવો મળે છે જે સમયાંતરે આપણા મગજના ઘડતરમાં મદદરૂપ બને છે. ઈન્દ્રીયો થકી આપણને જોવા, સાંભળવા અને જાણવા મળતા પ્રસંગો આપણા રોજબરોજના જ્ઞાનમાં વધારો કરે છે.

કોઈપણ માનવીના જીવનઘડતરમાં પુસ્તકો એક મહત્વનું સ્થાન ધરાવે છે. બાળપણમાં શિક્ષાના માધ્યમ થકી પ્રવેશતા પુસ્તકો આપણા જીવનને એક ચોક્કસ દિશાએ લઈ જવાનું કામ કરે છે. પુસ્તકોનું વાંચન મગજને ફળદ્રુપ ખેતર જેવું બનાવે છે, જેમાં શબ્દબીજ જ્ઞાનના વટવૃક્ષ રૂપે ફૂટી નીકળે છે. પુસ્તકોના વાંચનથી વિચારો મજબૂત બને છે. જેટલા વધારે પુસ્તકો વંચાય, વિચારો એટલા વધુ સક્ષમ બને છે, એટલું જ વધારે સારી રીતે આપણે જે-તે પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકીએ છીએ. પુસ્તકો આપણા વિચારોને એક ચોક્કસ દિશામાં ઢાળવામાં મદદરૂપ બને છે.

કોઈપણ પુસ્તકના વાંચન થકી આપણને બે રીતે ફાયદો થાય છે – પુસ્તકોમાં સમાવવામાં આવેલી માહિતી (Content) દ્વારા અને પુસ્તકોમાં દર્શાવેલી પરિસ્થિતિઓ કે પ્રસંગો (Context) દ્વારા.

કન્ટેન્ટ એટલે પુસ્તકમાં આપવામાં આવેલી કોઈ ચોક્કસ વિષય અંગેની માહિતી. આજના ટેકનોલોજીના સમયમાં દિનદહાડે જે પરિવર્તન આવી રહ્યા છે તેની સાથે સંતુલન જાળવવા આપણે દરેક ક્ષણે નવું જ્ઞાન મેળવવું જરૂરી બની જાય છે. કોઈપણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર સફળતા માટે જે-તે ક્ષેત્ર અંગે વિશેષ જ્ઞાનની જરૂર પડે છે. આ જ્ઞાન આપણને પુસ્તકો દ્વારા સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આવા પુસ્તકોનું વાંચન મનગમતા વિષય અંગેના આપણા જ્ઞાન અને કૌશલમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામ શીખવા માટેના કે ગણિતના વિષય સંબંધિત પુસ્તકો, શેરબજાર અંગેના કે કોર્પોરેટ જગત કે ટેકનોલોજી સંબંધિત પુસ્તકોમાં આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ આપણા રોજબરોજના કાર્યમાં કરીને તેમાંથી લાભ મેળવી શકીએ છીએ.

કન્ટેક્ષ્ટ એટલે પુસ્તકોમાં આપવામાં આવેલી પરિસ્થિતિઓ કે પ્રસંગો. અમૂક પુસ્તકો એવા હોય છે જે તમારા આંતરિક વલણમાં બદલાવ લાવવાનું કામ કરે છે. જેવા કે હકારાત્મક વિચારો કઈ રીતે લાવવા, આત્મવિશ્વાસ કે માનસિક ક્ષમતા વધારવા અંગેના પુસ્તકો, મનને કેળવવા માટેના ઉપાયો ધરાવતા પુસ્તકો. આ પ્રકારના પુસ્તકો જીવન પ્રત્યે કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેના તમારા વલણમાં બદલાવ ખેંચી લાવે છે. આ પુસ્તકોના વાંચન થકી વ્યવસાયિક કે વ્યક્તિગત સંબંધોને સમજવાના દ્રષ્ટિકોણમાં થતો સૂધારો, સરવાળે આપણને સફળતા મેળવી આપે છે.

‘પબ્લિક લાયબ્રેરી ઓફ સાયન્સ’ માં પ્રસિધ્ધ થયેલા એક આર્ટીકલ મુજબ અમૂક પ્રકારના પુસ્તકો માણસને વધારે ભાવનાશીલ અને ઋજુ બનાવે છે. ફિક્શન આર્ટીકલ્સ તથા નોવેલ માનવીમાં તાદત્મ્ય ભાવ ઉત્ત્પન્ન કરીને તેને લાગણીશીલ બનાવે છે. જીવનમાં સતત પુસ્તકો વાંચવાની ટેવ તમારા જીવનને ઉત્કૃષ્ટ રીતે જીવવામાં મદદ કરે છે. ‘જનરલ ઓફ અમેરિકન એકેડેમી ઓફ ન્યૂરોલોજી’ ના રિસર્ચ મુજબ જેઓ પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે તેમની યાદશક્તિ બીજા લોકો કરતાં ઓછી ગતિએ ક્ષીણ થાય છે. આમ પુસ્તકો આપણી યાદશક્તિને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે.

પુસ્તકો થકી આપણને અનેક વિષયો પર વિવિધ પ્રકારની માહિતી જાણવા મળે છે. આ જ માહિતી આપણને મનગમતા વિષયની પસંદગી કરવામાં મદદ કરે છે. ગમતા વિષયમાં ઉંડાણપૂર્વકનું વાંચન જ્ઞાનને વિકસવામાં મદદ કરે છે જે સરવાળે આપણને તે વિષયના નિષ્ણાંત બનાવે છે. કોઈપણ વિષયના નિષ્ણાંત માણસને જે-તે કંપની આવકારવા માટે હંમેશા તૈયાર હોય છે. અબ્રાહમ લિંકન જેવા મહાનુભાવે બહુ જ સાચી વાત કહી છે કે, ‘ઈન્વેસ્ટમેન્ટ ઈન નોલેજ પેય્ઝ ધ બેસ્ટ ઈન્ટરેસ્ટ – જ્ઞાનમાં કરવામાં આવેલું રોકાણ તમને સહુથી વધારે વ્યાજ કમાવી આપે છે.’

હમણાં એક સર્વેમાં વાંચવામાં આવ્યું તે પ્રમાણે જાણીતા બિલિયોનર બિલ ગેટ્સ વર્ષના પચાસ પુસ્તકો વાંચી નાખે છે. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો ‘વાંચન એ તેમની કૂતુહલતા સંતોષવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે.’ આપણને સહુને ઘેલું લગાડનાર ફેસબૂકના સ્થાપક માર્ક ઝૂકરબર્ગ પણ વાંચનના આગ્રહી છે. તેઓ વર્ષમાં ચોવીસથી પચીસ પુસ્તકો વાંચે છે, જ્યારે વોરેન બફેટ તો દિવસનો ૮૦% સમય પુસ્તકો પાછળ જ વિતાવે છે. તેમણે પોતાના વાંચન અંગેના શોખ વિશે એકવાર સરસ વાત કહી હતી, ‘હું વાંચુ છું અને વિચારું છું. હું સતત વાંચવાનું અને સાથોસાથ વિચારવાનું કાર્ય કરતો જઉં છું. એ રીતે બીજા લોકો કરતાં હું ધંધામાં લાગણીશીલ નિર્ણયો ઓછા લઈ શકું છું જે સરવાળે મને સફળતા અપાવે છે.’

બર્કશાયર હાથવેના સીઈઓએ એકવાર તેમની સફળતા વિશેનું રહસ્ય પૂછતાં તેમણે બૂકશેલ્ફમાં ગોઠવેલા પુસ્તકો તરફ આંગળી ચીંધતા જણાવેલું કે, ‘હું દરરોજ આમાંથી ૫૦૦ પેજ વાંચુ છું. એમાંથી મળતું જ્ઞાન ચક્રવૃધ્ધિ વ્યાજની માફક સતત વધતું રહે છે.’ જો આવી જાણીતી હસ્તીઓ પુસ્તકોનું મહત્વ સમજતી હોય તો આપણે શા માટે પાછળ રહેવું જોઈએ.

સમય દરેક ક્ષણે વધુ ઝડપથી પરિવર્તન પામી રહ્યો છે. હજી કાલ સુધી કીપેડ વાળા મોબાઈલ જેમના માટે નવા-સવા હતા તેમના હાથમાં આજે સ્માર્ટફોન રમવા લાગ્યા છે. કાગળની નોટોથી વ્યવહાર કરનાર આપણે મોલમાંથી ક્રેડિટકાર્ડ દ્વારા શોપિંગ કરતા થઈ ગયા છે. ટેક્નોલોજીના માધ્યમ થકી જાતે કરવા પડતા ઘણા કામ હવે ચપટી વગાડતામાં થવા લાગ્યા છે. આ જ્ઞાન ક્યાંથી આવે છે? કૂતુહલતામાંથી. આ કૂતુહલતાને પોષવાનું કામ વિચારો કરે છે. માનવીને સુલભ થાય તેવો આઈડિયા આ વિચારપ્રક્રિયામાંથી જન્મે છે. પુસ્તકો આ વિચારોને પ્રોત્સાહન પૂરું પાડે છે. પુસ્તકોમાં આપવામાં આવેલી માહિતી આપણા મગજમાં ચાલતા વિચારોને ચોક્કસ દિશામાં લઈ જવામાં મદદ કરે છે.

એ સ્વાભાવિક વાત છે કે દરેક વિષયનું જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી ગ્રહણ નથી થતું પણ આ જ્ઞાનને સાચવવાનું અને ફેલાવવાનું કામ પુસ્તકો કરે છે. પુસ્તકો સંગ્રહાયેલી માહિતી જીવંત વ્યક્તિમાં ટ્રાન્સફર કરીને એક શિક્ષકની ગરજ સારે છે. કોમ્પ્યુટરની શોધ અને તેના પ્રોગ્રામો અંગે પુસ્તકોમાં સાચવવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને કોઈ ઘરબેઠાં તેને રીપેર કરવાનું કામ શીખી શકે છે અને તેના દ્વારા પૈસા કમાઈ શકે છે. ઈતિહાસ અંગેના પુસ્તકો ભણીને તેમાંથી મેળવેલા ઉંડા જ્ઞાનનો ઉપયોગ કરી કોઈપણ આર્કિયોલોજીસ્ટ બની શકે છે. કહેવાય છે કે શિક્ષકે આજીવન વિદ્યાર્થી બની રહેવું પડે છે. સતત બદલાતી જતી શિક્ષણવ્યવસ્થા વચ્ચે બદલાતા જતા પાઠ્યપુસ્તકો સાથે અનુકૂળ થવા તેમણે સતત પુસ્તકો વાંચતા રહેવુ પડે છે.

આમ, પુસ્તકોના નિયમિત વાંચનથી માનવમનના અનેક પડળો ખુલતાં જાય છે. વિવિધ પ્રકારના જ્ઞાનનો ભેગો થયેલો સંગ્રહ જીંદગીને એક નવી જ દ્રષ્ટિથી જોવાનું શીખવાડે છે. એક સારું પુસ્તક માણસમાં પરિવર્તન લાવવામાં સક્ષમ છે. સારા પુસ્તકોના વાંચનથી માણસમાં હકારાત્મકતાનો આત્મસંચાર થાય છે. તમે કૂવામાંના દેડકા ન બની રહેતા વિશ્વને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂં કરો છો. આ નવો દ્રષ્ટિકોણ તમને નવા વિચારો આપે છે. આ જ વિચારોમાંથી એકાદ વિચાર પણ તમારા જીવનને ધન્ય બની રહે છે.

કોઈને સ્વાભાવિક સવાલ થાય કે માત્ર પુસ્તકો વાંચવાથી કઈ રીતે ફાયદો થાય તો તેમના માટે એક સરસ વાક્ય છે, ‘સફળતા માટે કોઈ લીફ્ટ નથી, તેના માટે દાદર જ ચડવા પડે.’ પુસ્તકો માત્ર દિશાસૂચન કરી શકે છે, એ દિશામાં ચાલવાનું કામ તો આપણે જ કરવું પડે છે. શિક્ષક ગણિતના દાખલા શીખવાડી શકે પણ નોટબૂકમાં દાખલા તો વિદ્યાર્થીએ જાતે જ ગણવા પડે છે. પુસ્તકોના માધ્યમથી મળતા જ્ઞાનનો ઉપયોગ આપણી સમજશક્તિથી રોજબરોજના જીવનમાં ન કરીએ તો તેનો કશો અર્થ સરતો નથી. પુસ્તકો વાંચવાથી શીખવા મળે છે પણ તેનો મતલબ એવો હરગીઝ નથી થતો કે માત્ર પુસ્તકો વાંચવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવથી મળતું પ્રત્યક્ષ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે પણ પુસ્તકો થકી બીજાના અનુભવો વિશે પણ જાણવા મળે છે જે પરોક્ષ રીતે જ્ઞાન મેળવી આપે છે.

કોઈપણ પુસ્તકો આપણને ત્યારે જ મદદ કરી શકે જ્યારે આપણે ચોક્કસ પ્રકારના પુસ્તકોની શા માટે જરૂર છે તેની જાણ હોય. પુસ્તકો આપણા માનસિક વલણમાં બદલાવ કરીને આપણને પરિસ્થિતિને અનુકૂળ થઈને કેવા નિર્ણયો લેવા તે માટે મદદરૂપ થઈને આપણને જીવનની મનગમતી દિશા સુધી પહોંચાડે છે. પરંતું પુસ્તકોનું માત્ર ઉપરછલ્લું વાંચન સફળતા ન અપાવી શકે. વાંચનનો જીવનમાં ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો આજથી નિયમ કરીએ કે અઠવાડિયાનું એક પુસ્તક આપણે ચોક્કસ વાંચીશું જ. વાંચશો ને ???

લેખક : ધવલ સોની

દરરોજ આવી ઉપયોગી અનેક પોસ્ટ વાંચો ફક્ત આમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ???

ટીપ્પણી