સ્વપ્નમહેલ – લેખકે ખૂબ દર્દ અને સત્ય રેડી દીધું છે આ વાર્તામાં…

“સ્વપ્નમહેલ”

ઝીણોઝીણો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. વીજળીના ચમકારામાં શહેરભરમાં ફેલાઈ ગયેલી રતાશ નજર આવી રહી છે. રડીરડીને લાલ થઈ ગયેલી મારી આંખમાંથી આંસુઓ વહેતા બંધ થઈ ગયા છે પણ પીડાઓનું વહેવું હજી અવિરત ચાલુ છે. રાતના સન્નાટામાં બોઝીલ થઈ ગયેલી આંખોને હવે લાગ્યો છે થાક અને વારંવાર બંધ થઈ રહેલા પોપચામાંથી આખુંય દ્રશ્ય ધુંધળું-ધુંધળું નજર આવી રહ્યુ છે.

વર્ષોથી બંધ પડેલા ખંડેર સમા મારા દિલના પડું-પડું થઈ રહેલા મકાન પર મારી નજર પહોંચી ને ત્યાં જ વેરાઈ ગઈ. બળી ગયેલી ઇચ્છાઓની રાખ આખાય મકાનને જાણે કે ઘેરી વળી છે. કોઇ અંધારી ગુફામાં ગરકાવ થઈ ગયું હોય એમ એ ભુતિયા મકાન પોતાનો રાક્ષસી વિસ્તાર ફેલાવીને ઉભું છે. કોણ માને કે સળગીને રાખ થઈ ગયેલી ઇચ્છાઓની પેલે પાર વર્ષો પહેલા એ એક મહેલ હતો. નાદાનિયતભરી કલ્પનાઓથી સજાવેલો મહેલ કે જેના ઝરુખામાં સાંજ પડ્યે હું રાહ જોતી મારા મનગમતા રાજકુમારની. જેની વાટ નીરખતી, હું લખતી રહેતી પ્રેમપત્રો અને દિલના ખૂણે મારા અરમાનો હેઠળ છુપાવી દેતી. મારા એ મહેલમાં મેં જ બનાવેલા બગીચામાં ફુલો સંગે એ રાજકુમારની હું વાતો કર્યા કરતી.

વર્ષો પહેલાં હ્રદયના એકખૂણે ઉમટતી મારી ઇચ્છાઓ અને લાગણીઓથી બનેલો એ સ્વપ્નમહેલ આજે એકલતાનો અંચળો ઓઢીને ખંડેર બની ઉભો છે. તેના જીર્ણશીર્ણ થઈ ગયેલા બંધ કમાડ સુધી પહોંચતામાં તો હું કેટલું હાંફી ગઈ.. કેટલું અસહ્ય હોય છે વીતી ગયેલી પળને ફરી જીવવાનું ! જે પીડા સહન કરતાં વાચા હણાઈ ગઈ હોય એ જ પીડા ફરી જીરવવાની ? મને મારા પર રહીરહીને આવતો ગુસ્સો મને સવાલ કરે છે કે કેમ તે વિરોધ ના કર્યો અને શા માટે મેં સહન કરી લીધી એ બધી પીડાને. શું એક સ્ત્રી હોવાને કારણે તારે અત્યાચાર સહન કર્યે જવાનાં? શું તારી પોતીકી જીંદગીનું કોઈ અસ્તિત્વ નહીં? સવાલો મોઢું ફાડીને ઉભા હતાં. હું એ વખતે પણ નિઃસહાય હતી અને અત્યારે પણ નિઃસહાય ! પડછાયાથી માણસ વળી શી રીતે ભાગે. હું બહારથી ભાગી ન શકી, પણ અંદરથી ભાંગી જરૂર પડી.

કેટલીય યાતનાઓ જીરવીને, એ અસહ્ય વેદનાને ચીરીને હું એ કાળમીંઢ દરવાજા સુધી પહોંચી. કરોળિયાના ઝાળાથી ઢંકાઈ ગયેલી ક્ષણો દરવાજા પર કોતરાયેલી પડી છે. કાટ ખાઈ ગયેલો સમય હજી પણ મિજાગરામાંથી બહાર નીકળી શક્યો નથી. હું લાચાર બનીને ધક્કો મારું છું અને જીર્ણશીર્ણ થઈ ગયેલા એ બંધ કમાડની સાથે ખુલી જાય છે જૂના દિવસો મારી નજરની સામે.

એ આવ્યો હતો હવાઈઘોડા પર સવાર થઈને મને લેવા માટે. હા એ જ. મારા સપનાનો રાજકુમાર કે જેના માટે આજ સુધી તલસી રહી હતી મારી નજરો. એને જોતાની સાથે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના વાંકળિયા વાળમાં જાણે કે મારી નજરો જ અટવાઈ ગયેલી. એણે માત્ર મારો હાથ ચૂમ્યો અને હું તો સીધી તેના બાહુપાશમાં.

તેની આંખોમાં રમતાં પ્રેમપંખીને મેં તો ચાહ્યા કર્યું અનંતકાળ સુધી.
તેની ખુલ્લી છાતી પર માથું ઢાળીને મારા હૈયાનું કાળજીથી જતન કર્યા કર્યું. એની આંખોમાં મારા સપનાઓ વાંચતી અને ગદગદિત થઈ ઉઠતી. એના ગરમગરમ હોઠ પર મારા સંવેદનાઓ છૂટી મુકી દેતી. મારી જાત, મારું સર્વસ્વ મેં અર્પણ કરી દીધું હતું તેને અને ખોવાઈ ગઈ હતી તેનામાં . જતન કરેલી કેટલીય આશાઓ જ્યારે ઉમળકા સાથે આવેગોની ચરમસીમા પર હતી ત્યારે કશોક સળવળાટ થયો, કશુંક ખૂચ્યું અને બીજી ક્ષણે તો પેટમાં જાણે પતંગિયા ઉડી રહ્યા હોય તેવો આનંદ થઈ આવ્યો. હું ભાવવિભોર થઈને મારા રોમરોમમાં વહેતા રોમાંચને અનુભવી રહી. કોઈ જીવનનો ધબકાર મારી અંદર અનુભવી રહી. મેં તેની આંગળીઓને મારા પેટના ભાગે સ્પર્શ કરાવ્યો અને અપેક્ષાથી વિરુધ્ધ તેની આંખમાંથી વ્હાલને બદલે ગુસ્સાની જ્વાળાઓ ફૂટી નીકળી. નસેનસમાં જલન થવા લાગી. લોહીમાં ભળીને વહેતી વીજળીનો અચાનક સ્પાર્ક થયો અને…

ટેબલની એકકોર ખૂણામાં અસ્તવ્યસ્ત પડેલી જીવનડાયરી. તેના પીળા પડી ગયેલા પાનાઓ વચ્ચે અમારા પ્રેમની નિશાની સમું ગુલાબનું ફૂલ. અક્ષરો અને શબ્દો વચ્ચે ફસાઈ ગયેલી અમારી નિખાલસતા. ક્યારેક કોઈ પળે મુગ્ધ પ્રેમ હતો તેની ચાડી ખાતા પ્રેમપત્રો. બે હોઠના મિલનક્ષણનો સાક્ષી બનેલો કોફીમગ. એકમેકના સહવાસ થકી આનંદની પરમસીમાએ જીવનમાં ઘણું મેળવ્યું હતું પણ જે ગૂમાવવું પડ્યું એ ફરી કદી મળી શકે તેમ ન હતું. બંને કિનારેથી વહેલી સંવેદનાઓ જીવનની એક કપરી ક્ષણે નિઃસ્વાર્થ હોવાની ભાવના ગૂમાવી બેઠી. ચહેરા પાછળ રહેલું મહોરું છતું થયું ને સમય જાણે કે પેલા કોફીમગમાં જઈને સ્તબ્ધ બની ગયો.

કલ્પનાઓ થકી સજાવેલા અમારા સપનાઓનો આ મહેલ જ્યાં વર્ષો પહેલા વ્હાલપના સૂર રેલાવતી શરણાઈ હવે શૂળ બનીને હૈયામાં ભોંકાતી રહી હતી. મારી આંખમાં ભરાઈ ગયેલા આંસુની વચ્ચેથી મેં જોયા કર્યુ એ દરવાજાની પેલે પાર. એક રસ્તો અંદર જતો હતો અને ભળી જતો હતો અંધકાર વચ્ચે. એ અતીતની ધરતીમાં ધરબી દીધેલો રસ્તો – જે રસ્તા પર થઈને મમતા સુધી પહોંચવા માગતી સ્ત્રીઓએ આપવો પડે છે પોતાની જાતને જ પારાવાર વેદનાનો આઘાત. એ રસ્તાની એકકોર પીડાઓનો સાથ અને બીજીકોર ખુશીઓનો સંગાથ.

કાળમાં ખોવાઈ ગયેલા સમયની બલિહારી કહો કે ગમે તે. આજે અચાનક આટલા વરસોની મહેનત પછી એ દરવાજા ફરી ખુલ્યાં. એ રસ્તા પર મારો પગ પડ્યો અને કાળજું કંપાવી દે તેવા દુઃખભર્યા કષ્ટદાયક પ્રસંગોની એક યાદ હ્રદયને ચીરતી પસાર થઈ ગઈ. મારી નજર સામેનું અંધકાર મને ખાવા દોડતું હોય એમ મને લાગ્યું. મેં નજર ફેરવી લીધી. મને લાગ્યું કે એ અંધકારના ઊંડાણમાંથી કોઇનો ઝીણોઝીણો અવાજ મારા સુધી પહોંચી રહ્યો છે. એક મીઠો કલરવ જાણે કે કાનને શાતા પહોંચાડી રહ્યો હતો. મારી ઇચ્છા એ કલરવને પામવાની થઈ આવી. હું દોડી સાવ ખુલ્લા પગે અને વળગી પડી એ અંધકારને.

ઓહ… એક ચિત્કાર ઉઠ્યો અંતરમાંથી અને અંતરમાં જ ખુપી ગયો. વર્ષોથી બંધ અંધારામાં ગરકાવ થઈ ગયેલાં એ રુમમાં મારી અલપઝલપ કરતી નજર ફરી વળી ચારેકોર. રૂમના ખૂણે-ખૂણે મારા શ્વાસ મથી રહ્યા કોઈ જીવનો ધબકાર અનુભવવા પણ ચારેકોર ફેલાયેલી નિસ્તબ્ધ નીરવતા સિવાય કઈં જ હાથ ન આવ્યું. અન્યાય અને ઉપેક્ષાભર્યા ઘોર કાળા ભેંકાર અંધકારથી ભરાઈ ગયેલો રુમ, છિન્નભિન્ન થઈ ગયેલી લાગણીઓની રાખ પર બનેલો રુમ. જેમાં ફસાઈ ગયેલી અંતરને ગુંગળાવી મૂકે એવી અસહ્ય ગંધાઈ ઉઠેલી બોઝિલ હવા. ઠેરઠેર ઊખડી ગયેલા પોપડા અને ઓગળી ગયેલા સંવેદનવાળી પ્રેમપ્યાસી દિવાલો. તાજી હવા માટે વરસોથી તડપતી ભુખી ડાકણ જેવી બંધ જડ સજજડ બારીઓ. અંતરની ગુલાબ જેવી જમીન પર કોઇના અણછાજતા વ્યવ્હારની કારમી થપાટો જેવી ધૂળની ચાદરો. રુમના ખુણેખુણે ભટકતી વાસનાગ્રસ્ત કીડીઓના રાફડા, મીઠો કલરવ કરતાં પંખીના સુના કરી દીધેલા માળા.

અને… દૂર એક ખૂણા પર ઘણીઘણી યાતનાઓ પછી તુટી પડેલી કાટ ખાઈ ગયેલી એક ફોટાફ્રેમ. જેની નીચે પડેલી અસ્તવ્યસ્ત એક તસ્વીર. ઝીણોઝીણો કલરવ એ તસ્વીર પાસેથી જ આવી રહ્યો છે એટલું સમજાયું અને હું ત્યાં દોડી ગઈ. જે દિવાલને કેટલીય કલ્પનરંગોળીથી મેં સજાવેલી તેના પર ગમતી વ્યક્તિના જડ વ્યવહારના પોપડા જામી ગયા છે.

મેં તસ્વીરને ઉપાડી અને મારી આંખોમાંથી ચોમાસું વરસી પડ્યું ધોધમાર. ઓહ… મારાથી એક ચીસ નંખાઈ ગઈ. હસું કે રડું હું શું કરું.. એ તસ્વીરમાં રહેલું મોહક સ્મિત, મુગ્ધ, નિર્દોષ, આનંદિત અને ખડખડાટ, તાજા ઉગેલા ફુલ જેવું. નાનકડાં બાળ જેવું જ. ના ના બાળકનું જ, અરે મારા જ બાળકનું, મારી જ દીકરીનું, મારી જ એ ઢીંગલીનું કે જેનું મેં જ મારા હાથે.

ઓહ… ચિત્કાર… ચિત્કાર… મારી સપનાની દુનિયામાં ઉછરેલાં મારા જ અંશનું મેં અનિચ્છાએ ગળું દબાવી નાખ્યું અને હું કઈં જ ન કરી શકી. મને ગમતા સ્મિતનું મેં જ ખૂન કરી નાખ્યું. એ તસ્વીરમાં નિર્દોષ આંખોની જગાએ મને ધિક્કારતી બે નજર જોઈ રહી હોય તેવું લાગ્યું. ધિક્કાર થઈ આવ્યો મને મારી જ જાત પર. એ આંખો મને કશું પુછી રહી છે. એ નાદાન નજર મને ચીરી રહી છે. એ સ્મિત વ્યંગ કરી રહ્યું છે મારી હાલત પર. હું દિવાલો પર માથું અફાળું છું. મારા વાળ ખેંચુ છું. મારા લીધે એ નિર્દોષ સ્મિતનું જીવન છીનવાઈ ગયું.

મેં સજાવેલી દિવાલો પર અત્યારે તેના લોહીના ડાઘ નૃત્ય કરી રહ્યા છે. અને એ લોહીના ખાબોચિયામાં ડૂબી રહી છે એ તસ્વીર, એ સ્મિત, એ મને જોઈ રહેલી તીક્ષ્ણ આંખો. મારી નજર સામે એ તસ્વીર ડૂબી રહી છે. હું લોહીભીની ત્યાં જ ઉભી છું અને દિવાલો પર લોહીના ડાઘ જાણે કે મારી ઉપેક્ષા કરી રહ્યા હોય એમ મારી સામે ચિત્રવિચિત્ર આકારો ધરીને મને ડરાવી રહ્યા છે. હું દિવાલથી દુર એક ખૂણામાં ધસી જાઉં છું ને ત્યાં તો જાણે કે આખો અંધાર ખોવાઈ જાય છે.

આ કેવી દુનિયા ઉભી થઈ રહી છે મારી નજર સામે. એક એવી દુનિયા જ્યાં ફેલાયેલી છે માત્ર ખુશી જ ખુશી. પંખીઓ જાણે કે પાંજરા તોડીને ઉડી નીકળ્યા. ધરતીમાં ધરબાયેલું ફુલ વર્ષો પછી ઉગી નીકળ્યું. સંવેદનાનો ડૂબી ગયેલો સૂરજ વર્ષો પછી જાણે ઉષા સંગે મહાલવા નીકળ્યો. દાયકાઓથી બરફમાં થીજી ગયેલી સુષુપ્ત લાગણીઓ જાગી ઉઠી. ચારેકોર આનંદ જ આનંદ… મંદમંદ વાતા પવનની અસર તળે ફરફરતું પેલું ફુલ, એના રસનો આસ્વાદ લેવા નીકળેલા ભમરાઓ, પવનના ફરફરાટ થતા મંદ સંગીતના તાન નીચે ગીતો ગાતી વૃક્ષની ડાળીઓ અને પાંદડીઓ.

અહા.. આખી દુનિયાથી અલિપ્ત થઈને ઉતરી આવી એક નવી દુનિયા. આ દુનિયાથી પેલે પાર મેધધનુષી રંગોવાળા બગીચાઓ. એ બગીચાઓમાં આમતેમ ઉડતા ફરકતા રંગબેરગી પતંગિયાઓ. હું તો ઘડીભર જોયા કરું છું ને મનોમન એ સ્વર્ગમાં મારી કલ્પનાના ઘોડા દોડાવ્યા કરું છું. આ દુનિયાની પેલે પાર સુંદર સ્વર્ગમાંથી ઉતરી આવેલી અને ધરતીની પ્રકૃતિનો રસાનંદ લેવા નીકળેલી અપ્સરાઓ. હું તો દિગ્મૂઢ બની નિહાળ્યા કરું છું. મારી આંખમાંથી ખરી પડે છે એક ખુશીનું આંસુ. એ અપ્સરાઓ વચ્ચેથી આંખો અંજાઈ જાય એવી રૂપરરૂપના અંબાર સમી એક દૈવીય અપ્સરાના હાથોમાં કશુંક છે. જેના પ્રકાશમાં મારી આંખો અંજાઈ રહે છે. હું તો એને નીરખ્યા જ કરું છું. એક નાનકડું સુંદર બાળ.

દૂરદૂરથી આવતો કલરવ એકદમ નજીકથી આવતો સંભળાય છે.
પ્રકૃતિના ચારેકોર ફેલાયેલા આનંદના કેન્દ્રમાં જાણે એ સ્મિત રહેલું એમ એ નાનકડું બાળ પેલી અપ્સરાના હાથમાં ઉછળકૂદ કરી રહ્યું છે. એ જ મુગ્ધ, નિર્દોષ, પ્રેમાળ, ખડખડાટ સ્મિત જેની મેં વર્ષોથી આશા સેવી છે. આખી પ્રકૃતિ એ સ્મિતના આનંદમાં મશગુલ થઈને નાચી રહી હતી. એ અપ્સરા પોતાના હાથ લંબાવે છે મારી સામે અને હું મારી વર્ષોથી રહેલી ચાહતને મારી પાસે આવતાં જોઈ રહી છું.

મનોમન બોલી ઉઠું છું કે મારી ઢીંગલી તને વ્હાલ કરવા હું આવી જ રહી છું તારી પાસે પણ… હું દોડી નથી શકતી. મારા પગ ચાલી નથી શકતાં. જાણે ધરતીમાં જ જડાઈ ગયા હોય તેમ તે તસુભાર પણ હલી શકતા નથી. મારા પગ પર જડેલી બેડીઓ, મારા હાથ પર બેડીઓ. ઓહ. મને કોણે જકડીને રાખી છે?

છોડો મને… જાવા દ્યો ને… મને જાવા દ્યો ને મારી ઢીંગલી પાસે… મારી છાતીમાં ઉમટી રહેલા દુધના સાગરથી મારી દીકરીને નવડાવવી છે. એના કોમળશા ગાલને મારે ચુમીઓથી ભરી દેવા છે. એ અપ્સરા મને કહી રહી છે કશુંક. મારી આંખમાં વર્ષોથી સમાયેલા સ્વપ્નને પ્રકાશપૂંજમાં સમાવીને લઈ આવી છે એ મારા માટે. એ નાનકડી બાળને મારા હાથોમાં લઈને રમાડવી છે. એની કોમળ આંખોને મારે ચૂમવી છે. તેના ધબકારને મારા ધબકાર સાથે એકાકાર કરવો છે. આ કલરવ મારે સાંભળ્યે રાખવો છે કાયમ માટે.

સમયની ઘડીએ કરવટ બદલી હોય તેમ અચાનક બધું સ્તબ્ધ થઈ જાય છે. શું થઈ રહ્યું છે તે ખ્યાલ આવે એ પહેલા પેલા નાનકડા બાળનું હ્રદય ધબકાર ચૂકી જાય છે. કલરવ મૌન ચીસોમાં બદલાઈને મારા કાનમાં પડઘા પાડી રહે છે. નાનકડી બે આંખો કાયમ માટે બંધ થઈ જાય છે. હું સમજી નથી શકતી કે આ શું થઈ ગયું. ક્યાં ગયું એ સ્મિત, કલરવ કેમ બદલાઈ ગયો રુદનમાં.

લોહીલુહાણ અપ્સરા તડપ્યા કરે છે મારી આંખ સામે અને હું નિઃસહાય. સફેદ કોટ પહેરેલા એ રાક્ષસ મારી ઢીંગલીનું જીવન છીનવીને જઈ રહ્યો છે અને હું પહેલાની જેમ કશું નથી કરી શકતી. કાળા ધુમ્મ્સમાં ધીરે ધીરે બધું ખોવાતું જાય છે. એ ખડાખડાટ હાસ્ય, એ પંખીઓ, એ ફુલ, ભમરાઓ અને પતંગિયાઓ, એ સુરજ બધું ગાયબ થઈ રહ્યું છે.

અપ્સરાઓ લોહીભીની હાલતમાં ખેંચાઈને પાછી જઈ રહી છે. ‘અરે સાંભળો, મને મારી દીકરી તો સોંપતા જાઓ.’ હું ચીસો પાડુ છું પણ સાંભળવાવાળું કોઈ નથી. પંખીની પાંખો કપાઈ ગઈ. ફુલ કરમાઈ ગયું અને સંવેદનાઓ છળી મરી. ભમરાઓ દિશા ભુલી ગયા અને પતંગિયા બળી મર્યા. સાગરની લહેરો સુકાઈ ગઈ ને મંદ મંદ પવન ખોવાઈ ગયો. સુરજ છુપાઈ ગયો કાળા ભેંકાર અંધકારના ઓળા તળે હંમેશ માટે. પેલા ખાબોચિયામાં બધું જાણે કે ડૂબી ગયું છે. કોઇએ છીનવી લીધી ખુશી અને અંધાર છવાઈ ગયો ચારેકોર. સમગ્ર જગ્યાએ વેરાન અને ડરામણી શાંતિ…

મારા લોહીભીના હાથે હું ફંફોસ્યા કરું છું એ રૂમના ખૂણેખૂણાં પણ મને એ સ્મિત હવે મળતું નથી. એ હાસ્ય સાથે મારું પણ હાસ્ય વિલાઈ ગયું. મારા કાળજાના કટકાના ખરેખર કટકા થઈ ગયા. મારા જીવનનો અંશ એક સફેદ કોટવાળા રાક્ષસના વિશાળ હાથના પંજા વચ્ચે ખતમ થઈ ગયો, જન્મતા પહેલા હંમેશ માટે.

અને આ ખડખડાટ હાસ્ય કોનું? હું માનું છું કે પેલા રાજકુમારનું તો ના હોઈ શકે, પણ અફસોસ. આ વ્યંગહાસ્ય એ મારા જ રાજકુમારનું જેના થકી મેં સ્વપનમહેલ બનાવ્યો હતો. તેણે જ મારા એ મહેલને ખંડેર બનાવી નાખ્યો.

હું ચીસ પાડી ઉઠી. મારી ચીસોને કારણે દિવાલો ધ્રુજી ઉઠી પણ એ રાજકુમારના પેટનું પાણી પણ ન હલ્યું. ઉલટું એ હસતો રહ્યો ખડખડાટ અને હું અચાનક બેઠી થઈ ગઈ.

ઓહ…એક ભયાનક સપનામાંથી જાગી હોય એમ ડરી ગઈ. બે ઘડી શ્વાસ લેવામાં પણ જાણે શ્રમ પડતો હતો. ગળામાં પાણીનો સોસ પડી રહ્યો હતો. પરસેવે રેબઝેબ મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને ભૂતકાળમાંથી બહાર આવી. મેં બારી બહાર જોયું તો શેરીમાં વરસાદનું જોર ઘટી રહ્યું હતું અને મારી આંખોમાં આંસુઓનું. શહેરભરમાં હમણા થોડીવાર પહેલાં છવાયેલી રતાશનું સ્થાન પરોઢ લઈ રહી હતી.

અટકાવીને રાખેલી બારી અત્યારે ફટ્ટાક ખુલ્લી થઈને પવનમાં આમતેમ અફળાતી હતી. આમ જૂઓ તો મારી પણ હાલત પણ એવી જ ને. હું પણ કોઇની ઇચ્છાઓની ગુલામ બનીને સમાજના નિયમોમાં આમતેમ અફળાયેલી રહી ગઈ. મારી ઇચ્છાઓ રાખ બનીને આ વરસાદના પાણીમાં ક્યાંય વહી ગઈ હશે.

સામે દિવાલ પર એક તસ્વીરમાં નાનકડા બાળકનું મૃદુ નિર્દોષ સ્મિત મને હજી પણ દેખાઈ રહ્યું છે પણ બાજુમાં ઓશીકાને વળગીને સુતેલાં રાજકુમારના નસકોરામાં એ સ્મિતનો અવાજ મારા કાન સુધી પહોંચતો નથી. હું ચીસ પાડી ઉઠું છું પણ મને મારો અવાજ પણ સંભળાતો નથી.

લેખક : ધવલ સોની

ખૂબ દર્દ છે આ લેખકની આજની વાર્તામાં મારાથી તો રડી જવાયું…

લાઇક કરો અમારું પેજ દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે.

ટીપ્પણી