ચુલબુલી – એક નાનકડી હસતી રમતી દિકરીની લાગણીસભર વાર્તા…

ચુલબુલી

એક મસ્ત પતંગિયા જેવી પરાણે વહાલી લાગે એવી છોકરી… નામ એનું ચુલબુલી! ઉંમર હશે ચારેક વરસની. તેનું સાચું નામ તો કઈક અલગ જ હતું, પણ બધા લાડમાં એને ચુલબુલી જ કહેતા.
આંખોમાં હમેંશા વિસ્મયનો દરિયો જ ભર્યોભર્યો ને હોઠો પર કાયમ માછલી સમી ચંચળતા જોવા મળે, અને દિલમાં થનગનતો રોમાંચ તો પાછો આભને આંબે એટલો. તેના પગની ઘૂઘરીઓ કાયમ રણકતી રહે અને એ ઘુઘરીઓ જેવો તેનો મધુર અવાજ પણ આખા ઘરમાં કિલકિલાટ કરતો હોય.
આખો દિવસ એ મધમીઠું બોલતી રહે. ચકળવકળ થતી તેની આંખો કશુંક નવું શોધતી જ રહેતી હોય. કંઈ પણ નવું જુએ કે તેની આંખોમાં આશ્ચર્યના ઢગ ખડકાતા રહેતા ને ચહેરો પ્રશ્નાર્થચિહ્ન બની જતો. બસ પછી તો શું કહેવું, કુતુહલતાથી પહોળા થઈ જતા તેના હોઠમાંથી સવાલો ના સવાલો નીકળતા રહેતા, જ્યાંસુધી તેના મમ્મી જવાબો દેતા થાકી ના જાય ત્યાંસુધી. તેની આંખોમાં અચરજના પંખી ઉડતા રહેતા ને નાનકડો કંઠીલો અવાજ એ પંખી પાછળ પીંછાની જેમ ખરતો રહેતો.એનો ગોળમટોળ ચહેરો અને માસુમ ભોળપણ જોઇને કોઈને પણ એના પર વ્હાલ આવી જતું. એ હતી પણ એટલી વહાલી!

ઘરમાં આવતા પંખી જોઈને એ એની પાછળ પકડવા દોડતી, આંગણામાં ગાય આવે તો એની મમ્મીનો સાડલો પકડીને એને હેરાન કરતી, કોઈ મહેમાન ઘરમાં આવે ને એ મમ્મીની ઓથમાં છુપાઈ જતી…રાત્રે આકાશમાં તારાઓ જોઇને એ એની મમ્મીને એ સવાલો પૂછ્યા કરતી. એના દરેક સવાલનો જવાબ એના મમ્મી પાસે હાજર જ રહેતો. એ જેટલા તોફાન કરતી એટલી એ વધારે ને વધારે એની મમ્મીને ગમતી, એના મમ્મી એને વહાલ કરતા, રાત પડ્યે એને વાર્તા સંભળાવતા અને જયારે એ વાર્તા સંભાળતી સુઈ જતી ત્યારે એના તોફાન અને એનું ભોળપણ યાદ કરી એના મમ્મીની આંખમાંથી આંસુ ખરી પડતું.

“મમ્મી શું મારે પણ પપ્પા છે?” ને ઘણાવર્ષો પછી પહેલીવાર એ ચુલબુલીના સવાલનો કોઈ જવાબ તેના મમ્મી પાસે નહોતો, રૂંધાઇ ગયેલા ગળામાંથી ના નીકળી શકેલું ડૂસકું પછી આખીરાત એક તસ્વીર પર આંસુ પાડતું રહ્યું. એ તસ્વીરમાં ખભા પર નાની બાળકીને તેડીને એક પુરૂષ જાણે તેને સાંત્વના આપતો રહ્યો. હવે એ ચુલબુલીના સવાલો ધીરેધીરે ઓછા થવા લાગ્યા પણ એની આંખોમાં વિસ્મયનો દરિયો હજી એમ ને એમ જ હતો. એ હવે એના મમ્મીને બહુ સવાલો પૂછીને હેરાન નહોતી કરતી । એ મોટી થવા લાગી હતી.

young girl crying because of headache

અને એક દિવસ એ બહુ ખુશ હતી. તે દિવસે એની વર્ષગાંઠ હતી એટલે એ વહેલા ઉઠી ગયેલી પણ એ એની મમ્મીને ના ઉઠાડી શકી. ઘણું મથવા છતાં કેટલાક જવાબ કાયમ માટે સુઇ ગયા હતા. એને ઘણાઘણા સવાલો કરવા હતા પણ કરે તો પણ કોને? એના ચહેરા પર કુતુહલ તો હતું પણ હોઠ એકદમ બંધ અને સવાલો બધા ધુમાડો બનીને ગાયબ થઈ ગયેલા. સફેદ કપડા નીચે સુતેલી માં ને જોઈ હતપ્રભ બનીને એ “ચુલબુલી” એની પાછળ કોઈના બોલાયેલા શબ્દો સાંભળી રહી,” લ્યો આ બિચારી અનાથ છોકરીને માંડ એક મા મળી હતી, બિચારી પાછી અનાથ થઇ ગઈ.”

લેખક : ધવલ સોની

દરરોજ આવી નાની નાની લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી