વિદાય પહેલાની વિદાઈ – બહેનના લગ્ન અને એનો એકનો એક ભાઈ બંને ખુબ હસ્યા અને…

“વિદાઈ પહેલાની વિદાઈ“

“વાહ! આટલી સરસ સાડી.” રાજે કહ્યું.
“તો પછી બકા વટ છે ને તારી બહેનનો?” ચાંદનીએ કહ્યું.
રાજ ખીલખીલાટ કરીને દાંત કાઢતા કહું, “પણ તારા પર સુટ નહીં થાય. ક્યાં આ સરસ સાડી અને ક્યાં તું? તું લગ્નની આ સાડીનો આખો લુક બગાડી દઈશ તારા લગ્નમાં તેને પહેરીને.”

શેતાનીભર્યા રાજના આ શબ્દો સાંભળી તેની બહેન ચાંદની તેના પર ગુસ્સે થઇ પણ રાજ તેને હેરાન કરીને નાસી ગયો હતો.
અમુક દિવસો પછી ચાંદનીના લગ્ન હતા. ત્યારે કન્યારૂમથી લગ્નમંડપ તરફ બહેનને લઇ જવા રાજ કન્યારૂમમાં ગયો.
દુનિયાની કોઈ પણ થનારી દુલ્હનની જેમ ઘણાબધા વિચારોથી ઘેરાયેલ ચાંદની બેચેન હતી.

રાજે તેની બહેન ચાંદની પાસે ગયો અને તેણે નોંધ્યું કે ચાંદનીના ચહેરા પરથી હાસ્ય જાણે અદ્રશ્ય થઇ ગયું હતું.પલંગ પર બેઠેલ ચાંદની અરીસા તરફ જોઈ રહી હતી. રાજ પણ તેની પાસે બેઠો.

તેણે અરીસા તરફ જોઈને કહ્યું, “એક વાત કહું?” પણ ચાંદની કંઈ બોલી નહીં.
આખરે, અમુક સેકંડોનું મૌન ભાગતા રાજે ચાંદનીની સાડી પકડી અને કહ્યું, “ખુબસુરત લાગે છે.”
પોતાના મજાકિયા ભાઈનો સ્વભાવ ચાંદની જાણતી હતી એટલે તેણે તરત જ રાજને પૂછ્યું, “શું સાડી?”
આંખોમાં આવેલા આંસુઓને રોકીને રાજ હસવાનું ઢોંગ કરતા કરતા અરીસાથી પોતાની નજર ચાંદની તરફ કરીને બોલી ઉઠ્યો, “ના મારી બહેન. તું ખુબસુરત લાગે છે”

આ સાંભળતા જ ચાંદની તેના ભાઈને વળગીને રડી પડી. અમુક ક્ષણો માટે બંન્ને ભાઈ-બહેન હૃદય અને સ્થિતિને હળવી બનાવા પછી રાજ બોલી ઉઠ્યો, “ચાલ હવે રડવાનું બંધ કર નહિતર તારો મેકઅપ ઉતરી જશે અને તારો ચહેરો જોઈ જીજાજી ડરી જશે.”

આ સાંભળતા જ ચાંદની હસી ઉઠી અને તેણે રાજને માથા પર ટપલી મારતા કીધું, “તું નહીં સુધરે.” અને આ સાંભળી રાજ મલકાયો.

કંઈક આવી રીતે, તે ભાઈબહેને વિધિની વિદાઈ પહેલા હસતાં-હસતાં પ્રેમની એક વિદાઈ લીધી હતી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ અવનવી નાની નાની ધવલ બારોટની વાર્તાઓ વાંચો ફકત અમારા પેજ પર.

ટીપ્પણી