નોટ નંબર ૭૮૬ – દિકરીને પોતાની ચાલાકીની ખુશી મળી અને માતાને દિકરી ખુશ હતી એની ખુશી મળી..

“નોટ નંબર ૭૮૬”

“૭૮૬ નંબરની નોટ. અરે વાહ, લાવ ચલ આને હું તિજોરીમાં મૂકી દઉં. ઈર્શાદભાઈને ઈદ પર ભેટ આપવા કામમાં આવશે.” ૨૦૦૦ રૂપિયાની ૭૮૬ નંબરની નોટ મળતા મીરાએ વિચાર્યું.

પછી મીરાએ તે નોટ તિજોરીની અંદરના બોક્સમાં મૂકી અને પોતાના કામે બહાર ગઈ.

મીરા બહાર ગઈ અને ત્યારેજ તેની દીકરી માયરા ઘરે આવીને તેના પિતા રાજને મળી.

“પપ્પા, એક પ્રોબ્લેમ થઇ ગયો છે. હેલ્પ કરો.” માયરાએ કહ્યું.

“શું થયું દીકરી?” રાજે પૂછ્યું.

“બુક્સ લાયા પછી, મમ્મીને જે ૨૦૦૦ રૂપિયા પાછા આપવાના હતા તે ખોવાઈ ગયા. તેણે કાલે રાતે મને પૂછ્યું હતું પણ હું ઊંઘમાં હતી એટલે મેં કીધું સવારે આપીશ. હવે મમ્મી ગુસ્સો કરશે.” માયરાએ કહ્યું.

“અરે, શું ચિંતા કરે છે દીકરી, હું છું ને?” એમ કહીને રાજે પાકીટ ખોલ્યું અને અંદરથી ચાર-પાંચ ક્રેડિટ કાર્ડ નીકળ્યા. રાજ પાસે છુટા-છવાયા પણ ૧૭૦૦ જેટલા રૂપિયા જ હતા. તેની પાસે પાકીટમાં ટોટલ ૨૦૦૦ રૂપિયા નતા.

ત્યાંજ માયરા ટેન્સનમાં આવી ગઈ કારણકે તેણે પહેલા પણ રૂપિયા ખોવા બદલ તેની માતાની દાંટ ખાધી હતી. તેનો ઉદાસ ચહેરો જોઈ રાજ તરત બોલી ઉઠ્યો કે ચિંતા ના કર તિજોરીથી તને ૨૦૦૦ રૂપિયા લઇને હમણાં આપી દઉં છું.
રાજે આ કહી તરત તિજોરી ખોલી અને અંદરથી એક ૨૦૦૦ રૂપિયા કાઢ્યા.

પછી તેણે તે નોટ માયરાને આપીને કહ્યું, “લે બેટા, પણ સાંભળ, તારી મમ્મીને ના કહેતી.”
આ સાંભળીને માયરા તેના પિતાના ગળે લાગી ગઈ. આખરે, ફરી એકવાર તેના પિતાએ મિત્ર બની તેનો સાથ આપ્યો હતો.


મીરા ઘરે આવી અને તેની દસ મિનીટની અંદર માયરાએ ફુલ-ફોર્મમાં આવીને ૨૦૦૦ રૂપિયાની તે નોટ મીરાને આપી અને કહ્યું, “મમ્મી, જો બકા આપણી સાચવણી. નોટ હજુ વાંકી પણ વળી નથી. તારા રૂપિયા પણ મને સાચવવા આપી દે.”
આ સાંભળતા જ પેપરની પાછળ મોઢું છુપાયેલ રાજ તેની દીકરીની માસુમ શેતાની પર હલકું-હલકું હસી રહ્યો હતો. પણ પછી તેને પોતાની હસી પર કાબુ કરી પેપર સોફાની નજીક પડેલા ટેબલ પર મૂક્યું.
આખરે મીરાએ માયરાના હાથમાંથી નોટ લીધી અને કહ્યું, “ધન્યવાદ.”

અચાનક જ તેની નજર નોટ પર પડી. એ તે જ ૭૮૬ નંબરવાળી નોટ હતી જે મીરાએ તિજોરીમાં મૂકી હતી. તેણે માયરા તરફ જોયું જે રાજ પાસે જઈને સોફા પર બેસી ગઈ હતી અને રાજનો હાથ પકડીને ખીલખીલાઈ રહી હતી અને રાજના ચહેરા પર પણ ખુશી હતી.
આ જોઈને મીરાના ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ. તે દિવસે મીરા જાણીને પણ અજાણ રહી કારણ કે બાપ-દીકરીના તે પ્રેમ અને સંપ સામે ૨૦૦૦ રૂપિયા ઘણા ફીકા હતા.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર દરરોજ રાત્રે ૯:૪૪ વાગ્યે…

ટીપ્પણી