મલ્ટી-ટેલેન્ટેડ પતિ – દરેક કપલ ખાસ વાંચે આ વાર્તા અને ફક્ત એક દિવસ આનું અનુકરણ કરી જુઓ…

“મલ્ટી-ટેલેન્ટેડ પતિ”

મિટિંગમાંથી બહાર આવતાની સાથે જ મીરાનું ધ્યાન ઓફિસમાં ટીંગાડેલી ઘડિયાળ પર ગયું.
રાતના 9:30 વાગી ચુક્યા હતા. તેણે તરત જ તેના પતિ રાજને ફોન કરવા માટે પર્સમાંથી ફોન કાઢ્યો.
પરંતુ ફોનની બેટરી પતી ચુકી હતી.
તે પરેશાન હતી કારણ કે હજુ તો તેની ઓફિસની જવાબદારી પુરી થઇ હતી. ઘરે જઈને જમવા બનાવાની એક ગૃહિણીવાળી જવાબદારી બાકી હતી. એક્ટીવાને થોડી સ્પીડમાં ચલાવીને આખરે તે ઘરે પહોંચી. મનમાં ઘણા પ્રશ્નો હતા કે તેનો પતિ રાજ ગુસ્સે થયો હશે.
એક તો ઓફિસમાંથી લેટ, મોબાઈલ બંધ અને તેમાં પણ પાછું રાજ માટે જમવા બનાવાનું બાકી હતું તેના શનિવારના ઉપવાસના દિવસે. આવા ઘણા વિચારો લઈને જયારે તે ઘરમાં આવી ત્યારે તેના આશ્ચર્ય સાથે તેણે ડાયનિંગ ટેબલ પર જમવાનું જોયું અને રાજે કુકીંગનો ડ્રેસ પહેરેલો હતો.
જમવાંમાં વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ અને ચોકલેટ મિલ્કશેક હતો. રાજે કોઈ પણ પ્રશ્ન ના કર્યો પણ ફક્ત આટલું કીધું કે મોબાઈલ તો પૂરતો ચાર્જ રાખ. એ તો તારી ઓફિસમાં ફોન કર્યો ત્યારે તેમણે કીધું કે મેડમ નીકળી ગયા છે. ચાલ હવે જમી લઈએ હવે, બહુ ભૂખ લાગી છે.
મીરાના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ અને તેણે જમતા-જમતા રાજને કહ્યું, “સોરી” રાજે વાતને વાળતા કહ્યું, “એ બધું મૂક, મને એમ કહે કે સેન્ડવીચ કેવી બની છે?”
“તે બનાવી?” મીરાએ મુસ્કુરાઈને પૂછ્યું.
“લે હાશ્તો. મારુ છુપાયેલું ટેલેન્ટ છે. તું જો બધું બનાઈને રસોડું સાફ પણ કરી દીધું. હું મલ્ટી-ટેલેન્ટેડ છું બકા.” રાજે કહ્યું.
મીરાએ પૂછ્યું, “તો તમારૂ આ ટેલેન્ટ કેમ લગ્નના એક મહિના પછી બહાર આવ્યું?”
“દોસ્ત, આ તો શું મારે મારી પત્નીના હાથની ચટાકેદાર રસોઈને કોમ્પીટીશન નથી આપવી એટલે.” રાજએ હસ્તાં-હસ્તાં જવાબ આપ્યો.
આ વાત સાંભળીને મીરા પણ હરખાઈ. બીજા દિવસે સવારે રાજના કપડાં ધોતી વખતે તેના ખીંચામાંથી એક બિલ નીકળ્યું. જેના ઓર્ડરમાં અમુક ગ્રીલ સેન્વીચો અને ચોકલેટ શેક હતા.
આ જોઈને મીરા બધું સમજી ગઈ પણ મીરાએ આખી ઝીંદગી રાજને તે વિષે કઈ પૂછ્યું નહીં કારણકે, આખરે તે રાતે રાજે પણ મીરાને એક નહીં પણ ઘણાબધા સવાલો નતા પૂછ્યા. આજ હોય છે પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ.

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી