લગ્નના થોડા વર્ષો બાદ એક પતિએ લખેલો તેની પત્નીને ખુબ લાગણીસભર પત્ર…

Attractive young Indian couple on a date.

પ્રિય જાનુ,

‘જાનું’ સંબોધન સાંભળીને નવાઈ જરૂર લાગી હશે. લાગે જ ને! આજે વર્ષો પછી તને પ્રેમપત્ર લખી રહ્યો છું તે મારા માનવામાં પણ નથી આવી રહ્યું. જવાબદારી અને સમજદારી વચ્ચે ઝોલા ખાતા આપણે હોંશિયાર માણસો હવે ચોવીસે કલાક પહેલા જેવો નિખાલસ પ્રેમ નથી કરી શકતા ત્યારે આ રીતે દિલથી સંબોધન કરવાની તો વાત જ દૂર રહી. દિવાલોને પણ કાન હોય છે તે ન્યાયે ઘરના નિયમો-રીતભાત અને વડીલોની આમન્યા વચ્ચે ધીરેધીરે કેળવાતા જતા પ્રેકટીકલ જીવનના કોઇ ખૂણે હજી પણ આપણો એમેચ્યોર પ્રેમ ધબકતો રહ્યો છે. બારણાની આડશે કે ઘરના કોઈ એકાંત ખૂણે આપણો એ પ્રેમ હજી સાબૂત રહી શક્યો છે. વ્યસ્ત સંસારમાંથી મળી જતી કે ચોરી લેવાતી એકાંત ક્ષણોમાં ઈશારાઓથી થઈ જતી મીઠી વાતો થકી પ્રેમ હજી પણ મધૂરો રહ્યો છે.

ધીરોધીરો મહેંકતો પ્રેમ જાણે ફિનિક્ષ પંખીની જેમ બેઠો થયો હોય તેમ મને ઈચ્છા થઈ આવી કે ‘ચાલ ને ! વર્ષો પછી આજે તને એકાદ પત્ર લખી મોકલું. સગાઈ અને લગ્ન વચ્ચેના ગોલ્ડન સમયમાં કાબૂ બહાર વહેતી ઝંખનાઓને શબ્દોમાં લપેટીને આપણે એકબીજાને મોકલી આપતા હતા તે દિવસ યાદ આવી ગયો અને થયું કે ફરી એ જૂના દિવસને પાછો ધબકતો કરી આવીએ. જે હૈયાને તે તારા વ્હાલમાં વીંટાળીને સાચવી લીધું તે હૈયાનો રોમાંચ તને લખી મોકલું. કાગળ પર આજ સુધી લખીને મોકલેલી લાગણીઓને પહેલીવાર ડિઝીટલ વે માં તારા સુધી પહોંચતી તો કરું.’

સમય ઘણું ભૂલાવી દેતો હોય છે. વર્ષો પહેલા તારા પ્રેમમાં ભાવભીના થઈને કાગળ પર અવિરત વહેતા શબ્દો હવે અંધારામાં ખોવાઈને જાણે દિશા ભટકી ગયા છે. તારા પ્રેમને મારી સંવેદનાનો શણગાર આપવા મારે મહેનત કરવી પડે તે વાત પર મને વિશ્વાસ નથી થઈ રહ્યો.

આટલા વર્ષોએ શબ્દોની શરણાઈ કદાચ સૂર ચૂકી ગઈ હોય પણ પ્રિયે.. મારી લાગણીઓની વહેતી નદી પોતાની ગતિ કદી ચૂકી નથી. મારા જીવનની એકમાત્ર દિશા તું છે. મારી અંદર રહેલા પ્રેમતરસ્યા માણસની ચાહત તું છે. તું છે તો હું છું. તું છે તે જ મારા હોવાપણાની સાબિતી છે. તું છે તો જીવન છે. તારા વગરના જીવનની કલ્પના પણ ન થઈ શકે. તું મળી છે તો જીવનનો અર્થ સમજાયો છે. મારા શ્વાસ લેવાનું મહત્વ સમજાયું છે. મારા અસ્તિત્વનો અડધો ખેલ સમજાયો છે.

એકાંતપ્રેમી આ માણસને તારા વગરની એકાદ ઘડી પણ એકલતાભરી લાગે તે તારા પ્રેમની સાબિતી છે. તારા હોવાપણાથી ભર્યુભાદર્યુ લાગતું ઘર તારા ગયા પછી સૂનું મકાન બની જાય તે તારા પ્રેમની સાબિતી છે.

તારી હાજરીમાં શબ્દોથી કદી કહી નથી શક્યો તે દરેક અકથ્ય લાગણીઓ તારા ગયા પછી મારા મનનો કબજો લઈ લે છે અને વિહવળ બનાવી દે છે. તારી હાજરીથી દિલમાં ઉષ્મા વહેતી રહે છે જે વાત હું તને કદી કહી નથી શક્યો. જો કે આપણી વચ્ચે લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરત કદી ઉભી નથી થઈ. પહેલીવારની મુલાકાત પછી આંખોથી જ એકબીજાની ભાષા વાંચી શકવાની આ ખૂબી હું તારી પાસેથી તો શીખ્યો છું.

પ્રેમમાં નાની નાની ક્ષણો પણ મોટી અસર છોડી જાય છે. શહેરમાં રહેતી હોવા છતાં તે શહેરને પૂરું જોઈ ન શકવાનો પ્રગટ કરેલો તારો વસવસો એ જ ઘડીએ તારા તરફની મારી પહેલી ફરજ બની ગયેલો. પહેલીવાર બાઈક પર બેસાડતી વખતે તારો હાથ મૂકવા માટે પૂછાયેલો એ પ્રશ્ન અને જવાબમાં મારું એ વ્યંગબાણ, ‘હવે તો જીવનભર મૂકવાનો જ છે.’ અને તારું એ ખડખડાટ હસી પડવું આજે પણ યાદ છે મને. ઉતાવળમાં તને ચોકલેટ પણ ન અપાવી શકવાનો વસવસો હજી પણ ક્યારેક ચચરાવી જાય છે.

શરમના શેરડા સાથે ઝટપટ ખાઈ લીધેલી પહેલીવારની પાણીપૂરીથી લઈને રાતના સાડા ત્રણ વાગે માટલા નીચે રાખેલા ઠંડા તરબૂચ એકબીજાને તુંકારો દઈને આગ્રહ કરીકરીને ખવડાવવા સુધી દરેક ક્ષણોમાં રહેલો પ્રેમ કોણ સમજી શકે!

તને જોવા આવેલી આંખોને શરમ અને સંકોચ સાથે તાક્યા કરતી તારી નજરો મને હજી ભૂલાતી નથી. ફ્રેન્ડશીપ ડે ના દિવસે તને જ્યારે પહેલીવાર જોવા આવ્યો ત્યારથી બધા દિવસ જાણે ફ્રેન્ડલી બની ગયા છે. મારા તને સવાલો પૂછવા અને જવાબમાં તારું એ મધમીઠું મૌન મને આજે પણ હૂબહુ યાદ છે. શહેરમાં રહેતી હોવા છતાં ગામડા જેવી તારી ભોળાઈ પર હું ખરેખર ઓવારી ગયેલો. જોકે દિલમાં ધબકી ગયેલી સચ્ચાઈને લવમેરેજના ખ્વાબોમાં રાચતા દિમાગે ઝાટકી નાખી હતી એ અલગ વાત છે. ભવપારના પુણ્યપ્રકોપ હશે કે આપણી વચ્ચે સંવેદનાનો બંધાઈ ગયેલો અજાણ્યો સેતુ, ખબર આજ સુધી નથી પડી કે એકબીજાને સંપૂર્ણ સમજ્યા વગર આપણે એકમેક સાથે જીંદગી જીવવાના કોલ કઈ રીતે આપી દીધા?! કેમ શું ધબક્યું હશે આપણી એ મુલાકાત વખતે… એ રામ જાણે કે પ્રેમ જાણે.

તને જોવા આવેલો એ ક્ષણથી આ જીવાઈ રહેલી પળ વચ્ચે વીતી ગયેલા જીવનમાં કેટકેટલીય ઘટનાઓ બની ગઈ અને એવું લાગે કે હજી જાણે એ ક્ષણો આપણે જીવવાની બાકી જ રહી ગઈ હોય. હજી એવું લાગ્યા કરે કે તને કાલે તો પહેલીવાર જોઈ હતી મેં. સમય સરકતી રેતની જેમ આપણને લપેટાઈ જાય અને આપણે પેલી રેતની ડબ્બીમાં કાયમ માટે આ દુનિયાથી દૂર એકમેકને વીંટળાઈ પડીએ તેવો અહેસાસ થયા રાખે છે. ઘરના કોઈ ખૂણે દિવાલની પેલે પાર જઈને આપણે એકમેકના આલિંગનમાં કરોડો વર્ષો સુધી જકડાઈ જઈએ તેવી ઈચ્છા થયા રાખે છે. કોઈ સાગરના કિનારે સાવ અડોઅડ હાથમાં હાથ નાખીને બેઠા રહીએ અને વીતતી ક્ષણોને બસ જોયા કરીએ તેવો વિચાર થઈ આવે છે.

આમ જૂઓ તો તું મારી કને જ છે અને આમ જૂઓ તો એવું લાગે કે જાણે જોજનો દૂર. દુનિયાદારીના રંગે રંગાઈ ગયેલા આપણે બે’ય એકબીજાને ક્યારેક અજાણ્યા બનીને પ્રેમ કરીએ છીએ તો ક્યારેક પહેલા જેવા યુવાન હૈયા બનીને પોતાની દુનિયામાં વિચરીએ છીએ. તારા મુગ્ધ હાસ્યમાં હું શોધું છું એ જીવનને જેને તેં વ્હાલપની પેટીમાં મૂકીને પોતાના હ્રદયના ખૂણે ધબકતું રાખ્યું છે. તને જોવું છું ને મારી સવાર નવો સૂરજ લઈને ઉગે છે. તારી ઘેનભરી આંખોમાં મારા પ્રત્યેનો પ્રેમ જોઈને પરોઢની ઝાકળ મને વીંટળાઈ પડે છે. તારું એ મંદમંદ હાસ્ય મને આજે પણ વર્ષો પહેલા વહેતી હવા જેવું નિર્દોષ લાગે છે. આ સ્મિતની માયાજાળમાં ફસાઈને હું કાયમ માટે તારી આંખમાં સમાઈ ગયો હતો.

જો કે મારે તને આજે સાવ અલગ એક વાત કરવી છે. એ વાત છે જીવનસફરની… આપણા પ્રેમસફરની. આ સફર પર એકસાથે કદમ ઉઠાવ્યું છે તો હવે એ સફરને લાજવાબ આપણે જ બનાવવાની છે. પ્રેમભરી આ જીવનસફરમાં ખાડાટેકરા તો આવ્યા કરે પણ એ ઉબડખાબડ રસ્તાએ આપણી સફરની દિશા નથી બદલી નાખી એ જ આપણા ઉંડા પ્રેમની સાબિતી છે. વળાંકોનો રોમાંચ અનુભવતા અનુભવતા આપણે આ સફરને યાદગાર બનાવવાની છે. વર્ષો પહેલા આપણે મળ્યા ત્યારે અજાણતાં થઈ ગયેલા પ્રેમને ટકાવી રાખવા માટે કેટકેટલી જાગ્રતતા જોઈએ તે વાત આપણે બંને સમજીએ છીએ. બસ આ સમજ વચ્ચે પણ દુનિયાથી અલિપ્ત થઈને નાસમજ થઈ પ્રેમ કરતું જવાનું છે. તો ચાલ ફરી એકવાર જૂના દિવસોમાં જોગીબાવાની જેમ ધૂણી આવીએ અને નવા રસ્તે નવી પરોઢ ખીલવીએ.

મારા ચંચળ મનને વશીકરણ કરનારી મેનકા, હું હંમેશા તારો સાથ નિભાવીશ. તને મારા આલિંગનમાં સાચવી લઈશ અને આપણા આ મુગ્ધ પ્રેમને કાયમ માટે મારા દિલના ખૂણે ધબકતો રાખીશ.

વેલેન્ટાઈન નિમિત્તે તારા સ્વીટ સ્વીટ જાન તરફથી.

લેખક : ધવલ સોની
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી