આજે જયારે બધે જ મેરેથોનનું આયોજન થાય છે ત્યારે એક મેરેથોન ખેલાડી આવા પણ…

વહેલી સવારમાં ઝાકળભર્યા ઠંડકવાળા વાતાવરણમાં તમે બગીચામાં કે ખુલ્લા મેદાનમાં જાઓ તો તમને સ્પોર્ટસશૂઝ પહેરીને રનીંગ કરતા હેલ્થ કોન્સિયસ લોકો જોવા મળશે જ. શિયાળામાં તો એવા લોકોની સંખ્યા સ્વાભાવિક રીતે વધી જતી હોય છે. આમ જૂઓ તો દોડવા જેવી કસરત બીજી કોઈ નથી. દોડવાની કસરતથી ફેફસા મજબૂત થવાની સાથે આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધવાથી શરીર સ્વસ્થ રહે છે અને મોટાભાગના રોગો દૂર રહે છે. સવારના કુદરતી વાતાવરણમાં દોડવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ છવાઈ રહે છે. પેલી કહેવત સાંભળી છે ને, ‘પહેલું સુખ તે જાતે નર્યા’.

આજના સમયમાં જેમ સ્પોર્ટસ વિશેની જાગૃતતા કેળવાતી જાય છે તેમ તેમ અનેક શહેરોમાં મેરેથોનનું આયોજન થવા લાગ્યું છે. જો કે આજની ભાગદોડવાળી જીંદગીમાં સતત દોડતા રહેવું એ સહુ માટે મેરેથોન સમાન જ બની ગયું છે એ અલગ વાત છે. આ મેરેથોનમાં બધા મોટેભાગે સ્પોર્ટસશૂઝ અને ટ્રેકપેન્ટ પહેરીને જ દોડતાં હોય છે પણ કદી એવું જોવા મળે કે સાડીમાં સજ્જ ૬૫-૬૬ વર્ષના માજી ખુલ્લા પગે દોડતાં હોય ?

ચોંકી જવાય તેવી ઘટનાની પાછળ માનવામાં ન આવે તેવી સત્ય ઉજાગર કરતી એક દર્દભરી ઘટના છૂપાયેલી છે. બારામતીથી થોડે માઈલ દૂર આવેલા ‘પીંપલી’ ગામના ‘લતા કરે’ની આ વાત સાંભળીને તમારી આંખમાં ભીનાશ છવાઈ જાય તો નવાઈ નહીં !
તેમના વિશે જાણીએ તો ખ્યાલ આવશે કે જીવનમાં હતાશાનો મજબૂત મનથી સામનો કરીએ તો સફળતા અચૂક મળે જ છે.

વાત થઈ રહી છે ૬૭ વર્ષના ‘લતા કરે’ની. જે ઉંમરે ઘરડા લોકો નિવૃત જીવન ગાળતા હોય તે ઉંમરે તેઓ ૩ કિમીની મેરેથોન જીતે તો અચરજ થવું સ્વાભાવિક છે. તેઓ બહુ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમનું કુટુંબ આજથી સાતેક વર્ષ પહેલા બુલધાણામાંથી કામકાજની શોધમાં પીંપલી આવીને વસી ગયું હતું. જો કે ગામ બદલવા છતાં તેમની આર્થિક પરિસ્થિતિમાં કશો બદલાવ આવ્યો.ન હતો. તેમના કુટુંબને આર્થિક મોરચે વારંવાર તકલીફ સહન કરવી પડતી તેથી લતાબેન તેમના પતિ સાથે બાજુના ગામડે ખેતમજૂરનું કામ કરીને દિવસના ૮૦/૧૦૦ રૂપિયા કમાઈ લેતા. ત્રણેય દિકરીઓને નજીકના ગામમાં પરણાવ્યા બાદ તેઓ હાલમાં દસ બાય પંદરની ઓરડીમાં પોતાના પતિ , દિકરા, વહુ અને પૌત્ર સાથે રહે છે.

મેરેથોન વિશે સૌપ્રથમ જાણ તેમને ત્યારે થઈ જ્યારે તેઓ રોજીરોટી માટે કોઈ સાધન શોધી રહ્યા હતા જેથી કરીને તેઓ ઘર ચલાવી શકે. એ રીતે તેમના મેરેથોન દોડવા પાછળ શોખ નહીં પણ મજબૂરી જવાબદાર હતી. તેમના જ શબ્દોમાં જાણીએ તો, “જ્યારે મેં પહેલીવાર મેરેથોન સ્પર્ધા વિશે જાણ્યું તો મને તેમાં ભાગ લેવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. પછી જ્યારે મને ખબર પડી કે તેમાં ૫૦૦૦/- નું ઈનામ પણ છે તો હું એમાં ભાગ લેવાની લાલચ રોકી જ ના શકી. તે સમયે મારા પતિની સારવાર માટે પૈસાની સખત જરૂર હતી. ”

આજથી ત્રણ વર્ષ પહેલા સન ૨૦૧૩ માં જ્યારે તેઓ જ્યારે કોઈ કામ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમના પડોશી ‘સુધિર સાકત’ પાસેથી તેમને જીલ્લાકક્ષાએ યોજાઈ રહેલી ૩ કિમી મેરેથોન વિશે જાણવા મળ્યું. શરૂઆતમાં તો તેમને સંકોચ થયો પણ પડોશીએ તેમને ભરોસો દેવડાવ્યો કે તેમણે સિનિયર સિટીઝન દોડમાં ભાગ લેવો જ જોઈએ.

પહેલી સિનિયર સીટીઝન મેરેથોન જીત્યા બાદ પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, “હું દરરોજ સવારે ચાલવા જતી પણ મેં દોડવાની પ્રેક્ટિસ કદી કરી નહોતી. વળી ગામડાગામમાં એવું કરવાની હિંમત પણ ન થઈ શકે.” જ્યાં બધા સ્પોર્ટસશૂઝ પહેરીને દોડતાં હોય ત્યારે સાવ ખુલ્લા પગે મેરેથોન દોડવા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “મને શરૂઆતમાં તો બહુ સંકોચ થયો હતો. પહેલા મેં ચંપલ પહેરીને દોડવાનું વિચારેલું પણ ચંપલમાં લપસી પડાશે તેવા ડરથી મેં ખુલ્લા પગે જ દોડવાનું નક્કી કર્યુ.”

જ્યાં બધા ટ્રેકપેન્ટ અને શૂઝમાં દોડતાં હોય ત્યારે કોઈપણ પ્રકારના સંકોચ વગર નઉવારી સાડીમાં ૩ કિમી ખુલ્લા પગે દોડવું એ તેમના મનોબળ વિશેનો ચિતાર આપી જાય છે. નઉવારી સાડી જેને ‘કાસ્થા’ કે ‘સકચ્છા’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું નામ તેની લંબાઈ પરથી પડ્યું છે. નવ વારની લંબાઈ ધરાવતી આ મરાઠી સાડીમાં શરીરની મૂવમેન્ટ આસાનીથી થઈ શકે છે. લતા કરે જ્યારે સાડીમાં દોડી રહ્યા હતા ત્યારે ઘણાને વિશ્વાસ પણ નહોતો કે તેઓ મેરેથોન જીતી પણ શકશે પણ તેમણે કરી બતાવ્યું.

પોતે આટલા વૃધ્ધ હોવાથી કે તબિયત ખરાબ થવાથી તેઓ જીતી શકશે કે કેમ તેવો જરા સરખો પણ સંશય તેમને થયો નહોતો. આગલે દિવસે તાવમાં પટકાઈ જવા છતાં તેમણે હાર માની નહોતી. પુત્રએ અને ભાઈએ જવાની ના પાડી તો પણ તેમણે મેરેથોનમાં જવાની જીદ છોડી નહોતી. તેમના પતિ ભગવાનભાઈને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ તેમનો ઉત્સાહ વધારવા મેદાન પર પણ જવા માગતા હતા, પણ હ્રદયની બિમારી હોવાથી તેઓ તેમ કરી ન શક્યા.

પહેલી મેરેથોન જીતવા બદલ કુટુંબીજનો અને ગામવાળાઓએ તેમને વધાવી લઈ ગામમાં જોરશોરથી ઉત્સાહ મનાવ્યો હતો. લતાબેન ખુશીની ક્ષણોને રોકી ન શકતાં આગળ કહે છે, “મારી ચાલવાની પ્રેક્ટીસ મને બહુ કામ લાગી. એ અલગ વાત છે કે મેં દોડવાની પ્રેક્ટીસ નહોતી કરી પણ સવારે દૂધ અને બીજી વસ્તુઓ લેવા માટે, પૌત્રને સ્કુલે મૂકવા-લેવા ચાલીને જવાનું થતું તેથી ફિટનેસ જળવાઈ રહી હતી.”

પહેલી મેરેથોન જીત્યા બાદ લતા કરેએ મેરેથોનમાં ભાગ લેવાનું મૂક્યું નહીં. ઉલટાનું હવે તેઓ વધારે જોશ સાથે દર વર્ષે ભાગ લે છે જેના ઈનામ થકી તેઓ દર વર્ષે કુટુંબમાં આર્થિક રીતે સહયોગ કરે છે. આ ૬૭ વર્ષના માજી આપણને એવું ઘણુંબધું શીખવી જાય છે, જે આપણે આટલી સુખસગવડવાળી જીંદગી હોવા છતાં શીખી નથી શકતાં. સપનામાં પણ વિચાર્યુ નહોતું તે કામ કરવા માટે તેમને કોઈપણ પ્રકારના પોઝીટીવનેસના ક્લાસ લેવા નહોતા પડ્યા કે માઈન્ડવર્ક અંગેના પુસ્તકો વાંચવા નહોતા પડ્યા.

જે મેળવવું છે, માત્ર તેની પાછળ ભાગતા રહો તો એ તમને આજ નહીં તો કાલ મળી જ જાય છે. જીવનમાં ગોલ એટલે કે લક્ષ્યનું બહુ મહત્વ છે. ‘લતા કરે’ ના જીવનનું લક્ષ્ય હતું ઘર ચલાવવા માટે જરૂરી પૈસા જે ઈનામ સ્વરૂપે તેમને મળી શકતા હતા. આપણે પણ આપણા જીવવનું લક્ષ્ય શોધી લઈએ તો સફળતા મેળવવી અઘરી નથી.

લેખન સંકલન : ધવલ સોની

દરરોજ આવી રોચક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી